એક નિર્ણય
એક નિર્ણય
"જય શ્રી કૃષ્ણ" મહેશભાઈએ ઘરમાં પ્રેવશતા કહ્યું
"અરે આવો આવો.... જય શ્રી કૃષ્ણ" સામે સ્વાગત કરતા ધવલભાઈ એ કહ્યું
"કેમ છો બધા ?" બીજા વડીલોને પ્રણામ કરીને મહેશભાઈ ઘરની અંદર પહોંચીને બોલ્યા
"અરે એકદમ મજામાં હો, બેસો બેસો" ધવલભાઈ સોફા તરફ ઈશારો કરીને બોલ્યા
મહેશભાઈ એમના ભત્રીજા અનિકેતની સાથે સોફા પર બેસી ગયા. ધવલભાઈ, એમના પિતાજી, એમના બેભાઈઓ અને એમનો પુત્ર બધા સાથે બેઠા. પછી મહેશભાઈએ બધા સામે અનિકેતનો પરિચય કરાવ્યો. અનિકેત અને બીજા બધા વચ્ચે એક ઔપચારિક પ્રણામ અને સ્મિતની આપ લે થઈ. પછી મહેશભાઈ અને બીજા બધા, સંબંધીઓની વાતો કરવામાં વ્યસ્ત થયા. પરંતુ અનિકેતની બે આંખો જાણે એક ચહેરાને શોધી રહી હતી, એણે આખા ઘરમાં આમ તેમ નજર ફેરવી. જે ચહેરો ગઈકાલે એણે એક તસ્વીરમાં જોયો હતો, એ ચહેરાનું સૌદર્ય જોવા એનું હૃદય અત્યારે તલપાપડ થઇ રહ્યું હતું.
ત્યાં જ પૂર્વા પાણી લઈને આવી રહી હતી. એની ચાલ જાણે હરણની ચાલને પણ પાછી પાસે એટલી સુંદર અને મોહક હતી, એણે સાદા સલવાર કમીઝ પહેર્યા હતા, દુપટ્ટો તો એની સાદગી અને સૌદર્યને ચાર ચાંદ લગાડી રહ્યો હતો. આગળથી બાંધેલા અને પાછળથી વાળ ખુલા હતા. એક હાથમાં ઘડિયાળ અને બીજા હાથમાં પાતળું બ્રેસ્લેટ એના કપડા સાથે એકદમ ભળતું હતું. કપાળ પર એક નાની એવી બિંદી ભારતીય સંસ્કૃતિની પરંપરાને ઉજાગર કરતી હતી. એના હોઠનું સ્મિત તો એના સંપૂર્ણ સૌંદર્યનું કેન્દ્ર હતું. એ સ્મિતથી તો કોઈ પણ મોહિત બની જાય એટલું માદક હતું. એના બાહ્ય સૌંદર્યની જેમ જ એનું વ્યક્તિત્વ એના આંતરિક સોદર્યનું પ્રતિબંબ આપતું હતું
અનિકેતનું હૃદય આ સૌદર્ય પરથી નજર ફેરવવાની મંજૂરી ન હતું આપતું, પણ આસ પાસના સ્વજનોને ધ્યાને લઇને અનિકેત એ આખરે એના હૃદયને સમજાવ્યું અને નજર નીચી કરી લીધી.
"જય શ્રી કૃષ્ણ બેટા" મહેશભાઈ એ પાણીનો ગ્લાસ લેતા કહ્યું
"જય શ્રી કૃષ્ણ" પૂર્વા હળવા સ્મિત સાથે બોલીને આગળ વધી
અનિકેત પાસે પહોંચી. અનિકેત એ પણ પાણીનો ગ્લાસ લીધો. એક ક્ષણ માટેજ પૂર્વા અને અનિકેતની નજરો મળી પૂર્વા સૌંદર્યનો ખજાનો હતી સાથે જ એનું એક અદુભૂત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ પણ હતું. જે કોઈ પણ ને આકર્ષિત કરે એવું હતું, પછી પૂર્વા જતી રહી. બધાની સ્વાભાવિક વાતચીતો ચાલુ જ હતી.
"મારા ખ્યાલથી અનિકેત અને પૂર્વા એ એકાંતમાં મળીને વાતચીત કરી લેવી જોઈએ" ધવલભાઈ એ ત્યાં બેઠેલા દરેક સ્વજનો સામે જોઈને કહ્યું
"હા હા કેમ નહિ ! "મહેશભાઈ એ પણ પોતાની હામી ભરી
અનિકેતને પૂર્વાની બહેન અંદર લઇ ગઈ, પછી પૂર્વા અને અનિકેત વચ્ચે થોડી ઘણી વાતો થઈ. અને અનિકેત વાતચીત કર્યા બાદ બહાર આવી ગયો. ચા અને નાસ્તો કરીને મહેશભાઈ વિદાય લેવા તૈયાર થયા પરંતુ ધવલભાઈ અને એના પરિવારનો ભોજન માટે ખૂબ આગ્રહ હતો. છતાં મહેશભાઈ એ કહ્યું આવતી વખતે ચોક્કસથી ભોજન કરશુ.
* * *
"શું થયું છોકરી ગમી ?" અનિકેત અને મહેશભાઈ જેવા ઘરમાં પ્રવેશ્યા કે તરતજ અનિકેતની મમ્મી એ સવાલ કર્યો
"પેલા બેસવા તો દે એમને" અનિકેતના પપ્પા બોલ્યા
"ઘર અને પરિવાર તો ખૂબ સારા છે. અને પૂર્વા પણ ખૂબ સંસ્કારી અને સમજદાર લાગી. એટલે મારી હા છે" અનિકેત એ ઘરમાં આવી બેસતા કહ્યું
"અરે વાહ... તો હું અત્યારે જ ધવલભાઈને કૉલ કરીને આપણો નિર્ણય જણાવી દવ"મહેશભાઈ ઉત્સાહિત થઈને બોલ્યા.
"હા ચોક્કસ, એમનો શું નિર્ણય છે એ જાણી પછી આપણે વાત આગળ વધારીએ"અનિકેતના પપ્પા એ પણ ખુશ થતા કહ્યું
* * *
સૂર્ય વાદળોમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા હતા. વાદળો પર સૂર્યના આછા લાલ કિરણોથી એક લાલિમા છવાઈ ગઈ હતી. આ વાદળોએ ઓઢેલી ચાદર રૂપી લાલિમા જોઈને કોઈ પણ મોહિત થઈ જાય એટલું સુંદર દૃશ્ય હતું. આ સૌદર્ય કોઈ પણના હૃદયને અત્યંત આનંદિત કરી દે એવું હતું. પણ એક હૃદય આ સૌંદર્યથી વંચિત હતું. અનિકેત એ અગાસી પર આખી રાત વિચારોના વમળોમાં વિતાવેલી હતી, પૂર્વા સાથે સંબંધ નક્કી થયો એને એક મહિનો થઈ ગયો હતો પણ અનિકેત ખુશ ન હતો. એક મહિનાથી એ સૂતો ન હતો. એના મગજ એ તર્ક કરીને પૂર્વા સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો, પણ એનું હૃદય એનો સ્વીકાર કરવા તૈયાર ન હતું. અનિકેત જાણે લાગણી શૂન્ય થઈ ગયો હોય એ રીતે સાવ મૂંઝાયેલો જ રહેતો હતો. અનિકેતને લાગતું હતું કે પોતાની કોઈ પણ લાયકાત નથી કે તે પૂર્વાનો જીવનસાથી બની શકે. પૂર્વા તો સંપૂર્ણ છે એને ના કહીને એ એને નીચી ગણવા માગતો ન હતો, પણ એના હરદયથી પૂર્વાનો સ્વીકાર થઈ શકતો ન હતો.
અંતે એક દિવસે અનિકેત એ હિંમત કરીને પોતાના પરિવારને પોતાનો નિર્ણય જણાવી દીધો. પરિવારના સભ્યો બહુ ખુશ હતા અનિકેત અને પૂર્વાના સબંધ થી, અને અચાનક અનિકેતનો આવો ના અંગેનો નિર્ણય સાંભળીને બધાને આઘાત લાગ્યો પણ બધા એ આટલા દિવસથી અનિકેત ઉદાસ છે એ પણ જોયું જ હતું એટલે દીકરાની ખુશી માટે અંતે પરિવારે પણ ના કહેવાની સમંતી આપી.
અનિકેતના પપ્પા એ પોતાના બનેવી મહેશભાઈને ફોન કર્યો અને આખી પરિસ્થિતિની જાણ કરી. સામે મહેશભાઈ પણ આ સાંભળીને ખૂબ દુઃખી થયા. છતાંય એમણે અનિકેતના પપ્પાને આશ્વાસન આપ્યું અને કહ્યું કે"તમે ચિંતા ના કરો હું ધવલભાઈ સાથે વાત કરી લઈશ એ મારા ખૂબ સારા મિત્ર છે એટલે આપણી પરિસ્થિતિને સમજશે જ. સાથે પૂર્વા ના જીવનનો સવાલ છે આપણે દબાવથી કોઈ સંબંધ બાંધી ના શકીએ."
"જય શ્રી કૃષ્ણ" મહેશભાઈ એ ધવલભાઈને ફોન પર કહ્યું
"જય શ્રી કૃષ્ણ મહેશભાઈ! કેમ છો ?" ધવલભાઈ એ ફોન ઉપાડતાં કહ્યું
"એક દુઃખદ સમાચાર છે, તમને તકલીફ આપવા માટે ફોન કર્યો છેભાઈ"
"અરે અરે એવું ના બોલો જે હોય તે સ્પષ્ટ કહો ખોટી ચિંતા ના કરો બોલો શું વાત છે ?"
"અનિકેત આ સંબંધ માટે ના કહે છે એની ઈચ્છા નથી હવે પૂર્વા સાથે લગ્ન કરવાની" મહેશભાઈ એ જાજી હિંમત ભેગી કરીને કહ્યું
"શું ! કેમ આપણે તો હમણાં સગાઈની તારીખ લેવાની છે અને આમ અચાનક શું વાંધો આવ્યો ? અમારા તરફથી કંઈ ભૂલ થઈ હોય તો કહો અમે એના માટે માફી માંગી લઈએ." ધવલભાઈ એક આઘાત સાથે બોલ્યા
"અરે ના ના ધવલભાઈ, તમારી કોઈ ભૂલ નથી અને ના તો પૂર્વાની કોઈ ભૂલ છે. અમને તો પૂર્વા જેવી સંસ્કારી અને સુશીલ દીકરી ક્યાંય મળે જ નહિ પણ અનિકેત આટલા દિવસથી મૂંઝાયેલો રહે છે. હવે તમે જ કહો પરાણે તો આપણે સંબંધો કેમ બાંધવા ? અમને પણ ખૂબ દુઃખ થાય છે આ ના કહીને. પણ દીકરા ના નિર્ણય આગળ આપણે શું કરી શકીએ ?" મહેશભાઈ બોલતા બોલતા થોડાક ગળગળા થઈ ગયા
"કંઈ વાંધો નહિ, ચાલ્યા કરે આ તો લખત અંજળની વાત છે કદાચ આપણા નસીબમાં નહિ હોય, અને તમે ચિંતા જરાય ના કરો આપણા સંબંધમાં ક્યાંય ખટાશ નહિ આવે આપણે મિત્ર હતા અને રહીશું. આ તો જીવનની ઘટમાળ છ, જેમાં તડકો અને છાયો, સુખ અને દુઃખ આવ્યા જ કરે. હા પૂર્વા આ સાંભળીને ખૂબ દુઃખી થશે કારણ એણે તો અનિકેતને એનો જીવનસાથી તરીકે સ્વીકાર કરી લીધો હતો અને એ પરિવારને, એ ઘરને પોતાનું માની લીધું હતું. પણ કદાચ ઈશ્વરની ઈચ્છા નહિ હોય બીજું શું. જેટલું જલ્દી થઇ ગયું તે સારું કર્યું."અત્યંત મોટો આઘાત લાગવા છતાં ધવલભાઈ હકારાત્મક વાતો કરીને એક આશ્વાસન આપી રહ્યા હતા.
"હા, તમારી વાત સાચી છે. કદાચ કુદરતની ઈચ્છા નહિ હોય અને એમની વિરૂદ્ધ ક્યાં કોઈ દિવસ કોઈનું ચાલ્યું છે. ઘરમાં બધાનું ધ્યાન રાખજો. અને હું આ તકલીફ બદલ તમારી અને પરિવારની માફી માંગુ છું" મહેશભાઈ થોડાક ધીમા અવાજે બોલ્યા
"અરે દોસ્ત, માફી થોડી માંગવાની હોય આ તો સારું થયું કે એટલેથી પતિ ગયું નહિ તો પછી મોટી મુશ્કેલીઓ આવે. સારું ચાલો હવે હું ઘરમાં બધાને જણાવી દવ અને તમે નિરાંતે સમય લઈને આવજો હો અને અનિકેતના માતા અને પિતાને પણ કેજો કે દુઃખી ના થાય અને અનિકેતને પ્રેમથી સમજાવે એને વધારે ખીજાય નહિ હો...." ધવલભાઈ એ ભલામણ કરતા કહ્યું
"તમારા જેવા સજ્જન માણસ ક્યાંય નથી જોયા દોસ્ત, આટલું બન્યા છતાંય વિનમ્રતા સાથે તમે વાત કરી. ખરેખર તમારો હૃદયપૂર્વક આભાર. તમે એક મોટો ભાર હળવો કરી દિધો. સારું ત્યાં બધાને મારી યાદી આપજો અને હું આ ભૂલ માટે દિલગીરી વ્યકત કરું છું. જય શ્રી કૃષ્ણ" મહેશભાઈ જાણે એક નિરાંત અનુભવતા હોય એમ બોલ્યાં
"એ ભલે ભલે... જય શ્રી કૃષ્ણ" કહીને ધવલભાઈ એ ફોન મૂકી દીધો.
અનિકેત નું હૃદય હવે એક બોજથી મુક્ત થયું હોય એવું લાગતું હતું. સામે પક્ષે પૂર્વા તો જાણે આઘાતમાં ધકેલાય ગઈ હતી, એણે તો મનોમન અનિકેતને પોતાનો માની લીધો હતો. પણ કેવાય છે ને કુદરત સામે કોઈનું નથી ચાલતું. અનિકેત મનોમન પૂર્વાની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ માફી માગતો હતો અને સાથે પોતાના મનની વ્યથા પણ જણાવી રહ્યો હતો.
માન્યું કે મારું બનવાની એમની મંજૂરી છે,
લાગણી વગર જીવનની ઘટમાળ અધૂરી છે,
હું મગજથી કેમ નિભાવું જીવનભર સંબંધ,
આ મારા હૃદયની પણ એક હા તો જરૂરી છે.
