ઘુવડ અને સુરખાબ
ઘુવડ અને સુરખાબ
એક મોટું જંગલ. તેમાં અનેક પ્રકારના ઝાડ. આ જંગલમાં સરસ મજાના સરોવરના કિનારે એક વિશાળ વડલો.
વડલો એટલે વડદાદા. તેમનો વિસ્તાર એટલો મોટો કે લીમડા જેવા તો આઠ-દસ ઝાડ સમાઈ જાય. એમાંય વળી એમની વડવાઈઓ જાણે કે વડદાદાની દાઢી જ જોઈ લ્યો.
અહીં આખા જંગલના પંખીઓનું રહેઠાણ. જાતજાતનાં પંખીઓ આવે, બેસે, ઊડી જાય. એમાંનાં કેટલાંક કાયમ અહીં માળો બનાવીને રહે.
સવાર પડે અને કોયલ મીઠા ટહુકા કરીને બધાંને ઊઠાડે. બધાંયે પંખીઓ પોતાની સફરે ઊડી જાય, દાણા ચણવા.
થોડીવારમાં તો વડદાદા સૂના સૂના. કેટલાક માળામાં બચ્ચાં હોય પણ એમનો અવાજ ન આવે. બધાંય પંખીઓના ઊડી ગયા પછી એકમાત્ર વધે તે ઘુવડ. બધાં પંખી જાગવાની તૈયારી કરતાં હોય ત્યાં ઘુવડ ઊંઘવાની તૈયારી કરે.
એકવાર બીજા દેશમાંથી કેટલાંક પંખીઓ આવ્યાં. જેમણે આ વડ ઉપર આશરો લીધો. વડદાદા તો રાજી રાજી, પણ ઘુવડભાઈ મૂંઝાયા. રોજ તો બધાં પંખીઓ જતાં રહે પછી ઘુવડભાઈ શાંતિથી ઊંઘતા. એમાં આજે ખલેલ પડી. ઘુવડને થયું કે લાવ, આ યાયાવર પંખીઓને કહી દઉં કે ' કલશોર ન કરો' પણ એ માટે આંખ ખોલીને જોવું પડે ને ! ઘુવડભાઈ તો રહ્યા રાતના રાજા. એમણે તો બંધ આંખોએ જ ફરમાન કર્યું 'અવાજ કરશો નહીં, હું અહીં આરામ કરું છું.' વડની ઘટામાં તરત જ શાંતિ છવાઈ ગઈ.
આવનાર પંખીઓ દૂર દેશાવરથી આવ્યાં હતાં. તેઓ ઠંડીની મોસમમાં કેટલાય ગાઉનું અંતર કાપી આ દેશમાં દર વર્ષે આવતાં.
આ પંખીઓ હતાં સુરખાબ. સુંદર ગુલાબી ડોક, લાંબી ચાંચ અને લાંબા પગવાળાં. એમાંના એક જુવાન સુરખાબે કહ્યું :"મિત્ર બધાં પંખીઓ અત્યારે ખોરાકની શોધમાં જતાં હોય છે, તો તમે કેમ અહીં આંખો બંધ કરી બેઠા છો ?"
ઘુવડે કહ્યું :"ના મિત્ર, હું ય ખોરાકની શોધમાં જાઉં છું પણ ફક્ત રાતે જ."
"રાતે જ ! તો દિવસે શું કરો છો ?"
"હું દિવસે આખો દિવસ આ વડદાદાની છાયામાં આરામ કરું છું, કારણકે મારી આંખો સૂરજની રોશની સહી શકતી નથી. રાત જ મારા માટે દિવસ હોય છે." ઘુવડે પાછા ફર્યા વગર જ ડોક ફેરવીને જવાબ આપ્યો.
"તમે આ એક જ જગ્યાએ બેસીને તમારી ડોક બધી બાજુ કેવી રીતે ફેરવી શકો છો ?"
"ખૂબ જ ધારદાર નિરીક્ષણ છે. અમે અમારી ડોકને ચારેય બાજુ ફેરવી શકીએ છીએ. તમે ક્યાંથી આવ્યાં છો ?"
"અમે ખૂબ દૂરથી આવ્યાં છીએ. અમને અમારા વતનમાં જતાં જ પાંચથી સાત દિવસ જેટલો સમય લાગે. વચ્ચેના દરિયો પણ ઓળંગી જઈએ."
ઘુવડ : " દરિયો ! એ શું હોય ?"
સુરખાબ :"દરિયો એટલે ચારેબાજુ પાણી જ પાણી હોય. નજર પહોંચે ત્યાં સુધી."
ઘુવડ :"અરે વાહ ! આ તો ખૂબ મજાનું જાણવા મળ્યું. અમે તો આ સરોવરને જ મોટું માનીએ. દરિયો આનાથી પણ મોટો હોય ? બાપ રે !"
"મોટો એટલે આવાં તો હજારો સરોવર એમાં સમાઈ જાય."
"શું વાત કરો છો મિત્ર !"
"મિત્ર કહો છો તો આંખો તો ખોલો."
"મારી હિંમત નથી, મારી આંખો અંજાઈ જાય છે."
ઘુવડે પ્રયત્નપૂર્વક થોડી આંખો ખોલી તો આજુબાજુ પુષ્કળ અજવાળું. બધું જ સફેદ સફેદ, એમાં વળી સુરખાબ પણ ધોળા ને ગુલાબી.
"વાહ ! તમે તો કેટલા સુંદર લાગો છો અમારા અહીંના બગલાં જેવાં !"
સુરખાબ :"હા, તો ચાલો ઘુવડભાઈ, વાતો બહુ થઈ, હવે રજા લઈએ. અમે રહ્યાં પ્રવાસી પંખી, હજુ અમારે ઘણો લાંબો પંથ કાપવાનો છે."
વડ ઉપર બેઠેલાં બધાં સુરખાબ ઊડ્યાં. જાણે આખું વાદળ વડ ઉપરથી ઊડ્યું હોય !
ઘુવડભાઈ ઝીણી આંખો કરી સુરખાબના ઝુંડને જતું જોઈ રહ્યા.
