STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Romance

4  

Sweta Sardhara "shwetgzal"

Romance

આત્મીય મિલન

આત્મીય મિલન

6 mins
350

પવનની ધીમી ધીમી લહેરો હૃદયને ક્યાંક ઊંડે સુધી સ્પર્શી રહી હતી. સંધ્યાનો આછો અજવાસ મનના ખૂણે પડેલી સુંદર યાદો પર ચોખ્ખો પ્રકાશ નાખી રહ્યો હતો. આ એજ સૂર્ય જે બપોરે લાવાની જેમ ધગધગતો હતો અને સંધ્યા સમયે અત્યંત શાંત અને શીતળ બની આછા લાલ રંગથી આખા આકાશને પ્રેમના રંગથી તરબતોળ કરી રહ્યો હતો. આખા આકાશમાં લાલિમા છાવાઈ ગઈ હતી, આ દ્રશ્ય અત્યંત મોહક અને સૌંદર્યનો ખજાનો લાગી રહ્યું હતું એ લાલિમા માં જાણે એનો અહેસાસ આવીને એક સુંદર આલિંગન આપી ઋચાના શરીરને પ્રેમથી ભીંજવી રહી હતી.

આ એકાંત એની યાદ સાથે મળીને મહેફિલ કરી રહ્યુ હતું. એનો પ્રથમ સ્પર્શ, એની વાતો, એના વચનો, એની રમત, એનું હાસ્ય, એના આંસુ, એની તકલીફ.... કેટ કેટલુંય ઋચાની રગે રગમાં દોડી રહ્યું હતું. આ ઋચાની મનપસંદ જગ્યા હતી. જ્યાં ઋચા મહિનામાં એકાદવાર સમય કાઢીને પોતાની જાત, અરે ના ઋચા પોતાની તો ક્યાં રહી જ હતી એ તો સમીરને મળવા આવતી જે ઋચાની આંખો, હોઠ, દરેક અંગ, શ્વાસની મહેક, હૃદયની ધડકન અને આત્મામાં સમાયેલો હતો. ઋચા એ ભૂતકાળના સૌદર્યને માણી રહી હતી. એ જીવન જેને એણે મન ભરીને જીવી લીધું હતું. જ્યાં ફક્ત ઋચા અને સમીર એક બીજાના હતા. એ સબંધ ઋચાના જીવનનો સૌથી સુંદર સંબંધ હતો. એ વધારેને વધારે પાછળની યાદોમાં ખોવાઈ રહી હતી.

  * * *

"હું ક્યારની અહી રાહ જોવ છું અને તું અત્યારે આવે છે" ઋચા એ થોડુ નારાજ થતાં કહ્યું

"અરે યાર કામમાં હતો" સમીરે જવાબ આપતા કહ્યું

"સારું બેસ હવે, અને ચા મંગાવ"

"ઓકે" કહીને સમીરે બે ચા મંગાવી

"યાર, આપણી આ છેલ્લી મુલાકાત છે, આ કેફે તો જાણે હવે પોતાનું લાગે છે, અહી આપણી કેટલી બધી યાદો જોડાયેલી છે, નહિ..." ઋચા થોડી ઉદાસ થઈ ગઈ

"હા યાર ખરેખર આ કેફે અને તું ક્યારે મારા જીવનનો એક ભાગ બની ગયા ખબર જ ના રહી" સમીર પણ થોડો ઉદાસ થઈ ગયો

"તને યાદ છે આપણી પહેલી મુલાકાત અને મારો ઓફિસનો પહેલો દિવસ"ઋચા કંઇક યાદ કરતા બોલી

"એ તો ક્યારેય નહિ ભૂલાય, કેટલા જોરથી ટકરાયા હતા, નહિ.... , સમીર ભૂતકાળમાં બનેલી એ ઘટના યાદ કરીને થોડો હસ્યો "શરૂઆતમાં હું બહુ બોલતો નહિ કોઈ સાથે, અને તું પણ મારા જેવી જ હતી કદાચ એકાદ મહિનો તો આપણે સાવ અજાણ જ હતા. પછી એક પ્રોજેક્ટ સાથે કરવાનો હોવાથી પરિચય થયો અને આ પરિચય આજે હૃદયનાં સંબંધ સુધી લઈ આવ્યો" 

"હા અને આજે આ સંબંધની છેલ્લી મુલાકાત, પણ ફક્ત શરીરની બાકી આપણા હૃદય તો એક જ છે અને હંમેશા સાથે જ રહેશે. ખુદ ઈશ્વર પણ આવીને આપણને અલગ નહિ કરી શકે... પણ યાર, આ તે કુદરતનો કેવો નિયમ છે જેને જીવનમાં સૌથી વધારે ચાહતા હોય એનાથી જ અલગ થઈ જવાનું..." ઋચાની આંખો ભીની થઈ ગઈ

"અરે ઋચા, આ તારો અને મારો બંનેનો નિર્ણય છે ને. તો પછી ઉદાસ શા માટે થાય છે, મે આ નિર્ણય ફક્ત તારા ભવિષ્ય માટે લીધો છે. તને ભવિષ્યમાં જરાય તકલીફ ન પડે એટલે. બાકી મને પણ મારું હૃદય મંજૂરી નથી આપતું કે એક ક્ષણ પણ તને દૂર જવા દવ." સમીરે ઋચાનાં હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું સમીરની આંખો પણ થોડી ભીની થઈ ગઈ.


"હા સમીર, જાણું છું કે તારા માટે હું શું છું. મે તો ફક્ત દોસ્તી કરી હતી, મને ખબર જ હતી કે તારા લગ્ન થઈ ગયાં છે પણ શું કરું યાર, આ હૃદયને તો કોઈ બંધન નડતા જ નથી ને. હૃદય થોડી કંઈ જોઈ શકે છે, એણે તો બસ એક સમીરને ચાહ્યો છે, એણે તો બસ એક સમીરને પોતાનો માની લીધો છે, એણે તો બસ સમીરને પોતાનો જીવ બનાવી લીધો છે." ઋચાથી આગળ એક પણ શબ્દ ના બોલાયો, એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી

સમીર પોતાની ખુરશી પરથી ઊભો થઈને ઋચાની બાજુમાં બેસીને એને આલિંગનમાં લીધી સમીરને ખબર જ હતી કે આજે એના લાખ પ્રયત્ન છતાંય એ ઋચાના આંસુને નહિ રોકી શકે અને પોતાના હૃદયને પણ નહિ.

"ઋચા બસ યાર, ખબર છે કે તું ક્યાં દર્દમાં છે મને પણ તકલીફ થાય છે પણ શું થઈ શકે ? આ કુદરતે આપણને એક બીજાના નસીબમાં લખ્યા છે છતાંય નથી લખ્યા એવું લાગે છે. મારા તો લગ્ન થયા એને ઘણો સમય થઈ ગયો પણ હું ફક્ત જીવન પસાર કરતો હતો. લાગણી શું છે એ ખબર જ ન હતી. બસ મમ્મી અને પપ્પા એ બાંધેલ સંબંધને મારી જવાબદારી સમજીને નિભાવી રહ્યો છું. તું મળી પછી ખબર પડી કે જીવન જીવી પણ શકાય, પ્રેમ આટલો સુંદર હોય શકે, લાગણી જેવું કંઇક હોય, ખુશી, દુઃખ બધું આટલું હદે હૃદય અનુભવી શકે, તારા પ્રેમે મને જીવતા શીખવું છે, તારા પ્રેમ એ મને આઝાદ રહેતા શીખવું, તારા પ્રેમ એ મને ખુદ સાથે મુલાકાત કરાવી.. કેટલી અજીબ છે ને આ જીવનની ઘટમાળ, જેને બહુ ચાહ્યા હોય એને પામી ના શકાય અને જેને પામ્યા હોય એને ચાહી ના શકાય." સમીર પણ ઋચા ને કસકી ને ભેટીને જોર જોર થી રડવા લાગ્યો.

ઋચા આ મિલનમાં ટુકડે ટુકડા થઈને ટુટી રહી હતી, સામે સમીર પણ પોતાની જાતને ઋચામાં સમાવી રહ્યો હતો. શરીર ભલે અલગ હતા પણ આત્માનું મિલન થઈ ગયું હતું. બંનેનું આ મિલન જોઈને ઈશ્વર ખુદ આશીર્વાદ વરસાવી રહ્યા હોય એવું લાગતું હતું, જાણે બંને એકબીજા માં રહેલો ખાલીપો ભરી રહ્યા હતા, જાણે એકબીજા ને પરિપૂર્ણ કરી રહ્યા હતા. બંને આ ક્ષણને સંપૂર્ણ જીવી લેવા માગતા હતા. આ પાણી સમાન છેલ્લા આલિંગન ને બંને એકબીજા ના હૃદયમાં વર્ષોં સુધીની તરસ છીપાવવા માટે એકઠું કરવા મથી રહ્યા હતા.

બંને ઘણો સમય રડ્યા પછી અલગ થયા, હજુ તો કેટકેટલુય દર્દ હૃદયમાં ભરાયેલું હતું પણ છતાં વાસ્તવિકતાને સ્વીકારવી પડે તેમ હતી. સમીર એ ઋચા ના ચહેરાને પોતાના હાથમાં લીધો, "ઋચા તને ખબર છે ને કે મારા હૃદયમાં તારું જે સ્થાન છે એ ક્યારેય કોઈ નહિ લઈ શકે. આપણો રસ્તો અલગ છે મંઝિલ અલગ છે પણ કુદરતે આપણને જેટલો સમય સાથે રાખ્યા તે આપણે મન ભરીને જીવ્યો છે. સાથે હસ્યા, રડ્યા અને જીવ્યા છી, તો પછી દુઃખી થવાની શું જરૂ ? અને તું જ કહે જે લોકો પાસે હોય છતાંય સાથે ના હોય એકબીજાને છેતરતા હોય એની કરતા તો આપણે અલગ રહીને પણ સાથે હશું. સતત એકબીજામાં ધબકતા રહીશું. ખબર નથી સાચું શું કે ખોટું શું ? હા માન્યું કે મારી પત્ની છે, પરિવાર છે પણ હું કોઈને અન્યાય નથી કરી રહ્યો, પ્રેમની પરિભાષા તો નથી ખબર પણ હા કોઈકને જિંદગીભર હૃદયમાં સાચવી રાખવી છે. અને આ પાપ હોય તો એની દરેક સજા મને મંજૂર છે. ખુદ ભગવાન શ્રી કૃષ્ણ એ પણ પ્રેમ કર્યો હતો. અને લગ્ન પણ કર્યા હતા. તો હું કોઈ જગ્યા એ ખોટો તો નથી જ ને ઋચા ?"

ઋચા એ સમીરના હાથ પોતાના ચહેરા પરથી દુર કરી સમીરના ચહેરાને પોતાના હાથમાં લીધો,"સમીર તું કોઈ જગ્યા એ ખોટો નથી આપણી ચાહતમાં ક્યાંય ખોટ નથી. આપણે કોઈના હૃદયને દુઃખી નથી કર્યા બસ એક પ્રેમ કર્યો છે જે કોઈ ગુનો નથી. અને તારા હૃદયમાં મે મારી એક અલગ જગ્યા બનાવી છે, જે હંમેશા મારી જ રહેશે. બાકી તારી પત્નીનો કોઈ અધિકાર મે નથી લીધો. તારા ઘર, પરિવાર, પૈસા આ ઉપરાંત તારા શરીર પર પણ ફક્ત ને ફક્ત તારી પત્નીનો જ અધિકાર છે જે હું ભૂલથી પણ ન લઈ શકું. બસ તું એને ખુશ રાખજે ક્યારેય તકલીફ ના આપતો એણે સાત ફેરા ફર્યા છે તારી સાથે જન્મોજનમની કસમો ખાધી છે. એટલે એને દુઃખી નહીં કરતો હો. અને રહી વાત મારી તો હું તો સંપૂર્ણ તારી છું અને રહીશ."

* * *

એ છેલ્લા શબ્દો ઋચાના મન માં વારંવાર આવવા લાગ્યા ઋચા મનોમન જ સમીર સાથે વાતો કરવા લાગી, "મે કહેલા શબ્દો તો મે નિભાવ્યા છે. તારા પ્રેમમાં જ કઈક અલગ તાકાત છે એટલે જ કદાચ આજ સુધી મારા હૃદય એ અન્ય કોઈનો સ્વીકાર નથી કર્યો. તું મને દરેક જગ્યા એ મહેસૂસ થઈ રહ્યો છે તું આ દરેક કુદરતી સૌંદર્યમાં સમાયેલો છે. હવાઓમાં વહી રહ્યો છે, આ વાદળો સાથે દોડાદોડી કરી રહ્યો છે, વૃક્ષોની ડાળખીઓમાં ઝૂમી રહ્યો છે, પક્ષીઓના કલરવમાં કિલકિલાટ કરી રહ્યો છે. સૂર્ય જેમ ધરતીમાં સંપૂર્ણ વિલીન થયો એમ તું મારામાં પુરે પૂરો સમાઈ રહ્યો છે. આકાશની લાલિમા અંધકારમાં ફેરવાઈ ગઈ પણ આ તારું અને મારુ આત્મીય મિલન અંધકારમાં પ્રકાશ ફેલાવી રહ્યું છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance