દિવાળીની રાત
દિવાળીની રાત
"મમ્મી, આજે જમવાનું શું બનાવ્યું છે ? " પીહુ ઘરમાં આવતાની સાથે જ બોલી.
"પેલા તો તું યુનિફોર્મ ચેન્જ કર પછી જ જમવાનું મળશે." પ્રિયા કામ કરતા બોલી.
પીહુ યુનિફોર્મ બદલાવીને પ્રિયા સાથે જમવા બેઠી. ત્યાં જ ડોરબેલ વાગી પ્રિયા એ ઊભા થઈને દરવાજો ખોલ્યો.
"નમસ્તે, હું શ્રેયા. અહીંયા તમારા સામેના ફ્લેટમાં કાલે જ શિફ્ટ થઈ મારે તમારું એક કામ હતું" શ્રેયા એ પ્રિયાને કહ્યું.
"અરે, આવો આવો... અંદર બેસીને વાત કરીએ"
શ્રેયા એ અંદર જઈને જોયું તો પિહુ જમતી હતી.
"સોરી, તમને જમવામાં ડિસ્ટર્બ કર્યા" શ્રેયા એ પ્રિયાની સામુ જોઈને કહ્યું
"અરે એમાં શું... હવે તો તમે પાડોશી છો, આટલો તો હક બને તમારો હો..." કહી પ્રિયા એ પાણી આપ્યું.
" થેંક્યું, એકચ્યુલી મારે એક દીકરો છે સ્મિત. એના માટે કોઈક સારી સ્કૂલ જોવી છે, હવે અહીંયા મારા માટે બધું નવું છે. કાલે તમારી દીકરી ને મે જોઈ તો થયું કે એની સ્કૂલમાં જ સ્મિતનું એડમિશન કરાવી આપુ." શ્રેયા બોલી
"હા, પિહુ ની સ્કૂલ ખરેખર બહુ સારી છે એવું લાગે તો હું તમારી સાથે કાલે આવીશ. આપણે કાલે જ તમારા સ્મિતનું એડમિશન કરવી લઈએ."
"થેંક્યું સો મચ... તમે મારો એક બહુ મોટો પ્રશ્ન હલ કરી દીધો. પિહુ કયા સ્ટાન્ડર્ડમાં છે ?"
" એ ફોર્થ ક્લાસમાં છે."
" અરે વાહ... સ્મિત પણ ફોર્થ ક્લાસમાં જ છે. સારું બંને સાથે હોય તો આપણે ચિંતા ઓછી, સારું ચાલો હું જાવ હવે મારે પણ ઘણું કામ છે બધું સેટ કરતા વાર લાગે ને"
"હા, તમારે કંઈ પણ મદદ જોઈએ તો ચોક્કસ કહેજો, મને તમારી ફ્રેન્ડ જ માનજો."
"હા ચોક્કસ" કહીને શ્રેયા પોતાના ઘરે જતી રહી.
પ્રિયા જમીને પોતાના કામમાં લાગી અને પિહુ હોમવર્ક કરવા બેસી ગઈ હતી. પ્રિયા ફ્રી થઈને શ્રેયાના ઘરે એને સમાન ગોઠવવામાં મદદ કરવા ગઈ હતી. બંને વચ્ચે ઘણી બધી વાતો થવા લાગી હતી. એકબીજા ને જાણે વર્ષોથી ઓળખતી હોય એમ પાક્કી સહેલીની માફક હસતી અને મજાક કરતી હતી.
" એક વાત કહું, પિહુના પપ્પાનું નામ પણ સ્મિત છે. આ તો એક સંયોગ કે'વાય નહિ..., સ્મિતના પપ્પા શું કરે છે ?" પ્રિયા સામાન ગોઠવતા બોલી
"સ્મિતના પપ્પા અને મારા ડિવોર્સ, અમારા લગ્નને બે વર્ષ પછી જ થઈ ગયા હતા. " શ્રેયા થોડી ઉદાસ થઈને બોલી
"ઓહ ! આઈ એમ સોરી, મને ખ્યાલ ન હતો." પ્રિયા એ માફી માંગી
"અરે ઇતસ ઓકે તમને ખબર ન હતી. અને આ તો નસીબની વાત છે એમાં ક્યાં આપણું ચાલવાનું છે..."
"હા, પણ તમારી ઉંમર તો ઘણી નાની છે. તમે બીજા લગ્ન કેમ ના કર્યા ?"
