Lata Bhatt

Inspirational Others

2.8  

Lata Bhatt

Inspirational Others

એક ખુમારી

એક ખુમારી

5 mins
15.1K


પોતાના વિસ્તારમાં આવતાં અન્ય શેરીનાં કૂતરાંને આ શેરીનાં કૂતરાં કેવાં ભસીને ભગાડી રહ્યાં હતાં ! જમુના બારીમાંથી જોઈ રહી હતી, એટલામાં ભાભી આવ્યાં. તેમણે કહ્યું, ‘જમુનાબેન, આ તમારાં કપડાં આ કબાટમાંથી લઈ લો ને. મુન્નીનાં કપડાં મારા કબાટમાં સમાતાં નથી.’

જમુના સાસરે ગઈ ત્યારે તેનો સામાન આ કબાટમાં રાખીને જ ગઈ હતી. જમુના નાની હતી ત્યારે બાપુએ તેને માટે ખાસ આ નાનો કબાટ તૈયાર કરાવ્યો હતો. તેમાં તેની બાળપણની અનેક યાદ સંઘરાયેલી હતી. આ ઉપરાંત તે પિયર આવે ત્યારે સાસરેથી વધુ કપડાં ન લાવવાં પડે તે માટે કેટલીક સાડીઓ તેણે અહીં રાખી હતી. જમુના સામાન સમેટી રહી ને સાથે સાથે પોતાનું અસ્તિત્વ પણ. તેનું અહીં હોવું હવે સૌ માટે ભારરૂપ બનતું જતું હતું.

એકએક સામાન સાથે કંઈ કેટલીય યાદ જોડાયેલી હતી. આ નાના પાટલી- વેલણ ફોઈ ડાકોર ગયાં ત્યારે તેના માટે લઈ આવ્યાં હતાં. તે પાટલી વેલણથી તેણે પહેલી વાર રોટલી વણી હતી ને પછી ચોડવીય હતી. રોટલી ચોડવતાં તેના હાથ સહેજ દાઝી ગયા હતા તે રડવા માંડી હતી. બાપુની આંખમાં આંસું જોઈ તે ચૂપ થઈ ગઈ હતી. પછી તો બાપુ તેના માટે આઈસક્રીમ લઈ આવ્યા હતા.

આ નાનાં નાનાં ચણિયાચોળી જે બાએ જાતે સીવ્યાં હતાં અને તેનું ભરતકામ કરી આપ્યું હતું. ને ફૂમતાવાળા દાંડિયા બાપુ લઈ આવ્યા હતા. પછી તો તે આખો દિવસ દાંડિયાથી રાસ કરતી. આ નાની ઢીંગલી બાપુએ મેળામાંથી લઈ આપી હતી. એક ઘડીય તેને રેઢી ન મૂકતી. પોતાની સાથે તેને જમવા બેસાડતી, નવરાવતી. તેને ભણવા બેસાડી, ત્યારે શાળાએ પણ ઢીંગલી સાથે લઈ જવી હતી પણ બા બાપુએ ના પાડી. તેણે ભેંકડો તાણ્યો હતો. એ પછી તો તે શાળામાં જે કંઈ ભણતી તે ઘેર આવી ઢીંગલીને ભણાવતી.

બધાં સ્મરણને એક પોટલામાં વીંટાળીને જમુના બાપુના રૂમમાં ગઈ. પોતાના સામાનને બાપુના કબાટમાં મૂક્યો. ત્યાં હજુ જગ્યા હતી ને બાપુના દિલમાં પણ. તે બહાર નીકળી, ત્યાં ભાભી બોલ્યાં.

“લ્યો જમુનાબેન, આ ટિફિન ખેતરે તમારા ભાઈને દઈ આવો”.

બાપુ બાજુમાં જ ઊભા હતા તેમણે કહ્યું, “હાલ્ય બાપા હાલ્ય, હું ય હારે આવુ છુ.”

“તે બાપુ ,તમે ન્યાં હું કરશો ?”

“તે અહીંયાંય હું શું કરુ છું ?”

“પણ બાપુજી તમને તડકો લાગશે.”

“તે તને તડકો નહીં લાગે ?”

