મારી પ્રિય
મારી પ્રિય


મારી પ્રિય,
તને લાગતું હશે કે આ કોઇ દિવસ નહિ ને આજે શું થઇ ગયું છે આમને? કે હું પ્રિય થઇ ગઇ? ચિંતા ના કર. તું આજન્મ પ્રિય જ છે મારી માટે. ભલે અત્યાર સુધી કંઇ બોલ્યું નથી.
હા, તો... પ્રિય, તને યાદ છે, મારા હાથ તારા વાળને કેવી રીતે પકડતા, ઉલઝાવતા કે ખેંચતા...! તારા વાળ જે હંમેશા કોઇ અંબોડામાં, વ્યવસ્થિત ચોટલામાં કે કામ કરતા પોની ટેલમાં વીંંટળાયેલા જ જોયા છે. છુટ્ટા નહિ. કેમ એમ? તું વાળ છુટ્ટા કેમ નથી રાખતી! એમ નહિ કહીશ કે 'વાળનો જથ્થો જ ક્યાં એટલો બચ્યો છે.' અથવા 'ઘરના કામ કરતા ફાવે નહિ.' અમારી ચિંતા કરવાનું ઓછું રાખ અને ઘરના કામ કરવાનું પણ ઓછું રાખ. બધું આપોઆપ સરખું થઇ જશે. અને આમપણ, ઓછા જથ્થામાં'ય છુટ્ટા વાળમાં તું સારી જ લાગે છે. સાચ્ચે... એમ ના કહીશ 'કે તમે સમજદાર બનો.' અને ઉંમરને તો વચ્ચે લાવતી જ નહિ, પ્લીઝ... થઇ જશે યાર. એટલો પણ નાસમજ નથી. સમજે છે ને!
તો, આગળ... તારા ખોળામાં માથુ રાખીને તને ટીકી ટીકીને જોવું. સ્પર્શવું. તારું સુંદર કપાળ. ભ્રમરોની વચ્ચે હંમેશા જ તારી સ્થિરતા બતાવતો લાલ ચાંદલો. તું બીજા રંગ પણ ટ્રાય કર. સરસ લાગે છે. તને ટાઇમ નથી મળતો એ જ ને... જાણું છું. એટલે જ જીદ્ ક્યાં કરી છે કોઇ દિવસ આની માટે! હા, તો... તને ખબર છે, કોમળ કમળની પાંદડીઓ જેવી જ આંખો છે તારી. હંમેશથી મારા આકર્ષણનું કેન્દ્ર. પૂછ કેમ? તો એ એમ કે તારી લાગણીઓ છે ને, હંમેશા ચશ્માના કાચની આરપાર પણ તારી આંખોમાં છલકાઇ જાય છે. દેખાય છે બધું. તું જેટલી સહજ છે, એટલો જ સહજ તારો અમારા માટેનો પ્રેમ છે. તારી આંખોમાં દેખાતું તારું પોતાનું નહિ ને અમારું પ્રતિબિંબ. એટલે જ મેં તને દર્પણ આગળ એટલી ઉભેલી જોઇ જ નથી. જોકે તું સુંદર જ છે. અંદરથી પણ અને બહારથી પણ. પણ હું કંઇક પૂછીશ, શું અમારા પ્રતિબિંબમાં જ તને તું દેખાય છે! આટલો પ્રેમ! કે તું પોતાની જાતને ભૂલી જાય! હશે... ખુશ થવું કે દુઃખી, મને આ બાબતમાં સમજાતું નથી. તારી બાળક જેવી હસી. હજુપણ... બરકરાર... તું ખુશ થઇ જાય છે નાની નાની બાબતોમાં. અમારી ખુશી તો ખરી જ. પણ તદ્દન બાળક જેવી છે તું. સમજાવું... સિરિયલના, કાલ્પનિક, વાસ્તવિક દુઃખો કે ખુશીઓ જોઇને તું ખુશીમાં કે દુ:ખમાં રડી પડે છે. ભીંજાય છે તારી પાંપણો. નાક પણ શરદી થઇ હોય એવું નથી થઇ જતું...! લાલ લાલ થઇ જાય છે તું. થોડીક પળો માટે. અમારા દુઃખમાં પણ અમને હિંમત આપતી તું એકલામાં રડી પડે છે ને! સારું છે, હવે તું જાહેરમાં દુઃખ બતાવતી થઇ છે. દેખાવું જોઇએ. તને પણ દુઃખે છે. હૃદયમાં... બધાં કંઇ થોડી હંમેશા સાચા જ હોય. અંતર્યામી પણ ન જ હોય ને તારી જેમ! અમારું મોઢું જોઇને સમજી જાય છે ને તું બધું. અને સહનશીલતાનો ઠેકો તારો એકલીનો જ નથી. હશે...
ચલ, આ દુઃખની વાત જવા દે. તારો ગમો, અણગમો, ગુસ્સો, દુઃખ, સુખ બધું જ દેખાઇ જાય છે તારા ચેહરે. પણ હવે આગળ શું કરવાની! આગળ એટલે... પોતાની ચિંતાઓ ક્યારે છોડીશ. તારી આંખે અમે ખુદના જ સપનાઓ પૂરા કર્યા. તું કહે છે ને, આટલી જિંદગી તો પૂરી. આટલી, પૂરી કે અધૂરી... હજુ પૂર્ણવિરામ નથી થયું. તે જ કહ્યું હતું ને... કે દરેક બાબતનો ગાળો હોય. સુખ હોય કે દુઃખ. જીવનનો તબક્કો. મારા ડિપ્રેશનમાંં પણ તું જ હતી ને મારી સાથે. અરે, ડિપ્રેશન જેવા શબ્દને તે હાંકી કાઢ્યો. પોતાના શરીરની સામે જોયા વગર. તારો અકસ્માત, તારું બી.પી... કહેતી હતી ને તું મને, મારા ઢીલા મોઢાને જોઇને... 'કે તમારી રજેરજથી વાકેફ છું હું. મારી ચિંતા છોડી દે. પરિસ્થિતિઓ તો આવે ને જાય.' હું પણ તારા ચહેરાને જોઉં છું. મેં પણ તને કહ્યું હતું ને 'તારી રજેરજથી વાકેફ છું હું. ભલે, હું કે તું કંઇ બોલીએ કે ન બોલીએ.' વિચાર આવે છે, જીવનના રંગ તે પણ તો જોયા છે. તારી ઉદાસી, વસવસો, સમાજ, પરિવારને વિના ભેદ સાચવવામાં તે પોતાની ઘસેલી જાત, શું આને ડિપ્રેશનનું નામ ન અપાય...! ના, કેમકે તું તો... હજી પણ... પોતાને ભૂલીને અમારું જ વિચારતી, ચિંતાઓ કરતી કામ કર્યા કરે છે યાર. તું પણ માણસ છે... છોડ ચિંતાઓ, છોડ...
તારું બી.પી., તારો અંગેઅંગનો દુખાવો, તારા પગના છાલા અને હાથની ખુરદરાહટ... દેખાય છે બધું. મારા, અમારા થાકમાં અમારી સેવા કરતી તું... પોતાના થાકમાં પગ પણ ક્યાં દબાવવા દે છે તું પોતાના. અમને સફળતા આપનારી તું અમને આમ નિષ્ફળ ના બનાવ. તને સફળ જોવા માંગુ છું હું. પોતાના પર ધ્યાન આપ. બસ, પોતાના પર. જિંદગી પતી નથી ગઇ. તું, તારા સપનાઓ, એને ઘૂંટણિયે તો ચાલવા દે... તને ટાઇમ નથી મળતો. એટલે જ તું ઘણીવાર કહે છે ને, 'ભગવાને મને ચાર હાથ આપ્યા હોત તો સારું થાત.' શું કરવા માંગે છે એ? બસ ઘરનું કામ જ કરવા! બધી જવાબદારીઓ તારી એકલીની જ છે! પરિપક્વ થવા પણ તું કહે છે ને બાળકોને! મને પણ ધ્યાનમાં લઈને કહે છે ને કોઇકવાર! ધ્યાન નથી આપ્યું કોઇ દિવસ આના પર. પણ હા, ભૂલ તો છે આ બાબતમાં મારી. કે ઘરની હોય, પરિવારની હોય કે બહારની, સમાજની... બધી જવાબદારીઓ તારી એકલી પર જ થોપી દીધી છે મેં. પણ આ તારી ફીકર કરતી કંઇક અંશની પરિપક્વતા જ બોલે છે. જોકે આ વાક્ય વાંચીને તું મારા પર ગુસ્સે થઇશ. મને જોઇશ. મારી ભૂલો તને દેખાશે. અને એ યાદ કરતાં, થોડાંક હીન ચહેરે ખિન્ન થઇશ. વસવસો તને નહિ થાય. પણ જવા દઇશ. સંસ્કાર... અરે, તને અધિકાર છે કહેવાનો, બોલવાનો, ઝઘડવાનો... પણ તું બોલતી નથી. જોકે મારી ભૂલો હું જાણું છું, અને હવે સુધારું પણ છું. અને પોતાની ભૂલોમાં જે પોતાની ભૂલો જ ન સ્વીકારે એને પરચો આપતા પણ ખચકાવું નહિ જોઇએ. પણ આ બધું પોતીકાઓ માટે. હું શેમાં આવું? જણાવ તું મને. પોતાની ફરજો જ યાદ રાખીને પોતાના હક્કોને જવા દેવાનું બંધ કર યાર. તું માણસ છે. બીજા એવું ન વિચારે તો જવા દે એ બધાને. તું સમાજ ને વધારે જ ધ્યાનમાં લે છે.
તારા નિસાસાઓ દેખી શકું છું હું. જેમ અમારો ઉમળકો તને દેખાય છે. તારી ચીડ, તેની પાછળનું દર્દ... બધું જ દેખાય છે.
મેં બધું જ સંકોચ રાખ્યા વગર તને કહ્યું છે. છતાં, તું કહે છે ને, કે હું છુપાવું છું. ઘણું બધું. મારા દુઃખ. ચિંતાઓ. તું પણ તો છુપાવે છે. નથી છુપાવતી! હવે બંધ કર આ બધું યાર. બંધ કર. તને નકારાત્મક બનતા હું નથી જોઇ શકતો. તું બનતી પણ નથી. પણ મને દેખાય છે, કે તું ઘુંટાય છે. તારી ચૂપકીદી, ઉદાસ ચહેરો, પોતાની તબિયત પ્રત્યેનું ઢીલું વલણ. કંટાળો. ચીડ, ગુસ્સો... આ બધા તારા મેન્સિસ સમયના હોર્મોનલ ચેન્જીસ. પણ તને મેનોપોઝમાં પણ આ કરતાં સમજી નથી.
મને તો ક્યારેક ઇચ્છા થઇ આવે છે કે જેમ મારું નામ તારા નામની પાછળ છે એમ મારા નામની પાછળ હું તારું નામ જોડું. કેમકે આજે હું જે કંઇ પણ છું એ તારી બદોલત જ છું. પણ હું ખુદ સમાજ દ્વારા મળેલા આ વિચારોમાં પરિવર્તન લાવી શકું એમ જ નથી. પણ થઇ આવે છે, કે આ કેવી પ્રથા ... મારા નામની 'પાછળ' કેમ તારું નામ? પ્રશ્ન થાય છે. તારું 'ખુદ'નું પણ તો અલગ અસ્તિત્વ છે. તું હંમેશથી 'આગળ' પડતી જ છે. હતી. અને રહેશે. તારા વિચારોથી. તારી મહેનતથી. દુઃખ ને પચાવી જાણી હંમેશા હસતા રહેવાની તારી વૃત્તિથી. દરેકને મદદ કરે છે ને તું. મને, બાળકોને, પરિવારના સભ્યોને... હંમેશા આગળ કર્યા છે ને તે બધાને... હવે સમય તારો છે. બસ, તારો... કેમકે તું જેટલો પ્રેમ અમને કરે છે એનો કંઇક અંશનો પ્રેમ અમારામાં પણ છે તારા માટે. તારા શોખ છે. સપનાઓ છે. તારી જિજ્ઞાસાઓ છે. ચંચળતા છે. મહેનત છે. બધું જ કરી શકવાની આવડત છે તારામાં. બધું જ છે તારામાં. એટલે જ કહું છું, તને હંમેશથી 'તમે', 'તમે' કરીને બોલાવતો હું, આજે તને 'તું' કહું છું. કેમકે તારા કારણે હું છું. તારો અર્ધ અંગ છું હું. અર્ધાંગિની છે તું મારી.
યાદ છે તને મારા કામનો બોજ, રાતોના ઉજાગરા, બિમારી, છોકરાઓનું ભણતર, ગણતર, તકલીફો, ખુશી, દુઃખ બધાંમાં તું જ મારી પડખે ઊભી રહી છે. અને હજી પણ તો આ ક્યાં બંધ થયું જ છે. ઘણીવાર તો મને તારાથી કોમ્પ્લેક્સ ફીલ થાય છે. કેમકે તારા જેટલી સારાઇ, આવડતો, મહેનતી વલણ, ઉત્સાહ, સહનશીલતા મારામાં નથી. આટલું કામ કરવા છતાં ફક્ત કંકાસ જ મળ્યો તને. છે... પણ સમય... આપણા બાળકો પણ તકલીફોમાં મારી જેમ જ કેવા નાસીપાસ થઇ ગયેલા! છતાં તું હારી નહિ. તે હિંમત બતાવી. ક્ષમતા બહારની મહેનત કરી. જુસ્સો પૂરો પાડ્યો. સપનાઓ બતાવ્યા... મને, બાળકોને... સમય જતાં ફળીભૂત પણ થયા જ ને. અને તે જ કરાવ્યા તે. તે હંમેશા અમને આગળ કર્યા છે. અને ખુદ ભૂલી ગઇ છે. પોતાને! તને ખબર છે, તારો વસવસો આ વાક્યમાં છલકે છે, 'વીતેલા વર્ષો થોડી પાછા આવે છે...' વીતેલા વર્ષો... પણ આ વલોપાત તને થકવી રહ્યો છે. દેખાય છે. પોતાને ભૂલી રહી છે તું. પાછળ પાછળ કેમ ધકેલાય છે. નથી દેખી શકતો હું. મારે તારા પડખે ઊભા રહેવું છે. તારું સપનું બનવું છે. તારો હાથ પકડવો છે. ફરીથી. મારે આગળ નથી જવું તારાથી. તારી સાથે આગળ વધવું છે. દુઃખ થાય છે યાર...
એટલે જ આપણા બત્રીસ વર્ષના લગ્ન જીવનના સંબંધને 'પતિ-પત્ની'ના સંબંધ કરતાં આ પત્ર દ્વારા હું 'દોસ્તી' માં પરિવર્તિત કરવા માંગુ છું. અને કરી રહ્યો છું.
પણ, બસ, એટલે જ હું ઇચ્છિશ કે તું મારી સાથે, અમારી સાથે, આપણા પૂરા પરિવારની સાથે... ખુદને પણ પ્રેમ કરતાં શીખ. તારી આંખોમાં અમારા પૂરા કરાયેલા સપનાઓની નહિ પણ તારા ખુદના સપનાઓને પૂરા કરાયાની ચમક હોય. છાપ હોય. ખુશીઓ હોય. સંતોષ હોય. આ સમય પણ તો તારો જ છે ને. ક્યાં સરકે છે એ. એક એક પળ તક જ તો છે. તે જ કહ્યું હતું ને ક્યારેક...
ચલ બસ, શીખામણો પૂરી. ઠપકો આપશે તો ગમશે. મોબાઇલના જમાનામાં પત્ર લખ્યો છે. ભૂલો સુધારવા. જોકે, લગ્ન પહેલાં આપણે આવી રીતે જ એકબીજાના સંપર્કમાં રહેતા ને! ચલ, લવ યુ દોસ્ત. તારા પત્રની રાહ જોઇશ.
તારો પ્રિય બનવા માંગતો મિત્ર.