STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

એ પણ ખોયું અને તે પણ ખોયું

એ પણ ખોયું અને તે પણ ખોયું

6 mins
874


એક બ્રાહ્મણ પોતાનાં પાપને ધોઇ દેહનું કલ્યાણ કરવા માટે કાશીએ જવાની ઉમેદ રાખતો હતો, પણ મહા મુશીબતથી આખી જીંદગીમાં રળી રળીને એકઠા કરેલા એક હજાર રૂપિયાની શી ગોઠવણ કરવી ! કોને ત્યાં તે રાખવા ? તે માટે તેની ચિંતામાંમાં ને ચિંતામાં રાત દીવસ પોતાનો કાળ ક્રમણ કરતો હતો. તેનો આ દાંભીક વિચાર યાત્રા કરવા જવામાં કાંટારૂપ થઈ પડ્યો હતો. એક સમયે તેજ ગામમાં રહેનાર એક વૃદ્ધ ફકીર, જે દરેક વાતે પંકાતો હતો. તે સાંજે સવાલ કરતો કરતો તે લોભી બ્રાહ્મણના ઘર આગળ આવ્યો, તે જોઇ આ બ્રાહ્મણે તે ફકીરને પુછ્યું કે 'સાંઈ મોવલા મારા હજાર રૂપિયા હું યાત્રા કરીને આવું ત્યાં સુધી તમે રાખશો ? સાંઈએ કહ્યું કે 'છટ ! ઐસી જંજાળમેં હમ કભી નહીં ગીરેંગે ? એ દગલબાજ દુનિયાકી મોહ માયા જાળ તોડ ખુદાકી બંદગી કરને કે લીયે યે ફકીરી લી હૈ. ઉસ ફકીરીમાં મીટી દાલને કે લીયે હમકુ મોહની દીખાતા હૈ મેરે સીવાય ઔર ગામમે સાહુકાર હૈ.'

ફકીરનો આવો વિચાર જાણી તે બહુજ નીરાશ થ‌ઇને ફકીરને કહ્યું કે 'મ‌ઉલા આપ ગમે તેમ કરશો ના કહેશો મને ધમકાવશો પણ તમારે જ મારા રૂપિયા રાખવા પડશે. તમારા જેવા પ્રમાણીક અને નિર્લોભી માણસને આ ગામમાં જોયો જ નથી. તો પછી કોને આપું ?' સાંઈએ જોયું કે આ સમજાવ્યો સમજે એમ નથી અને જેમ કહીશ તેમ તે પોતાની હઠને પકડી બેસશે. માટે દરગાહની જગા વિશાલ છે તેના એકાદ ખુણામાં ભલે દાટી જાય આપણે એના રૂપિયા સાથે શી નીશબત છે ? પાછો આવશે ત્યારે લઈ જશે.' આવો વીચાર કરી તે મ‌ઉલાએ તેને કહ્યું કે, 'અચ્છા બમન તુમકું નાખુશ કરનેકું હમ નહી ચાહતા હૈ. ઈસ લીયે તુમેરે હાથસે રૂપિયે દાટ દેના ઓર જભ ચહીયે તબ ખોદકે નીકાલ લેના.'

આટલું કહી તે ફકીર પોતાને રસ્તે પડ્યો. આથી તે ખુશ થ‌ઇ સાંઇના દરગાહના એકાદ ખુણામાં ખાડો ખોદી પોતાના રૂપિયા દાટી સાંઇ મવલાની રજા લ‌ઇ તે બ્રાહ્મણ નિશ્ચિત બની યાત્રા કરવા પંથે પડ્યો. પાપ રહીત બનવા માટે યાત્રાના મોટા મોટા ધામો ફરવા લાગ્યો. આ વિશ્વાસીને આવતાં વાર લાગવાથી તેના દાટેલા ધન ઉપર મવલાની દાનત બગડી, મોહીની જોઇ મન ચળ્યું, 'રામ રામ જપના ઓર પરાયા માલ અપના' આવો વિચાર કરી તે ફકીરે તેના દાટેલા ધનને ખોદી કાઢી લઇ લીધું. જો તે જીવતો આવસે અને પુછશે કે મારા રૂપિયા ક્યાં ગયા ? તો કહીશ કે કોને કહે છે ? કોણ સાક્ષી ? માણસ ભુલી ગયો શું મને ગળે પડવા આવ્યો છે ? એ શું કરનાર છે ? એનાથી શું થનાર છે ? દુનીયામાં એમજ થતું આવ્યું છે. ઉંચો નીચો પગ પડ્યા વગર દોલત એકઠી થતી નથી. રંક, રાય બનવા માટે યત્ન કરે છે ? ચાકર શેઠ બનવા માટે શેઠના ઘરમાં ઘા મારે છે. કોઇ ધરમનો પૈસો પચાવી માલેતુજાર બન્યા છે, કોઈ રાંડીરાંડોને રડાવી શ્રીમંત બન્યા હશે, કોઇ ટ્રસ્ટી બની ત્રીજોરીનું તળીયું ઝાટકી નાખી ધનવાન થયા હશે, ચાકરીથી તો ભાખરીજ મળે છે પણ લક્ષાધિપતી બની શકાતું નથી, પ્રમાણિક તો સદા દુખી છે; અને અધમજ સુખી છે. બગલમાં રામ અને પેટમાં છુરી રાખનાર જ આ જગતના અનુપી સુખનો લહાવો લ‌ઇ શકે છે તો પછી આમ તો હું આવી રીતે હાથમાં આવેલી લક્ષ્મીને કેમ જતી મુકું. આવા વિચારમાં ભ્રમીત બનેલા ફકીરે પોતાના ભેખનો કાંઇપણ વિચાર કર્યા વગર તેના રૂપિયા પોતાના ગોલખમાં નાખી દીધા. કેટલાક માસ વિત્યા પછી તે બ્રાહ્મણ ફરતો ફરતો પોતાને ઘર આવી પોતાનું દાટેલું ધન સાંઇની દરગાહમાં લેવા ગયો. ખોદતાં રૂપિયાને બદલે હાથમાં કોલસા આવવાથી તે બહુ દીલગીર થયો. અને માથે હાથ મુકી હાય રે મારા રૂપિયા ! કરી પોક મુકી. આ ફકીર પણ તેની બાજુમાં બેસી રડવા લાગ્યો. આ ઢોંગી સાંઇનો ઉતરી ગયેલો ચેરો જોઇને કહ્યું કે, 'મોવલા તમારી હદમાંથી મારા રૂપિયા કોણ લ‌ઇ જાય ? ગરીબને સંતાપવામાં તમને શો લાભ છે.' આમ વિશ્વાસઘાત કરવાથી દુનીઆમાં તમારો ઈતબાર કોણ કરશે ? જરા ખુદાથી ડરો.' આ સાંભળી તે ફકીર બોલી ઉઠ્યો કે, 'ક્યું બદમાસ મુજે ગળે પડતા હે. કીને રખા ઓર કીને દેખા; જા ઇધરસે કાફર, નહીં તો હડી તુટ જાયગી.' આ જવાબથી તે બામણ ઉંડો નીશ્વાસ મુકતો ઘેર આવ્યો અને વિચાર કરવા લાગ્યો કે, 'લોભીનું ધન ધુતારો ખાય ? સદ રસ્તે વાપરી લહાવો લીધો હોત તો આંસુ પાડવા પડત નહીં. દોહી કુતરાને પાયા સરખું મેં કિધું છે પછી કોને દોષ દેવો ! કરમની ગતી વિચીત્ર છે ! કરમ કરાવે એ કોઈ ન કરાવે ! મારા રૂપિયા ફકીરે જ પચાવી પાડ્યા છે. પણ પુરાવો શું ? ખરૂં છે કે, ઘેટે કપાસ ખાવા જતાં ગાંઠની ઉન પણ ગુમાવી. એવો ઘાટ ઘડાયો છે ? ચિંતા નહીં, એ ચોરોને હું મુકનાર નથી. એ દેશે, હું લઇશ.

અકબરના દરબારમાં બીરબલ જેવા ચંચલ બુદ્ધિવાળા અનેક વીરનરો શોભી રહ્યા છે ! તેઓ જરૂર મારો ચોર પકડી આપશે. એવો વિચાર કરી તે બ્રાહ્મણે બાદશાહની સમક્ષ આવી નમ્રતાથી બનેલી હકીકત વીદીત કીધી. કોઇ ન જાણી શકે એવી રીતે કરવામાં આવેલી આ ચોરીનો શી રીતે ઇન્સાફ કરવો તેના વિચારમાં પડેલા બાદશાએ બીરબલ સામે નજર નાંખી તે જોઇ બીરબલે હાથ જોડી કહ્યું કે, 'ખુદાવીંદ ! આટલી બધી ફીકર કરવાની કશી જરૂર નથી. આપનો હુકમ હોય તો સવારમાં એનાં નાણાં એને અપાવું. આપનો પગાર, ને આપની બક્ષીસો બેઠો બેઠો લ‌ઉં છું તે શા માટે ? રાજ ખટપટના મામલામાં નડતી અડચણો અને વિચિત્ર પ્રકારના ઉભા થતા મુકદમાઓ આવી પડે તે વખતે તેનો બારીક, દીર્ઘદષ્ટી અને તર્કશક્તિથી તેનું તત્વ શોધી લાવવો એજ રાજમંત્રીનું મુખ્ય કર્તવ્ય છે ! માટે આપને વીચાર કરવાનું કશુંએ કારણ નથી.' બીરબલનું આવું ઉત્તમ ભાષણ સાંભળી બાદશાહે હર્ષના ઉભરા સાથે બીરબલને કહ્યું કે, 'ભલે તમે આનો કેવી રીતે નીરતાર લાવો છો તે જોવાને હું ઘણો આતુર છું.'

બાદશાહનો હુકમ થતાંજ, તરત બીરબલે કીમતી દાગીનાઓ લાવી તેની એક પોટલી બાંધી નોકરના હાથમાં આપી તેના કાનમાં કંઇક વાત કહીને ફકીરની પાસે મોકલ્યો. ફકીરને ઘેર ગયેલા માણસની પાછળ ફરીયાદીને જવા માટે ઉદ્દેશીને બીરબલે કહ્યું કે હમણાં મારા માણસ અને ફકીરને વાતચીત થતી હશે, માટે મહારાજ તમે ત્યાં જાઓ અને તમારા રૂપિયા આપી દેશે !' આ હુકમ થતાંજ તે બ્રાહ્મણ ફકીરના તકીઆ તરફ રવાના થયો. દાગીનાની પોટલી લઈ જનાર સીપાઇ સાંઇ આગળ જ‌ઇને સાંઇને કહેવા લાગો કે સાંઇજી મારો ભાઇ પરદેશ ગયો છે તે આ તરફ આવવાનો હતો, પરંતુ હજુ સુધી તે આવ્યો નહી, તેથી તેની તપાસ કરવા જવાને મને જરૂર છે, પણ આ દાગીનાની પેટીને લીધે મારાથી જ‌ઇ શકાતું નથી તે વચમાં શુળ રૂપ થ‌ઇ પડી છે. તે શુળને ટાળવા માટે આવ્યો છું આપ સિવાય મારા દાગીનાની પેટી રાખી શકાય એમ નથી આ બને વચ્ચે ઘણીવાર સુધી રીકઝીક ચાલ્યા પછી તે દાગીના લાવનારને દાગીનાની પેટી ઉપાડી તેમાના મુલ્યવાન દાગીના સાઇને બતાવ્યા તે જોતાજ સાંઇ લલચાઇ જ‌ઇ તે દાગીના સાઈ પેટી પચાવી પાડવાને ઉત્કંઠીત થયો. એટલામાં પહેલો બામણ આવી ફકીરને કહેવા લાગો કે ફકીર સાહેબ ! મારા જેવા બીજાના માલને સવાહ કરવાને અધમ બનશો નહી અને મેં યાત્રાએ જતી વખતે આપને જે માલ સોંપ્યો છે તે મહેરબાની કરી પાછો આપો ! જો આનો માલ નહી આપીશ તો પાપનો ઘડો ફુટી જશે અને આંગણે આવેલા બધા પાછા જાશે. 'આ માલ આગળ બામણનો માલ કુચ બીસાતમાં નથી ? માટે જો તેના રૂપિયા આપીશ તોજ આ માલ હજમ થ‌ઇ શકશે !' આવો વિચાર કરી ફકીરે તરત બામણને રૂપીઆ આપી દીધા. તે લ‌ઇને બ્રાહ્મણ તો રસ્તે પડ્યો. એટલામાં કરી રાખેલા સંકેત મુજબ એક બીજો માણસ આવી તે દાગીનાની પેટી લાવનારને કહ્યું, કે, 'તમારો ભાઇ ઘેર અવી ગયો છે.' આ સાંભળી હર્ષ ઘેલા સરખો બની જ‌ઇ, સાંઈ પાસેથી દાગીનાની પેટી લ‌ઇને રસ્તે પડ્યો. તે જોઇ સાંઇ વિમાસણમાં પડી વીલે મોઢે મનમાં બડબડવા લાગ્યો કે, 'હોંસશે આઈ, ગમશે ગ‌ઇ. કૈસી બની, એબી ગઈ ઓબી ગઈ.'


Rate this content
Log in

Similar gujarati story from Classics