જમુના કંઈ ન બોલી, પણ કમળાભાભીથી બોલ્યા વગર ન રહેવાયું.

“બાપુજી તમે જાશો તો આ પૂજાને સાચવશે કોણ ?”

“લાવ, એનેય ભેળા લઈ જઈએ”

“ના રે’વા દો. એને અમે અહીં સાચવશું. માંદી પડશે તો અમારે જ વેઠ કરવી પડશે.”

જમુના માલતીભાભીનાં આ કડવાં વેણ સાંભળી રહી. સાસરે અને પિયર બન્ને જગ્યાએ જમુના ઓશિયાળી હતી. લગ્નનાં બે જ વરસમાં જમુનાના પતિનું મૃત્યું થયું હતું. ખેતરમાં કામ કરતાં તેને એરું આભડી ગયો હતો અને દવાખાને લઈ જાય એ પહેલા જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જુવાનજોધ જમુના વિધવા થઈ. ખરાબ પગલાંની માનીને સાસરિયાં ડગલે ને પગલે તેને હડધૂત કરતાં. વળી ઓછામાં પૂરું તે ગર્ભવતી બની, પણ પતિના મૃત્યુ પછી સાડા નવ મહિને જન્મેલી દીકરી માટે તેના પર લાંછન લગાડ્યું. તેણે બધું સહન કર્યું, પણ આ લાંછન તેનાથી સહન ન થયું ને તેણે પિયરની વાટ પકડી.

પણ હવે આ એ ઘર નહોતું રહ્યું, જ્યાંથી તે પરણીને સાસરે ગઈ હતી. મા તો નાનપણમાં જ ગુજરી ગઈ હતી. જમુના નાની બેન હોવા છતાં બન્ને ભાઈઓની મા બની ગઈ હતી. જીવની જેમ જાળવ્યા હતા ભાઈઓને. પણ આજે એ ભાઈઓ પણ પરાયા થઈ ગયા હતા. આખા ઘરનું વૈતરું એ કરતી હતી ને વધ્યું ઘટ્યું ખાતી હતી. આજે આવા તડકામાંય તેણે ઘરનું મોટા ભાગનું કામ પતાવી ખેતરે ભાતું દેવા જવાનું હતું, પણ તેના બાપુજીથી સહન ન થયું.

રસ્તામાં જમુનાએ કહ્યું, “બાપુ તમે ખોટા તડકામાં આવ્યા.”

“સૂરજદાદાનો તાપ તો હજુય જીરવાય, પણ તું જીવતેજીવ આ ભઠ્ઠામાં શેકાય છે એ મારાથી નથી જોવાતું. જો દીકરી તને મેં વળાવી એટલે આ ઘર તારા માટે પરાયું થઈ ગયું, પણ હું પરાયો નથી થયો. મારાથી તારી આ દશા જોવાતી નથી. ને ખાસ તો હું એટલે આવ્યો છું કે તારી હારે બે’ક વાત કરવી છે.”

“મારી ચિંતા ન કરો બાપુજી તમે, મને તો હવે આદત પડી ગઈ છે.”

“તારો બાપુ હજી બેઠો છે એ તને ઓશિયાળી થઈને રહેવા નહીં દે. હું આજે જ હરજી હારે વાત કરી લઈશ આ ખેતર, આ ઘર બધું વેચી દઈ તેના ચાર સરખા ભાગ પાડીશ ને એક એક ભાગ એ બેય દીકરાને આપીને આપણે શહેરમાં જતાં રહીશું”

“ના બાપુજી, ખેતર તો બેય ભાઈઓની રોજીરોટી છે ને ઘર વેચી દેશું તો એ રહેશે ક્યાં ?”

“તું એમનો વિચાર કરે છે, પણ એમણે ક્યારેય તારો વિચાર કર્યો ? આખો દિ તું વૈતરું કરે છે એ એમને નહીં દેખાતું હોય ? આ પરમ દિવસે બધાં મેળામાં ગયાં, તને એક વારય પૂછ્યું ? અરે આ નાનકી માટે એકાદ રમકડુંય લાવ્યાં ? હવે હું તને સહન કરવા નહી દઉં.”

એ જ રાતે ભીમજીભાઈએ બેઉ દીકરા અને વહુ વચ્ચે ખેતર અને ઘર વેચીને સરખા ચાર ભાગ પાડવાની વાત મૂકી અને કહ્યું, “આમ તો આ ખેતર, ઘર મેં જ ઊભાં કર્યાં છે. આ વારસો નથી એટલે આખોય ભાગ જમુનાને આપી દઉં તોય તમે કાંઈ ન બોલી શકો.”

ભાઈઓને પોતાની ભૂલ સમજાઈ અને બન્ને ભાભીઓ પણ રડવા જેવી થઈ ગઈ. જમુનાને સારી રીતે રાખવાની સૌએ ખાતરી આપી, પણ ભીમજીભાઈ પોતે જીવતાં જીવ જમુનાને પગભર કરવા માગતા હતા. અંતે બન્ને ભાઈઓએ જમુનાને દર મહિને પંદર હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું, ત્યારે ભીમજીભાઈ માન્યા અને કહ્યું, “જો એમાં ચૂક થશે તો હું આ બધું વેચી દઈશ.”

ભીમજીભાઈ પોતાની પાસેની પચાસેક હજારની રોકડ, પત્નીના દાગીના અને થોડીઘણી ઘરવખરી લઈને જમુનાને લઈને શહેરમાં આવ્યા. હરજીભાઈનો છોકરો શહેરમાં જ રહેતા હતો, તેને મળ્યા ને સલાહ લીધી. તેણે મકાન ભાડે રાખવામાં મદદ કરી. અઠવાડિયું તો પોતાને ત્યાં જ રાખ્યા. એટલું જ નહીં, પોતાની કંપનીમાં રાતપાળીના ચોકીદાર તરીકે ભીમજીભાઈને નોકરીએ રાખી દીધા, જેથી આ શહેરના ખર્ચાને પહોંચી વળાય. જમુનાએ ઘેર ઘેર જઈ વાસણ કચરા પોતાં કરવા જવાનું નક્કી કર્યું, પણ ભીમજીભાઈએ ના પડી અને તેને નર્સીંગનો કોર્સ કરવાનું કહ્યું. બાર ધોરણ સુધી તો તે ભણી જ હતી.

જમુનાને હવે ખૂબ જ સારું લાગતું હતું. માનસિક શાંતિ હતી. તે કોલેજ જતી તોય હવે તે પોતાના માટે, નાની પૂજા માટે અને બાપુ માટે સમય ફાળવી શકતી હતી. શહેરમાં તેને ફાવી ગયું. કોલેજની નજીક જ ઘર ભાડે રાખ્યું હતું. તે કોલેજ જાય, ત્યારે બાપુ પૂજાને સાચવતા. પૂજા ડાહી હતી.

જમુનાએ કોલેજ પૂરી કરી અને તેને નર્સ તરીકે એક હોસ્પિટલમાં નોકરી પણ મળી ગઈ. પૂજાને એક સારી સ્કૂલમાં ભણવા બેસાડી. જમુનાને એક લક્ષ્ય મળ્યું હતું. દીકરીને સારામાં સારું ભણતર અપાવવું ને દર્દીઓની સેવા કરવી. તે પૂરા લગનથી અને પ્રેમથી બધા દર્દીઓની સેવા કરતી, દરેક દર્દીના દુઃખદર્દને તે સમજતી.

સમય વીતતો ગયો. લોન લઈને જમુનાએ પોતાનું ઘર પણ લીધું. પૂજા ભણવામાં હોશિયાર હતી. બાર સાયન્સ પછી તેને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. તે ડોક્ટર બની. એટલું જ નહીં, જમુનાએ બન્ને ભાઈઓના દીકરા-દીકરીઓને બારમા ધોરણ પછી પોતાને ત્યાં રાખી ભણાવ્યાં.

જમુના આજેય ભીમજીભાઈને કહે છે, “બાપુ, જો તમે એ સમયે હિંમત ન બતાવી હોત તો આજે પણ હું ઓશિયાળી જ જીવતી હોત ને આ પૂજાની દશાય એવી જ હોત!”

૮૫ વરસેય ભીમજીભાઈ આજે કડેધડે છે. ખુમારી તેમના ચહેરા પર ઝળકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational