એક પ્રેમપત્ર
એક પ્રેમપત્ર
પ્રિય સારથિ,
જેમ શ્રી કૃષ્ણએ અર્જુનના રથને સંભાળેલો તેમ જ તમે પણ મારાં જીવન રથનાં ચાલક છો ! એટલે સારથિ જ કહું ને ?
આપણો સાથ તો જીવનભરનો છે. બાળક જન્મે ત્યારે માતાની ગર્ભનાળથી છૂટા પડતાંજ પહેલો માનવ સ્પર્શ એના પગને અનુભવાય છે. ડોક્ટરના હાથની હૂંફ રુપે. બાળકને પગથી પકડી ઉંધું કરતાંજ એની કાયામાં જીવન પ્રવેશે છે. પહેલાં રુદન અને પહેલાં શ્વાસ રુપે. આજ મનુષ્ય જ્યારે મૃત્યુ પામે ત્યારે છેલ્લો વિદાય સ્પર્શ પણ પગનેજ અપાય છે.જમણા પગને અંગૂઠે, અગ્નિદાહ રુપે. આખી જીવનયાત્રામાં એ તો માનવું જ પડે કે, તમારા વિનાના અમે અમારા વિનાનાં તમારો સાથ હોય ને પ્રિય ચરણો ! તોજ અમ મનુષ્યને ગતિથી પ્રગતિ અને અંતે સદગતિ પ્રાપ્ત થાય. એટલે જ બાળકની પા પા પગલીનું મહત્વ આદિકાળથી અત્યાર સુધી રહ્યું છે.
ઠુમક ચલત રામચંદ્ર..જેવા ગીતો એમ જ થોડા સ્ફૂરેલા ! શ્રી રામના ચરણસ્પર્શે શલ્યામાંથી અહલ્યા સર્જાય છે અને એ જ રામના ચરણસ્પર્શે પાવન થયેલી પાદુકાને અયોધ્યાની રાજગાદી પર સ્થાપી ભરત ચૌદ ચૌદ વર્ષ રાજ કરી જાય છે.આવતી લક્ષમી પણ પગલાંની પૂજાથી પોંખાય છે. ચરણોમાં સ્થિર થયેલી આ અમાપ શક્તિને કારણે જ પ્રભુ કે વડીલોનાં આશીર્વાદ એમનાં ચરણસ્પર્શ કરી લેવાય છે.
મારી વાત કરું તો ચાલવું, પહાડો,જંગલ કે હરિયાળા શાંત વાતાવરણમાં ચાલવું, મારે માટે પ્રાર્થના છે. ધ્યાન છે. મન અને શરીર માટેનો પરમ યોગ છે .અને એટલે જ, નિત્યક્રમ
છે. કોઇ સુંદર રસ્તે તમારા સાથમાં ચાલતાં થાય કે આ સફરનો અંતજ ન હોય !
જીવનની સાઠી વટાવવાનાં તબક્કે મારી જેમ ઘણાં એ, એક યા બીજા કારણે તમારાં (પગનાં) રુઠવાની પીડા અનુભવી હશે અને 'હવે શું ?' નો ધ્રાસકો પણ અનુભવ્યો હશે.
ખાલી ચડે ત્યારે પગનું મહત્વ સમજાય, અને ખાલીપો લાગે ત્યારે સંબંધનું મહત્વ સમજાય.
આ તો થઇ સ્થૂળ અર્થમાં તમારી મહત્તા, જીવનનાં દરેક ક્ષેત્રમાં, સાચા સમયે, સાચાં પગલાં લેવા, નિર્ણયો લેવા અને એમાં અડગ રહેવું ખૂબ મહત્વનું હોય છે. અબ્રાહમ લિંકને પણ કહ્યું છે,
Be sure and put
your feet in the
right place, and
then stand firm.
તમારું મહત્વ, તમારી ગતિ ફક્ત સ્થૂળ શરીર સાથે જોડાયેલી નથી. મનને-આત્માને પણ વિશ્વાસ રુપી ગતિ હોય છે. અને એ વિશ્વાસ -હકારત્મકતાજ ડગલે ને પગલે અપાર મન:શક્તિ કેળવે છે. શારીરિક અક્ષમતા કોઇના જીવનના સુખ કે પૂર્ણતાને આડે ક્યારેય ન આવી શકે. સુધા ચંદ્રનનું જીવન આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. બંને પગથી અપંગ હોવા છતાં, કૃતિમ પગને અને મજબૂત મનોબળને સહારે આજે એ ખૂબ સારી નૃત્યાંગના છે.
When your legs cannot run anymore,
Run with your Heart...........
મનને જો હકારાત્મકતારુપી પગ મળે તો જીવન અંતઃ સુધી અનેક શક્યતાઓ થી ભરપૂર રહે.
પ્રિય, આપણો આ સાથ તનની અને મનની ગતિ રુપે સદાય બની રહેશે ને ?
લિ.તમારી ચાહક .