એક પત્ર
એક પત્ર
શ્રી જ્હોન મેકવાન
નમસ્કાર
મારું નામ જગદીશભાઈ પટેલ છે. હું મુંબઈમાં રહું છું. મારી અને તમારી ક્યારેય મુલાકાત થઈ નથી, આપણે એકબીજાને ઓળખતા પણ નથી છતાં હું આજીવન તમારો ઋણી બની ગયો છું.
મારો દીકરો નાનપણથી એક હૃદયની બીમારીથી પીડાતો હતો. અત્યાર સુધી તો દવાથી બધું ઠીક ચાલતું હતું પણ દસ દિવસ પહેલા તેના હૃદયમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. અમે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે ડોક્ટરે જણાવ્યું કે તેની બીમારીએ હવે ગંભીર સ્વરૂપ લઈ લીધું છે, જો બે-ત્રણ દિવસમાં તેનું હૃદય ટ્રાન્સપાલન્ટ ના કરવામાં આવ્યું તો તેને બચાવવો શક્ય નથી. હું અને મારી પત્ની આ સાંભળીને ભાંગી પડ્યા કેમ કે બે-ત્રણ દિવસમાં કોઈનું હૃદય મેળવવું અમારા માટે અશક્ય હતું. અમે ભધું ભગવાન પર છોડી દીધું. એક દિવસ તો નિરાશામાં વીતી ગયો. બીજા દિવસે બપોરે અચાનક ડોક્ટરે આવી કહ્યું : "તમારા દીકરાને હૃદય મળી ગયું છે. હમણાં મારી વાત બેંગ્લોરના એક ડોક્ટર સાથે થઈ ત્યાં એક બ્રેઈન ડેડ યુવક છે જેનાં સગા તેનું હૃદય આપવા તૈયાર છે, થોડીવારમાં વિમાન મારફતે તેનું હૃદય અહીં પહોંચી જશે. અમે ઓપરેશનની તૈયારી શરુ કરીએ છીએ. " ડોક્ટરનાં આ શબ્દો સાંભળીને અમારી ખુશીનો પાર ના રહ્યો, અમે મારા દીકરાના સફળ ઓપરેશન માટે પ્રાર્થના કરવા લાગ્યા તેવામાં મને હૃદય આપનાર વિશે જાણવાનું સૂજ્યું નહીં.
ભગવાને અમારી અરજી સ્વીકારી લીધી અને આજે મારો દીકરો હોસ્પિટલમાંથી ઘરે પાછો આવ્યો. હોસ્પિટલ પાસે ઘણી વિનંતી કર્યા બાદ મને મારા દીકરાને હૃદય આપનાર વ્યક્તિનું નામ અને સરનામું મને મળ્યું. મને ખબર છે કે તે વ્યક્તિ હવે આ દુનિયામાં નહીં હોય પણ તમે બહુ મોટા દિલવાળા છો જેમણે પોતાના દીકરાનું દિલ મારા દીકરાને આપ્યું. તમે અને તમારો પરિવાર અત્યારે ઘણી મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર રહ્યાં છો, ભગવાન તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
હું આ પત્ર લખી માત્ર આપનો આભાર વ્યક્ત કરવા નથી માંગતો પણ તમને કહેવા માંગુ છું કે તમારો દીકરો ક્યાંય ગયો નથી, તે મારા દીકરામાં સમાઈ ગયો છે. હવેથી તમારો ને મારો દીકરો એક જ છે. તમે ગમે ત્યારે તમારા દીકરાને હૃદયસરસો ચાંપી શકો છો. કદાચ આવી રીતે હું આપણું ઋણ ચૂકવી શકું.
લિ.
જગદીશ પટેલ
