ધૂલકા ફૂલ
ધૂલકા ફૂલ


બાળપણ એટલે નિર્દોષ આનંદ. ના એમાં છળકપટ હોય કે ના એમાં ધર્મના વાડા હોય.માઈકલ, રાજુ અને શારુખ, ત્રણે ખાસ મિત્રો. ત્રણે જ્યાં જાય ત્યાં સાથે જાય. સ્કૂલમાં, કે બગીચામાં કે ગામના છેવાડે આવેલા તળાવમાં નહાવા. આ ત્રિપુટી ગામમાં ખૂબ પ્રખ્યાત. તોફાની પણ ખૂબ જ ક્રિકેટ રમતા લોકોના ઘરનાં કાચ તોડી નાખે તો કોઈના હાથમાંથી મીઠાઈ છીનવી લે તો કોઈ બૂઢી સ્ત્રીનો સાડલો ખેંચે. પણ ગામમાં બધાં ત્રણેને ખૂબ પ્રેમ કરે.રાજુ પંડિતનો દીકરો શારુખ મૌલવીનો અને માઈકલ પ્રીસ્ટનો દીકરો, પણ એમની દોસ્તી અમર, અકબર, એન્થની જેવી.
એક દિવસ ગામમાં બળવો થયો હિન્દુ મુસલમાન એક બીજાને મારવાં દોડ્યા. આ બળવાનું મૂળ કારણ ગોધરામાં થયેલા હુમલા ને હિસાબે હતું. બિચારા ત્રણે મિત્રોને તો ખબર પણ નહીં કે શા માટે ગામ વાળા લડી રહ્યાં છે. રાજુ, શારુખ અને માઇકલના માં બાપે એકબીજાને મળવાની ના પાડી દીધી. હવે ત્રણે મિત્રો એકબીજાના વિરહમાં જીવી રહ્યાં હતા, એમ કહું તો ચાલે કે ઝૂરી રહ્યા હતા.સ્કૂલમાં એક બીજા સામે તાકી રહેતા. એક દિવસ રાજુએ એક ચિઠ્ઠી શારુખ તરફ ફેંકી. અને એક ચિઠ્ઠી માઈકલ તરફ. બંનેને તળાવ પર મળવા કહેલું.
દોસ્તો કૈક ને કૈક બહાનું કાઢી તળાવ પર પહોંચી ગયા. રાજુએ કહ્યું, આપણે ગામવાળાને સબક શીખવીએ. આપણે ઘર છોડી ભાગી જઈએ અને એક એક ચિઠ્ઠી આપણા મા બાપ માટે મૂકતા જઈએ કે આ લોકો સુલેહ નહીં કરે ત્યાં સુધી અમે ઘરે નહીં આવીએ. ત્રણે મિત્રોના ચહેરા પર રોનક આવી ગઈ. બીજા દિવસે ત્રણે બે બે જોડી કપડાં સ્કૂલબૅગમાં મૂકી પોતાના ગલ્લામાં ભેગા કરેલા પૈસા લઇ ગામ છોડી ટ્રેનમાં બેસી ગયા. રાજુના મામા સુરત રહેતા હતા. ત્યાં પહોંચી ગયા. રાજુના મામાએ શારૂખને જોઈ મોઢું બગાડ્યું પણ આટલા નાના બાળકોને ક્યાંય એકલા ના જવા દેવાય કહીને ત્રણેને પોતાની પાસે રાખી લીધા.
આ બાજુ ગામમાં ધમાલ થઇ ગઈ. ત્રણેના માં બાપ રડી રડી થાકી ગયા. સરપંચ પાસે જઈ વિનંતી કરી કે મહેરબાની કરીને આ માનવતા ઉપર જુલ્મ કરવાનું બંધ કરો.આજ અમારા બાળકો ગયા છે કાલે તમારા પણ ભાગી શકે છે. સરપંચના મગજમાં વાત ઉતરી ગઈ. ગામમાં શાંતિ સ્થાપિત થઇ ગઈ, રાજુએ મામાને પોતાના પિતાને ફોન કરવા કહ્યું અને મામાએ પૂછ્યું," કે ગામમાં શાંતિ છે?" એમણે કહ્યું હા પણ રાજુ, શારુખ અને માઈકલ ક્યાંક જતા રહ્યા છે. મામાએ હસીને રાજુને ફોન આપ્યો. રાજુએ શરત રાખી કે જો ગામમાં ફિસાદ થશે તો અમે પાછા ભાગી જઈશું.
રાજુ , શારુખ અને માઈકલ ઘરે આવી ગયા. આખું ગામ એમના માટે હારતોરા લઈને ઉભું હતું. કોઈને દંગા ફસાદ નથી ગમતા. બધાને શાંતિ ગમે છે. ધૂલકા ફૂલનું ગીત યાદ આવ્યું "તું હિન્દૂ બનેગા, ના મુસલમાન બનેગા ઇન્સાનની ઔલાદ હૈ ઇન્સાન બનેગા."