એક ડાયરી જુની યાદની
એક ડાયરી જુની યાદની
થોડા સમય પહેલાં મારી મમ્મીનું અવસાન થયું. ક્રિયાકારજ પત્યા પછી ભાભીએ મમ્મીનું કબાટ ખોલ્યું. સાડીઆઓના ઢગલા વચ્ચે તેમને એક ડાયરી મળી આવી. મારી મમ્મીને રોજનીશી લખવાનો શોખ થોડો સમય લાગ્યો હતો. હું ત્યારે 17 18 વર્ષની. ભાભીને કહ્યું પ્લીઝ મને આપો.
પુસ્તક વાંચતા વાંચતા હું જૂની યાદોમાં સરી પડી. તે સમયે તેણીએ મારા માટે સેવેલા સ્વપ્ન વાંચતા આંખ ભરાઈ આવી. લખેલું હતું' મારી દીકરી આજે ઉંમરલાયક થઈ છે. તેના પપ્પા તેના માટે છોકરાઓ જોવાની વાતો કરે છે. પણ મારે તો તેને ખૂબ ભણાવવી છે. મારી જેમ ઘરમાં જ નથી રાખવી. 'વાંચીને મને મમ્મી સાથે થયેલ વાતો યાદ આવી ગઈ.
મમ્મીએ પપ્પાને તો સમજાવી દીધા. પણ મેં જ મૂર્ખે લવેરીયામાં પડીને ગ્રેજ્યુએશનના પણ પહેલા ભાગીને લગ્ન કરી લીધા. મારા ભાભીને લગ્ન કર્યાની તારીખે મમ્મીએ બુકમાં લખ્યું હતું 'મારી દીકરીને મારે સુખી જોવી છે. હે ઈશ્વર તેણે જે પણ પગલા ભર્યા તેને સફળ કેડી પર જવા દેજે. પતિનો પ્રેમ ભરપૂર મળે તેવી સાહ્યબી આપજે. મને હતું તે ઘરમાં કામ ન કરે, પણ તેણે તે જ પસંદ કર્યું તો તેને તેમાં યશ આપજે. '
મારા મનમાં બધી યાદોનું પુર ઉમટી પડ્યું. મમ્મીની ઈચ્છા, મારી જિદ અને અંતે મારો સંસાર. જૂની યાદોના પુસ્તકની વાંચતા મારી સમગ્ર જીવન સફર મનમાં ઊગી ગઈ. પતિ સાથેનો વિસંવાદ. પરિણામે અંતમાં છૂટાછેડા અને આજે એકલવાયું જીવન છે.
છૂટાછેડા વખતે લખેલ માના શબ્દો આજે વાંચ્યા 'હે ઈશ્વર મારી દીકરીને તેમની ભૂલની સજા મળી છે. અને આજે તે ભૂલને તેણી સુધારી રહી છે. તેને સાથ આપજે. તેનો માર્ગ હવે નિષ્કંટક બની રહે તેવી જ તને પ્રાર્થના. હજુ 25 વર્ષની છે. તેને બીજો સારો સાથી આપજે. તેના આ દુઃખમાં હું તેને આશ્વાસન સિવાય કશું જ નથી આપી શકતી તેનો વસવસો રહેશે. '
માનું આ લખાણ મનને સ્પર્શી ગયું. તેમની લાગણીની મેં કરેલ ઉપેક્ષાઓ હંમેશ ડસતી રહેશે. યાદોનું પુસ્તક મારા માટે અમૂલ્ય ભાથું બની રહ્યું. પુસ્તકમાં લખેલ તેની આશાઓ, લાગણીઓ, દુઃખ, દર્દ. ફક્ત મારા માટે જ નહીં હરેક માટે લખેલ તેના વિચારો, દરેક પ્રસંગોની છણાવટ અને વાતો તેના મનને સમજવા માટે પર્યાપ્ત હતા.
કાશ તેના મૃત્યુ પહેલા આ બુક મારા હાથમાં આવત. છતાં આજે જૂની યાદોનું આ પુસ્તક એક સમજપૂર્વકની પ્રેરણા બનીને રહેશે.
