JHANVI KANABAR

Inspirational Others

3  

JHANVI KANABAR

Inspirational Others

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 14

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 14

5 mins
142


(આગળના અંકમાં આપણે જોયું કે, સત્યવતી તથા હસ્તિનાપુરના સભાસદોને નિયોગનો ઉપાય શ્રેષ્ઠ લાગે છે. સત્યવતીને આ કાર્ય માટે પોતાના અને પરાશરમુનિના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ યોગ્ય લાગે છે. મુનિ વ્યાસ માતાની ઈચ્છા પૂરી કરવા હાજર થઈ જાય છે અને સ્વર્ગસ્થ વિચિત્રવીર્યની પત્નીઓ અંબિકા અને અંબાલિકા સાથે નિયોગ કરે છે. નિયોગને સમયે અંબિકા અને અંબાલિકા ભક્તિ અને સમર્પણને સ્થાને મુનિ વ્યાસના રૂપથી ભયભીત થાય છે. તેમના મનની આ સંકુચિતતા અને ભાવને કારણે તેમને સંપૂર્ણ સ્વસ્થ પુત્ર નહિ જન્મે એવું મુનિ વ્યાસથી સત્યવતીને જાણવા મળે છે. આ દરમિયાન રાજદાસી શુભાંગીની ભક્તિ અને સાદગીને જોઈ મુનિ વ્યાસ તેની સાથે નિયોગ કરી એક ઉત્તમ સંતાનને જન્મ આપવાની ઈચ્છા દર્શાવે છે. દાસી શુભાંગી આ મહાન ઋષિના સંતાનની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે એ વિચારથી જ હર્ષાન્વિત થઈ જાય છે અને મુનિ વ્યાસને સંપૂર્ણ ભક્તિભાવથી સમર્પિત થાય છે... હવે આગળ)

હસ્તિનાપુરમાં આજ સૂર્યદેવ પોતાના કિરણો કંઈક વધારે જ જુસ્સા અને આનંદથી ફેલાવી રહ્યા હતા. જાણે કે કંઈક નવી આશાઓ હસ્તિનાપુરની પ્રજામાં જન્મ લઈ રહી હોય એવું લાગી રહ્યું હતું. મુનિ વ્યાસનું હસ્તિનાપુરના રાજમહેલમાં પધરામણીનું ઉદ્દેશ્ય વાયુવેગે પ્રજામાં ફેલાઈ ગયું હતું. મુનિ વ્યાસ તો પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી પ્રસ્થાન કરી ગયા પરંતુ તેનું પરિણામ શું હશે ? એ કુતુહલતા હસ્તિનાપુરના એક એક કણમાં વ્યાપી ગઈ હતી. આમ તો દેવવ્રત ભીષ્મના સામર્થ્યને કારણે પ્રજામાં કોઈવાર અનાથ અને નિઃસહાય હોવાની ભીતિ કે અસંતોષે જન્મ લીધો ન હતો, તે છતાંય એક ખાલીપો પ્રજાના હ્રદયમાં ક્યાંક ઊંડે ઊંડે હતો જે બિલકુલ રાજસિંહાસન પર દેખાતા ખાલીપા જેવો જ હતો. નિઃસંતાન કુરુકુળને હવે એક રાજવંશની અને પ્રજાને એક રાજાની અનિવાર્યતા હતી જે હવે જલ્દી પૂર્ણ થવાની હતી.

પુત્રવધુ અંબિકા, અંબાલિકા અને દાસી શુભાંગી ગર્ભવતી હોવાના શુભસમાચાર મહેલમાં અને પછી હસ્તિનાપુરની ગલીએ ગલીમાં, ઘરે ઘરમાં ફેલાઈ ગયા. રાજમાતા સત્યવતી, દેવવ્રત ભીષ્મ અને અન્ય સભાસદોમાં ઉલ્લાસ છવાઈ ગયો. પ્રજા તો આનંદમાં ઘેલી બની ઉત્સવની તૈયારીઓ કરવા લાગી. નિર્વંશ અને નિઃસંતાન બની ગયેલી ધરતી પર જાણે કે બીજ ફૂટી નીકળ્યા. હવે તો બસ લીલીછમ હરિયાળી ફેલાવાની રાહ જોવાઈ રહી હતી અને એ દિવસ પણ આવી ગયો.

`રાજમાતા ! રાજમાતા ! રાજકુમારી અંબિકાએ પુત્રને જન્મ આપ્યો છે ! કેટલો સુંદર ! અત્યારથી જ તેનામાં કેટલું બળ લાગે છે ! માતા... પણ પણ...’ આનંદની સાથે અચાનક દુઃખની લાગણી અનુભવતી દાસી બોલતા બોલતા નીચુ જોઈ ગઈ.

રાજમાતા સત્યવતીના ખીલેલા ચહેરા પર આ `પણ’ સાંભળી ડર અને દુઃખની રેખાઓ અંકિત થઈ ગઈ. `ક્યાંક ! ક્યાંક ! પુત્ર વ્યાસે કહેલી વાત...’ મનમાં જ આવેલા આવા ભયાનક વિચારને ખંખેરી સ્વસ્થ થતા રાજમાતા સત્યવતીએ દાસીને પૂછ્યું, `સ્પષ્ટ કહે... શું વાત છે ?’

`રાજમાતા ! નવજાત કુમાર અંધ….’ દાસીનું વાક્ય પૂરુ થાય એ પહેલા જ રાજમાતા સમજી ગયા અને તેઓ રાજકુમારી અંબિકાના કક્ષ તરફ ઉતાવળે પગલે ધસી ગયા. કક્ષમાં પ્રવેશતા જ કુમારને જોઈ સમજી ગયા કે પુત્ર વ્યાસની વાતમાં તથ્ય હતું. ઋષિ વ્યાસના સ્વરૂપને જોઈ રાજકુમારી અંબિકાએ આંખો મીંચી દીધી હતી જેથી આવનાર સંતાન અંધ થશે. પુત્રવધુ અંબિકાની સ્થિતિ જોતા જ રાજમાતાએ સ્વસ્થતા ધારણ કરી અને નવજાત શિશુને પોતાના હાથમાં લેતા કહ્યું, `કેટલો બલિષ્ઠ છે ! અત્યારથી મારી અંગુલી કેટલી મજબૂતાઈથી પકડે છે ! ખૂબ જ સુંદર છે.’ જાણે કે, હતાશ અને દુઃખી એવી પુત્રવધુ અંબિકાને તેઓ શાંત્વન આપી રહ્યા હતા કે પોતાની જાતને જ શાંત્વન આપી રહ્યા હતા.. એ તો ઈશ્વર જાણે.

એક માસ વીતી ગયો અને ફરી રાજમાતા સત્યવતીના કક્ષમાં દાસીએ એક શુભ સમચાર આપ્યા, `માતા ! રાજકુમારી અંબાલિકાએ પુત્રને જન્મ આપ્યો છે. રાજકુમાર ખૂબ જ સુંદર છે પણ વર્ણ થોડો ફિક્કો છે...’

રાજમાતાના આનંદની સીમા નહોતી. હા, દાસીના મોઢે `વર્ણ થોડો ફીક્કો છે' એ સાંભળી તેમને ફરી પુત્ર વ્યાસની વાત યાદ આવી ગઈ કે, રાજકુમારી અંબાલિકા નિયોગ સમયે ભયભીત થઈ ગઈ હતી જેથી આવનાર સંતાનનો વર્ણ ફિક્કો હશે.

રાજમાતાએ પુત્રવધુ અંબાલિકાના પુત્ર અને પોતાના પૌત્રને છાતી સરસો ચાંપ્યો. સાચે જ ફિક્કા વર્ણનું હોવા છતાં આ બાળક ખૂબ જ તેજસ્વી હતું. જાણે કે હસ્તિનાપુરના સિંહાસન પર આને જ કારણે ધર્મની સ્થાપના થવાની હોય એવું રાજમાતા સત્યવતીનું મન પોકારીને કહી રહ્યું હતું.

થોડા જ સમયમાં દાસી શુભાંગીએ પણ એક પુત્રને જન્મ આપ્યો. આ બાળકમાં તો મુનિ વ્યાસનું પ્રતિબિંબ ઝળકતું હતું. સુંદર, તેજસ્વી અને શાંત... નિરોગી અને સ્વસ્થ બાળક.

દેવવ્રત ભીષ્મ અને રાજમાતા સત્યવતીની દેખરેખમાં ત્રણેય બાળકોનો ઉછેર પ્રેમ, વાત્સલ્ય અને સમભાવથી થતો ગયો. મુનિ વ્યાસના અંશ એવા ત્રણેય બાળકોમાં ભિન્ન ભિન્ન ગુણોનો સમન્વય થયો હતો. ત્રણેયનું વ્યક્તિત્વ એકબીજાથી અલગ હોવા છતાં આકર્ષક હતું. અંબિકાના પુત્ર ધૃતરાષ્ટ્ર.. જે અંધ હોવા છતાં સો મલ્લને એકલે હાથે પછાડી દેવા સક્ષમ હતા. અંબાલિકાના પુત્ર પાંડુ... જે ધર્મનિષ્ઠ, ચતુર અને બળવાન હતા. દાસી શુભાંગીના પુત્ર વિદુર... જે શાંત તથા ધર્મપરાયણ હોવાની સાથે સાથે કુશળ રાજનીતિજ્ઞ પણ હતા.

આ એ સમયની વાત છે જ્યારે દેવી ગંગાએ મહારાજ શાંતનુના પ્રથમ પુત્ર દેવવ્રત ભીષ્મને જન્મ આપ્યા પછી દેહ છોડી દીધો અને તેમની અંતિમ ઈચ્છા અનુસાર દેવવ્રતને કુશવતીમાં મામા ગૌરાંગ પાસે મોકલવામાં આવ્યો. આ દરમિયાન મહારાજ શાંતનુને વનમાંથી એક બાળક મળી આવ્યું. તેમના જીવનને એક નવી દિશા મળી અને તેમણે એ બાળકનો ઉછેર કરવા માંડ્યો. જેમ જેમ બાળક મોટો થયો તેમ તેમ તેની પ્રતિભા જોઈ લાગતું કે તેનામાં કોઈ બ્રહ્મજ્ઞાન ધરાવતા જ્ઞાનીનું રક્ત વહેતું હતું. મહારાજ શાંતનુએ તેને ઉચ્ચ શિક્ષા આપી. લગભગ દેવવ્રત જેટલી ઉંમર ધરાવતા આ બાળકનું નામ કૃપ રાખ્યું. આજે આ બાળક કૃપ પરમજ્ઞાની એવા ઋષિ બની ગયા હતા. હસ્તિનાપુરના રાજકુમારો ધૃતરાષ્ટ્ર, પાંડુ તથા વિદુરને ઋષિ કૃપના આશ્રમમાં વિદ્યાર્થે મોકલવામાં આવ્યા. ત્રણેય રાજકુમારો શસ્ત્ર શાસ્ત્રમાં નિપુણ થઈ ચૂક્યા હતા.

આજે આ ત્રણેય બાળકો યુવાવસ્થામાં પ્રવેશી ચૂક્યા હતા. હવે ખરો પ્રશ્ન એ હતો કે, કુરુકુળને શોભે તેવા વ્યક્તિત્વ ધરાવતા આ ઉત્કૃષ્ટ મોતીમાંથી કયુ મોતી હસ્તિનાપુરના સિંહાસન તથા મુગટની શોભા વધારશે ? સિંહાસન સુધી પહોંચવામાં કોઈની શારીરિક ખામી વિધ્ન બનશે ? કોઈની જન્મદાત્રી દાસી છે એ પ્રશ્ન વિધ્ન બનશે ? શું હસ્તિનાપુરના સિંહાસન પર ધર્મની સ્થાપના નિર્વિધ્ને થશે ? શું હસ્તિનાપુરનું સિંહાસન નિષ્કંટક બની રહેશે ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational