એક મદદની આશ
એક મદદની આશ


એમની પાસે શું આશા રાખીયે આપણે જેની સાથે પ્રેમ લગ્ન કરીને પણ અંતે પસ્તાવો થાય. જેની સાથે વાત કરતાં પણ આપણે ડરતાં રહેવું પડે..
આજ હું એવી એક નારીની વ્યથા રજુ કરું છું જે અખૂટ પ્રેમ કરવા છતાં પણ પ્રેમની બલી ચઢી જાય છે અને લાચારીથી આંસુ નો દરિયો વહાવી દે છે. જિંદગી માં જીવવાની અદમ ઈચ્છા છતાં મોતને વહાલું કરવાની તૈયારી રાખવી પડે છે.
આજે હું સ્ટોરી મિરર એપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી જિંદગી માં બનેલી ઘટના ને વાચા આપવા લાયક ટાસ્ક આપ્યો છે. " એ કાપ્યો છે ".
એક વર્ષ પહેલાંની આ વાત છે.
મને સવારે ચાલવા જોઈએ એટલે હું અમુક દિવસો આ બાજુ અને અમુક દિવસો બીજી બાજુ એમ ચાલવા જવું.ઉતમનગર મેદાનમાં આવેલું અંબાજી માતા નું મંદિર. મને એની આરતી ભરવી બહું ગમે.
એટલે.. હું..મંગળવારે, ગુરુવારે અને રવિવારે સવારે વહેલી મંદિરે પહોંચી જવું અને આરતી, સ્તુતિ કરીને ૮-૩૦ એ ઘરે આવું.
મારી પોતાની "અજબ-ગજબ" વાર્તા,લેખ, કવિતા નું એક પુસ્તક મેં છપાયેલું છે જે મેં અંબાજી મંદિરમાં ભેટ મુક્યું છે અને મને ઓળખતી પાંચ છ બહેનો ને પુસ્તક ભેટ આપેલ છે. એટલે. પૂજારી પણ ઓળખે મને.
મંદિર જવું એટલે મને જય માતાજી બેન કહે.
ઉત્તરાયણ પહેલા ના ગુરુવારે હું અંબાજી મંદિર ગઈ.
ત્રણેક દિવસ પછી ઉતરાયણ આવતી હોવાથી હું ચીકી નાં પેકેટ પ્રસાદ માં આપવા લઈ ગઈ હતી.
મેં જઈને પૂજારી ને પેકેટ ની થેલી આપી.
મને કહે બેન.
એક પત્ર છે તમારા માટે .
મેં કહ્યું મારા માટે.
પૂજારી કહે હા.. લો બેન આ પત્ર.
એક અજાણ્યો પત્ર જોઈ મને નવાઈ લાગી.
મેં ઘરે જઈને શાંતિથી વાંચીશ એમ વિચારી મારા ડ્રેસના ખિસ્સામાં મૂકી દિધો.
આરતી, સ્તુતિ પતાવી ને પ્રસાદ લઈને હું ઘરે ગઈ.
પહેલું કામ મેં પત્ર વાંચવાનું કર્યું.
કવરમાંથી પત્ર કાઢ્યો.
માનનીય દીદી.
તમારું નામ નથી જાણતી તો દીદી લખું છું.. તમે ક્યાં રહો છો એ પણ મને ખબર નથી.. હું સાગર સોસાયટીમાં રહું છું.મારું નામ સંધ્યા છે. મકાન નં..૭ છે..મેં પ્રેમ લગ્ન કર્યા છે.. મારે સાત વર્ષની એક દીકરી છે. તમે મને જોયે નહીં ઓળખો દીદી. પણ મેં તમને અંબાજી મંદિર માં જોયાં છે અને તમને જોઈને જ એક મદદની આશ જાગી છે. બાકી હવે હું જિંદગીથી હારી ગઈ છું. અને કોઈ જ આરો નથી મારે ક્યાં જવું? મારી મા વિધવા છે અને હું એક જ સંતાન છું. જવાનીમાં આકર્ષણ ને પ્રેમ સમજી બહું મોટી ભૂલ કરી છે મેં.
તમે મદદ કરશો એવી આશા.
તમે લેખક છો એવું મને અહીંથી ખબર પડી છે..લખતાં પણ શરમ અને કંપારી છૂટે છે.
મારા પતિ કમાવા માટે જ અમદાવાદ રહે છે એમના નાનાં ભાઈ-બહેન ગઢશીશા રહે છે. માતા પિતા નથી. બીજું કોઈ મોટું વડીલ નથી.
મારા પતિ માનસિક વિકૃત છે એમને ચાર પાંચ ભાઈબંધો છે એ ખાસ છે અને એ પણ એવાં જ છે.
વર્ષ માં બે થી ત્રણવાર મારે આ અત્યાચારનો સામનો કરવો પડે છે. આ ઉતરાયણ નજીક આવે છે અને મારો આત્મા આવાં પાપ કરતાં ડંખે છે. મારા પતિ અને ભાઈબંધ એકબીજાની પત્ની..પાર્ટનર બદલવાના શોખીન છે. મેં વિરોધ કર્યો તો મને માર મારી ને પણ રૂમમાં પૂરી એ કૃત્ય આચરે છે. મારી દીકરી સાત વર્ષની છે એ પણ અમુક સવાલો પૂછે છે.
એ બધાંની નજર મારી દીકરી પર પણ છે.
આપ ઉત્તરાયણ પહેલાં મને આ નર્કમાંથી બહાર કાઢો એવી વિનંતી.
નહીં તો ઉત્તરાયણમાં ધાબે દારુ પીને નીચે આવી આવાં કાળાં કામોની રમત રમે છે. નહીં તો હવે હું નહીં જીવી શકું.
લી. તમારી માટે અજાણી પણ એક આશ રાખેલી બેન.
મેં પત્ર વાંચ્યો અને મને ગુસ્સો પણ આવ્યો અને સંધ્યા ને બચાવવા માટે કંઈક ઠોસ કદમ લેવા મેં અમારી જય હિંદ સેવા સમિતિ ના મનીષભાઈ ને ફોન કરી વાત કરી.
પછી બપોરે જીનલ અને સરગમ, ને મારા પતિદેવ સાથે ચર્ચા કરી. બધાને પત્ર વંચાવ્યો.
જીનલના એક ફ્રેન્ડ એનજીઓમા છે એણે એમને ફોન કર્યો.
અને હું એનજીઓવાળા આવ્યા એમની સાથે સાગર સોસાયટીમાં ગઈ અને ત્યાંથી સંધ્યા ને લઈને નારી સંરક્ષણ કેન્દ્રમાં મુકી આવ્યા.
મને જોઈને સંધ્યા મને ભેટી પડી. મેં એને મારો નંબર આપ્યો. કંઈ પણ કામ હોય નિઃસંકોચ કહેજે. આજથી તું મારી નાની બહેન છું.
હમણાં થોડા સમય પહેલાં જ સંધ્યા સાથે વાત થઈ એ હવે નોકરી કરે છે અને લેડીઝ હોસ્ટેલમાં રહે છે.
દીકરી ને તો જય હિંદ સેવા સમિતિ તરફથી આબુ ભણવા મૂકી છે એનો ખર્ચ સંસ્થા ઉપાડે છે.
ઉત્તરાયણના પર્વમાં કોઈ ને બચાવ્યાનો આનંદ છે.