દિવાળીની મજા
દિવાળીની મજા
અંકિતભાઈ અને રેખાબેન નિવૃત્ત જીવન પસાર કરે છે. તે એક ગામડે રહે છે. તેનાં બે પુત્રો છે. બંને શહેરમાં સ્થાયી વસવાટ કરે છે. પહેલા તો દિવાળીના તહેવારમાં ઘરે આવતા. પણ હવે તો એ પણ બંધ.
દિવાળી આવી, રોશની લાવી
અમારા જીવનમાં ખુશીઓ લાવી.
અંકિતભાઈ ઘણી વખત કહેવડાવે કે દિવાળીનો તહેવાર ઉજવવા ગામડે આવે. બધા સાથે મળીને ઉજવીએ. પણ આજકાલની પેઢીને સાથનું મહત્વ ક્યાં સમજાય છે. એને તો બસ બહાર ફરવું, ફેશન અને શહેરી ઠાઠમાઠ એજ જિંદગી.
એકવખત તેમના નાનો પુત્ર નેવિલ તેમની પત્ની અનુરાધા અને છોકરો ધૃમિલ ગામડે મનેકમને દિવાળી કરવા આવ્યા. બે દિવસમાં પાછા જતા રહીશું. અંકિતભાઈ અને રેખાબેન ખૂબ ખુશ થયા. તે આવવાના એ વાત સાંભળીને અગાઉથી તૈયારી ચાલુ કરી દીધી.
તેમના માટે જાતજાતના પકવાન બનાવ્યા. બધાં આવ્યા એટલે ઘરે સરસ રંગોળી બનાવી. નિતનવી મીઠાઈ. ખેતરે જઈ ફળ ખાધાં. ઝાડને છાંયડે હીંચકા ખાધા. શેરડી ખાધી. ગામનાં દરેક લોકોએ ખૂબ ઉત્સાહથી આવકાર આપ્યો. રાત્રે આખું ગામ એકઠું થયું. દીવડાં અને ફટાકડાની રમઝટ.
અનુરાધા અને નેવિલતો શહેરના એકલવાયા જીવનથી કંટાળી ગયા હતાં. તેમને ખૂબ મજા આવી. બધાએ નક્કી કર્યું હવે પછીની દરેક દિવાળી ગામડે બધાની સાથે જ ઉજવીશું.
ઉત્સવ આવ્યો મજાનો
રોશની લાવ્યો મજાનો
કરો રંગોળી આંગણે
પુરો સૌના જીવનમાં રંગ.
