અવસાન નોંધ
અવસાન નોંધ
પહેલી નજરનો પ્રેમ ખરેખર આંધળો હોય છે. એ પ્રેમમાં પાગલ સાર્થક પણ એના દર જન્મદિવસે એ સરનામે પત્ર લખતો. એને વાંચનાર તમામની આંખો પણ ભીની થઇ જતી; પણ જેને માટે એ લખાતો હતો એ જિદ્દી છોકરી તો ટસની મસ ન થઈ.
સાર્થક અને મેઘના વચ્ચે ખૂબ અંતર હતું, ન જાતિ ભેદ, ન જ્ઞાતિ ભેદ, ન ઉંમરનો ફરક; કોઈજ સામાજિક બંધન તેમને નડતું ન્હોતું, તો પછી ? છેલ્લા 3-3 વર્ષથી આ પત્ર વ્યવહાર ચાલું હતો, પણ હવે સાર્થકની પણ હદ આવી ગઈ હતી. દર વર્ષે ખાલી તે એકવાર પત્ર લખે અને એનો પણ જવાબ ન મળે ! આ કેવો પ્રેમ ? આ તે કેવી નારાઝગી ?
મેઘના ક્યારેય પાછી ન આવી, આટલું આટલું બોલાવવા છતાં ન આવી; તો છેલ્લે સાર્થકે પણ રસ્તો કરી લીધો. તેણે મેઘનાની વાટ પકડી, ગળા પર લટકતા ફંદા સાથે તેણે વર્ષોનું અંતર ઘડીકમાં કાપી નાખ્યું. હા ! અવસાન નોંધમાં આપેલ એ 25 વર્ષની મેઘનાનો ચેહરો જોઈ સાર્થકે તેને હૃદય દઈ દીધું હતું અને હવે એ પણ સદા માટે મેઘના પાસે પહોંચી ગયો, એ બંને મળી ગયા જન્નતમાં ! પહેલી નજરનો પ્રેમ ખરેખર આંધળો હોય છે.

