27મું ગુલાબ
27મું ગુલાબ
1.5 મહિના પહેલાં..
એ રાત્રે શાલિની ઘરે મોડી આવેલી. કદાચ એ મિલનની આખરી રાત હતી. એ બગીચામાંથી પેલું 27મું ગુલાબ ચૂંટીને રાઘવ માટે લઈ ગયેલી. તેના ઘરમાં બીજા 26 સફેદ ગુલાબ શાંતિનું પ્રતીક હતાં, પણ પ્રેમ અને શાંતિ; વિરોધાભાસી વર્તાય છે. પ્રેમમાં બેચેની હોય, તરવરાટ હોય, ઝંખના હોય અને હોય રાહ (ઈંતઝાર). દરિયાકાંઠો સામો દેખાતો હતો, રાઘવ 3 મહિનામાં પહેલી વાર બેડ પરથી ઉભો થયો'તો. શાલિની સાથે વાત કરતાં તેના મોંમાંથી અમસ્તા જ શબ્દો સરી ગયાં..
"દરિયાને પણ ક્યાં ખબર હતી કિનારે કોણ ઉભું છે ? પ્રેમની તરસને ટાળવા, પાણીના સહારે કોણ ઉભું છે?" એ બંનેને મિલનની તલબ હતી, કાયમીના મિલનની ઝંખના, પણ આરવ શુકલાની આંખમાં રાઘવ કાંટાની જેમ ખૂંચતો હતો. તેને એવો વહેમ હતો કે રાઘવ તેની પત્ની મુસ્કાન સાથે પ્રેમમાં છે. અરે રાઘવ તો મુસ્કાનને મા માનતો હતો! પણ વહેમ અને ઝખમ ખોદો તેટલા ઊંડા થાય અને એ વહેમને પગલે આરવ શુક્લાએ 3-3 મર્ડર કરાવ્યા.રાઘવના માં-બાપનો કાર એકસિડેન્ટ અને મુસ્કાન શુક્લાનું હાર્ટ અટેકને પગલે મોત એ બધાં આરવના જ કાવતરા હતાં. અને હવે આરવ લાગ્યાં હતાં બે પ્રેમી જીવોને અલગ કરવામાં. કહેવાય છે કે love birdsનું જોડું વિખૂટું પડે છે તો તેઓ મરી જાય છે, માણસમાં એવું નથી હોતું; પણ તે અંદર અંદર રોજ મરે છે, રોજ બળે છે. આરવ શુક્લાએ કહી દીધેલું કે તેઓ આવતીકાલે દિલ્લી શિફ્ટ થઈ જશે, રાઘવનો કેસ તેઓ જ જોતા હતાં તે બીજાને હેન્ડઓવર કરી તેઓ ચાલ્યા જશે. દિલ તો દૂર ક્યારેય ન થઈ શકે પણ દિલ્લીથી મુંબઇ દૂર હતું. જમાનો e-mail નો હતો પણ તે "પ્રેમપત્ર" વાળો હતો. એમોજીના જમાનામાં ડાયરીમાં ગુલાબ સાચવવા વાળો એ પ્રેમ હતો.
આજનો દિવસ: કદાચ હું આ છેલ્લી વખત લખું છું. એક પાનું ફાડીને નવું પાનું ચિતરું છું. પણ સમાજના પ્રશ્નપત્રમાં આ મહોબ્બતનો નિબંધ બંધ બેસતો નથી, એક ગઝલને વાર્તા સ્વરૂપે પહોંચાડવાનો પ્રયાસ છે. કદાચ કોઈ પ્રેમી માટે ઉપયોગી પાઢયપુસ્તક થઈ જાય તેવી આશા સાથે. (લેખક, નેરેટર: શિફા)
1.5 મહિના પહેલાં..
આરવ: 'એ બ્લડી મિડલ કલાસ સાથે લગ્ન કરવા છે તારે ? એ અનાથ સાથે ?
શાલિની: 'પપ્પા, એ અનાથ નથી. એને અનાથ તમે કરી નાખ્યો છે. પણ મારો પ્રેમ એને ફરી આબાદ કરી દેશે. એને જો કેન્સર હોય તો હું એની પહેલાં જ છેલ્લો શ્વાસ લઈશ. અખંડ સૌભાગ્યવતી થઈને જ મરીશ. મમ્મીને BPનો પ્રોબ્લેમ હતો, તમે એને તો મીઠું (નમક) ખવડાવી ખવડાવીને મારી નાખી. સફરજનના જ્યુસમાં તમે સફરજનના બીજ નાખીને એનો જીવ લીધો. અરે રાઘવના મા-બાપનો કાર એક્સિડન્ટ અને એના ઘરમાં ચોરી તમે કરાવી અને એ પણ ઇન્સ્પેક્ટર ચુડાસમાં સાથે મળીને, પણ મારા પ્રેમને મરવા નહીં દઉં. મમ્મીએ બગીચામાં 27 ગુલાબ વાવેલાં, 27મું લાલ ગુલાબ એટલે તમારાં પ્રેમનું પ્રતીક, એટલે હું. પણ એ ગુલાબ તો ખરી ગયું પપ્પા. અને એને મુંબઈના દુકાળે નહીં, તમારી નફરતની આગે બાળી નાખ્યું. શાંતિના પ્રતીક સમાં 26 ગુલાબ હવે મારી કબર પર ચડાવજો પા.'
આરવ: 'ઇનફ. આવતીકાલે સવારે દિલ્લી માટે નીકળવાનું છે, આજે મળી લેજે તારી માના એ આશીકને. {અને પછી જે વાતો થઈ તે પ્રસ્તાવનામાં લખ્યું છે, પણ પછી શું થયું ?
[હોસ્પિટલમાં, રાત્રે]
રાઘવની શાયરીઓ ચાલું જ હતી, બારી પાસે ઉભો ઉભો તે કેટલું બધું કહી ગયો." જાણે છે કેમ મને ચાંદમા આટલો રસ છે ? આપડા બંને જેમ એ પણ પરવશ છે!
રાઘવના વાઈટલ્સ ચેક કરવાનો સમય થઈ ગયો'તો, શાલિની એ તેને આરામ કરવા કહ્યું. સુગર: ચેક, BP નોર્મલ, ઓક્સિજન: ઇનફ, હાર્ટબીટ: ઓકે. પણ ખાલી શાલિની જ જાણતી હતી કે રાઘવનું હૃદય હતું ત્યાંનું ત્યાં હતું, પણ હતું તેમનું તેમ નહીં.
રાઘવ: "અંકલ સાચું કહે છે, આમ પણ હવે લાસ્ટ સ્ટેજ છે."
શાલિની: "એ હજુ પણ સેકન્ડ લાસ્ટ છે."
રાઘવ: "એક ડગલું જ આગળ છે ને !"
શાલિની: "હજું એક આખું ડગલું આગળ છે."
રાઘવ: "તું આટલું પોઝિટિવલી કેમ વિચારી શકે ?"
શાલિની: કેમ કે લોકો પ્રેમમાં ફનાહ થવાની ચાહ રાખતા હોય છે. પણ મારે તો જીવવું છે. તારી સાથે જીવવું છે. પાસે હોવામાં અને સાથે હોવામાં ફેર હોય છે. હું અત્યારે માત્ર તારી પાસે છું."
રાઘવ: "તો અહીંથી જ કિનારો કરી લેને !"
શાલિની: "હું પણ તારી જેમ એક શેર કવ ?"
રાઘવ: "કરો કંકુના
શાલિની: "નવાઈની વાત છે નઈ ! જેનાથી આંખો મળી જાય પછી એની જ આંખોમાં ખોવાઈ જવાનું. મારી આંખો મળી ગઈ છે રાઘવ, હવે કિનારો ન થઈ શકે."
3 દિવસ પહેલાં:
મેલા મન લઈને સફેદ કલરના સોફા પર બેસી ખપ પૂરતી વાતો કરવાનું એ આરવ શુક્લાનું રોજનું રૂટિન હતું. આજે દીદી (શાલિની) સાથે વાતો કરતાં કરતાં તે તાપણામાં એક-એક કરીને ઇંધણ નાંખતા જતા હતા. કોને ખબર હતી કે ખાલી રાખ જ બચશે ? એ તાપણામાં આરવ શુક્લાએ ઘણું બધું હોમેલું, કોઈના હૃદય બાળીને પણ તાપણા કરવું એમને મન ખોટી કે મોટી વાત ન હતી. ભાડાની આબરૂનો લિબાઝ ઢાંકીને તેઓ ફરતા હતા. તેમણે એક-એક કરીને લાકડું, કાગળ, પેપર એ તાપણામાં નાખ્યા, પછી નાખ્યા પરબીડિયું, પત્ર અને ગુલાબ. એ રાત્રે શાલિની એ રાઘવને આપેલું એ 27મુ ગુલાબ રાઘવે એક પત્ર અને એક કંકોત્રી સાથે રિટર્ન મોકલેલું પણ આરવે એ પત્ર તો સળગાવી નાખ્યો એ તાપણામાં પણ દીદીને (શાલિની) અંદરથી તો રાઘવની કંકોત્રી વંચાવીને બાળી નાખી.
2 દિવસ પછી બંનેના લગ્ન હતાં. એકબીજા સાથે નહીં પરંતુ એકના, બીજા સાથે. રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે: "પ્રેમ બાંધતો નથી, એ આઝાદી આપે છે." પણ શાલિની ને ખબર હતી કે રાઘવ જો એકવાર બીજા કોઈના હાથોની મહેંદીમાં રંગાઈ જશે તો પછી કાયમ માટે એની જિંદગી બેરંગ થઈ જશે. શાલિનીને વિદાય વસમી ભલે લાગતી હોય પણ રાઘવ માટે તો બીજા કોઈ સાથે મિલન જ વસમું હતું... "હું ખોબો ધરુંને તારું મળે ચરણામૃત, હોય નિર્જળા વ્રત તો'ય પીધા કરું પ્રસાદી." રાઘવના આવા આવા શબ્દો શાલિનીને તો ઘાયલ કરતાં પણ રાઘવને તો એ શબ્દોથી રાહત મળતી. રાઘવની આંખમાં આંસુ ન હોય એ શાલિનીની દુઆ હતી પણ શાલિનીના ચહેરા પર મુસ્કાન જ હોઈ એ રાઘવનું અંતિમ ધ્યેય હતું. એ તેનું જીવનલક્ષ્ય હતું અને એ રાઘવ સમાજના તણાવમાં આવીને બીજી કોઈ સાથે જિંદગીભર જીવી શકે, પણ જિંદગી ન જીવી શકે એ શાલિની ને પણ ખબર હતી. એ કંકોત્રી વાંચીને શાલિની લાકડા જેવી બની ગઈ. તેના શાયર બની ગયેલા મુખમાંથી શબ્દો સરી પડ્યા.
પછીના દિવસની સવારમાં સંગીત હતું પણ સંગીત સામ્રાજ્ઞી શાલિની ક્યાં ? તે તો નીકળી પડી હતી.. એના પપ્પાની કેદમાંથી મુક્ત થઈને રાઘવના પ્રેમ પિંજરામાં પુરાવા.
"એ આકાશનું પક્ષી સહેજકળ વળે ત્યાં ઉડી જવાની અકળમાં રહે છે. ને પિંજરાનું પક્ષી પિંજરે એમ પાછું આવે; પિંજરે જાણે કે ખુદના જ ઘરમાં રહે છે."
પણ એ તો કાયમ માટે આઝાદ થઈ જવાની હતી. એ ગાડી લઈને નીકળી પડી હતી મુંબઇ, છેલ્લા 4-4 વર્ષથી મુંબઈમાં વરસાદ ન્હોતો થયો, તે દિવસે હોસ્પિટલમાં મિલનની રાત્રીએ સમગ્ર મુંબઇ પાણી માટે તરસતું હતું પણ એ 2 દિલોને તો તલબ હતી માત્ર મહોબ્બતની. તે રાત્રે રાઘવ અને શાલિની વચ્ચે કંઈક આવી વાતો પણ થયેલી.
રાઘવ: "મારી મમ્મી કહેતી કે જ્યારે ભગવાન રડે ને ત્યારે વરસાદ પડે અને ત્યારે હું પૂછતો કે ભગવાન ક્યારે રડે ? અને મમ્મીનો હંમેશા એકજ જવાબ રહેતો.. જ્યારે પ્રેમ પારાવાર હોય પણ વચ્ચે સમાજની રસમોની દિવાર હોય. ત્યારે એ ન સમજાતું, આજે સમજાય છે. પણ આપણા મિલનની આશ તો કદાચ આકાશે પણ મૂકી દીધી છે શાલિની."
શાલિની: "પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરીઝ, એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ." મરીઝ સાહેબે આ શેર કદાચ આપડા માટેજ લખ્યો છે રાઘવ. આપડે મળવાનું જ છે. આ જન્મમાં નઈ તો આવતામાં, આ ભવમાં નઈ તો આ ભવમાં, આ લોકમાં નહીં તો પરલોકમાં.
અને આ વિચારોમાં વળગેલી શાલિનીનો પગ સામેથી આવતા ટ્રકને જોઈ; બ્રેકને બદલે એકસેલેટર પર દબાઈ જાય છે. અને એનો ખેલ ત્યાં જ ખતમ થઈ જાય છે. હવે તે સદાયને માટે રાઘવની રાહ જોતી રહેશે. એ કબરમાં, કદાચ એ બંનેના એ મિલનની જગા કબર હશે. દરેક વખતે એક Happy Ending નથી હોતું. કેટલાક કિસ્સાઓમાં Happy Part આવે તે પહેલાં જ તે End થઈ જતાં હોય છે.
અને પોતાના વિચારોમાં ખોવાયેલી શાલિનીનો એક્સિડન્ટ થઈ ગયો. હોસ્પિટલ લઈ જવા સુધીનો પણ સમય ના બચ્યો, આરવ શુક્લા (પપ્પા) અને હું (શિફા) મુંબઇ પહોંચ્યા તે પહેલાં તેની સર્જરી કરી બોડીમાંથી કાચ કાઢી લેવામાં આવ્યા'તા. એ સૂતી છે, એનું ઘર હંમેશા માટે ખુલ્લું છે, બધા માટે, કેમ કે હવે એ કબર જ તેનું સરનામું હતું. જો એ એક લાલ ગુલાબને કરમાવા ન દીધું હોત તો આજે બાકીના 26 સફેદ ગુલાબ તેની કબર પર તેની આત્માની શાંતિ માટે નહીં પણ તેના ઘરમાં આંખોને ટાઠક આપવા માટે સજાવેલ હોત.
એક એક કરીને સૌ વિદાય લઈ રહ્યા હતા કેમ કે અતિભારે વરસાદની આગાહી હતી. હું અને પપ્પા પણ મુંબઇવાળા ઘરે જવા માટે રવાના થતાં હતાં. ત્યાં સામેથી એક આદમી ચાલ્યો આવતો હતો, રાઘવ, પપ્પા તેને રોકવા જતા હતા મેં પપ્પાને રોકી લીધા, આજે તો: તે બંને ને મળી લેવાની રજા આપો. રાઘવે શાલિનીની તાજી કબર ખોદી નાખી અને તેનો ચહેરો પોતાના ખોળામાં લઈને રડવા લાગ્યો, ત્યાં જ વરસાદ તૂટી પડ્યો અને અમે ગાડીમાં ભરાઈ ગયા, પણ વાઈપરની આડશમાં પણ રાઘવનો પ્રેમ છૂપો ન્હોતો રહેતો. ત્યાં જ એક કડડભુસ કરતી કૃષ્ણભગીની (વિજળીએ) રાઘવના શરીરને બાથ ભરી લીધી. શાલિની સાથે, રાધવ પણ ત્યાં જ ખાક થઈ ગયો અને બંને એ કબરમાં ડટાઇ ગયા.. અંતે બંને મળી ગયા, આ લોક નહીં; પરલોકમાં.. એટલે જ પૂર્ણવિરામ મૂકતા પહેલાં આ બે શેર ટાંકવા પડે..
1] "પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરીઝ,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ."
2] 'બેફામ' તો'ય કેટલું થાકી જવું પડ્યું,
બાકી જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

