STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Drama Inspirational

3  

Sweta Sardhara "shwetgzal"

Drama Inspirational

વરસાદ અને તું

વરસાદ અને તું

11 mins
142

 " યાર કેટલું અંધારું થઈ ગયું છે આજ તો નક્કી આ વરસાદ આવશે જ " કાન્હા એ આકાશ તરફ જોઈને કહ્યું.

" હા યાર, લાગે તો છે કે આવશે અને ભીંજાવાની બહુ જ મજા આવશે " રાધી આકાશ તરફ જોઈ ખુબજ ખુશ થતા બોલી.

" હા તને આવશે મજા મને નહીં, આજે જ છત્રી કે રેઈન કોટ નથી સાથે અને આ લુચ્ચો વરસાદ આજે જ આવશે. " કાન્હો થોડોક ગુસ્સે થતા બોલ્યો

" શું યાર મૂડ ખરાબ કરે છે સારું ને છત્રી કે રેઈન કોટ નથી એટલે વરસાદને માણી શકીશું, વરસાદને મહેસૂસ કરી શકીશું .. તું એક વાર વરસાદને પ્રેમ કરી જો પછી જો તને પણ પલળવાની મજા આવશે ... " રાધી કાન્હાની સામુ જોઈ ને સમજાવતા બોલી.

" તું લે મજા વરસાદની મને તો ચિંતા થાય છે કે ઘરે કેમ પહોચશું " કાન્હાએ ચિંતા સાથે કહ્યું.

" હું તો મજા લઈશ જ પણ તારે પણ લેવી પડશે... મિસ્ટર બોરિંગ ક્યારેક તો એન્જોય કરી લે આ ક્ષણ ને, શું ખબર કે કલ હો ના હો " રાધી એકદમ શાહરૂખની સ્ટાઈલમાં બોલી અને જોર જોરથી હસવા લાગી.

" તું અને તારો શાહરૂખ બંને પાગલ છો એણે તો રોમેન્ટિક ફિલ્મો બનાવી બનાવી ને આજ કાલના છોકરાને બગડી નાખ્યા છે એ જેવી દુનિયા બતાવે છે ને એવું વાસ્તવિકમાં કશું નથી હોતું પણ તું નહિ સમજે, અત્યારે તો ઘરે કેમ જાશું એનું કંઈક કરીએ " કાન્હા એ રાઘી સામેથી નજર હટાવી અને આસપાસ જોવા લાગ્યો અને બોલ્યો.

" સારુ ચલ નીકળીએ તો ખરા, બસનો ટાઈમ થઈ જ ગયો છે " રાધી એ કહ્યું

બંને કોલેજથી બસ સ્ટોપ એ જવા નીકળી જાય છે અને વચ્ચે જ વરસાદનું આગમન થઈ જાય છે કાન્હો તો મોઢું બગડે છે પણ રાધી તો જાણે વરસાદમાં ખોવાઈ ગઈ છે એ તો હંમેશની જેમ આજે પણ વરસાદને મહેસૂસ કરવા લાગી છે. એના ચહેરા પર તો અદ્ભુત સ્મિત વરસાદની જેમ જ વરસે છે. જાણે વરસાદ પણ ફક્ત રાધી માટેજ ના વરસતો હોય એમ એક એક બુંદ એને પ્રેમથી ચૂમી રહી છે. વરસાદ રાધી નો જાણે પહેલો પ્રેમ હોય એમ રાધી વરસાદને પ્રેમથી વહાલ કરી રહી છે તે આંખો બંધ કરીને હાથને ફેલાવીને વરસાદને જાણે ભેટી રહી હોય તેમ પોતાને વરસાદમાં ભીંજવી રહી છે. અને રસ્તામાં જ ઊભી રહીને વરસાદને માણી રહી છે.

" રાધી પાગલ છે તું ? ચાલ જલ્દી બસ જતી રેશે અને મને આમ પલાળવું નથી ગમતું " કાન્હા એ રાધીનો હાથ પકડી ને આગળ ખેંચતા બોલ્યો.

" કાન્હા, યાર આવો મોકો ક્યારે મળે ... તું એક વાર મારી જેમ આ વરસાદ ને પ્રેમથી ભેટી તો જો કસમથી તારો પણ પ્રેમ બની જશે આ વરસાદ ... યાર આ વરસાદ માં ખુદ ને ઓગાળવાનું સુખ દુનિયા ના બધા સુખ કરતા અલગ છે આ વરસાદ ની તો હું હંમેશા આઠ મહિના રાહ જોવ છું અમારો લોંગ ડિસ્ટન્સ લવ આજે પૂરો થયો છે આ મોસમ નો પહેલો વરસાદ છે તું આમ ઉતાવળ ના કર, મને મન ભરી ને મળી તો લેવા દે મારા પ્રેમ ને, મારા વરસાદ ને ... " એટલું કહી ને રાધી ફરીથી આંખો બંધ કરી હાથ ફેલાવી વરસાદ ને માણવા લાગી.

" આ નહીં સુધરે હું જ ક્યાંક એવી જગ્યા ગોતું જ્યાં આનો પ્રેમ મને સ્પર્શી ન શકે " કાન્હા એ એક એવી જગ્યા જોઈ અને તે એક દુકાન ના છાપરા નીચે ઊભો રહી ગયો અને રાહ જોવા લાગ્યો કે વરસાદ ક્યારે બંધ થાય અને આ રાધી ચાલવાનું નામ લે.

 થોડીક વાર પછી વરસાદ બંધ થાય છે અને રાધી આંખો ખોલે છે અને જોવે છે તો કાન્હો ત્યાં નથી ત્યાં જ એની નજર એક દુકાન નીચે પડે છે અને કાન્હા ને જોવે છે પછી કાન્હો પણ રાધી પાસે આવે છે અને કહે છે, " તમારો પ્રેમ થઈ ગયો હવે ? તો હવે જઈએ મેડમ જી "

" હા જી થઈ ગયો ચાલો મિસ્ટર બોરિંગ " રાધી એટલું કહી ને ચાલવા લાગી.

બંને બસ સ્ટોપ પહોંચે છે તો બસ તો જતી રહી હોય, એટલે બીજી બસ ની રાહ જુવે છે, થોડીક જ વાર માં બીજી બસ આવે છે, અને બંને બેસી જાય છે, અડધી કલાક માં પોતાના ગામ માં આવી જાય છે. પછી ત્યાંથી બંને એક બીજા ને બાય કહી ને પોત - પોતાના ઘરે જતા રહે છે.

બંને એક જ ગામમાં રહે છે અને એના ગામથી થોડે દૂર શહેરમાં કોલેજ કરે છે. બંને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. બંને ની મિત્રતા તો આખી કોલેજ જાણે છે. બંને પાક્કા દોસ્ત છે. એક બીજા વગર ક્યારેય કોલેજ ના જાય હંમેશા જ્યારે જોવો ત્યારે સાથે જ હોય. પણ બંને નો સ્વભાવ સાવ અલગ.

રાધી બિંદાસ છોકરી છે. એના હોઠ હમેશાં એક સ્મિત વેરતા જ હોય છે જીવનની એક એક ક્ષણ એ ખૂબ જ આનંદથી જીવતી હોય છે. એના જીવનમાં સમસ્યાઓ નથી એવું નથી પણ એ સમસ્યા ને પોતાની ખુશી માથે ક્યારેય હાવી ના થવા દેતી. હંમેશા સમસ્યાનો ઉકેલ હસ્તા હસ્તા જ લાવી દે . સાથે સાથે એના શાહરૂખની ફિલ્મો તો એનો જીવ ... કોઈ પોતાને કંઈ પણ કહી દે તો ચાલે પણ શાહરૂખ ને કંઈ જ નહીં કેવાનું.. એનું હમેશાં કંઈક ને કંઈક એટલું ખાસ હોયજ કે એની જગ્યા એ બીજું કંઈ નહીંં ...પ્રિય મીઠાઈ માં સોનપાપડી, પ્રિય ગીત ખામોશિયા..., પ્રિય ફિલ્મ મહોબતે, પ્રિય અભિનેતા શાહરૂખ, પ્રિય વિષય ગણિત, ...... દરેક જગ્યા એ એનું એક પ્રિય તો હોય જ કોઈ સ્થાન, કોઈ વસ્તુ, કે કોઈ વ્યક્તિ.

તેનાથી તદ્દન વિરુદ્ધ કાન્હો એક સિરિયસ છોકરો પોતાની લાઈફ, પોતાના ગોલ બધું ફિક્સ હંમેશા ટાઈમ ટેબલ પ્રમાણે જ ચાલે. કારણ વગર કોઈ સાથે વાત ન કરે, ફિલ્મ માં તો જરાય રસ નહીં, ગીત તો ભાગ્યે જ ક્યારેક સાંભળે, અને એકાંત વધારે પ્રિય બસ એની એક ડાયરી માં હંમેશા કંઈક ને કંઈક લખ્યા કરે આ ડાયરી એ ક્યારેય રાધી ને પણ વાચવા ના આપે ખબર નહિ શું લખતો હોય, હંમેશા બધાને મદદ કરે જ્યારે પણ કોઈક ને જરૂર હોય તો મદદ માટે આગળ જ હોય એની એક જ દોસ્ત રાધી બાકી કોઈ છોકરીઓ સાથે ક્યારેય કંઈ વાત ના કરે છોકરા મા પણ બીજું કોઈ દોસ્ત નહીં.

 બીજે દિવસે બંને બસ સ્ટોપમાં મળે છે.

" હેલ્લો કાન્હા ..... " કાન્હા ને જોઈ ને એટલું માંડ બોલી કે રાધી ને છીક આવી.

" કીધું જ હતું કે પલળવાનું રેવાદે પણ નહિ, માને કોણ, ખબર જ છે કે દર વખતે વરસાદ તને શરદી આપી ને જ જાય છે તોય પલળે, પાગલ... " કાન્હા એ થોડાક ગુસ્સે થતા કહ્યું

" અરે યાર આ તો મારા વરસાદ નો પ્રેમ છે . કે જે એ ગયા પછી મને એની નિશાની આપી ને જાય છે ... રેવા દે તું નહીં સમજે કે પ્રેમ શું છે ... પ્રેમ માં તો પોતાને ભૂલી જવાય... યાર પ્રેમ માં ક્યારેય કંઈ વિચાર ના આવે પ્રેમ પામવાનું નહીં આપવાનું નામ છે ... હું પણ શું કોની સામે બોલું છું... છોડ ચલ બસ આવી ગઈ બેસી જઈએ." રાધી બસ તરફ આગળ વધી

   બંને બે ની સીટ માં બેસી જાય છે " તું સોંગ સાંભળીશ ? " રાધી એ ઈયરફોન નું એક સ્પીકર કાન્હા તરફ લંબાવતા કહ્યું

" ના પાડીશ તોય તું પરાણે કાન માં ઘુસેડવાની જ છો... તો શું પૂછે છે ચાલુ કરી દે તારા બક્વાસ શાહરૂખ ના ગીત " કાન્હા એ એની હંમેશા ની આદત ને યાદ કરતા કહ્યું

" હા એ તો તું જ્યાં સુધી સાથે રહીશ ત્યાં સુધી તકલીફ તો રહેશે જ હો " આટલું કહી ને રાધી એ કાન્હા ના કાનમાં એક સ્પીકર લગાવી દીધું.

થોડીક વાર માં બંને કોલેજ પહોંચી ગયા બધા લેક્ચર એટેન્ડ કર્યા અને પછી કોલેજથી બહાર નીકળવા જતા જ હતા કે આજે ફરીથી વરસાદ આવ્યો.

" યાર આજે તો હું રેઈન કોર્ટ લઈ ને આવ્યો છું ભલે આવે વરસાદ " કાન્હા એ ખુશ થતા કહ્યું

" સરસ લ્યો, તું અત્યારે ભલે વરસાદમાં ના ભીંજાય પણ એક દિવસ તું વરસાદમાં મારી જેમ જ ખોવાઈ જઈશ, જોજે ત્યારે તું મને બહુ જ યાદ કરીશ... " આટલું કહી ને રાધી આગળ ચાલવા લાગી.

" હું અને આ વરસાદ માં પલળું ..... નેવર તું પલળે છે બહુ છે હો " કાન્હા એ પણ રાધી સાથે ચાલતા કહ્યું

આમ જ રોજ મજાક મસ્તીમાં જ બંને ની કોલેજ પૂરી થઈ જાય છે અને કોલેજનો છેલ્લો દિવસ આવી જાય છે.

 " યાર મને આ કોલેજ છોડી ને નથી જવું ... મને તારી બહુ યાદ આવશે યાર ... હું ક્યારેય તારા વગર રહી જ નથી તો હવે કેમ રહીશ ? હવે આપણા રસ્તા અલગ છે ... યાર...... " આટલું બોલતા બોલતા રાધી ની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા

" અરે પાગલ, આપણે ક્યાં અલગ થઈએ છીએ સાથે જ છીએ. તને જ્યારે પણ મારી યાદ આવે તો કોલ કરી દેવાનો અને જો મારો સુંદર ચહેરો જોવાની ઈચ્છા થાય તો વિડિયો કોલ કરી દેવાનો..... હંમેશા ખુશ રહેવા વાળી રાધી આજે આમ રડી રહી છે ... મને તો અજીબ લાગે છે " કાન્હા એ રાધીને નોર્મલ કરવા કહ્યું.

 આટલું સાંભળીને રાધી તો કાન્હા ને ભેટી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી કાન્હા એ પણ રાધી ને આલિંગન આપ્યું અને આજે તો એની આંખમાંથી પણ એની મંજૂરી વગર જ આંસુ વહેવા લાગ્યા બંને થોડીક વાર પછી છૂટા પડ્યા.

" ચાલ હવે ઘરે જઈએ, અને હા એક વાત યાદ રાખજે જીવન માં ગમે ત્યારે તને મારી જરૂર પડે બસ એક કોલ કરી દેજે હું ગમે ત્યાંથી તારી મદદ માટે આવી જઈશ ઓકે... રાધી બસ હવે રસ્તા અલગ છે, મંજીલ અલગ છે પણ મિત્ર તો આપણે હંમેશા રહેવાના .. હવે તો તું ફેશન ડિઝાઈનર બની જઈશ અને હું લેખન તરફ આગળ વધીશ. તું હવે તારા કરીઅર પર ધ્યાન આપજે અને ખૂબ આગળ વધે અને ખૂબ સફળતા પ્રાપ્ત કર એવી મારી દુઆ તારી સાથે છે..." કાન્હા એ રાધીનો હાથ પકડીને કહ્યું.

" હા, કાન્હા આપણા રસ્તા આજથી અલગ થાય છે બંનેનો ગોલ અલગ જ છે તો ખબર નહિ આપણે આ કોમર્સમાં કેમ આવ્યા હશું. કદાચ એક બીજા ને મળવા માટે જ આવ્યા હશું. સાચું કીધું જ્યાં પણ જઈશું આ મિત્રતા ને હંમેશા સાથે જ રાખીશું જીવનની દરેક ક્ષણ એકબીજાની સાથે રહીશું.છેલ્લા શ્વાસ સુધી આ દોસ્તીને નિભાવતા રહીશું... " રાધી પણ એક સુંદર સ્મિત સાથે બોલી

બંને હવે પોત - પોતાના ભણવા માં વ્યસ્ત થઈ જાય છે, પણ હજી જ્યારે સમય મળે ત્યારે બંને એમની મિત્રતા ને ચોક્કસ ન્યાય આપે છે .હવે તો રાધી એક ફેશન ડિઝાઈનર બની ગઈ છે, અને કાન્હો એક શ્રેષ્ઠ લેખક બની ગયો છે. ધીમે ધીમે બંને પોતાના લગ્ન જીવનમાં આગળ વધે છે ... રાધી એ એના પતિ અને કાન્હા એ એની પત્ની ને સ્પષ્ટ જણાવેલું હોય છે કે બંને પહેલેથી જ ખૂબ સારા અને પાક્કા મિત્ર છે એટલે એમનું મળવું એમની વાતો કરવી એ સ્વાભાવિક છે તો એમણે આ બંનેની મિત્રતા ને ક્યારેય ખરાબ નજરથી ના જોવી. બંને એકદમ શુધ્ધ ભાવથી જોડાયેલા હોવાથી બંને ના મળવાથી કે વાતો કરવાથી ક્યારેય તેમના લગ્ન જીવનમાં કોઈ અડચણ આવી નહીં.

 આજે ઘણા વર્ષો પછી રાધી અને કાન્હો મળે છે બંનેની ઉંમર લગભગ ૫૦ વર્ષની આજુ બાજુ થઈ ગઈ છે હવે તો બંને સાવ અલગ જ દેખાય છે. ઉંમર ના કારણે બંનેમાં ઘણો ફેરફાર સ્પષ્ટ દેખાય આવે છે.

" કેમ છો મિસ્ટર બોરિંગ " રાધી એ કાન્હા સામે હાથ લંબાવીને કહ્યું.

" એકદમ મજામાં હો તું કે તું કેમ છે" કાન્હા એ પણ હાથ મિલાવતા કહ્યું.

" હંમેશ ની જેમ જ જલસા માં, યાર આજે પણ અંધારું બહુ થયું છે નક્કી વરસાદ આવશે જ " રાધી એ આકાશ તરફ જોઈ કહ્યું.

" હા લાગે તો છે અને આજે પણ મારી પાસે છત્રી કે રેઈનકોટ નથી આ વરસાદ લુચ્ચો છે હંમેશા આવું જ કરે છે " કાન્હા એ પણ આકાશ તરફ જોઈ ને કહ્યું.

" એય મારા વરસાદ ને કંઈ નહિ કહેવાનું હો ... મિસ્ટર બોરિંગ હવે તો તમે અને તમારી કલમ બંને વૃદ્ધ થઈ ગયા છો " રાધી કાન્હા સામે જોઈને થોડું હસીને બોલી.

" હા તો મેડમ તમે પણ એટલા સુંદર નથી દેખાતા, હવે ચહેરા ઉપરની કરચલીઓ સાફ દેખાય છે" કાન્હા એ પણ જવાબ આપતા કહ્યું.

ત્યાં જ જોર જોરથી વરસાદ વરસવા લાગ્યો, બંને એક કેફે માં બેઠા છે અને બહાર વરસાદ જોઈ ને રાધી તો કેફે ની બહાર નીકળી ગઈ અને હાથ ફેલાવી ને હંમેશ ની જેમ આજે પણ પોતાના પહેલા પ્રેમ ને ભેટી ને એને ખૂબ વહાલ કરવા લાગી બીજી તરફ કાન્હો રાધી ને આમ જોઈ ને મંદ મંદ સ્મિત કરવા લાગ્યો. અને વિચારવા લાગ્યો આજે સમય અને સંજોગોની સાથે ઘણું બધું બદલાઈ ગયું છે. આ શહેર, શહેર ના લોકો, અહીંનું વાતાવરણ, અમારા બંનેની ઉંમર, અમારું જીવન, દરેક વસ્તુ અને વ્યક્તિ બદલાયા છે, પણ રાધીનો વરસાદ પ્રત્યે નો પ્રેમ આજે પણ એટલો જ શુદ્ધ અને એટલો જ પવિત્ર છે. આજે પણ એની આંખમાં આઠ મહિનાનો વિરહ પછી મળેલ એનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે ... ઘણું બધું બદલવા છતાં બે બાબતો આજે પણ એવી ને એવી જ છે વરસાદ અને તું... પછી વરસાદ બંધ થાય છે અને રાધી કેફે માં પ્રવેશે છે.

 " આજે ઘણું બધું બદલાયું પણ વરસાદ અને તું એવા ને એવા જ છો કઈ ફરક નથી પડ્યો " રાધી કેફે માં આવી ને બોલી.

" મેડમ હજી એક વસ્તુ નથી બદલાઈ ' આપણી મિત્રતા ' આપણે આજે પણ એટલા જ શુદ્ધ મિત્ર છીએ. ક્યારેય કોઈ સ્વાર્થ નહીં હંમેશા નિસ્વાર્થ ભાવથી જ જોડાયેલા છીએ. ન તો ક્યારેય તારા તરફથી કોઈ મને તકલીફ મળી છે ન તો ક્યારેય મારા તરફથી તને. યાર હવે તો માની જા કે તારો શાહરૂખ ખોટા ડાયલોગ મારે છે એક લડકા ઓર એક લડકી કભી દોસ્ત નહીં હો સકતે આપણે તો આ વાત ને તદ્દન ખોટી પાડી દીધી છે ... ખરેખર જો કોઈ છોકરો અને છોકરી આમ શુદ્ધ ભાવથી કે પવિત્ર બની ને દોસ્તી રાખે ને તો ક્યારેય કુદરત એમની દોસ્તી ને એક પણ આંચ ના આવવા દે પણ હંમેશા બધા સંબંધમાં સ્વાર્થ આવી જ જાય એટલે કુદરત સ્વીકાર ન કરે અને સંબંધ ને તોડી નાખે. બસ ભગવાન ને એટલી જ પ્રાર્થના કે તારા જેવી દોસ્ત બધા ને મળે " આટલુ કહેતા જ કાન્હાની આંખમાં આંસુ આવી ગયા.

" હા કાન્હા તે સાચું કીધું ખરેખર આપણી મિત્રતા આજે પણ એટલી જ શુદ્ધ છે તારા જેવો છોકરો કોઈ છોકરીનો દોસ્ત હોય તો ખરેખર ક્યારેય લોકો છોકરા અને છોકરીની મિત્રતાને ખરાબ નજરથી ના જોવે. તે હંમેશા દોસ્તી નિભાવી છે. ક્યારેય તે મને એવું અનુભવ જ ના કરવા દીધો કે તું એક છોકરો છે અને હું એક છોકરી. તે હંમેશા મને સમજી, આપણી મિત્રતા ને સમજી, મારી લાગણીઓને સમજી, અને હંમેશા એક શુદ્ધ સંબંધ નિભાવ્યો. ક્યારેય તે આપણી વચ્ચે બીજી કોઈ બાબત ને આવવા જ ન દીધી. ઘણા બધા મિત્રો પછી પ્રેમમાં પડી જાય અને પછી છૂટા પડી જાય, ન તો પ્રેમ પામી શકે અને ન તો મિત્રતા. હું બહુ ખુશનસીબ છું કે મારા જીવનમાં તું મારો મિત્ર છે." આટલું કહીને રાધી કાન્હાને ગળે વળગી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama