એક દિવસના પપ્પા
એક દિવસના પપ્પા
અનાથાશ્રમના પગથિયે સુનમુન બેઠેલા ચીકુને ઑફિસની બારીમાંથી જોતા સંચાલિકા તારાબેન આંખમાં આવેલા ઝળઝળિયાં લૂછી કામમાં મન પરોવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. ચીકુને અનાથાશ્રમમાં આવ્યે ખાસો વખત વીતી ગયો હતો. છતાં બોલવાનું તો દૂર કોઈની સામે નજર પણ માંડતો નહીં. સંચાલિકા તારાબેન પ્રેમાળ અને વાત્સલ્યની મૂર્તિ સમા. આશ્રમના બાળકો એમને દીદી કહીને બોલાવતા. તેઓ પોતે પણ અનાથ હતા એટલે અનાથ બાળકો પર એમને વિશેષ હેત.
ચીકુની મા તો એને જન્મ આપતા જ મૃત્યુ પામી હતી. એના માટે એના પપ્પા જ એની દુનિયા હતા. પિતાને પણ ચીકુ માટે ભારોભાર લાગણી. બાપદીકરો એકબીજાનો સહારો બનીને હસીખુશીથી જિંદગી કાઢી રહ્યા હતા. પણ કદાચ વિધાતાએ ચીકુની હજુ વધુ પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોય એમ એક રોડ અકસ્માતમાં એના પિતા એને એકલો છોડીને અલવિદા કહી ગયા.
સગાંવહાલાં પણ હવે ચીકુને કાળમુખો ને અભાગીયો માની એનાથી દૂર રહેવા લાગ્યા. માબાપ વગરનો આઠ વરસનો બાળ જેને અનાથ એટલે શું એ પણ ખબર નથી એ હવે જાય ક્યાં ? છેવટે પોતાને જવાબદારી ના લેવી પડે એથી એના કાકા એને અનાથાશ્રમમાં મૂકી ગયા. ત્યારથી ચીકુ ગુમસુમ બની એકલો બેસી રહેતો. ઘણી વાર રાત્રે ઊંઘમાં બબડતો. ક્યારેક એને તાવ પણ ચડી જતો. આશ્રમના અન્ય બાળકો કરતા તારાબેન ચીકુનું વિશેષ ધ્યાન રાખતા. બાળકો પણ પોતપોતાની રીતે એને રમવા બોલાવવાનો પ્રયત્ન કરતા પણ બધું નિષ્ફળ.
એક દિવસ રોજની જેમ ચીકુ પગથિયે બેઠો હતો ત્યાં આશ્રમના ગેટ બહાર એક બાઈક ચાલક બાઈક પાર્ક કરીને કોઈની રાહ જોતો ઉભો હતો. એને જોઈને ચીકુની આંખમાં ચમક આવી. એ રીતસરનો "પપ્પા.. પપ્પા.." કરતો દોડ્યો ને ઉભેલા શખ્સને ભેટી પડ્યો. પેલો માણસ એને પોતાનાથી દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ બધું જોઈ રહેલા તારાબેન પણ બહાર દોડી આવ્યા પણ ચીકુને સમજાવી પાછો લઈ જવામાં તેઓ પણ નિષ્ફળ રહ્યા. અજાણ્યા માણસને પપ્પા માનતો ચીકુ કોઈ રીતે એને છોડી જ નહોતો રહ્યો.
"બેટા, જો પપ્પાને અંદર આવવા દે ને!" બોલતા બોલતા તારાબેને પેલા શખ્સને અંદર આવવા ઈશારો કર્યો. છેવટે ખુશખુશાલ ચીકુ "મારા પપ્પા આવ્યા..મારા પપ્પા આવ્યા.." એમ જોર જોરથી બુમો પાડતો કૂદતો કૂદતો આશ્રમમાં આવ્યો. તારાબેન પેલા શખ્સને દોરતા ઓફિસમાં લઈ આવ્યા ને બેસવાનો ઈશારો કરતા બોલ્યા;
"શું નામ આપનું ?"
"જી, હું સુનિલ.. સુનિલ પટેલ..એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. અહીં કંપનીના કામથી કોઈને મળવા આવ્યો હતો." સુનીલે બધું એકસાથે કહી દીધું.
"જુઓ ભાઈ ! આ અનાથ બાળકને તમારા ચહેરામાં એના પપ્પા દેખાયા એમાં એનો કોઈ વાંક નથી. છતાં આપને માઠું લાગ્યું હોય તો એની આ હરકત બદલ એના વતી હું આપની માફી માગું છું." તારાબેન હાથ જોડતા બોલ્યા.
