દિપક આશ્રમ
દિપક આશ્રમ
દીપચંદ રાય અને તેમનો પરિવાર એકવાર ડુંગર પરનાં જંગલમાં ફરવા માટે ગયાં, ત્યાં તેમને આદિવાસી લોકોની મુલાકાત થઈ. ત્યારે તેઓ ખૂબ ધનવાન માણસ હતા.
ઉંચા ડુંગરો અને જંગલનો આ વિસ્તાર, આદિવાસી વિસ્તાર કહેવાતો, છૂટાછવાયા ઝૂંપડાં અને ત્યાંનાં લોકો જંગલની પેદાશો પર નિર્વાહ ચલાવતાં, આદિવાસી લોકોની બોલીને પહેરવેશ સૌથી વધું અલગ. એમણે જોયું કે અહીંના આદિવાસી લોકોની હાલત સારી નથી, તો તેમણે અહીં એક આશ્રમ ખોલવાને તેમાં બાળકોને ભણાવવાં, સંગીતનાં સાધન શીખવવાનાં, નૃત્ય શીખવાનું, રમત ગમત શીખવવી, ચિત્રકલા, હસ્તકલાનાં નમૂના બનાવવાં, જંગલમાંથી વન્ય ઔષધી, દવાઓ, લાકડામાંથી વિવિધ વસ્તુઓ, વાંસમાંથી ટોપલીઓ, સાવરણા, પંખા, વિવિધ વસ્તુઓ, મધમાખી ઉછેર કેન્દ્ર, વગેરે શરૂ કરવા અને તેમાં તેમણે આદિવાસી લોકોને રાખી કામ કરતાં શીખવ્યું અને પોતાનાં પગ પર ઊભાં રહેતાં શીખવ્યું, તેમની આવડતનો ઉપયોગ કરી તેઓ થોડા રૂપિયા કમાઈ શકે તથા નોકરી ધંધો કરી શાંતિથી, ઈજ્જતભેર જીવી શકે, તે હેતુથી નાનકડાં આશ્રમની સ્થાપના કરી.
દીપચંદ રાયે બધાના આગ્રહથી પોતાના નામને અનુરૂપ 'દિપક આશ્રમ' એવું નામ રાખ્યું. આદિવાસી લોકોનું કહેવું છે કે- "દીપચંદ રાયે સાચે જ એક દીપક જલાવી એમને અજવાળું પૂરું પાડ્યું છે, અમારી જ્ઞાતિના લોકોને ભણાવી-ગણાવી તથા અવનવું શીખવાડી બહારના સમાજમાં એક માનભેર જીવન જીવવાની પ્રેરણા અને કાબેલિયત આપી છે.".
દીપચંદ રાય કહેતા હતા કે "તું કોઈના દિલનો દીવો થા અને જીવન તારું એવું જ દિપક જેવું બનાવજે, પરકાજે બળીને તું અજવાળું આપી માર્ગ બતાવજે ".
દિપક આશ્રમમાં આજે પણ વર્ષો વિત્યા તો પણ દીપચંદ રાયના આયોજન મુજબ રહીને બધું ચાલે, આદિવાસી લોકો આજે પણ ત્યાં પોતાની રસરૂચિ મુજબ બધું શીખે અને સમાજમાં સારા હોદ્દા પર નોકરી કરે.
