ધ સરોગેટ મધર
ધ સરોગેટ મધર
"મા બનવા માટે કૂખ નહીં, હૈયે હૂંફ, કરુણા અને મમતા જોઈએ. ખોળાના ખૂંદનારની જવાબદારી ઉઠાવે એ મા નહીં; પણ હૃદયમાં રમનારની છેક છેવાડાની પસંદ અને નાપસંદ જેને માલુમ હોય તે મા."
નિહારિકા ક્યારેય મા નહોતી બની શકવાની, પણ નૈશા તો મા બનીને પણ એના હૃદયના ટુકડાનું મોં જોવા નહોતી પામવાની. અને એનું કારણ પણ હૃદય જ હતું. નૈશાને હૃદયની બીમારી હતી, હૃદયમાં કાણું હતું તેને. તેથી બાળકને જન્મ આપવાનો સ્ટ્રેસ તે ખમી શકે નહીં એવી ડોકટર નૈનીતા ગરેવાલે વોર્નિંગ આપેલી. પણ ઘરમાં આ વાત નૈશા અને પેલા શુભચિંતક સિવાય કોઈ નહોતું જાણતું. નૈશાને એકજ વાતની રાહત હતી કે તેના મરી ગયા બાદ પણ તેની સહેલી નિહારિકા તેના બાળકને સાચવી લેશે. બંને બહેનપણીઓ કરતા વધારે બહેન જેવી હતી. એકમેક ને બધી વાતો કહી દે. પણ શું આ બાબતની નિહારિકા ને જાણ હતી?
***
6 મહિનાની પ્રેગનન્ટ નૈશા એ રાત્રે હિંચકે બેઠી હતી. આજે તેને રડવા માટે મોકળું મેદાન મળેલું, સાસુજી યાત્રા પર હતા, પતિ સરહદ પર અને સસરા સૂતાં હતા. એક ઘંટડી, બીજી ઘંટડી અને ત્રીજી ઘંટડી એ એને વિચારોના વૃંદાવનમાંથી વાસ્તવિક વર્તમાનમાં લાવી દીધી. "આ વૃંદાવનનો વિચાર એટલે પણ વ્હાલથી વિરહની વેળાનો જ વિચારને વળી ! તેને થયું કે: રાત્રે 02:30 વાગે ? કોણ હશે ? પતિ ફોજમાં હતાં એટલે તે ડરવાનું નહોતી શીખી, લડવાનું શીખી હતી અને એટલેજ જિંદગી સામેનો જંગ હસતાં ચહેરે ખેલતી હતી." દરવાજો ખોલી જોયું તો બારે કોઈ નહોતું. બસ એક પત્રમાં એક વાક્ય અને એક સરનામું, એક સમય, ને નીચે એક સહી હતી
"કાલે સવારે 07:00 વાગ્યે. મીરાબાગ પાસેની ટપરીએ મળીએ."
લી.શુભચિંતક
બીજે દિવસે સસરાજીને ચા, પાણી ને ઇન્સ્યુલિન આપીને નિયત સ્થળે જવા નીકળી. સસરાજી આજે જુના દોસ્તો સાથે આખો દિવસ વિતાવવાના એટલે ઘરે આવાની ઉતાવળ કે રસોઈની ચિંતા હતી નહીં.
***
એક ગાડી ઉભી રહી જેમાં તે બેસી ગઈ, હવે એ ગાડી ચાલી નીકળી એક નવી યાત્રા પર અને ઉભી રહી AIIMS હોસ્પિટલ પાસે. નૈશાને ચક્કર આવવા લાગ્યાં, ગાડીમાં બેસેલ શખ્સે તેને ઘેનની દવા પીવડાવી દીધેલી. 4 કલાકે જ્યારે તેની આંખ ઉઘડી ત્યારે પોતે હોસ્પિટલમાં I.C.U. વોર્ડમાં હતી અને બાજુમાં સૂતી હતી નિહારિકા; કાયમને માટે. નિહરિકાએ ઈચ્છા મૃત્યુની મંજૂરી લઈ, પોતાનું હાર્ટ નૈશાને ડોનેટ કરી આપ્યું. હવે નૈશા તેના બાળકને માટે જીવી શકશે. બાળક પર જાન ન્યોછાવર કરી શકશે; પણ નિહારિકા ? તે પેટથી નઈ પણ હૃદયથી એ બાળકની મા બની ગઈ. એ શુભચિંતક એટલે નિહારિકા મિશ્રા. મા બનવા માટે કૂખ નહીં, હૈયે હૂંફ અને...નૈશા આગળ ન બોલી શકી. નિહારિકાની સ્મશાન યાત્રાના આક્રંદમાં તેના શબ્દો આનાથી આગળ શાંત થઈ ગયા.
