ડો. શુક્લા
ડો. શુક્લા
ડો. શુક્લા શહેરના જાણીતા ચેસ્ટ ફિઝિશિયન છે. તેનું દવાખાનું આમ તો દર્દીઓથી ખીચોખીચ જ હોય. ક્યારેય તેના દવાખાને ભીડ ઓછી જોવા ના મળે. મે પણ ઘણીવાર તેની મુલાકાત લીધી છે. જ્યારે જવું હોય બે દિવસ પહેલા એપોઈન્ટમેન્ટ લેવી પડે. અને એ પછી પણ દવાખાને જાવ એટલે ત્રણથી ચાર કલાક તો પાક્કા.
ડો. શુક્લાનો સ્વભાવ એટલો સરળ ને કે દર્દી તેની સાથે વાત કરીને જ સજો થઈ જાય. છેલ્લા બે મહિનાથી તો દવાખાનું બંધ હતું. કોરોનાને કારણે ડો. શુક્લા દવાખાને ના જતા, પરંતુ ફોન ઉપર કે ઓનલાઈન વાત કરી દર્દીને દવા આપતા.
લોકડાઉન પૂરું થયું અને કોરોના નહિવત થઈ ગયો. હવે તો તેનું દવાખાનુ પણ રાબેતામુજબ શરૂ થઈ ગયું. દવાખાનું શરૂ થયું તેને પંદર દિવસ વીતી ગયા. પંદર દિવસમાં એક પણ દર્દી જોવા ના મળ્યો. ડૉ. શુક્લા વિચારમાં પડી ગયા.
"મારી પ્રેક્ટિસ શરૂ થયા પછી એક દિવસ પણ એવો મેં નથી જોયો કે કોઈ દર્દી ના હોય. અને આ તો કમાલ જ થઈ ગઈ. છેલ્લા પંદર દિવસથી એક પણ દર્દી નહીં. એનું શું કારણ હોઈ શકે! શું કોઈ બીમાર નથી પડતું હોય! કે પછી હજી કોરોનાનો ડર છે."
"આકાશ જરા દર્દીની વિગતો ચેક કરી જો. અને ફોન કરી કહી દે કે હવેથી દવાખાનું રાબેતામુજબ ચાલુ છે." ડો. શુક્લા વિચારમાં પડી ગયા.
આકાશે પહેલા એવા દર્દીઓનું લીસ્ટ બનાવ્યું જેના ફેફસા ધૂળ અને ધુમાડાથી ગંભીર રીતે નબળા થઈ ગયા હતા. અને રેગ્યુલર દવાખાને ટ્રીટમેન્ટ લેતા. આકાશે બધાને ફોન લગાડ્યો. સામેથી એક જ સરખો જવાબ આવ્યો."હવે અમારે દવાખાને આવવાની જરૂર નથી. અમારી તબિયત એકદમ સારી છે."
હવે ડો. શુક્લાને સમજાણું કે લોકડાઉનના કારણે હવા શુદ્ધ થઈ ગઈ છે. મોટી ફેક્ટરીમાંથી નીકળતા સતત ધૂમાડા સાવ બંધ થઈ ગયા. વાહનોની અવજવર ઘણી ઓછી થઈ ગઈ. એટલે મારા દર્દી વગર દવા એ સાજા થઈ રહ્યા છે.
"ભલે આજ મારુ દવાખાનુ ખાલી છે પણ હું ખુશ છું. વગર દવાએ દર્દીઓ સાજા થઇ ગયા તેનો આનંદ છે."