"કંઈ વાંધો નહીં, બેન ! આપને માફી માંગવાની કોઈ જરૂર નથી. એ તો બાળક છે." કહીને સુનિલ ઉભો થવા જતો હતો ત્યાં ચીકુ આવીને એના ખોળામાં ભરાયો.
"મને જવા દે બેટા ! ફરીથી આવીશ હોં!" કહેતાં સુનિલને બારણાં તરફ પગ માંડતા જોઈ ચીકુના મોં પર પાછી ઉદાસી ઘેરી વળતા જોતા તારાબેને એને ફરી રોક્યો.
"ચીકુ બેટા! મારે તારા પપ્પા સાથે થોડીક વાતો કરવી છે. તું થોડીવાર બહાર રમ તો." તારાબેને ચીકુને બહાર મોકલીને સુનીલને ફરી બેસાડ્યો. પછી ચીકુના જીવનની અથથી ઇતિ સુધી આખી કહાની કહી નાખી. સાંભળીને સુનિલ પણ ગળગળો થઈ ગયો.
"ભાઈ ! તમારી એક મદદ જોઈએ છે..માનશો શું ?"
"બોલોને મેડમ.."
"શું તમે ચીકુના પપ્પા બનશો ?એક દિવસ માટે." તારાબેને ખૂબ ભીના અવાજે પૂછ્યું.
"આપ આ શું કહો છો ?" સુનીલે ચોંકી ઉઠતા કહ્યું.
"ફક્ત એક જ દિવસ માટે એને પિતાનો પ્રેમ આપી શકો તો..ચીકુનું જીવન સુધરી જશે. હું અને એ બંને આપના કાયમના ઋણી રહેશું.તમારે પૈસા જોઈએ તો એ પણ હું.." તારાબેન આજીજી કરતા બોલ્યા.
આખરે તારાબેનની કાકલૂદી અને આગ્રહ આગળ સુનીલે નમતું જોખ્યું. ચીકુને બાઈક પર બેસાડીને ફરવા લઈ ગયો. દરિયાકિનારે બંને એ ખૂબ મસ્તી કરી..આઇસક્રીમ ખવડાવ્યો. એને રમકડાં પણ અપાવ્યા. અને આશ્રમમાં પાછો મુકવા આવ્યો ત્યારે ચીકુને ખુશ જોઈને તારાબેન પણ ભાવુક થયા.
"પપ્પા ! કાલે આવશો ને !" નાનકડા ચીકુનો પ્રશ્ન સાંભળીને સુનિલ પણ રડી પડ્યો.
"બેટા જો હું તારા એક દિવસના પપ્પા બન્યોને. હવે તારો વારો. તારે ખૂબ ભણવાનું, મોટા થઈને નામ કમાવવાનું. ને એક દિવસ તારે મારો દીકરો બનીને મને લેવા આવવાનું. હોંકે.." કહેતો એ ચીકુને ભેટી પડ્યો.
એ વાતને વર્ષો વીત્યા. નાનકડો ચીકુ હવે શહેરનો મોટો ડોકટર..ડોક્ટર તપન બની ગયો પણ સુનિલનો ચહેરો અને એણે કીધેલી વાત નહોતો ભૂલ્યો. એણે તારાબેને આપેલી માહિતી પરથી સુનીલને ખોળવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ વ્યર્થ.
એક દિવસ એક વૃદ્ધાશ્રમમાં સેવા આપવા ગયેલા ડોકટર તપનને એક વૃદ્ધનો ભેટો થયો. પોતાના દીકરા જેવા લાગતા ડોકટરને એ ભેટી પડ્યા. ડોક્ટર પોતાના અતીતની સ્મૃતિઓ વાગોળવા લાગ્યા. વૃદ્ધાશ્રમના રજીસ્ટરમાં એ વૃદ્ધ અંગેની માહિતી કઢાવી તો ચોંકી ઉઠ્યા..
"પપ્પા ! હું તમારો ચીકુ..તમને લેવા આવ્યો છું. તમે કહ્યું હતું ને ?" વૃદ્ધનો હાથ પકડીને લઈ જતા ડોક્ટર બોલ્યા.
વૃદ્ધાશ્રમમાં સૌની આંખો ભીની થઇ ગઇ..અનોખા પિતા-પુત્રનું મિલન જોઈને.
