મિશા - એક સફળ સ્ત્રી
મિશા - એક સફળ સ્ત્રી
"મમ્મી, કાશ હું છોકરીની જગ્યા એ છોકરો હોત....." મિશા એ આ વાક્ય કદાચ તેના મમ્મી ને કેટલીય વાર કહ્યું હતું.
"બેટા, અમુક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી, તું છોકરી છે એ કુદરતની બહુ ઊંચી કરામત છે. છોકરા કરતા હંમેશા છોકરી ઊંચી ગણાય છે, સમજી ! ચાલ હવે વાતો ઓછી કર અને કામે લાગ." મિશાના મમ્મીએ દરેક વખતે આ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ દુઃખ એમને પણ હતું કે મિશા આટલી હોંશિયાર હોવા છતાં ઘરે રહે છે, ઘર કામ કરે છે.
મિશાના પિતા બહુ કડક સ્વભાવના હોવાથી મિશા ફક્ત પ્રાથમિક શિક્ષણ જ મેળવી શકી હતી, આમ છતાંય એ નવરાશની પળોમાં ક્યારેક ક્યારેક તેના ભાઈની ભણવાની બુકો લઈને વાંચ્યા કરતી. મિશા એક શાંત અને સમજદાર છોકરી હોવાથી તેણે પોતાના આગળના અભ્યાસ માટે પિતા સામે ક્યારેય વિરોધ ન હતો કર્યો. એણે પોતાના પિતાના નિર્ણયોને હંમેશા ખુશી ખુશી જ સ્વીકાર કર્યો હતો.
મિશા ધીમે ધીમે મોટી થઈ રહી હતી, એને જીવનમાં કંઈક કામ કરવું હતું, એને પોતાની જાત ને એક અલગ સ્તર પર લઈ જવી હતી, કોઈ પણ કામ કરવા માટે એ સતત પ્રયત્નશીલ રહેતી. પણ એ જે ગામમાં રહેતી હતી એ બહુ નાનું ગામ હતું, માટે ત્યાં કંઈક નવું કરવું એના માટે મુશ્કેલ હતું અને એમ પણ મિશાના પરિવારના લોકો પણ તેને ઘરની બહાર જવા ન હતા દેતા.
મિશાનો ભાઈ ઉચ્ચ અભ્યાસ માટે રોજ શહેર જતો, અને મિશા ને પોતાના અભ્યાસની વાતો કરતો, ઘણું બધું શીખવતો. મિશા એકવાર તેના ભાઈ સાથે મોબાઈલ જોઈ રહી હતી. એ વીડિયોમાં એક સ્ત્રી અમુક મટીરીયલથી એક સુંદર જ્વેલરી બનાવતી હતી. આ જોઈને મિશા એ તેના ભાઈ સાથે શહેરથી એવી જ બધી વસ્તુઓ લાવવા કહી અને તેનો ભાઈ બીજે દિવસે ઘણી બધી મટીરીયલની વસ્તુઓ લઈ આવ્યો. મિશા તેમાંથી રોજ ને રોજ કંઈકને કંઈક નવી જ્વેલરી બનવા લાગી, આ જ્વેલરી જોઈને તેના ભાઈ એ કહ્યું કે, "આ તો અત્યંત સુંદર ડિઝાઈન છે, તારે આનો બિઝનેસ કરવો જોઈએ." આ સાંભળીને મિશા એ તેના ભાઈના મોબાઈલ દ્વારા ઓનલાઈન એકાઉન્ટ બનાવી અને વેચાણ ચાલુ કર્યું ધીમે ધીમે ઓર્ડર આવવા લાગ્યા, અને એક વર્ષમાં તો મિશા એકલી પહોંચી ના શકે એટલા ઓર્ડર આવતા થઈ ગયા. એટલે મિશાની આસ પાસમાં તેના જેવી ઘણી છોકરીઓ હતી જે ભણવાનું છોડીને ઘર કામમાં લાગી ગઈ હતી, એ બધી છોકરીઓને મિશાએ જ્વેલરી બનાવતા શીખવ્યું અને કામ કરવાના બદલામાં પૈસા આપવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે મિશાની જ્વેલરી વધારે વેચાવા લાગી અને મિશા હાથથી બનાવતી હોવાથી વિદેશમાં પણ સ્ત્રીઓ આ જ્વેલરીને પસંદ કરવા લાગી હતી. ધીમે ધીમે મિશાની એક બ્રાન્ડ બની ગઈ હતી. હવે એ ગામની દરેક સ્ત્રી બેરોજગાર ન હતી, અને પોતે પગભર હતી. અને એ ગામની દરેક સ્ત્રી આજે કોઈ પુરુષ પર નિર્ભર ન હતી.
મિશા ભલે પોતે ભણી ના શકી પણ આજે તે એક સફળ વ્યાપારી સ્ત્રી છે અને સાથે સાથે અનેક સ્ત્રીઓને રોજગારી આપનાર સ્ત્રી છે.
