એ છોટું!
એ છોટું!


સાત–આઠ વર્ષનો એક ગરીબ છોકરો નિશાળના દરવાજા આગળ ઊભો હતો. એની જેટલી જ વયના છોકરાઓને નવા ગણવેશમાં તૈયાર થઈ દરવાજાની અંદર દાખલ થતાં એ જોઈ રહ્યો હતો. રિશેષ પડે ત્યારે દરવાજાના બે સળિયા વચ્ચેથી છોકરાઓને મેદાનમાં ખેલતા–કુદતાં જોતો ત્યારે એના બાળમનમાં સતત એક વિચાર ઘૂંટાયે જતો : મનેય આમની જેમ આવી નિશાળમાં ભણવા-રમવા મળે તો કેવું સરસ! હું પણ ભણી-ગણીને સારો માણસ બનું...
ત્યાં જ એક અવાજની ચાબુક એની પીઠ પર વીંઝાઇ!
“એ છોટું... સાલે વહાં ક્યું ખડા હૈ! યે ચાય ઓર નાસ્તા સાહબ કો દે...!” ચાની ટપરીના માલિકે તુચ્છ શબ્દોનું દોરડું નાખી તેને બાળમજૂરી માટે ખેંચ્યો. છોકરો દોડતો ગયો અને ચા–નાસ્તો સાહેબના ટેબલ ઉપર મૂક્યો. મેલીઘેલી ઉતરી ગયેલી ગંજીમાં સાવ દૂબળો દેહ એની દરિદ્ર પરિસ્થિતિનું મૂક વર્ણન કરતો હતો.
“ચલ, યે સારે ગ્લાસ ઓર ડીશ ચમકાકે જગાહ પે રખ દે...! ગ્લાસ કો જરા સંભાલકે સમજા ક્યા...!? વર્ના પગારમે સે કાટ લૂંગા! ચલ, કામ પે લગ જા...!” ચાની તપેલીમાં ચમચી ફેરવતાં માલિકે હુકમ છોડ્યો.
છોકરો માથું હકારમાં હલાવી, ખભા ઉપર રૂમાલ મૂકી કામે લાગી ગયો. ચાની ટપરી પાછળ તે ચાના કપ અને ડીશો પાણીમાં ઝબોળીને ધોઈ રહ્યો હતો ત્યારે ધબ્બ... દઈને કશુંક પડવાનો અવાજ તેના કાને સંભળાયો!
અવાજની દિશામાં તેણે નજર ફેરવી. નિશાળની દીવાલ ઉપરથી ત્રણ દફતર બહાર ફંગોળાઈને નીચે પડ્યા હતા. થોડીકવારમાં ત્રણ છોકરાંઓએ ઝાડની ડાળી પર ચડીને બહાર ભૂસકો માર્યો. ત્રણેએ હાથ અને ઢીંચણ ખંખેરીને દફતર ખભે ભરાવ્યું.
પહેલા છોકરાએ ગર્વભેર છાતી ફૂલાવીને બીજા મિત્રને તાળી આપી બોલ્યો, “જોયું હાર્દિક્યા, સાહેબને કેવા ઉલ્લુ બનાઈ બંક માર્યો...!”
“અલ્યા, મન તો ઇમ હતું ક સાલું પકડાઈ જશું તો વાટ લાગી જશે. પણ તી’તો આ જોરદાર રસ્તો હોધી કાઢ્યો લ્યા...!” બીજા છોકરાંએ શાબ્દિક શાબાશી આપીને મિત્રના પરાક્રમને વધાવી લીધું.
પહેલા છોકરાએ છાતી ફૂલાવી, કોલર ઊંચો ખેંચીને રુઆબથી બોલ્યો, “આઇડિયા કુનો હતો?”
બન્ને છોકરાઓ પેલાની પીઠ થાબડી એકસાથે બોલ્યા, “ગૌરવભાઇનો...!”
“તો પછી... હેડો અવ, પેલા ગલ્લેથી ગુટકાની પડીકી લઈન બજારમો રખડીએ...” કહી ત્રણેય ઉજળા ભવિષ્યની દીવાલ કૂદી અંધકારના ભવિષ્ય તરફ ડગ માંડ્યા.
ચાના ગ્લાસ અને નાસ્તાની ડીશ ધોતા છોકરાએ બધુ ચૂપચાપ જોયું અને મનની દીવાલ ઉપર અંત:ઈચ્છા ઘૂંટી : કાશ! મને એમની જગ્યાએ ભણવા મળે તો!
* * *