દિયરવટુ
દિયરવટુ
એ વરસાદી અષાઢી રાત હતી.. આકાશ વાદળ થી ઘેરાયેલું હતું!! ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો!! સુમસામ રસ્તાઓ!! અને પાણીનો ટપક ટપક અવાજ!! અને વૃક્ષો પગથી માથાં સુધી ભીંજાઈ ગયાં હતાં. ઠીઠુરાયેલા પંખીઓ પોતાના પ્રેમીની સોડમાં લપાઈ ગયા હતાં અને એ એકલી પથારીમાં પડખા બદલી રહી હતી!! આજ બસ એને નિર્ણય લેવો હતો!! આજ આ બનાવટી દુનિયાને છોડી દેવી હતી!! સવાર પડે સ્મિત લઈને ઉઠવું અને રાત પડે ઉદાસી લઈને સૂવું!! આ બનાવટ જ છે ને!! એ કેમ ખુલ્લા દિલથી હસી નથી શકતી કે ખુલ્લા દિલથી રડી નથી શકતી!! ખાલીદનો અસલી ચહેરો એ દુનિયાને બતાવી શકતી નથી!! કેટલી મજબૂર હતી એ!! આજ તો ખાલીદે હદ કરી નાખી હતી!! આજ તો નિર્ણય લઈ લેવો છે!!
કેટલા સમયથી ખાલીદના મેણા ટોણાંથી કંટાળી ગઈ હતી..ક્યાં સુધી સુધી સહન કરવું? આજ એની સહન શક્તિએ જવાબ આપી દીધો હતો.કદી પતિનો પ્રેમ પામી શકી ના હતી!! પણ સમજુતી કરીને પણ ખાલીદને જીવતા આવડતું નથી!! બસ એકની એક વાત કરી એણે જીવનને જહન્નમ બનાવી દીધું હતું.ઉસ્માનની વાત અથવા એના પિયરીયાની વાત!! બધિર કરી નાખે એવા મેણા ટોણા!!
ખાલીદના મોટા ભાઈ ઉસ્માન સાથે એના લગ્ન થયેલા!! ઉસ્માને એને ખૂબ પ્રેમ આપ્યો!! એટલો પ્રેમ કે આડોશીપડૉશી બધાં એને લયલા મજનુ કહેતા!! અને એ કેવી શરમાઈ જતી!! ઉસ્માન પણ અને પ્રેમથી લયલા કહીને બોલાવતો!! જીવનની હર ક્ષણ પ્રેમમય હતી!! બન્ને ને એક બીજા વગર ચાલતું જ ન હતુ!! દો જીસ્મ મગર એક જાન જેવું હતું!! એને યાદ આવી ગયું!! કે જ્યારે કોઈ પણ પ્રસંગમાં જવા તૈયાર થતી તો ઉસ્માન એના કપડા તૈયાર કરી આપે ઈસ્ત્રી કરે મેચીંગ જ્વેલરી કાઢે અને છેવટે એનો સરસ ચોટલો પણ વાળી આપે!! અને તૈયાર થાય એટલે ગાલ પર ટપલી મારી કહે," મારી લયલા!" અને પ્રેમથી એને જ્યાં જવું હોય ત્યાં મૂકી પણ આવે!!અને જ્યાં સુધી એ ઘરે ના આવે તો ઉસ્માન બારીમાં એની રાહ જોઈને ઉભો રહે!!
એને એ અષાઢી રાત યાદ આવી ગઈ!! એક વાર ઉસ્માન ઘરના બધાં લોકો સૂઈ ગયા, તો ચૂપચાપ એનો હાથ પકડી એને અગાશી માં લઈ ગયેલો!!હોઠ પર આંગળી રાખી ચૂપ રહેવાનો ઈશારો કરતો હતો!! અષાઢી રાત હતી!! વાદળ ઝરમર વરસી રહ્યા હતાં!! વાદળની આડમાં ચંદ્રમા છુપાઈ છુપાઈને ઈશારો કરી રહ્યો હતો!! આવી આંખ મીંચામણી ઉસ્માન પણ કરી રહ્યો હતો!!હાથ ખેંચી અગાશી માં લઈ ગયો!!" અરેરે..!! હું પલળી જઈશ!!" એ બોલતી રહી!! અને ઉસ્માને એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં અને કહ્યું," આજ તને એવી ભીંજવીશ કે.."અને એને છાતી સાથે લગાવી દીધી !!બન્ને ઝરમર વરસાદમાં અને આછી ચાંદનીમાં ભીંજાતા રહ્યા!!
