Mariyam Dhupli

Inspirational Classics

2.0  

Mariyam Dhupli

Inspirational Classics

દ્રષ્ટિકોણ

દ્રષ્ટિકોણ

7 mins
14.3K


નવાં વર્ષનાં આગમનની તૈયારીઓ વચ્ચે મોટી બહેનનો મેસેજ મળ્યો.

"બાની લાલ ડાયરીના પાના સ્કેન કરી મોકલી આપ !"

સંદેશો વાંચતાજ ચ્હેરા પર એક વ્હાલું હાસ્ય ચમકી આવ્યું. એ જાણતો હતો વર્ષો પછી આ ડાયરી શા માટે મોટી બહેનને યાદ આવી હતી? આજે આખરે દીદીનો દ્રષ્ટિકોણ પણ બદલાયો હતો, જે રીતે થોડા વર્ષો પહેલાં પોતાનો દ્રષ્ટિકોણ બદલાયો હતો. હવે આ ડાયરી દીદીને પણ એજ ભેંટ આપશે જે પોતાને આપી હતી, 'સ્વનિર્ભરતા'ની ભેટ. સમય વેડફ્યા વિનાજ એણે સંભાળીને રાખેલ એ લાલ ડાયરીના પાના એક પછી એક સ્કેન કરી બહેનને ફોરવર્ડ કરી નાંખ્યાં. બીજી તરફથી ઊર્મિએ નાના ભાઈએ ફોરવર્ડ કરેલ પાના એક પછી એક ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ્સ કાઢી, ક્રમાંનુસાર ફાઈલમાં ગોઠવી દીધાં. ટેક્નોલોજીના આભારે થોડીજ મિનિટોમાં બાની એ જૂની લાલ ડાયરી ભારતના એક ખૂણેથી અમેરિકાના એક ફ્લેટમાં પહોંચી ગઈ !

બાના અક્ષરો તદ્દન સ્પષ્ટ, સ્વ્ચ્છ ને સુંદર, તદ્દન એના વિચારો સમાં !

શોધાઈ રહેલ રસના વિષય માટે ઉથલાવામાં આવી રહેલ ફાઈલના પાના સાથે ભૂતકાળના પાના પર ઉથલાઈ રહ્યાં :

"હમ્મ... બા... ઘૂઘરા સાચેજ સરસ બન્યાં છે. દર વખતની જેમજ... આ સ્વાદની કોઈ સરખામણી જ નહીં..."

"તો જાતે બનાવતા શીખી લે ને !"

"બા, તને ખબર છે ને રસોડામાં રહેવુંજ મને ન ગમે... રસોઈ મારા માટે નથી સર્જાઈ... રસોડામાં જમવા માટે આટલો સમય ટકી જાઉં છું એજ બહુ છે."

"પણ જરા રસોઈ કરતાં શીખી લઈએ તો...?"

"જાણું છું... જાણું છું. રસોઈ કરતાં શીખી લઉં તો સાસરે વાંધો નહીં આવે... નહિતર મારા પતિનું શું થશે ? વગેરે... વગેરે... ને લગ્ન કરવા એટલે અન્ય લોકોની રસોઈની કાળજી લેવામાં આખું જીવન સમર્પિત કરવાનું હોય, તો મારે લગ્ન જ નથી કરવા !!"

"રસોઈ ને લગ્નને તું શા માટે એક સાથે સાંકળે છે?"

"હું નથી સાંકળતી બા. પાડોશમાં રહેતા મીનાબેન, સામે રહેતા કમલા કાકી, ફઈબા, આપણાં દૂરના સંબંધીઓ, સમાજની મોટાભાગની સ્ત્રીઓને મોઢે આ બધું સાંભળીને તો ઉછરી છું. દીકરી ગમે તેટલી ભણે કે ગમે તેટલું કમાઈ પણ રસોઈ કર્યા વિના છૂટકોજ નહીં ને. એને 

ગમે કે ન ગમે દીકરી તરીકે જન્મો એટલે રસોઈ બનાવવું ફરજીયાત, એ તે વળી કેવો નિયમ? આ બધી વાતો સાંભળીને એવો ગુસ્સો આવે ને! ખરેખર રસોઈ અને રસોડું બન્નેથી ઘૃણા છૂટે છે."

"ઊર્મિ, બેટા તને રસોઈ કે રસોડાંથી ઘૃણા નથી ઉપજતી. એની સાથે સંકળાયેલી આ સામાજિક વિચારશ્રેણીથી ઘૃણા છૂટે છે."

"એકજ વાત છે ને બા."

