ધ ડેથ ક્યોર
ધ ડેથ ક્યોર
ગીત પૂરું થયું અને ફોનની ફ્લેશ લાઈટ્સ તેના પર પડવા લાગી અને તે ફ્લેશબેકમાં ચાલી ગઈ.
પ્લેબેક સિંગર, કંપોઝર, અને ગીતકાર આહના અગ્રવાલ. જે છોકરી મરી જવા માટે દુઆઓ માંગતી હતી તે જીવવા માટે આજીજી કરવા લાગી. જેની આંખો ચહેરામાં ઊંડી ઉતરી ગયેલી તે કોઈના ગહેરા પ્રેમમાં ગરકાવ થઈને અરમાનોના સાતમાં આસમાનમાં ઊડવા લાગી હતી. આ ફોનની ફ્લેશ લાઈટ્સ સુઘી આવી ગયેલી વાત ટ્રેનની હેડલાઈટ્સથી યાત્રા શરૂ કરે છે.
આહના, કેટલું આહલાદક નામ. તેટલી જ દર્દ ભરી દાસ્તાન, મોત જ એને માટે છેલ્લો માર્ગ હતો. રેલ્વેના ટ્રેક પર આવા કેટલાય હાદસાઓ બને છે પણ અહીં તો પરિચય પ્રેમમાં ફેરવાઈ ગયો અને જીવન જન્નતમાં.
કોઈક ટ્રેનના ટીસીએ આહનાને રાત્રીના અંધકારમાં મોતને મળવા માટે તત્પર ઊભેલી જોઈ લીધેલી અને તેણે તાત્કાલિક આગલી ટ્રેનના પાઈલટને આ ઘટનાની જાણ કરી દીધી. એ પાઈલટ હતો વિહાન. વિહાને ટ્રેનને બ્રેક મારી અને આહના થોડીક જ દૂર હોવાથી તેને આહના સુઘી પહોંચતા ઝાઝી વાર ન લાગી.
વિહાન: ઓ મેડમ.. આ કોઈ મજાક છે ? આવી અણમોલ ખૂબસૂરતીને કેદ કરીને કૂદી જવા માંગતા હતાં ? આમા જ મારા જેવા હેન્ડસમ, કુંવારા રહી જાય છે.
વિહાનનું આ ફ્લર્ટ આહનાના દિલમાં "કુછ કુછ હોતા હૈ" વાળી ફિલિંગ જગાવતું હતું.
"મારી સમક્ષ સાક્ષાત ખડું છે ત્રીજું કારણ,
લોકો માને છે કે વિશ્વયુદ્ધ પાણી માટે થાશે"
વિહાન અલગ માટીનો માનવી હતો. એ જ્યાં જતો ત્યાંનો માહોલ બનાવી દેતો અને આહનાના દિલમાં તો પ્રેમનો મહેલ બંધાઈ રહ્યો હતો. તેણે આહનાને તેડી લીધી અને પોતાની સાથે બેસાડી. આખી સફર દરમિયાન તેણે આહનાની સ્ટોરી જાણી લીધી. "આહનાને બીમારી હતી લોહીની ઊલટીઓ થવાની, આહના અને એની મા વચ્ચે જાણે મરવાની રેસ લાગેલી. એકબાજુ દીકરી બીમારીમાં ઝૂરતી જાય અને બીજી બાજુ મા તેને આમ તરફડતી જોઈને અડધી થઈ જાય. આહનાને રીબાતી જોઈ તેના મમ્મીને હાંફ ચડવા લાગતી, બીપી, ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતું. આહના એ નક્કી કર્યું કે આ રેસમાં તે આગળ નીકળી જશે અને તેણે ફૂલના હારની જેમ ફાંસીનો ફંદો પહેરી લીધો, પણ માએ મંદિરેથી આવીને બારણું ખોલ્યું ત્યાં તો આહનાને લટકતી જોઈ, આ જોઈને તેના પ્રાણ ત્યાં જ ઊડી ગયા. આહના હજું જીવતી હતી, તેણે આંખો ખોલીને જોયું તો માંના શ્વાસ તો હવામાં ભળીને ધુમાડો થઈ ગયેલા. તેણે માની અંતિમ ક્રિયા વગેરે પતાવ્યું અને હવે અનાથ આહનાએ મા પાસે પહોંચી જવા માટે બીજો માર્ગ અપનાવ્યો.
આ બાજુ વિહાનને લખવાનો ખૂબ શોખ હતો. આ કળા તેનામાં પ્રગટ થયેલી હતી. પ્રેમ અને શાયરીના ક્યાંય ક્લાસ નથી થતાં. તે તો હૃદયથી પ્રગટતા હોય છે. જેમ ટ્રેનની હેડલાઈટ્સના અજવાળામાં આહના - વિહાનના દિલમાં શબ્દ અને સ્નેહ સાથે પ્રગટ્યા હતાં તેમ.
એક મહિના પહેલા...
જેમ રસ પડે એવી વાર્તામાં વધુ આવતા અંકે, થ્રીલર મૂવીમાં ઇન્ટર્વલ્સ અને કલાસિકલ સોંગમાં વચ્ચે વચ્ચે આવતું સાયલન્સ ખટકે છે તેમ આ પ્રકરણમાં મૂકાયેલ પૂર્ણવિરામ અત્યારે આહના ને ખટકતું હતું.
વહેમ એ મનુષ્યનો સૌથી મોટો વેરી હોય છે. આહના અને વિહાનના લગ્ન નક્કી થઈ ગયા હતા. આહનાને બીજું કોઈ સગું ન્હોતું અને વિહાનની ફેમિલી પણ મેરેજ માટે માની ગયેલી. પણ "લાઇફ ઇઝનોટ ઓલવેઝ અબૌટ હેપ્પી એન્ડિંગ". આહના હવે કોલેજ જવા લાગી હતી. અને એજ કોલેજનો પ્રોફેસર નૈઋત્ય ઉનડકટ આહનાને પ્રેમ કરવા લાગ્યો હતો, આહના પણ તેની સાથે વધુ સમય વિતાવવા લાગી હતી, પરંતુ આહના નૈઋત્યના માત્ર વિચારોથી પ્રેમ કરતી અને વિહાનના અસ્તિત્વથી; પણ વિહાન માટે એ સમજવું સંભવ જ ન્હોતું. તેણે પ્રેમને પરિભાષાઓમાં બાંધીને રાખેલો. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે પ્રેમ હક નથી જતાવતો, તે આઝાદી આપે છે; પણ વિહાન પોતે એક શાયર હોવા છતાં આ વાત સમજી ન શક્યો. અને તેની અંદરની નફરતની આગ વધતી ચાલી. આહના અને વિહાનની ઇંગેજમેન્ટ ના દિવસે જ વિહાને આહનાનો એક્સિડન્ટ કરાવી નાખ્યો. પણ અમુક જનૂન ખાલી પરિણામ સુધીજ સીમિત હોય છે. ઘાતક પરિણામ મળ્યા બાદ એ જનૂન ઓસરી જતું હોય છે.... પીગળી જતું હોય છે નિષ્ઠુર હૃદય.. જેમ બળાત્કાર કર્યા બાદ નથી મળાવી શકતો નજર ખુદથી. પણ અંતે બહુ મોડું થઈ ગયું હોય છે. બાજુમાં પડેલા શરીરથી ગળા પર લટકતી તલવાર કરતાં વધું બીક લાગતી હોય છે. મોરલાની કળા ત્યાં સુધીજ સુંદર લાગે છે જ્યાં સુઘી તે ધડકતા હૃદયે સાવનમાં ભીંજાતો હોય... મરી ગયેલો મોર તો વરસાદના પાણીથી સળતો જાય છે તેમજ મરી ગયેલી કાયા તો બસ એ બળાત્કારીના મનની બધી માયાને સળગાવ્યા કરે છે અને સળગ્યા કરે છે તેનાં રક્તનું કણ-કણ.. કર્ણને ફાડી નાખતા આક્રંદો ખૂબ વસમાં લાગે ત્યાં સુધીમાં તો બહું મોડું થઈ ગયું હોય છે. તેવીજ રીતે હવે વિહાનને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. આહના વેન્ટિલેટર પર હતી, હોસ્પિટલમાં એડમિટ, વિહાન કન્ફેશન માટે તૈયાર હતો પણ એકવાર આહના આંખો ખોલે એટલી રાહ હતી.
વિહાન હવે બસ એકવાર પોતાની ભૂલના પશ્ચાતાપના બદલામાં માફીની ઝંખના રાખતો હતો પણ એને માફીમાં બસ એટલીજ હતી કે આહના જીવી જાય... અને બે કલાક બાદ આહનાએ ધીમે ધીમે આંખો ખોલી... મેડિકલ સાઈન્સમાં એવું કહેવાય છે કે જો બે વ્યક્તિઓને એકબીજા પ્રત્યે ખરી લાગણી હોય અને બંને એકબીજાની આંખોમાં ત્રણ મિનીટ જેટલો સમય અપલક નયને જોયા કરે તો તેમની ધડકનની ગતિ એકસરખી થઈ જાય છે. પણ આ શું? આહના અને વિહાન એકબીજાની આંખોમાંથી ઘણું બધું પી રહ્યાં હતાં. એ પ્રેમ, થોડો ગુસ્સો, થોડું દુઃખ, થોડો વિરહ, થોડો દર્દ અને બહુ બધી વણ કહેવાયેલી વાતો; પણ એ ત્રણ મિનીટ પછી આહનાની ધડકન તો નોર્મલ થઈ ગયેલી.. વિહાન જેટલી જ ગતિથી આહનાનું હૃદય ધડકવા લાગ્યું; પણ વિહાન? મેડિકલ સાઈન્સમાં એવું કહેવાય છે કે જો બે વ્યક્તિઓને એકબીજા પ્રત્યે ખરી લાગણી હોય અને બંને એકબીજાની આંખોમાં ત્રણ મિનીટ જેટલો સમય અપલક નયને જોયા કરે તો તેમની ધડકનની ગતિ એકસરખી થઈ જાય છે; હા, આ બીજી વાર એટલે લખ્યું કેમકે એ પ્રેમ ખરેખર સાચો હતો. વિહાન મરી ગયો હતો. પોતાનું હૃદય તો એણે આહનાને દોઢ વર્ષ પહેલાં આપી દીધેલું, આજે ધડકન પણ આપી દીધી. આ ત્રણ મિનીટ બાદ વિહાનનું હૃદય બંધ પડી ગયું, જાણે કે એ હૃદયનું અવતાર કાર્ય જ આહનાને પ્રેમ કરવા પૂરતું હોય. વિહાન ને ડર હતો કે આ હૃદય ફરી પાછું કોઈ એવું પગલું તો નહીં લઈ લેને કે પછી પશ્ચાતાપ સિવાય કંઈ ન વધે ? મરતાં મરતાં વિહાન - આહનાને એકજ વાક્ય કહી ગયેલો.
"આપણા બંનેના જ નવ થયાં મોહબ્બતમાં મનમેળ,
બાકી તો ઉંબર, બારસાખ, આંગણની સર્વસંમતિ હતી...."
આજનો દિવસ..
લાઈમ લાઈટમાં આવેલી અને ફોનની ફ્લેશ લાઈટ્સ વડે ઘેરાયેલી આહનાને મિડિયામાંથી કોઈએ સવાલ કર્યો.. કે વિહાન અને તમારી લવ સ્ટોરી વિશે શું કહેશો ? આહનાએ અહીં સજદ અલીનો એક શેર ટાંકતા કહ્યું કે.. "ના રોયા થા બિછડને પર મેં ઉનકે.. મગર હાં ઝીંદગી મેં ફિર હસા નહીં". કેવું કહેવાય નહીં ? વિહાન મોહબ્બત મેળવવા માટે શાયર બનેલો અને આહના મોહબ્બત ન મળ્યા પછી.. આહના ની ડેથ તો ક્યોર થઈ ગઈ. પણ લાઇફ શું બિલકુલ રોગ રહિત હતી ? ના, એ તો મોહબ્બતની મરીઝ થઈ ગયેલી.. પાંચ મિનીટ પછી તેણે ફરી એક ગીત રેલાવ્યું..
"અગર ઇશ્ક હૈ ઝહર, મુઝે શિવ બન જાને.."
