Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Mariyam Dhupli

Inspirational Others


4  

Mariyam Dhupli

Inspirational Others


દિલાસો

દિલાસો

4 mins 614 4 mins 614

બેઠક ખંડમાં ત્રણ માણસોની હાજરી છતાં ઘોર સન્નાટો હતો. મારી કોલેજની પરીક્ષાઓ ટૂંકા ગાળામાંજ શરૂ થવાની હતી. વાંચવામાં જરાયે ચિત્ત લાગી રહ્યું ન હતું. ઉદાસ મને પુસ્તકના પાનાઓ ફેરવતી હું સામે બેઠા મમ્મી પપ્પાનું છૂપું નિરીક્ષણ કરી રહી હતી. મમ્મીના હાથની માળા સક્રિયપણે ગોળ ચક્કર કાપી રહી હતી પરંતુ એની દ્રષ્ટિ સામેની ભીંત ઉપર નિષ્ક્રિય એવી રીતે સ્થિર જડાઈ ચુકી હતી, જાણે કે પલકારો શું કહેવાય એ ભૂલી બેઠી હતી. પપ્પાના હાથનું સમાચાર પત્ર અંતિમ ત્રીસ મિનિટથી એકજ પાના ઉપર અટકી પડ્યું હતું. એ સમાચારપત્રમાંથી કોઈ સમાચાર એમની આંખો થકી મગજમાં ઉતરી રહ્યા હોય એની કોઈ સંભાવના ન હતી. એકબીજાની પડખે બેઠા અમે ત્રણે ત્રણ પોતપોતાના અંગત શૂન્યાવકાશમાં ભમી રહ્યા હતા.

ટાંકણી પડે એ પણ સાંભળી શકાય એવા ધીર ગંભીરતા ભર્યા શાંત બેઠકખંડમાં અચાનક એક તીણો સ્વર સંભળાયો. ભાભીના ઓરડાનું બારણું ધીમે રહી ઊઘડ્યું. વિસ્મય અને ચિંતાના મિશ્રિત હાવભાવો જોડે અમારી જડ આંખોમાં ચેતનાની લહેર હળવેથી ફરી રહી. ભાભીનો પગ ઓરડાના બહાર નીકળી બેઠક ખંડ તરફ આગળ વધ્યો. મૌન ખુશી અને સંતોષની ભાવના જોડે અમે ત્રણે ત્રણ અમારી બેઠક છોડી ઉભા થઇ ગયા. બે અઠવાડિયા પછી ભાભીનું શરીર આખરે એ શયનખંડની ચાર દીવાલો ત્યજી બહાર આવ્યું હતું. મમ્મી પપ્પાની આંખોમાં કેટલા દિવસો પછી દુઃખને હડસેલતી ખુશીની કિરણો ચમકતી હું જોઈ રહી. મારા મનનો ભાર એ ખુશી નિહાળતાંજ આછો આછો પીગળી રહ્યો. જીવનની ગાડી જે પાટા ઉપરથી અણધારી ઉતરી પડી હતી એ ધીરે ધીરે ફરીથી પાટા ઉપર આવી રહી હતી , એ વાતની મનમાં હકારાત્મક નિશ્ચિતતા બંધાઈ રહી હતી. 'હવે સૌ ઠીક થઇ રહેશે ' એ લાગણી ભાભીના બહાર આવતાજ અમારા હય્યાઓમાં ગુંજી આશાના દીપ પ્રગટાવી રહી હતી.

"સમાચાર પત્ર આવી ગયું ? " ભાભીના મંદ સ્વરમાં થાક અને કમજોરી હજી વર્તાઈ રહી હતી. પણ એ થાક અને કમજોરી સામે એ બહાદુરીપૂર્વક ઉભા તો હતા.

"હા બેટા , આવ બેસ. આ રહ્યું. "ઉત્સાહ સભર અવાજ જોડે પપ્પાએ ભાભીને સોફા ઉપર બેસાડી. સમાચારપત્ર પ્રેમથી હાથમાં થમાવ્યું. સામેના ટેબલ ઉપર ગોઠવાયેલા ભાભીના ચશ્મા મમ્મી ઝડપભેર ઉઠાવી લાવી.

"કેટલા દિવસોથી સાથે ચા નથી પીધી. હું લઇ આવ ?" ભાભીની સૂઝેલી આંખો મમ્મીનો પ્રશ્ન સાંભળી ધીમી ગતિએ ઉપર ઉઠી. ઊંડે ઉતરી ગયેલી એ આંખો આજે દિવસો પછી જીવિત થઇ હોય એવું અમને અનુભવાયું. આંખોના ઈશારા જોડેજ ભાભીએ ચા માટે હામી પુરાવી કે મમ્મીના પગ ખુશી ખુશી દિવસોથી બંધ જેવા રસોડા તરફ ઉપડ્યા.

"હું તારા ગમતા પૌઆ પણ લાઉં છું સાથે. "

"આ તકિયો જોઈતો હોય તો ..." ભાભીને બેસવામાં કોઈ અગવડ ન થાય એ માટેની તકેદારી પપ્પા હોંશે હોંશે જાળવી રહ્યા.

મારુ મન અનેરી ખુશીથી ભરાઈ આવ્યું. પણ એક પણ આંસુ હવે સારવું ન હતું. સામે બેઠા ભાભીને જોઈ એક અનેરી શક્તિ મનમાં જન્મી ઉઠી હતી. કદાચ મમ્મી પપ્પાના મનમાં પણ.

એ ક્ષણમાં અનુભવાયું કે અમે એકબીજાનો દિલાસો બની ચુક્યા હતા. એવો દિલાસો જે શબ્દો નો મહોતાજ ન હતો. જીવન તરફ ફરીથી અમે બધા એક સાથે પ્રથમ પગલું ભરી રહ્યા હતાં.

અચાનક બારણે ડોરબેલ સંભળાઈ. બારણું ઉઘાડ્યું કે સોસાયટીમાં રહેતા વંદનાબહેન બે ત્રણ અન્ય સ્ત્રીઓ જોડે ઘરમાં પ્રવેશ્યા. એમના ઊંચા સ્વરથી થોડી ક્ષણો પહેલાની ઘરની શાંતિ જડથી ભાંગી ગઈ. રસોડામાંથી મમ્મી બહાર નીકળી આવી. મમ્મીને નિહાળતાંજ વંદનાબહેન એમને ગળે વળગાડી પોક મૂકી રડવા લાગ્યા. એમના શબ્દો આખી સોસાયટીમાં પડઘો પાડી રહ્યા.

"હું તો પીયર ગઈ હતી. આજે સવારે આવીને ત્યારે જાણ થઇ. મારા પગ નીચેથી તો જાણે જમીન સરી ગઇ. હજીતો મારો સામાન પણ એમજ પડ્યો છે. બધું પડતું મૂકી હું 'દિલાસો' આપવા દોડી આવી."

સોફા ઉપર ગોઠવાઈ વંદના બહેનની નજર ભાભી ઉપર આવી ચઢી. મમ્મી -પપ્પા અને મારા હૃદયમાં એકસમાન ધ્રાસ્કો પડ્યો. ભાભીએ સમાચારપત્ર સમેટી લીધું. ચશ્માં નજીકના ટેબલ ઉપર સરકાવ્યો.

વંદના બહેનનો 'દિલાસો' આગળ વધ્યો.

"આ બિચારી એ તો હજી લગ્ન સુખ બરાબર માણ્યું પણ નહીંને ....આવી યુવાન વયે વિધવા......પણ શું કરાય ? જેવી ઉપરવાળાની મરજી. એના આગળ આપણું ક્યાં કઈ ચાલે ? આ બિચારું ગર્ભમાં ફરી રહેલું બાળક દુનિયામાં આવવા પહેલાંજ અનાથ બની ગયું."

ભાભીની સુકાયેલી આંખો ધીમે ધીમે ભીની થઇ રહી. આંખોના વહેણ જોડે એ પોતાના શયનખંડ તરફ દોડી ગઈ. ઓરડો ફરીથી અંદરથી વાંસી દીધો. મારા હાથ બારણે નિષ્ફ્ળ ટકોરા પાડી રહ્યા. ભાભીનો આક્રન્દ અસહ્ય બની ઓરડાના બહાર સુધી પહોંચી રહ્યો. મમ્મી પપ્પાની આંખો ફરીથી જડ બની રહી. મારા મનમાં સળગી ઉઠેલા આશાના દિપક એકજ ફૂંકે ઓલવાઈ ગયા.

આ બધી વાતોથી અજાણ બેઠક ખંડમાં ગોઠવાયેલા વંદનાબહેનનો દિલાસો હજી આગળ વધી રહ્યો હતો.


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Inspirational