"નહીં ઊર્મિ બન્ને તદ્દન વિપરીત પાસાંઓ છે. રસોઈ ફક્ત એક રોજિંદા જીવનનું કાર્ય છે. અન્ય લોકોના સામાજિક અભિપ્રાયોને જો બાજુ પર મૂકી દઈએ ને પછી વિચારીએ જરા ! જેમ તું ડ્રાંઇવિંગ શીખી, સ્વિમિંગ કરતાં શીખી, શિક્ષણ લીધું, નોકરી ના પાસાઓ શીખી કમાવા જાય, આ બધું શા માટે ?"

"એ તો બધું સ્વનિર્ભર બની પોતાનો ખ્યાલ જાતે રાખી શકવા માટે. અન્ય ઉપર નિષ્ક્રિય પણે નિર્ભર ન થવા માટે !"

"તદ્દન સાચી વાત. એજ પ્રમાણે માનવી માટે રોટી, કપડાં, મકાન એની પાયાની મૂળભૂત જરૂરિયાતો. જમવા માટે બે ટકનું ભોજન આપણી સૌથી પ્રાથમિક જરૂરિયાતો માની એક. તો એ માટે જાતે રસોઈ બનાવતાં શીખીએ તો એ પણ એક પ્રકારની મહત્વની સ્વનિર્ભરતાજ ને !"

"પણ હું સારું એવું કમાવું છું. જરૂર પડ્યે હું એક મહારાજ કે ભોજન તૈયાર કરનારની નિમણુંક કરી શકું. ને આમ પણ આજકલ તો બજારમાં બધુંજ તૈયાર મળે છે. પૈસા હોઈ તો બધુજ ખરીદી શકાય."

"છતાં પણ સમય પડ્યે શીખેલું કોઈ પણ હુનર વ્યર્થ જતું નથી. શું ખબર ક્યા સમયે કામ લાગી જાય ? ને આમ પણ રસોઈ બનાવવી એ તો ખુબજ રસપ્રદ કલા છે."

"પણ બધીજ કલામાં આપણને રસ પડે એ જરૂરી તો નથી. ને તું સ્વનિર્ભરતાની વાત કરે છે તો પછી ભાઈ એ પણ રસોઈ બનાવતાં શીખવી જોઈએ ને?"

"એને પણ સમજાવું છું. કેટલીવાર કહ્યું ઊંડાણમાં ભલે નહીં, પણ કેટલુંક સામાન્ય જ્ઞાન પણ હોય તો કામ લાગે. દાળભાત, ખીચડી, ઉપમા જેવી સરળ વાનગીઓ શીખી લઈએ તો કદી ભૂખ્યા ન રહેવું પડે. હોસ્ટેલમાં રહેવું પડે કે પરદેશ કે પછી એવી કોઈ જગ્યાએ જ્યાંનાં ભોજન સાથે મેળ ન પડે એવી જગ્યાઓ એ જ આ કલાની સાચી કદર થાય. હવે બદલાયેલા સમાજ સાથે આપણા દ્રષ્ટિકોણ પણ બદલવાજ પડશે. તને ખબર પરદેશમાં કુટુંબથી દૂર વસતા આપણા દેશના કેટલા પુરુષો જાતે પોતાનું ભોજન બનાવે છે. વર્ષોથી આપણા સમાજમાં મહારાજ રસોઈ નથી બનાવતા આવ્યા? મોટી મોટી હોટેલોમાં શેફ પુરુષો નથી હોતા? ટીવીમાં આવતા મોટાભાગના રસોઈના કાર્યક્રમ કે કુકીંગ શૉમાં પુરુષ શેફ જ સફળતાપૂર્વક રસોઈની કલા શીખવતા હોય છે ! આપણા દેશના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શૅફ સંજીવ કપૂર, વિકાસ ખન્ના પુરુષોજ તો છે, જેમણે ભારતની રસોઈને વિશ્વ્ના દરેક ખૂણે પહોંચાડી છે. આવા દેશના દીકરાઓને રસોઇ શીખવવામાં વળી કેવી લઘુતાગ્રંથી? આવા દેશનો દીકરો પોતાની સ્વનિર્ભરતા માટે બાળપણથીજ પોતાની બહેન જોડે રસોઈ શીખે એમાં વળી શરમ કેવી?"

"ઓ મારી મધર ઇન્ડિયા, બધાના વિચારો તારા જેવા પારદર્શી ન હોય ને ! જો બધા જ તારા વિચારોનું અનુસરણ કરે તો દેશની કોઈ દીકરીને લગ્ન પહેલાં એમ પૂછવામાંજ ન આવે, રસોઈમાં શું શું બનાવતા આવડે છે? કારણકે એમના 'સ્વનિર્ભર' દીકરાઓ પછી રસોઈયા શોધવા માટે નહીં, પણ 'જીવનસાથી' મેળવવા માટે લગ્ન કરે !"

"હું સમાજને તો ન જ બદલી શકું. પણ મારા બાળકોમાં યોગ્ય વિચારોનું સિંચન કરી શકું તોય ઘણું. ને તેથી જ મેં આ ડાયરીમાં બધુંજ વિસ્તારથી નોંધી રાખ્યું છે. જેટલું પણ હું મારી બા પાસેથી રસોઈ અંગે શીખી છું, એને મહત્તમ આવરી લેવા પ્રયાસ કર્યો છે. આમ તો હવે તમારા ઇન્ટરનેટ પર બધીજ માહિતી ને રેસિપીના દ્રશ્ય શ્રાવ્ય માર્ગદર્શનો ઉપલબ્ધ છે, છતાં તારા અને તારા ભાઈના દ્રષ્ટિકોણ જો કદાચ બદલાય, કે પછી નવા વર્ષની આવીજ કોઈ પાવન સાંજે મહારાજના હાથે તૈયાર થયેલ કે બજારમાંથી તૈયાર ખરીદેલ ઘૂઘરા ને બદલે બાના હાથે બનાવેલા ઘૂઘરા ખાવાનું મન થાય તો આ ડાયરી ઉથલાવી લેજો. કારણકે બજારમાં ફક્ત વાનગીઓ વેચાય બાના હાથનો સ્વાદ નહીં !"

"બાના હાથે બનાવેલા ઘૂઘરા ખાવાનું મન થાય તો બા પાસેજ ન આવી જવાય?"

ફાઈલમાં પરોવાયેલી નજર સમક્ષ શોધાઈ રહેલો વિષય દ્રશ્યમાન થયો. ઘૂઘરા બનાવવાની પદ્ધતિ અને તબક્કાવાર જેટલી સ્પષ્ટપણે વર્ણવાય હતી, એટલીજ ધીરજ અને ધ્યાન સાથે એ પદ્ધતિને અનુસરતા બે ઉત્સાહસભર હાથ કામે વળગ્યા. થોડાજ કલાકમાં અમેરિકાનો એ ફ્લેટ ગરમાગરમ ઘૂઘરાની સુગંધથી ભારતમાં આવી પહોંચવાનું આભાસ ઉપજાવી રહ્યું. ઓફિસેથી પરત થયેલ વિનીતને પોતાની આંખોને નાક ઉપર વિશ્વાસજ ન આવ્યો ! ઊર્મિ ને વળી રસોડામાં ? પોતાની પત્નીના રસોડાં સાથેના સંબંધને સારી પેઠે સમજતા વિનીતને માટે એ દ્રશ્ય કોઈ અજાયબી કરતા ઓછું ન હતું ! 

"ઓફિસેથી થાકીને આવી રસોડામાં શું કરવા થાકે છે? તારી ગમતી ઇન્ડિયન સ્વીટમાર્ટમાંથી બધીજ મીઠાઈ લઇ આવ્યો છું. દિવાળી માટે ખાસ તારા મનપસંદ ઘૂઘરા પણ..."

નવા વર્ષને આવકારવા માટે ખરીદીને લાવેલા અસંખ્ય સામાનમાંથી મીઠાઈના ઘણા બધા ડબ્બા ટેબલ પર ગોઠવી રહેલ વિનીતને આગળ બોલતો અટકાવી,પોતે તૈયાર કરેલ ગરમાગરમ ઘૂઘરો એના મોઢામાં પ્રેમથી મૂકતી ઊર્મિ મંદ મંદ હસી...

"હેપ્પી ન્યુ યર..."

ઘૂઘરાનો સ્વાદ જીભને અડકતાંજ વિનીત તદ્દન શાંત બની ઊર્મિની આંખોમાં તાકી રહ્યો :

"શું થયું વિનીત? એટલા ખરાબ બન્યા છે...?"

ડોકું ધુણાવતો વિનીત હળવેથી બોલ્યો : "ઘણાં સમય પછી તારી બાના હાથના ઘૂઘરા ખાધા એટલેજ... તદ્દન એજ સ્વાદ !"

"સાચેજ...?" ઉત્સાહમાં અને ઉતાવળે ઊર્મિએ વિનીતના શબ્દોની ખાતરી કરવા ઘૂઘરો મોઢામાંજ મૂક્યો કે ઝરમર ઝરમર આંસુ આંખોમાં આવી વરસ્યા. એની ભાવનાને સમજતાં વિનીતે એને ગળે લગાવી દીધી. એ સ્નેહભર્યા આલિંગનમાંથી ઊર્મિ જાણે દૂર ઊભી બાને નિહાળી રહી. હસ્તી હસ્તી બા જાણે કહી રહી : "મેં કહ્યું હતું ને બજારમાં ફક્ત વાનગીઓ વેચાય, બાના હાથનો સ્વાદ નહીં !"

સ્વર્ગસ્થ બાની એક જૂની ડાયરી નવા વર્ષને એક નવા દ્રષ્ટિકોણના ભેટથી દીપાવી રહી...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational