Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Namrata Kansara

Romance


5.0  

Namrata Kansara

Romance


ડેસ્ટિનેશન

ડેસ્ટિનેશન

8 mins 674 8 mins 674

અરીસાની સામે ઊભી-ઊભી દિશા… જાણે પોતાની પ્રતિકૃતિ સાથે જ વાત કરી રહી હોય, તેમ પોતાના પ્રતિબિંબને જોઇને કંઇક ને કંઇક બબડતી પોતાની જાતને વ્યવસ્થિત કરી રહી છે. ક્રીમ કલરની જરી-પટ્ટીની બૉર્ડરવાળી ખાદી સિલ્કની સાડી તેના ગૌર વર્ણ અને મધ્યમ બાંધા પર ખૂબ જ ફબી રહી છે. મેક-અપ વિનાનો સ્વચ્છ નિર્મળ ચહેરો તેના બાહ્ય વ્યક્તિત્વની સાથે તેની આંતરિક નિર્મળતાને પણ એટલી જ ઉજાગર કરી રહ્યો છે. જ્યાં કપાળે નાનકડી લાલ બિંદી તેની સુંદરતામાં ઓર વધારો કરી રહી છે. તો તેનો સિમ્પલ-સોબર લૂક તેની સાદગીને વધુ જાજરમાન બનાવી રહ્યો છે.


“હું વ્યવસ્થિત તો લાગી રહી છું ને…! અનંતને ગમશે તો ખરું ને…!?” બોલતી દિશા પોતાના ગળાની સફેદ મોતીઓની માળાને વ્યવસ્થિત કરી રહી છે.


તો અચાનક..


“ગમશે જ ને! જેટલી મને સાદગી પ્રિય છે એટલી જ એમને પણ તો પ્રિય છે..! અને એટલે જ તો અમારી પસંદ-નાપસંદની ઐક્યતાએ અમને એકરૂપ કર્યાં..અને અમારા લગ્ન થયાં!” બોલતી પોતે જ પોતાના સવાલોના જવાબ પણ આપી રહી છે.


પછી ઉતાવળ કરતી દિશા.. પોતાની જાતને છેલ્લીવાર અરીસામાં નિરખે છે.


“અમ્મ્મ્..કંઇક ખૂટે છે...” પોતાને પૂરેપૂરી નિરખ્યા બાદ તેનું ધ્યાન અંબોડામાં સજ્જ પોતાના વાળ પર જાય છે.


“હમ્મ્…ગુલાબ…!”


“અનંતને કેટલા પ્રિય છે..!”


“જ્યારથી લગ્ન થયાં ત્યારથી તેમણે હંમેશા આજના દિવસે પોતાના હાથોએ મારા વાળમાં ગુલાબ લગાવ્યું છે.”


“…તો આજે આ નિયમ ભંગ કેમ થાય…!?” પોતાની સોનેરી ઝાંયવાળી લટને સરખી કરે છે.


***


સમીસાંજની શીતળતા શિશિરના અંતને વધુ શાંત અને શીતળ બનાવી રહી છે, તો ચારેકોરનું ધુમ્મસિયા આવરણ ઢળતા સૂર્યના કિરણોને પોતાની આગોશમાં સમાવી આ ધરાને વધુ આહ્લાદક, વધુ રમણીય બનાવી રહ્યું છે. વાતાવરણમાં પ્રસસ્ત વાસંતી વાયરાનો મઘમઘાટ નિશ્ચેતન ચિત્તને પણ ખંગોળી આશ્વસ્ત કરી, આ ખુશનુમા પ્રકૃતિ સાથે એખલાસ કેળવવાને પોતાનું કૌવત દર્શાવી અલગ જ ઊર્જા પ્રદાન કરી રહ્યો છે.


આ નયનરમ્ય આવરણમાં ધુમ્મસિયા વાતાવરણને ચિરતી,પોતાના ગંતવ્ય સ્થાનથી વિરુદ્ધ ગતિમાન કાર પોતાના ચાલકની સાથે દિશાહીન બની ઓએનજીસી કૉલોનીથી આગળ વધી રહી છે. તે ગભરાયેલી છે. આ આહ્લાદક વાતાવરણની શીતળતામાં પણ આખરી કિરણની ઉષ્ણતા પ્રસ્વેદબિંદુ બની તેના લલાટને ઝગમગાવી રહી છે. તે સ્ટીયરિંગ ઘુમાવી રહી છે. ગિયર બદલી રહી છે. બ્રેક મારી રહી છે. પણ અસમર્થ…! ઉબડખાબડ રસ્તા, ઝાડી-ઝાંખરા તેને ડરાવી રહ્યા છે. તે પોતાના ધબકારાના જ પડઘાથી ત્રસ્ત થડકાર ચૂકી રહી છે. અને અચાનક… કાર..! એક તીણો અવાજ કરી.. પથ્થર સાથે અથડાઇ પોતાની દિશા બદલી દે છે… તે સ્ટીયરિંગ સાથે અથડાય છે... અમસ્તી ખરોચનું દર્દ મહેસૂસ કરી બહાર નીકળે છે. કારની હાલત જોય છે. પથ્થર સાથે અથડાવાથી ફ્રન્ટ વ્હીલ ફાટી ગયું છે. બીજું કોઇ નુકસાન નથી. પણ સ્પેર વ્હીલ નથી. તે આસપાસ જોય છે. સાંજનો અંધકાર આ નિર્જન વિસ્તારને વધારે ભયાનક બનાવી રહ્યો છે. તે પોતાના ધબકાર પર અંકુશ રાખવાનો પ્રયત્ન કરી અહીંથી બહાર નીકળવાની તજવીજ કરે છે. તે પોતાના ઘરે ફોન કરે છે. પપ્પાની વાત સાંભળીને તેમની ત્યાં જ રાહ જોવાની જગ્યાએ તેમના બીજા ઑપ્શનને પસંદ કરી કારને ત્યાં જ લૉક કરી તે કોઇક વાહનના આવવાની રાહ જોતી ત્યાંથી પ્રયાણ કરે છે.


તેની નજર આસપાસના અંધકારમાં પણ ભરોસાપાત્રતાના શકવર્તી ખ્યાલને છોડી શકવા અસમર્થ છે. એટલે જ કદાચ તે હજી સુધી કરડાકીના મુખવટાને ઓઢી પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે ગતિમાન છે. પરંતુ આ અંધકાર તેને પોતાના બીજા ઑપ્શનને પકડી રહેવાની જીદને છોડી વિચાર કરતાં વિરામ લેવા મજબુુર કરે છે. તે ફોન પકડે જ છે કે અચાનક.. આંખોને આંજતો એક તેજ પ્રકાશપુંજ અંધકારને ચીરીને તેની સામે આરુઢ થઇ જાય છે. તે સામે જોય છે. અને આ પ્રકાશપુંજને ચીરતી એક છ ફૂટ ઊંચી આકૃતિ તેની નજીક આવી રહી છે. એ તામ્રવર્ણી ત્વચા પ્રકાશથી વધુ દેદીપ્યમાન જણાઇ રહી છે. જ્યાં પ્રશસ્ત લલાટ કોઇ યોગી પુરુષ સમાન, તો નિર્લેપ નયન વિતરાગને અંકિત કરી સંપૂર્ણ મુખારવિંદને કોમળતા બક્ષી રહ્યું છે. જેનું સંપૂર્ણ અસ્તિત્વ તેજ અને શીતળતાના મિશ્રણથી ઝગારા મારી રહ્યું છે.


“તમે કશે જઇ રહ્યાં છો ?” જાણે મનની વાત જાણીને પ્રશ્નને ફેરવીને પૂછ્યો હોય.


‘તે બસ અપલક જોઇ રહે છે.


“અહીં આ સમયે કોઇ પણ વાહન મળવું મુશ્કેલ છે.”


“હમ્મ્મ્..” તે હકારમાં માથું હલાવે છે.


“હું તમારી કોઇ મદદ કરી શકું?”


“પ્લીઝ…” ભરોસાપાત્રતાના શકવર્તી ખ્યાલનો અણસાર સુધ્ધાં તેના હૃદયકમળને કપકપાવી નથી શકતો.


“અનંત…એ છોકરીને સુરક્ષિત એના ઘરે પહોંચાડી દેજે.. અમે મંદિરના દ્વાર બંધ કરીને આવી જઇશું…!” કોઇ પૂજારી પાછળથી મોટા સાદે બોલી રહ્યાં છે.


“હા…” અનંત પણ મોટા અવાજે પ્રત્યુત્તર આપે છે.


તે પોતાના શ્વાસ, વિશ્વાસ, સર્વસ્વને લઇ અંધકારથી પ્રકાશની તરફ ગતિમાન થઇ રહી છે. જાણે તેને પોતાનું ગંતવ્ય મળી ગયું હોય.


***


“કર્નલ અનંત ચતુર્વેદી.. યુ આર અ વેરી ગુડ ડ્રાઇવર.” હલકી મુસ્કાન સાથે તે કહે છે.


“થૅન્ક્યુ સો મચ દિશા.. ફોર ધ કોમ્પ્લિમેન્ટ. બટ, આઇ એમ અ ગુડ ડ્રાઇવર બિકોઝ ધેર ઇઝ અ વન્ડરફુલ વુમન સીટીંગ બીહાઇન્ડ મી, હુ ઇઝ નોટ ઓન્લી પ્રીટી બટ ઓલ્સો અ ગુડ મેન્ટોર..!” ખૂબ જ ઋજુતાથી અનંત જવાબ આપે છે.


“દિશા-નિર્દેશક તો તમે મારા છો. જેના સંપર્કમાં આવવાથી આ દિશાને ખરાં અર્થમાં તેનો માર્ગ મળ્યો. અને હવે હું ખૂબ જ નિશ્ચિંત છું. કેમકે મારા જીવનનું સ્ટીયરિંગ એક વ્યવસ્થિત વ્યક્તિના હાથમાં છે.” દિશા હસતાં-હસતાં પોતાના પ્રેમ અને જીવન પ્રત્યેના ગહન વિચારોને હોંશિયારીપૂર્વક રજુ કરે છે.


અનંત હલકી મુસ્કાન સાથે દિશાને જોઇને ગંતવ્ય સ્થાન પર જવા પોતાની દ્રષ્ટિ કેન્દ્રિત કરે છે.


“અનંત.. આટલા વર્ષે પણ તમને આ જગ્યા યાદ છે..!" દિશા બહાર જોતી અનંતને પૂછે છે.


“આ ગંતવ્ય એ જ તો અનંતને તેની દિશા મળી.” અનંત ખૂબ જ સહજતાથી પોતાની પત્ની તરફ દ્રષ્ટિ કરતાં બોલે છે.


દિશાના મુખ પર હલકી મુસ્કાન અને પ્રશ્નાર્થ બંને તરવરી રહે છે. તેના ભાવાર્થને સમજી અનંત આગળ બોલે છે.


“દિશા, તમે એટલું તો માનો જ છો ને કે આપણે આ જગતમાં કંઇ કરવા માટે જ આવીએ છીએ..!”


“હમ્મ્મ્…” અનંતના ઉદ્ગારનો દિશા હકારમાં જવાબ આપે છે.


“આપણને આપણા ગંતવ્ય સુધી પહોંચાડતી પગદંડી જન્મની સાથે જ મળી જતી હોય છે, જેના પર પદ્ચિહ્નની ભાત આપણે જાતે જ પાડવાની પણ હોય છે. આ ગતિમાન અવસ્થામાં આપણી ગતિને કંઇક અવનદ્ધ કરે છે, તો કંઇક આપણને ગતિમાન થવા કટિબદ્ધ કરે છે.”


“શું હું તમને તમારા ગંતવ્ય પર પહોંચાડવાને કારક છું…?”


“દિશા.. માધ્યમ અલગ હોઇ શકે..! અને આ માધ્યમથી જ આપણે કર્તૃત્વભાવથી કર્તવ્ય તરફ, તો કર્તવ્યપરાયણતાથી કૃતજ્ઞતા તરફ આપણા ગંતવ્ય પર પહોંચવા ગતિમાન રહીએ પણ છીએ.”

દિશા અનંતને નિહાળતી તેના તત્ત્વજ્ઞાનને શાંતિથી સાંભળે છે.


દિશા તરફ દ્રષ્ટિ કરીને,


“દિશા…, તમને મળવું અનાયાસ હતું. જોકે ગંતવ્ય તરફ જવા હું ગતિમાન પણ હતો. પરંતુ, આ ગતિ.. તમને મળવાથી અચાનક અવરુદ્ધ થઇ. અવનદ્ધ નહીં…!”


દિશાને વિહ્વળ થતાં જોય છે.


“તમને મળવાથી આ વિરક્ત મનને અપાર શાંતિ મળી હતી. દિશા.. કોઇ પરમથી પ્રેમને તો કોઇ પ્રેમથી પરમને પ્રાપ્ત કરતું હોય છે. જેનો અંત તેનો ઉદ્ધાર બને છે. અને તેનું ગંતવ્ય પણ..! જે નિશ્ચિત જ હોય છે. તમને મળવાથી તો પરમ અને પ્રેમ બંને હું પામી શક્યો.” નમ્રતાપૂર્વક પોતાના પરમના કારકની અનુભૂતિ પોતાના ગહન વિચારોથી દિશાને જણાવે છે.


અનંતની અલિપ્ત મુખાકૃતિને જોઇ દિશાની સ્મૃતિમાંથી અતીતની ધૂંધળી યાદોનું ચિત્ર તેના માનસપટ પર સ્થિર થઇ જાય છે.


કેવી રીતે પ્રકાશપુંજમાંથી આવતા અનંતની આકૃતિની પાછળ જ તે પણ પ્રકાશમાં વિલીન થઇ પોતાના ગંતવ્યને પામી હતી. દિશા.. ડૉક્ટરીના વ્યવસાય હેઠળ તે દિવસે નિર્જન સ્થળ પર પોતાની સ્વાવલંબનની જીદ્ને કારણે રઝળપાટ કરી રહી હતી. જોકે તેની જીદ્ અનંત સાથેના પ્રથમ મિલનને કારક પણ હતી. અનંત… પોતાની કર્તવ્યપરાયણતાને માટે કૃતનિશ્વયી વ્યક્તિ. જેની કૃતજ્ઞતા, તેનામાં પ્રચુરમાત્રામાં સ્થિત દેશદાઝની ભાવના અને ખડતલ શરીર પરથી જ જાણી પણ શકાતી હતી. તે દિવસે.. અનંત, પોતાની આસપાસનો વરતારો મેળવતા અંતે મહાદેવના મંદિર કે જ્યાં તેના પિતા પુજારી હતા ત્યાં પિતાને લેવા ગયો હતો. અને અનાયાસ જ દિશા સાથે તેનો ભેટાડો તેઓના દીર્ધમિલન અને ગંતવ્યને કારક રહ્યો. અનંતના વ્યક્તિત્વ અને એક બ્રાહ્મણના ક્ષત્રિયપણાથી અંજાઇ દિશા અનંતના મિલીટરી કેમ્પમાં ડૉકટર તરીકે જોડાઇ. બંને પોત-પોતાની સરળતા અને સાદગીથી કોઇને પણ પ્રભાવિત કરી શકે તેમ હતા. ઘણીવાર સહજ જ્ઞાનની આપ -લે, તેઓની ચર્ચાનો વિષય પણ બની રહેતી. બંને પોત-પોતાના પ્રભાવની અસર એકબીજા પર પાડી શક્યા હતા. અને સ્વભાવની ઐક્યતાને કારણે પણ તેઓ એકબીજાના માન-સન્માન અને પસંદ-નાપસંદનો આદર પણ કરતાં અને પૂરતો ખ્યાલ પણ રાખતા. બંને પોતાના મિલનના દિવસને ભાગ્યશાળી માનતા. અને દર વર્ષે તે જ દિવસે તે જ સ્થળે તેઓ ભેગા પણ થતા. અનંતની વિરક્તિથી સજગ દિશા પોતાના મનના ભાવને ઉજાગર કરવામાં અસમર્થ રહેતી અને અનંતને તેના ભાવથી લિપ્ત સફેદ ફૂલ આપતી.


...અને અચાનક મિલન અનુસારના દિવસે દિશાના એમ.ડી. પૂર્ણ થયા બાદ અનંતનો દિશાને ગુલાબ આપી લગ્ન માટેનો પ્રસ્તાવ, દિશા અને તેના પરિવારનો હકાર, અનંતના ભાગ્યથી વિવશ તેના પિતાની નકાર અને ઘણી સમજાવટ, મતભેદ-મનભેદને અંતે અનંતના પિતાની ઉપાય નિર્દિષ્ટ કરતી લગ્ન માટેની મંજૂરી… બધું જ દિશાની નજર સમક્ષ તાદૃશ્ય થાય છે.


ગતિમાન કાર પોતાના ગંતવ્ય સ્થાન પર આવી સ્થિર થાય છે.


તેની તંદ્રા ખુલે છે.


“હંમેશા અનંત, એક સંરક્ષકની જેમ પ્રથમ કારમાંથી ઊતરીને પછી મને ઊતારે છે. અને આજે….!”


દિશા પોતાના અનંત સાથેના પ્રથમ મિલન સ્થળ પર સહેજ ઝૂકી હાથોના સ્પર્શથી તેની રજ માથે લગાવે છે. મંદિરના દ્વારે, સામેની તરફથી આવતી સૂર્યની આખરી કિરણ.. તેના મુખારવિંદને વધુ ઉજ્જવળ, વધુ પ્રકાશિત કરી તેના જાજરમાન વ્યક્તિત્વને વધુ દેદીપ્યમાન કરી રહી છે. તો ચારેતરફની દિપ્તી આ ધરાને સ્વર્ણના આભૂષણોથી શોભાયમાન કરી રહી છે.


“અનંત… આપણી પ્રથમ મુલાકાતના સત્તર અને આપણી ઐક્યતાના પંદર વર્ષ મુબારક… હૅપ્પી એનિવર્સરી…!” હાથ ફેલાવી દિશા પોતાના અસ્તિત્વને અનંતમાં લિન કરે છે.


“તમને યાદ છે..! આપણા પંદર વર્ષના લગ્ન જીવનમાં આજના દિવસે મને સૌથી પ્રિય શું હતું…?”


“આ ગુલાબ..!” પોતાના અંબોડામાં સ્થિત ગુલાબને સ્પર્શે છે.


“હું હંમેશા આજના દિવસની રાહ, આ ગુલાબને કારણે જ જોતી.. પોતાના હાથોએ તમે તેને મારા વાળમાં લગવવાનો નિયમ બનાવ્યો હતો..નહીં..?!”


“તમને યાદ છે..! લગ્નના પ્રસ્તાવ વખતે જ્યારે તમે મારી સામે ગુલાબ લઇને ઊભા હતા ત્યારે મેં તમને પૂછ્યું હતું કે, તમારી વિરક્તિને કારણે મારી ક્યારેય હિંમત જ નહીં થઇ શકી કે હું તમને આમ ગુલાબ આપી શકું. અને તમે..મારી ફીલિંગ્સ જાણતા હતા..!”


ત્યારે તમે જ મને કહ્યું હતું , “દિશા… રાહ જોવડાવી ભણતરના કારણે, પરંતુ મુખ્ય વાત એ કે, વિરક્તિનો રંગ ભલે સફેદ હોય અને આ દિશા.. ભલે અનંતના વિતરાગમાં રંગાઇ જાય.. પણ તેનો પોતાનો રંગ- પારદર્શિતા જ જો ભૂલી જાય તો તે વિતરાગ ક્યાંથી…?” અને તમે આ ગુલાબ મારા વાળમાં લગાવી મને કહ્યું હતું કે, “પ્રેમમાં પારદર્શિતા હોય છે અને જ્યાં પારદર્શિતા હોય છે ત્યાં બંધન નથી હોતું.”


“અને આજે…?!”


“અનંત… તમને મળીને મને મારું ગંતવ્ય મળી ગયું. પણ હું, કદાચ.. તમારા ગંતવ્યની કારક પણ નહીં હતી અને લાયક પણ નહીં.”


“કાશ…આ ગંતવ્ય પરના મિલનને આપણે લગ્નનો ઓપ નહિ આપ્યો હોત ! મારું ભાગ્ય તમારું દુર્ભાગ્ય ના બનત…અને આ ઍક્સિડન્ટ…!”


પોતાની આર્દ્ર આંખોની ભીનાશ પર સમીસાંજની શીતળતાનો સ્પર્શ તે મહેસૂસ કરે છે. વાસંતી વાયરાનો મઘમઘાટ તેના નિશ્ચેતન ચિત્તને ખંગોળી તેને આલિંગવા મથી રહ્યો છે. તે પોતાના સજળ નેત્રોની દ્રષ્ટિ દૂર ગંતવ્યની દિશા તરફ ધકેલે છે. એક તેજ પ્રકાશપુંજનું આબંટન સમગ્ર પ્રકૃતિને પોતાની આગોશમાં લઇ તેના અસ્તિત્વને અનંતમાં વિલીન કરે છે…!


Rate this content
Log in

More gujarati story from Namrata Kansara

Similar gujarati story from Romance