"હું હવે મારા સ્વાભિમાન ને કોઈને ઠેસ પહોંચાડવા દેવા નથી માંગતી.... બધા કહેતા હતા કે એક વાર બાળક થઈ જાય એટલે એ સુધરી જશે, અને હું એ આશા એ સંબંધ નિભાવતી રહી, કેટકેટલાય અત્યાચારો સહેતી રહી, પણ અંતે સમજાયું કે સ્વાભિમાન અને આત્મસન્માન ખોઈ ને સંબંધ નિભાવવા કરતા સંબંધ ખોઈને સ્વાભિમાન થી જીવવું વધારે સારું છે." શ્રેયાની આંખોમાંથી આંસુ સરી પડ્યા પણ એના હોઠ પર એક અદ્ભુત સ્મિત હતું જે કદાચ એના આત્મસન્માન નું હતું.
"હા એકદમ સાચું કહ્યું, કોઈક ભાગ્યશાળી હોય છે જે તમારી જેટલી હિંમત કરી શકે બાકી વધારે તો સ્ત્રીઓ ફક્ત પુરુષોના માનસિક અને શારીરિક ત્રાસ ને સમાજના ડરથી સહન કરતી રહે છે, પણ હવે તો બધી સ્ત્રીઓ અનુપમા બની ગઈ છે નહિ ! શું કેવું તમારું ?..." કહીને પ્રિયા હસી પડી
" હા કેમ નહિ.... વી આર ઓલ લેડી અનુપમા" કહી ને શ્રેયા પણ ખૂબ હસી.
બંને વાતો કરતી હતી અને ખૂબ જ હસતી હતી ત્યાં જ પિહુ બોલવા આવી, " પપ્પા ઘરે આવી ગયા ચાલો મમ્મી"
પછી પ્રિયા ઘરે જતી રહી.
"કઈ બહેનપણી સાથે મારી ચુગલી કરતી હતી ?" સ્મિત હાથ ધોતા બોલ્યો
" એ તમારે શી પંચાત ?" પ્રિયા ઘરમાં આવતા બોલી
"એ સારું હો, હવે જલ્દી તૈયાર થઈ જાવ, આજે આપણે બહાર ડિનર માટે જવાનું છે. આજે મારી એક ડીલ ફાઈનલ થઈ છે તો પાર્ટી...." સ્મિત હાથ લૂછતાં બોલ્યો
"વાહ પપ્પા... આજે તો મજા પડી ગઈ...." પિહુ સ્મિતને ભેટીને બોલી.
બધા બહાર જમીને ઘરે પરત આવી ગયા હતા.
" પપ્પા હવે દિવાળી ને ફક્ત એક અઠવાડિયાની જ વાર છે તમે કાલે ફટાકડા લઈ આવજો હો" પિહુ સોફા પર બેસતા બોલી.
"હા, અને થોડાક વધારે લઈ આવજો, આપણા સામેના ફ્લેટ પર એક નવા પાડોશી આવ્યા છે એમનો દીકરો સ્મિત પણ પિહુ જેવડો જ છે, તો એના માટે પણ લઈ આવજો. બિચારા ને પપ્પા નથી અને એના મમ્મી કૉલેજમાં પ્રોફેસર છે તો કદાચ એમને સમય ના મળે." પ્રિયા એ કહ્યું.
" હા ચોક્કસ લઈ આવીશ" સ્મિત એ જવાબ આપ્યો.
અમને આમ થોડા દિવસો જતા રહ્યા. દિવાળીની રાતે બધા નીચે એપાર્ટમેન્ટમાં ફટાકડા ફોડવા ભેગા થયા હતા. પ્રિયા અને શ્રેયા સ્મિત અને પિહુ સાથે ફટાકડાની મજા માણી રહી હતી ત્યાં જ સ્મિત ઘરેથી નીચે આવ્યો.
"સ્મિત આ છે શ્રેયા, આપણા સામેના ફલેટ પર રહેવા આવેલા આપણા નવા પાડોશી" પ્રિયાએ સ્મિતને શ્રેયા સામે લઈ જઈને પરિચય આપ્યો.
સ્મિત અને શ્રેયા બંને એકબીજા સામે એકી નજરે જોઈ રહ્યા હતા. બંનેના ધબકારા અચાનક પૂરપાટે દોડવા લાગ્યા, જાણે બંને વર્ષો પછી એક ચહેરાની તલાશ માં હતા ને એ અચાનક સામે આવી ગયો. બંને એકદમ સ્તબ્ધ થઈ ગયા, અને એકી સાથે ભૂતકાળમાં ધકેલાઈ ગયા.
***
"સાચે જ તું આ દિવાળી એ ઘરે નથી જવાની ?" સ્મિત કૉલેજથી ઘર તરફ જતા બોલ્યો
"હા, આ વખતે દિવાળીની બે જ દિવસની રજા છે, અને ત્યારપછી કૉલેજ રેગ્યુલર. તો કેમ જવું ?" શ્રેયા પણ સાથે ચાલતા બોલી
"તું એક કામ કર મારા ઘરે આવતી રહે. આમ પણ મમ્મી એ કહ્યું છે તને ઘરે આવવાનું"
"હા, આવીશ પણ આજે સાંજે તું મને હોસ્ટેલથી તેડી જજે અત્યારે મારે થોડું લખવાનું છે તો પૂરું કરી નાખું"
"ઓકે ગુડ, સારું મળીયે ત્યારે સાંજે, બાય" કહીને સ્મિત શ્રેયાને હોસ્ટેલ મૂકી ઘરે જતો રહ્યો.
ઘરે જઈને સ્મિત ફ્રેશ થઈને દિવાળીની તૈયારીમાં મમ્મીની મદદમાં લાગી ગયો હતો, અને બીજી તરફ શ્રેયા પોતાનું લખવાનું કામ કરવા લાગી હતી. નક્કી થયા મુજબ શ્રેયાને સાંજે પાંચ વાગ્યે સ્મિત પોતાના ઘરે લઈ આવ્યો હતો. પછી શ્રેયા પણ સ્મિતના મમ્મીની કામમાં મદદ કરવા લાગી હતી. આમ તો શ્રેયા અવારનવાર સ્મિતના ઘરે આવતી રહેતી, કારણ કે શ્રેયા અમદાવાદ હોસ્ટેલમાં રહીને સ્મિત સાથે ભણતી હતી. એના મમ્મી અને પપ્પા અમરેલી રહેતા હતા.
તે દિવાળીની રાતે બધા ફટાકડાની મજા માણી રહ્યા હતા, સ્મિત અને શ્રેયા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પણ એના પરિવારને ફક્ત એટલીજ ખબર હતી કે બંને બહુ સારા ફ્રેન્ડ છે. શ્રેયા તો સ્મિત સાથે આજીવન રહેવા માગતી હતી. એ જ્યારે પણ સ્મિતના ઘરે જતી તો એને એમજ લાગતું કે તે પોતાના સાસરે જાય છે. ખૂબ સંસ્કારી અને વિનમ્ર સ્વભાવની શ્રેયા સાથે સ્મિત અને ઘરના બધા સભ્યને પણ ખૂબ આનંદ મળતો.
"સ્મિત ધ્યાનથી હો જોજે અડી ન જાય" સ્મિતના ફટાકડા ફોડવા જતા શ્રેયા એ કહ્યું
"અરે, કંઈ નહિ થાય માય ફ્યુચર વાઇફ" સ્મિત એ આંખ મારતા કહ્યું
"શટ અપ યાર, કોઈ સાંભળી જશે..." શ્રેયા થોડીક શરમાઈને બોલી
"તું આટલી ચિંતા કરે તો મારાથી બોલાઈ જાય લે"સ્મિત થોડો હસ્યો.
ત્યાંજ શ્રેયાના ફોન પર કૉલ આવ્યો અને એ બહારના અવાજમાં કઈ સંભળાતું ન હોવાથી અંદર ઘરમાં જતી રહી હતી. ફોન મુક્યા પછી શ્રેયાની આંખમાં આંસું ની ધાર વહેવા લાગી એ પોતાની જાતને સંભાળી શકે એમ ન હતી જાણે શું થઈ રહ્યું છે એની એને કંઈ જ ખબર ન હતી. ત્યાં જ સ્મિત અંદર આવી ગયો...
"શ્રેયા શું થયું, કેમ આમ રડે છે ?, કોનો કૉલ હતો ? તું એક મિનિટ અહીંયા બેસ હું પાણી લઈ આવું" સ્મિત એ શ્રેયાને સંભાળીને સોફા પર બેસાડી
"લે પાણી પી લે અને હવે કે શું થયું ?" સ્મિત એ શ્રેયાને પાણી પીવડાવ્યું
"મમ્મીની તબિયત બહુ ખરાબ છે, પપ્પાનો ફોન હતો, ઈમરજન્સી છે, મારે અત્યારે જ નીકળવું પડશે...." આટલું માંડ બોલાયું કે શ્રેયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી
"શ્રેયા મમ્મી ને કઈ નહિ થાય, તું ચિંતા ના કર હું તારી અત્યારે જ ટિકિટ કરાવીને તને બસસ્ટોપ મૂકી જાવ છું " શ્રેયાને આલિંગન આપતા સ્મિત બોલ્યો
શ્રેયાને સ્મિત બસ સ્ટોપ મૂકવા ગયો, શ્રેયા હજુ રડી રહી હતી છેલ્લે એ સ્મિતને ભેટીને ખૂબ રડી જાણે એની એ છેલ્લી મુલાકાત હોય, જાણે હવે એ ભવોભવ મળવાના જ ના હોય.
શ્રેયા અમરેલી પહોંચી પછી એને ખબર પડી કે એના લગ્ન નક્કી થઈ ગયા હતા, એના મમ્મી ની છેલ્લી ઈચ્છા હતી કે એ શ્રેયાના લગ્ન જુવે માટે શ્રેયાના પપ્પાના મિત્રના દીકરા સાથે બે જ દિવસમાં શ્રેયાના લગ્ન કરી દેવાયા અને લગ્ન પછી એક જ દિવસમાં શ્રેયાના મમ્મી મૃત્યુ પામ્યા. આ બધું એટલી જલ્દી બની ગયું કે શ્રેયા હજુ સદમામાંથી બહાર ન હતી આવી શકતી. બીજી તરફ સ્મિત ઘણા દિવસથી શ્રેયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો હતો. પણ સામે તરફ ફોન હંમેશા બંધ જ આવતો હતો. શ્રેયા કામ માં એટલી વ્યસ્ત હતી કે એને મોબાઈલ ક્યાં છે કઈ હાલતમાં છે કશી જ ખબર ન હતી.
એકાદ મહિના પછી શ્રેયા આ બધા સદમા માંથી બહાર આવી હતી, કેટલાય સમય પછી એ પોતાના સાસરે પોતાના રૂમમાં એકલી બેઠી હતી, એના મનમાં અચાનક સ્મિત આવ્યો. જોકે આટલા દિવસો માં એને ઘણી વાર યાદ કર્યો હતો, પણ એનામાં હિંમત ન હતી એની સાથે વાત કરવાની. પણ અંતે એણે નિર્ણય કરીને સ્મિતને ફોન કર્યો
" હેલ્લો, કોણ" અજાણ્યા નંબર જોઈને સ્મિત કૉલ ઉઠાવીને બોલ્યો.
"હેલ્લો" રડમસ અવાજે માંડ શ્રેયાથી બોલાયું
"શ્રેયા ! ખરેખર તું બોલે છે..., કેમ છે તું ?, ક્યાં છે ? શું કરે છે ?, મમ્મીની તબિયત કેમ છે ?, ઘરે કેમ છે બધા ?....." સ્મિત આકુળવ્યાકુળ થતાં બોલ્યો
શ્રેયાને સમજ ન હતી પડતી કે એ શું બોલે, એનો સ્મિત, એનો પ્રેમ જાણે એક મહિનામાં તો સ્વપ્ન બની ગયો હતો, જેની સાથે જિંદગી જીવવાની કસમો ખાધી હતી એ આજે ફક્ત ભૂતકાળ હતો. શ્રેયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.
" શ્રેયા શું કામ રડે છે ? શું થયું ? કઈક તો બોલ... હું કેટલા સમયથી તારા ફોનની રાહ જોઈ રહ્યો હતો. " સ્મિતથી પણ આગળ ન બોલાયું એની આંખો પણ રડવા લાગી.
"સ્મિત, મારા લગ્ન થઈ ગયાં છે, મમ્મીની છેલ્લી ઈચ્છા હતી કે એ મારા લગ્ન જોવે, એટલે હું દિવાળીની રાતે અહીંયા પહોંચી ત્યારે બધું તૈયાર હતું, અને મારા લગ્ન પછી બીજે જ દિવસે મમ્મી મને છોડી આ દુનિયા છોડીને જતા રહ્યા..... સ્મિત, મને માફ કરજે હું મારા એકેય વચન ના નિભાવી શકી...." શ્રેયા થી વધારે જોરથી રડાય ગયું.
" શ્રેયા .... પ્લીઝ યાર, સાચું કે ને આવી મજાક નહિ કર, હું મરી જઈશ...."
"સ્મિત શટ અપ, એવું નહિ બોલ, અને આ હકીકત છે જેને તારે અને મારે બંનેને સ્વીકારવાની છે. સ્મિત, તે કહ્યું હતું ને કે તું હંમેશા મારો સાથ આપીશ, હંમેશા મને પ્રેમ કરીશ.... તો આ આપણા પ્રેમની પરીક્ષાનો સમય છે જેને આપણે સાથે મળીને પાર કરવાની છે. કદાચ આપણો સાથ અહીંયા સુધીનો જ હશે. પણ આપણા પ્રેમને કોઈ અલગ નહિ કરી શકે હે ને ?...." શ્રેયા પોતાની જાત અને સ્મિતને સમજવાનો પ્રયાસ કરી રહી હતી.
"હા, શ્રેયા તને પણ ખબર છે કે આપણે એકબીજા વગર રહેવાની કલ્પના પણ ન કરી શકીએ. તું મને અને પોતાને સમજાવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી છે, પણ એક વાત ચોક્કસ કહીશ આપણો પ્રેમ એટલો નબળો નથી કે આપણા શરીર અલગ થવાથી પ્રેમ ઓછો થાય, નહિ એ અવિરત છે અને એમ જ રહેશે. શ્રેયાને સ્મિત ચાહે છે અને જિંદગીભર ચાહશે. એમાં કોઈ શંકા નથી....." સ્મિત આ ફક્ત બોલી રહ્યો હતો ખરેખર તો એનું હૃદય ચીસો પાડી પાડી ને રડી રહ્યું હતું.
થોડી વાર કોઈ કંઈ જ ન બોલ્યું જાણે બંને એકબીજાને આત્માથી સાંભળી રહ્યા હતા. બંને ખૂબ રડતા હતા, બંને વચ્ચે એક પણ શબ્દની આપ લે ન હતી થતી, પણ હૃદય વચ્ચે અનેક સંવાદો થઈ રહ્યા હતા. બંને દુઃખી તો હતા જ પણ એકબીજાથી અલગ થવાના દુઃખ કરતા વધારે એકબીજાને જિંદગીભર ચાહવાના હતા એનો આત્મસંતોષ હતો. જ્યારે લોકો પાસે રહીને પણ સાથે એકબીજાને છેતરતા હોય, અને અહીં સ્મિત અને શ્રેયા ફક્ત સંજોગોના કારણે અલગ થઈ રહ્યા હતા બાકી એ દૂર રહીને પણ એકબીજાના હતા અને હંમેશા રહેવાના હતા.
***
એક ક્ષણ માટે બંને એક ભૂતકાળમાં જઈ આવ્યા હતા. બંને ફક્ત એકબીજાની સામુ જોઈ રહ્યા હતા, તેઓની વચ્ચે ફક્ત હાઈ હલો અને ઔપચારિક વાતો થઈ. પછી શ્રેયા અને પ્રિયા પિહુ અને સ્મિત સાથે ફટાકડા ફોડવાની મજા માણવા લાગ્યા હતા. પણ સ્મિત ઊભો ઊભો ફક્ત શ્રેયાને જોઈ રહ્યો હતો અને મનમાં વિચારી રહ્યો હતો, " શ્રેયા તે ખરેખર, તારા દરેક વચનો નિભાવ્યા.... હું જાણું છું, કે તારું હૃદય અને ધડકનો તો સતત મને પુકારે છે, પણ તે તારા દીકરાનું નામ પણ સ્મિત રાખી દીધું હવે તો તું દિવસમાં કેટલીય વાર મારું નામ લેતી હોઈશ."
"સ્મિત, આપણે ભલે પરિસ્થિતિના કારણે અલગ થવું પડ્યું પણ એટલી તો ચોક્કસ ખબર છે કે તું આજે પણ મને એટલો જ પ્રેમ કરે છે અને હંમેશા કરીશ એની પણ પૂરી ખાતરી છે. જિંદગી એ ભલે મને કંઈ ન આપ્યું પણ એક નહિ બે સ્મિત આપ્યા જે મારા માટે બધું જ છે...." શ્રેયા પણ સ્મિત સામે જોઈને મનમાં વિચારી રહી હતી.