બીજા દિવસે ઉસ્માનને કામથી સૂરત જવાનું થયું!! થોડી ઉદાસ લાગતી સાયરા કંઈક બડબડ કરતી રહી!! પણ ઉસ્માન હસતો રહ્યો!! અંતે ઉસ્માનને ખાવાનું આપી!! એ કપડાની બેગ ભરવા લાગી!! ખાલીદ પણ કોલેજથી ઘરે આવેલો!! એ પણ "ભાભી લાવો મદદ કરુ!!" કહી બેગ ઊંચકીને કારમાં લઈ ગયો!! અને ઉસ્માન ઓરડામાં આવ્યો!! એણે સાયરાને છાતી સરસી ચાંપી દીધી!! અને મીઠું સ્મિત કરતા કહ્યુ!! જલ્દી પાછો આવું છું!! સાયરાની રડતી આંખો લૂંછી લીધી!! આમ તો ઉસ્માન કામથી ઘણી વાર બહાર જતો. પણ ખુદા જાણે કેમ આ વખતે દિલ વધારે જોરથી ધડકતું હતું.. અલ્લાહ ખૈર કરે!!
એ સુરત જવા નીકળી ગયો!! સાયરા એકલી પડી ગઈ!! કોઈ જગ્યાએ દિલ લાગતું ન હતું! ઉસ્માન વગર જાણે જીવન જ થીજી ગયુ!! અને રાતે તો પથારી જાણે સાપની જેમ ડસતી હતી!! દોઢેક વાગ્યો હશે!! ઊંઘ તો આવતી જ ના હતી!! અને ફોનની ઘંટડી વાગી!! સમાચાર આવ્યા કે ઉસ્માનની કારનો અકસ્માત થયો છે અને ઉસ્માન ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યો છે!! સાયરાની માથે આભ તૂટી પડ્યું!! ના ના એ તો બને જ નહી!! ઉસ્માન મને છોડી ને જાય જ નહીં!! અમારો વાયદો હતો જિંદગીભર સાથ નભાવવાનો!! ના ના !! કરતી એ બેહોશ થઈ જમીન પર ઢળી પડી!! ઉસ્માનનું મય્યત ઘરે આવ્યું. પણ સાયરાને હોંશ ના હતા! લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા કે સાયરાને હોંશ આવે તો ઉસ્માન દફન થાય એ પહેલા મોઢું જોઈ લે અને બોલ્યું ચાલ્યું માફ કરાવી લે!!પણ સાયરાએ આંખો ખોલી જ નહીં જાણે કે આ ભયંકર હકીકતનો સામનો કરવા માગતી ના હોય એમ!! ઉસ્માનને દફન કરી દેવામાં આવ્યો!! ત્રણ દિવસ સાયરાને ન્આઈ વી ઉપર રાખવામાં આવી એણે આંખો ખોલી તો એની દુનિયા લૂટાઈ ગઈ હતી!!
ઈસ્લામ ધર્મ પ્રમાણે ચાર મહીના ઈદ્દતના પૂરા થવા આવ્યાં!! એક એક દિવસ રડી રડીને કાઢ્યો!! ઉસ્માન પાછો ના આવ્યો!! હવે શું? જીવ્યા વગર તો છૂટકો જ ન હતો!! સાસુ સસરા એ અને મા બાપે સાયરાનું દિયરવટું કરવાનું નક્કી કર્યુ!! ખાલીદની ઈચ્છા ના હતી કારણકે સાયરાને હમેશા ભાભી તરીકે જોયેલા!! અને સાયરાની પણ ઈચ્છા નહીં કારણકે ઉસ્માન સિવાય એ કોઈની કલ્પના જ કરી શકતી ના હતી!! પણ બસ બન્નેની મરજી ચાલી નહી! એ ખાલીદ સાથે જોડાઈ ગઈ મને કમને!! મા બાપની ઈચ્છાને માન આપ્યુ!!
