ઘરડાઘર
ઘરડાઘર
અમેરિકાના ગ્રેટ મોલ ના દરવાજા પાસે રમેશભાઈ અને સવિતાબેન બેઠા હતા. દીકરાની રાહ જોતા હતા. રમેશભાઈએ દીકરા રાહુલને ભણાવવામાં પાઈ પાઈ ખર્ચી નાખી હતી. માથાના વાળ પણ સફેદ કરી નાખ્યા હતા. નાના ગામડામાં રહેતા રમેશભાઈને દીકરાને ભણાવવાનો ખૂબ શોખ હતો. દીકરો પણ ભણવામાં હોશિયાર. રમેશભાઈ હંમેશા દીકરાને કહેતા કે તું પૈસાની ચિંતા ના કર તારો બાપ બેઠો છે ને. અને દીકરો ભણતર પૂરું કરી અમેરિકા જવા માગતો હતો. રમેશભાઈએ એ પણ સગવડ કરી આપી. દેવું કરીને પણ દીકરાને અમેરિકા મોકલ્યો.
હવે બા બાપુજીને અમેરિકા વિઝીટર વિઝાથી બોલાવ્યા. રાહુલે અમેરિકામાં જ લગ્ન કરી લીધેલા ગ્રીનકાર્ડ લેવા માટે. " કાંઈ નહીં , દીકરાના લગ્નના ઓરતા પુરા ના થયા પણ દીકરો તો સુખી છે ને. બસ ત્યારે આપણે શું જોઈએ! " સવિતાબેન કહેતા. વહુ થોડી માથાભારે પણ એ સુખી છે એટલે ભયો ભયો. રાહુલ જોબ પર જાય એટલે રમેશભાઈ અને સવિતાબેન રૂમમાં ભરાઈ જાય કારણકે વહુનું મોં ચડી જાય. ખાવા પીવાનું પણ ના પૂછે. સવિતાબેન જેમ તેમ કરીને રમેશભાઈનું પેટ ભરે પણ બંનેમાંથી કોઈ દીકરાને કાંઈ કહે નહિ.
આજ સવારે થોડી ગરબડ થયેલી અને રાહુલ આવીને મા ને કહે કે તમારે રીટાની બાબતમાં માથું મારવું નહીં. અને ગુસ્સામાં આવી ગયેલો. ડોસા ડોસી ચૂપ થઇ ગયા. બૂઢા લોકોની વાત કોણ સાચી માનવાનું? સાંજે રાહુલ કહે ચાલો તમને મોલમાં લઇ જાઉં અને થોડી વાર મોલમાં ફરી રાહુલે કહ્યું કે," તમે ફરો હું થોડીવારમાં કામ પતાવી આવું છું." હવે બન્ને મોલની બહાર બેસી રાહુલની રાહ જોતા હતા. મોલ બંધ થવા આવ્યો પણ રાહુલ ના આવ્યો.
ત્યાંથી રાહુલનો એક મિત્ર પસાર થયો. એ રમેશભાઈને પહેલા મળી ચૂકેલો. એને રમેશભાઈને બેચેન જોયા. એ પૂછી બેઠો," અંકલ તમે અ
હીં શું કરો છો?" રમેશભાઈની આંખમાં આંસુ આવી ગયા. એમને કહ્યું," દીકરા, હું રાહુલની રાહ જોઉં છું પણ એ હજુ નથી આવ્યો. મારો દીકરો સલામત તો હશે ને? આનંદે કહ્યું તમે મારી સાથે ચાલો આપણે બધી તપાસ કરી લઈએ. બંને આનંદ સાથે ગયા. આનંદે રાહુલને ફોન કર્યો. રાહુલે જાણે કશું નથી બન્યું એમ ફોન ઉપાડ્યો અને આનંદ સાથે ગપ્પા મારવા લાગ્યો. વાત વાત માં આનંદે જાણી લીધું હતું કે એ ઘરે પહોંચી ગયો છે અને સલામત છે. પણ મા બાપ ને ક્યાંય મૂકી આવ્યો છે એ જણાવ્યું પણ નહીં ઊલટાનું એવું કહ્યું કે બંને મજામાં છે.
આનંદે બધી વાત રમેશભાઈ અને સવિતાબેનને કરી. રમેશભાઈ અને સવિતાબેન ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા. ભાઈ અમને ખબર નથી અમારે શું કરવું? દેશનું મકાન વેચાઇ ગયું છે, રાહુલને અમેરિકા મોકલવા માટે. અને અહીં રાહુલનું આ વર્તન અમે શું કરીએ? આનંદે ચિંતા ના કરવા કહ્યું.
આનંદે એક પાર્ટી એરેંજ કરી. એમાં બધા મિત્રો સાથે રાહુલ અને એની પત્નીને પણ આમંત્રણ આપ્યું. એ પાર્ટી રમેશભાઈ અને સવિતાબેની મેરેજ એનિવર્સરીની હતી. બધા પાર્ટીમાં ભેગા થયા એટલે આનંદે કહ્યું કે," આ સરપ્રાઈઝ પાર્ટી એક દંપતી માટે રાખવામાં આવી છે જેને પોતાનું સર્વસ્વ પોતાના દીકરા માટે કુરબાન કરી દીધું છે. અને દીકરા પાસે ખૂબ પૈસા હોવા છતાં આજ એ દંપતી ઘરડા ઘરમાં રહે છે. જે દીકરાને દેવું કરીને એને અમેરિકા મોકલ્યો એ દીકરાએ એમને રસ્તામાં રઝળતા કરી દીધા અને હવે એ લોકો ઘરડા ઘર પહોંચી ગયા છે. માં બાપનું કરજ આ રીતે ઉતારવામાં આવ્યું છે. હું એ દંપતીને મારે ઘરે લઇ આવ્યો છું. આવો અંકલ અને આંટી !" રૂમ તાળીઓના ગડગડાટ થી ગૂંજી ઉઠ્યો. રમેશભાઈ અને સવિતાબેન રૂમમાં દાખલ થયા. રાહુલ અને રીટા સ્તબ્ધ થઈને બંનેને આવતા જોઈ રહ્યાં.