પણ ખાલીદ ઉસ્માન જેવો ના હતો!! ખાલીદ સ્વભાવે શક્કી!! મેણા ટોણા મારવામાં માહેર!! એ સાયરાને હમેશા અપમાનિત સ્થિતીમાં રાખતો!! મૃત ઉસ્માન વિષે સંભળાવું!! ઉસ્માનના નામનું મેણુ રોજ મારી એ ઉસ્માનને સાયરામાં જીવંત રાખતો!! સ્વભાવે ખરાબ !! એટલો ખરાબ કે બીજા પતિ પત્નિ વચે તકરાર ઊભી કરાવે!! લોકોના ઘર ભંગાવે!! એકબીજાની નિંદા કરી દોસ્તી તોડાવે!! બની શકે એટલા ગામના લોકો એનાથી દૂર રહે કે આ માણસ આપણને કૈક નુકસાન કરાવશે!! વળી બીજી સ્ત્રીઓ સાથે સંબંધ પણ રાખે!! પત્નિની હમેશા ઉપેક્ષા કરે!! આવા પતિ સાથે સાયરાને બાંધી દેવામાં આવી હતી! જબરદસ્તીના સંબંધથી સાયરાને એક દીકરો પણ થયો!! કાશ... આ અરમાન ઉસ્માને પૂરા કર્યા હોત!! પણ ના ખાલીદથી એને દીકરો થયો!! આ દીકરો સાયરાની જાન બની ગયો!!પણ ખાલીદ તો જેમ સાયરાની અવગણના કરતો એજ રીતે દીકરાની પણ અવગણના કરતો!! કારણકે એને આ સંસારમાં જીવ જ ન હતો!! બહાર ફરવું, પર સ્ત્રીઓની સોબત રાખવ
ી, કોઈ કમાણી કરવી નહીં ઘરમાં આવે તો ગુસ્સાથી આવે!! આવી હાલતમાં સાયરા પણ શી રીતે સંસાર ચલાવે કે પતિને પ્રેમ આપે!!
આ આપણા સમાજની નબળાઈ કહેવાય કે સ્ત્રીના બીજા લગ્ન કરતા પહેલા સ્ત્રીનો અભિપ્રાય પૂછવામાં ના આવે!! હું ધર્મને દોષ નથી દેતી કારણકે ધર્મગ્રંથ પ્રમાણે સ્ત્રીના નિકાહ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ થઈ જ ના શકે!! હું તકિયાનુસી સમાજનો દોષ કાઢું છું..કે બે જીવનને આ રીતે બરબાદ કરવામાં આવ્યા!! સમાજ નક્કી કરે છે કે હવે આ છોકરીનું શું થશે તો વળગાડો લાકડે માકડું!!પણ આવા સમયે સ્ત્રીએ પોતાનો અવાજ ઊઠાવવો જોઇએ જિંદગી નો સવાલ હોય છે!! કોઈ એક બે દિવસની વાત નથી કે મુસાફરી પૂરી થઈ અને સ્ટેશન આવ્યું અને ઉતરી ગયાં!!
સાયરા બારીમાંથી વાદળ ભર્યા આકાશને તાકી રહી હતી!! બાજુમાં સાત વરસનો ઝહીર સુતો હતો!! એ ધીરે ધીરે એનાં માથા પર હાથ ફેરવી રહી હતી!! બહાર આકાશ વરસી રહ્યુંં હતું અને અહીં સાયરાની આંખો ચોમાસુ બની હતી!! ઉસ્માન ઉસ્માન તમે ક્યાં છો? તમે મૂકીને મને શા માટે ગયાં? જુઓ તમારી લયલાની હાલત ખાલીદે શી કરી છે?? આજ જુઓ મારા પર હાથ ઉઠાવ્યો છે જુઓ આ હાથ આ ચહેરો એના મારથી લીલા ચાઠાં પડી ગયાં છે!! એને ઝહીરને પણ ખૂબ માર માર્યો!! તમે કેમ ના આવ્યાં મને બચાવવા? તમે કેમ ના આવ્યાં? હું શું સમજું તમારો પ્રેમ પણ એક દેખાવ હતો? ના ના તમે ખુદાની મરજી આગળ સર ઝુકાવ્યું!! વળી કહે છે ને સારા માણસની ત્યા પણ જરૂર છે!! પણ તુમ ના જાને કહા ખો ગયે હમ ભરી દુનિયા મે તન્હા હો ગયે" પણ જોયું ને ઉસ્માન મારે શું કરવું? તમે કહો? હું ખાલીદના માર ખાઉં કે છોડી દઉં? આજ રાતે મારે નક્કી કરવુ છે!!હવે બસ!! મારી સબર એ દામન છોડી દીધો છે!!મેણા ટોણા, બીજી છોકરીઓ સાથે સંબંધ અને અપમાનજનક દશામાં જીવી!! પણ જ્યારે વાત માર સુધી પહોંચી છે મારે નક્કી કરવું પડશે!!
બારી બહારનું આકાશ એને તાકી રહ્યું હતું!! આ મોટો ભવસાગર અને હુ એકલી મારા દીકરા સાથે!! આ આકાશ રડે છે..આ ધરતી એનાં આંસું જીલે છે!! અને મારા આંસું આ તકિયાની ખોળ માં વિલીન થાય છે એને જીલવાવાળુ કોઈ નથી!! વાદળ વેર વિખેર આકાશમાં ફરી રહ્યા છે..મારા વિચારો પણ વેર વિખેર છે!! જિંદગીના ફેંસલા લેવા સહેલા નથી!! સાત વરસનાં ઝહીરને લઈને ક્યા જાય!! મા બાપને ઘરે જવાનો અર્થ નથી!! એ લોકો સમજાવી પાછી મૂકી જશે!! આઠ ચોપડી પાસ સાયરા કઈ કામ કરવા ને પણ લાયક ના હતી!! એને એક બહેનપણી એ કોઈ એન જી ઓ નું કાર્ડ આપ્યુંં હતું તે યાદ આવ્યું તે ધીરેથી ઊભી થઈ ને કબાટમાં કાર્ડ શોધવા લાગી!! ખાલીદ હજું ઘરે આવ્યો ના હતો. સાસુ સસરા બાજુના ગામમાં કોઈ સગાને ઘરે ગયેલા!! હાશ કાર્ડ મળી ગયું!! કાર્ડમાં ફોન નંબર એડ્રેસ બન્ને હતાં!! ઝહીરના કપડા અને પોતાના કપડા ભરી એ સૂમસાન રસ્તા પર નીકળી પડી!! દૂર દૂર સુધી ક્યાં રિક્ષા ના હતી!! ઝરમર ઝરમર વરસાદ હતો!! આકાશ માં અધૂરો ચંદ્રમા દેખાતો હતો!! તારાનું નામનિશાન ના હતું!!
દૂરથી એક રિક્ષા આવતી દેખાઈ!! એણે હાથ કરી રિક્ષા ને ઊભી રાખી!! રિક્ષા મા બેસી એણે કાર્ડ બતાવ્ય્ં કે આ સરનામે લઈ જાઓ!! રિક્ષા ચાલુ થઈ અને એ મોઢાને દુપટ્ટાથી ઢાંકવા પ્રયત્ન કરી રહી હતી!! કદાચ રિક્ષા વાળો એને ઓળખી ગયો હતો!! અંદરથી એ થરથર કંપી રહી હતી!! રિક્ષાવાળો એક દુકાન પાસે ઉભો રહ્યો!! અને કહ્યુ એક મિનીટમાં આવ્યો બેન!! અને દુકાન પર જઈ કોલ કરવા લાગ્યો!! એ ગભરાઈ રહી હતી!! અને એ પાછો આવ્યો. થોડે દૂર જઈ પેટ્રોલ લેવું છે કહી પેટ્રોલ પંપ પર ઊભો રહ્યો!!
થોડીવાર માં ખાલીદ સ્કુટર લઈને આવ્યો!! રિક્ષામાં બેઠેલી સાયરાને ચોટલાથી પકડી એક તમાચો મારી દીધો!! ઝહીર અને સાયરાને રિક્ષામાં ઘરે લઈ આવ્યો!! સાયરા રડતી રહી કકળતી રહી!! પણ ખાલીદના હ્ર્દયમાં દયાનો છાંટો પણ ન હતો!! સાયરાને પથારી પર પટકી બહારથી તાળું મારી બહાર નીકળી ગયો! આકાશ હજુ આંસું વહાવી રહ્યુ હતું. સાયરાની આંખો આકાશ કરતા પણ વધારે વહી રહી હતી!! આ અષાઢી રાતની ઢળવાની રાહ જોઈ રહી હતી!! શું કરું જીવ આપી દઉં? પણ ના પછી ઝહીરનું કોણ!! ઝહીરને સાથે લઈ મરી જાઉં!!! ના ના ઝહીરનો શું ગુનો છે? જે જિંદગી ખુદાએ આપી એને લેવાનો હક ફક્ત ખુદાનો જ છે!! ખુદાએ આપઘાતને ગુનો કરાર દીધો છે!! આપઘાત એટલે ખુદાથી ના ઉમ્મીદી!! અને ખુદાથી એ ના ઉમેદ ના હતી!! ખુદા જરૂર રસ્તો નીકાળશે!!
આ લાંબી રાતની સવાર પડી!! ભલે દુઃખનો બોજ ગમે તેટલો હોય અને દુ:ખ ગમે તેટલું વિસ્તરેલું હોય પણ પણ એ દુ:ખ ભરી રાતની સવાર જરૂર પડે છે!! કહે છેને દરેક વાદળને ચાંદીની કોર હોય છે!!જાણે ઉસ્માન કહેતો હતો," યહ સફર હૈ બહોત કઠીન મગર ન ઉદાસ હો મેરે હમ સફર" સાયરાની સવાર પડી!! દ્રઢ નિશ્ચય સાથે એ પથારીમાંથી ઊભી થઈ!! ખાલીદે દરવાજો ખોલી નાખ્યો હતો!! ઝહીરને ઉઠાડી સ્કુલમાં મોકલ્યો!! પોતે કામ કરતી રહી!! બપોરે એ ઝહીરને સ્કુલમાંથી લઈને સીધી એની મિત્રને ત્યાં ગઈ!! ગઈ રાતની વાત રડી રડીને બતાવી!!! એની મિત્ર એને આશ્વાસન આપતી રહી અને પાણી લાવીને આપ્યું!! પછી એન જી ઓને ફોન કર્યો!! મિસ ફરહા જે એન જી ઓ ચલાવતી હતી એને હકીકત જણાવી!! મિસ ફરહા એ સાયરાને ત્યાંજ રોકાવાનું કહી એક કાર મોક્લી આપી!! સાયરા એ કારમાં એન જી ઓ માં પહૉંચી ગઈ!! સાયરાને એ લોકોએ રક્ષણ આપ્યું અને ખાલીદની સામે કેસ કરી, ખુલાની અરજી કરી!! સાયરાને શિક્ષણ પણ આપવામાં આવ્યુ!! અને સિવણ ક્લાસ તથા આચાર પાપડ બનાવવની નોકરી પણ આપી!! અત્યારે સાયરા ઝહીરને ઉછેરી રહી છે!! ઉસ્માનની યાદ દિલમાં છુપાવી જિંદગીની સામે દોટ મૂકી છે!!! માનસિક ત્રાસ ના હોય તો માણસ પ્રગતિના સોપાન ચડી શકે છે!! એક આંગળી પકડનાર હોય તો મુશ્કિલથી મુશ્કિલ સમયનો સામનો થઈ શકે છે!! અહીં ઘણી સાયરા છે !! જરૂર છે તો મિસ ફરહા જેવી એન જી ઓ ની!!સમાજ શોષણનો ભોગ બનેલી મહિલાઓની સુરક્ષા માટે આવી સંસ્થાની ખૂબ જરૂર છે!