We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

Namrata Kansara

Children Fantasy Others


3  

Namrata Kansara

Children Fantasy Others


ચાવી

ચાવી

12 mins 4.5K 12 mins 4.5K

એક ફેરિયો હતો. આધુનિક! સૂટેડ-બૂટેડ. એનું નામ હતું…! એનું નામ શું હતું...? ખબર નથી. પણ હા, તે પોતાના ગ્રાહકોને જાદુઈ સ્મિત સાથે આવકારતો. અને એક જ વાત કહેતો કે, ‘ગ્રાહક તો બજારનો રાજા કહેવાય અને રાજા સાથે છેતરપિંડી થોડી થાય.’


હા, એનું સ્મિત જાદુઈ હતું. બધાંથી અલગ. ન એમાં સુખ હતું, ન દુઃખ, ન કોઇ સંતાપ હતો કે ન કોઇ ઇર્ષ્યા. બસ, એટલે જ એ જાદુઈ હતું. અને તેના વ્યવસ્થિતપણા કરતાં તેના સ્મિતના જાદુથી જ લોકો તેના તરફ આકર્ષાતા. કેમકે જ્યાંથી પણ તે પસાર થતો, ત્યાં ખુશીઓનો મેળો ! જી હા, તે ખુશીઓનો મેળો લઇને જ ફરતો. અને ખુશીઓ વહેંચવાની જગ્યા પણ એ જ ડિસાઇડ કરતો. કેમકે તેનું માનવું હતું કે ખુશીઓ વહેંચતા વધે ! લોકોને પ્રશ્ન થતો, કે આ વ્યક્તિ આટલો ખુશ કેવી રીતે રહી શકે છે ? તેમ જ કુતૂહલ પણ થતું. કેમકે લોકો પહેલાં એની ખુશીઓના રહસ્યને જાણતા નહીં હતા ને !


પણ ધીરે-ધીરે એની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાવા લાગી. અને લોકવાયકાથી જ જાણ થઈ કે, એનો એક હાથ હંમેશા ચાવીઓના ગુચ્છાથી જ ભરેલો રહે છે. અને તે આ ચાવીઓ કોઇ પણ જાતના ભેદભાવ વગર બાળકો, યુવાનો, વડીલો બધાંને રિઝનેબલ ભાવે આપે છે. એટલે અમીરી-ગરીબી, નાતજાતનો તો કોઇ પ્રશ્ન જ ક્યાંથી હોય ! આમ, એની ખુશીઓનું રહસ્ય તે આ ચાવીઓનો ગુચ્છો છે, તે બધાંને સમજાઇ ગયું હતું. અને જાદુઈ સ્મિતનું રહસ્ય પણ છતું થઇ ગયું હતું!


તો એકવાર, લોકવાયકાથી જ અંજાઇને નાનકડા બુલબુલ-આદિત્યની જોડી પણ વિકેન્ડમાં મમ્મી-પપ્પા સાથે પોતાના શહેરમાં રોકાયેલા એ ફેરિયા પાસે આવી. સુલઝેલો પરિવાર ! જે અત્યારે વિચારી રહ્યો હતો કે અંદર કેવી રીતે જવું . ઘણી બધી ભીડ હતી અહીં. બહારથી તો કશું જ નહોતું દેખાઇ રહ્યું. એટલે જેમતેમ ભીડમાંથી જગ્યા કરીને તેઓ અંદર ગયા. તો દુકાન તો ખાલી ! અને ચીજવસ્તુઓની જગ્યાએ એક જ સરખાં ઘણા બધાં પાંજરાઓ. ઉપર-નીચે-આજુ-બાજુ... કેટલાકમાં તો પક્ષીઓ પણ ઊડાઊડ કરી રહ્યા હતા.


‘બધું વેચાઇ ગયું….’ નાનકડી બુલબુલથી નિસાસો નખાઇ ગયો. આદિત્યનું મોઢું પણ પડી ગયું.


અને એ ફેરિયો પોતાના રોજિંદા ક્રમ મુજબ જ ચાવીઓના ગુચ્છામાંથી જાદુઈ સ્મિત સાથે એક એક વ્યક્તિને એક એક ચાવી આપી રહ્યો હતો. તેનો એક મદદનીશ એક ટેબલ પર ચાવી લેનારની નામ-સરનામાં સાથેની ડિટેઇલ્સ ભરી રહ્યો હતો. અને બાંહેધરી પત્ર પર સહી-સિક્કા કરાવી રહ્યો હતો. અન્ય મદદનીશ સાલસતાથી જ પાંજરૂ આપીને તેમને ફેરિયા પાસે મોકલી રહ્યો હતો. અને ફેરિયો પાંજરૂ લેનારને પોતાના હાથમાં રહેલા ચાવીઓના ગુચ્છામાંથી એક-એક ચાવી આપી જાદુઈ સ્મિત સાથે રવાના કરી રહ્યો હતો.


પહેલીવારમાં ન સમજાય તેવી ઘટના હતી આ. એટલે આદિત્ય-બુલબુલ કે તેના મમ્મી-પપ્પાને પણ કંઇ જ ન સમજાયું. અન્યોની જેમ તેઓ પણ ભીડમાંથી જ આ બધું મૂક પ્રેક્ષક બનીને જોઇ રહ્યા હતા. અને નીકળવાનું પણ વિચારી રહ્યા હતા. કે અચાનક જ એ ફેરિયાએ જાદુઈ સ્મિત સાથે બોલવાનું શરૂ કર્યું. અને બધા જડાઈ ગયા.


ફેરિયાની સ્પીચ સાંભળીને અન્યોની જેમ આદિત્ય-બુલબુલના પરિવારે પણ ફૉર્માલિટીઝ પતાવીને એક પાંજરૂ ખરીદ્યુ. મસ્ત મજાના ઝગમગતા પાંજરાને પરિવાર ઘરે લઇને આવ્યો. દરેક સભ્ય ખુશ હતો. અને પોતપોતાની વિશ માંગવા આતુર પણ હતો. પરંતુ ફેરિયાના કહેવા મુજબ દરેકે પોતપોતાની વિશ એકબીજાને ન કહેતા એક એક કરીને પાંજરાનું તાળુ ચાવીથી ખોલીને તેમાં વિશ બોલીને પાંજરૂ એ જ ચાવીથી બંધ કરી દેવાનું હતું.


સૌથી પહેલાં બુલબુલે વિશ માંગી.


‘પાંજરા, પાંજરા..., હું તારી પાસે શું માંગુ…..’ એકલી રૂમમાં બેઠેલી બુલબુલ પાંજરૂ ખોલીને ગાઇ રહી હતી.


જેવું કહેવાયું હતું એવું જ કરવામાં આવ્યું. અને આ શું…? આ તો સાચ્ચેસાચી ખુશીઓની ચાવી !


પોતપોતાની ચીજવસ્તુઓ મેળવીને પરિવાર ખુશ હતો. એક જ વાર માંગી શકાય તેવી શરતને આધીન બુલબુલે મોબાઇલ, આદિત્યએ સાઇકલ અને તેમના મમ્મી-પપ્પાએ ક્રમશઃ કિંમતી હીરા-ઝવેરાત માંગ્યા હતા.


દિવસો પસાર થવા લાગ્યા. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની ખુશીઓ મેળવીને ખુશ હતી. આખુ શહેર ફેરિયાના ગુણગાન ગાઇ રહ્યું હતું. અને આશીર્વાદ આપી રહ્યું હતું: ‘ભઇ, કેટલો ભલો માણસ…’ ફેરિયો પણ આ બધાથી પર, પોતાના જાદુઈ સ્મિત સાથે ખુશીઓની ચાવીઓનો ગુચ્છો લઇ અન્યને ખુશીઓ વહેંચવા સ્થળાંતર કરી ગયો હતો. અને એકાએક જ શહેરની વસ્તી ઘટવા લાગી. કારણ શું હતું ? કોઇ કંઇ જ જાણતું નહોતું.


ટી.વી., કમ્પ્યુટર, મોબાઇલ, રેડિયો, ન્યૂઝ પેપર… બધાંમાં એક જ ખબર હતા. ના કોઇ રોગ, ના કોઇ વાયરસ કે ના કોઈ કુદરતી કે કૃત્રિમ આપત્તિ… શહેર શું આખી દુનિયાની વસ્તી ઘટી રહી હતી. કોઇ પણ પ્રકારની ખાના-ખરાબી નહોતી થઇ રહી. પણ લોકો આક્રોશમાં રસ્તાઓ પર હાથમાં રંગબેરંગી પક્ષીઓવાળા પાંજરા લઇને ઉતરી આવ્યા હતા. ચિંતા હતી. રોકકળ હતી. નાસભાગ હતી. અને લોકો ધીરે-ધીરે નબળા પણ થઇ રહ્યા હતા.


‘કેટલું વિચિત્ર છે ને આ બધું…’ બધે આ જ ચર્ચાઓ હતી. કેમકે આતંકવાદ, ગુનાખોરી, મોંઘવારી, ગરીબી, બેકારી.. આ બધાં કરતાં પણ અત્યારે આ પ્રશ્ન વધુ જટિલ સાબિત થઇ રહ્યો હતો.


‘શું બકવાસ કરે છે, આવું કંઇ જ થવાનું નથી.’ કોઇ અવિશ્વાસથી આટલું પણ બોલે, એટલીવારમાં તો આસ-પડોશમાંથી કોઈ પણ પાંખોના ફફડાટવાળુ પાંજરૂ લઇને રડતું-રાડો પાડતું બહાર આવી જતું. આ સંકટ આખી પૃથ્વી પર ભય બનીને તોળાઇ રહ્યો હતો. જેના પર કોઇ પોલીસ, અધિકારી, નેતા, સંસદ, અદાલત, રાજકારણ કે આમ જનતા સુદ્ધાં કોઇ પણ કોઈ જ જાતના પગલાં લઇ શકે તેમ નહોતું. કોઇ કંઇ સમજી શકતું નહોતું. કંઇ કરી શકે એમ નહોતું. દરેકના મનમાં ફફડાટ હતો. એક છૂપો ભય હતો.


મનુષ્યોની સાથે પ્રકૃતિ પણ રડી રહી હતી. કેમકે પૃથ્વી પરનું આખું જીવનચક્ર ખોરવાઇ ગયુ હતું. અને જો તેની માટે કોઇ પગલાં ન લેવાય તો આ પૃથ્વી અને તેના પરની સજીવસૃષ્ટિ બેય સાથે જ નાશ પામે તેમ હતું.


આદિત્યના ઘરમાં પણ આ પ્રશ્નો જ ખૌફ લઇને આવ્યા હતા. એની પાછળનું કારણ પણ કદાચ તેઓ જાણતા જ હતા. અને અન્યોની જેમ તેઓ પણ રોજેરોજ આ ખબર સાંભળીને દુઃખી થઇ રહ્યા હતા. આદિત્ય તો મમ્મી-પપ્પાની ‘ના’ છતાં સાઇકલ ચલાવતો બહાર નીકળી પડતો. હવે તો આસ-પડોશમાંથી પણ સભ્યો ગાયબ થઇ રહ્યા હતા. અને પાંજરામાં રંગબેરંગી પક્ષીઓ પૂરાઇ રહ્યા હતા. ધીરે-ધીરે લોકો એવું સમજી રહ્યા હતા કે આ બધા પક્ષીઓ એમના પોતીકાઓ જ છે. કેમકે પાંજરામાં પૂરાયેલા પક્ષીઓની સંખ્યા પોતીકાઓની ગાયબ થતી સંખ્યા જેટલી જ થયે જતી હતી. અને લોકો આ કરતૂત જરૂર પેલા જાદુઈ સ્મિત ફરકાવતા ફેરિયાની જ હશે તેમ વિચારી રહ્યા હતા. તેને કોસી પણ રહ્યા હતા. કેમકે એના ખુશીઓના ચાવીઓના ગુચ્છાએ લોકોની ખુશીઓ-તેમના સ્વજનોને પાંજરે કેદ કરી દીધા હતા.


પણ હવે શું થાય ? બધાની ખુશીઓ તો છિનવાઇ ગઇ હતી. હાથમાં ચાવી લઇને બધાં પોતપોતાના પરિજનોને પાંજરે પૂરાયેલા જોઇ રહેતા. કેમકે પાંજરું ખોલી શકે તેમ પણ નહોતા. જો પાંજરૂ ખોલે, પક્ષી તો ઊડી જાય. અંદર તો ટકે જ નહીં. અને એમાં એમનું પરિજન ક્યાંક એમનાથી વિખૂટું પડી ગયું તો...


કંઈક સૂઝતા આશંકાઓ સાથે નાનકડો આદિત્ય જોરથી પેડલ મારી સાઇકલ ચલાવી રહ્યો હતો. એને પણ તે ફેરિયા પર અન્યોની જેમ જ ગુસ્સો આવી રહ્યો હતો. પણ તે ઝડપથી ઘરે જવા માંગતો હતો. અને ઘરે જઇને સૌથી પહેલાં તે બાંહેધરી પત્ર જોવા માંગતો હતો. કેમકે તે એવું માનતો હતો કે આ મુશ્કેલીઓની ચાવીનો ઇલાજ કદાચ એ બાંહેધરી પત્ર જ છે. જેમાંથી કોઇ પણ જાતનો પુરાવો મળી શકવાની શક્યતાઓ પૂરેપૂરી છે.


‘મમ્મી-પપ્પા-બુલબુલ…’ આદિત્યએ ઝડપથી ઘરે આવીને બૂમો પાડી. કેમકે તે ઘરનાને પણ પોતાની આશંકાઓ જણાવવા માંગતો હતો. ‘અરે, કોઇ જવાબ નહીં… મમ્મી-પપ્પા-બુલબુલ..…’ તેણે જોરજોરથી બે-ત્રણ બૂમો પાડી. કોઇ જ જવાબ ન આવતા તે ગભરાયો. આખા ઘરમાં ફરી વળ્યો. આસ-પડોશમાં જોઇ આવ્યો. દરવાજો ખુલ્લો હતો. વાહન બહાર જ પાર્ક કરેલું હતું. ‘ક્યાં જઇ શકે ?’ મનમાં વિચાર કરી કંઈક યાદ આવતા તે ઝડપથી ભાગ્યો. મનમાં છૂપો ડર હતો. જે સાચો ન પડી જાય તો સારું.. એમ વિચારી તે એક રૂમમાં આવ્યો. તો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. અને એકાએક જ તે દુઃખી થઇ ગયો. ત્રણ રંગબેરંગી પક્ષીઓ પાંજરામાં જોર-જોરથી પાંખો ફફડાવી ઊડાઊડ કરી રહ્યા હતા.


‘મમ્મી…પપ્પા…બુલબુલ…’ રડતાં અવાજે જ આદિત્ય પાંજરાને વીંટળાઈ ગયો. ‘હવે શું કરું હું…?’ પક્ષીઓ ફફડાટ કરતા અટકી ગયા હતા. ચારેયની આંખો ભીની હતી.


આદિત્યએ મગજ શાંત રાખીને સમજદારીથી કામ કરવાનું હતું. બહાર આસ-પડોશમાંથી તેને કોઇ મદદ કરી શકે તેમ નહોતું. મોટાભાગના લોકો રંગબેરંગી પક્ષીઓ બની ગયા હતા. અન્ય એટલા દુઃખી હતા કે કશું જ સમજી-વિચારી શકવા અસમર્થ હતા.


‘હવે શું કરવું ?’ આદિત્ય મનમાં વિચારી અચાનકથી ઊભો થયો. અને બાંહેધરી પત્ર શોધવા લાગ્યો. કાળા કલરના પરબીડિયામાં તે પત્ર હતો. તેણે ઝડપથી તે ખોલ્યું. અને પત્ર કાઢી વાંચવા લાગ્યો.


ખુશીઓની ચાવી


ખુશીઓની વહેંચણીમાં ભાગીદાર થવા બદલ આભાર.


ખુશીઓની ચાવી મેળવ્યા પછી તમે કોઇ પણ એક જ વિશ માંગી શકશો. જેની તમને ખૂબ જ જરૂર હોય.


વિશ મેળવ્યા પછી તમારે આ પાંજરાને ક્યારેય ખોલવાનું રહેશે નહીં. અને ચાવીને સાચવીને આ કાળા કલરના પરબીડિયામાં જ રાખી દેવાની રહેશે.


પાંજરામાંથી મેળવેલી વિશ વિશે કોઇને કંઇ માહિતી આપવાની રહેશે નહીં. ખુશીઓની ચાવી વિશે જાણ કરી શકાશે.


ખુશીઓની ચાવી મુબારક...


નીચે આદિત્યના ઘરનાનું નામ-સરનામું અને તેની બરાબર સામે તેમના કરેલા સહી-સિક્કા-અંગૂઠાના નિશાન હતા.


તેણે સિક્કો જોયો. કાળા કલરના સિક્કામાં ગોળ આકારની પટ્ટીમાં ખુશીઓની ચાવી લખ્યું હતું. આજુબાજુ ચાવીઓ લટકતી હતી. અંદર જોયું તો કોઇ પક્ષી હતું. કાળા કલરમાં… પણ સ્પષ્ટ દેખાતુ નહોતું. ઊભી-ઊભી લીટીઓ હતી એના પર. એણે ધ્યાનથી જોયું...


‘આ શું…??? પાંજરામાં પૂરાયેલું પક્ષી !’ આદિત્ય ભડક્યો. તેની આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ. અને તે નીચે ફેરિયાની સહી જોવા ફાંફા મારવા લાગ્યો. કદાચ તેનું નામ મળી જાય. જેથી એ શૈતાન વિશે કંઈક તો માહિતી મળે. આદિત્ય વિચારી રહ્યો. પણ ના, નીચે જોયું તો અન્ય એક જાદુઈ સ્મિતનો તારીખ અને સ્થળ સાથેનો કાળા કલરનો સિક્કો હતો. તેણે કાગળ આગળ-પાછળ કરીને જોયું. કાળા કલરનું પરબીડિયું પણ જોયું. અંદર ચાવી સિવાય કશું જ નહોતું. તે ચિડાઇ ગયો. અને ચાવીનો છૂટ્ટો ઘા કર્યો.


‘હવે શું કરું…?’ આદિત્ય બરાડ્યો. અને રડવા જેવો થઇ ગયો. ગુસ્સે પણ થયો. તેને એ ફેરિયાને શોધીને પોતાના સ્નેહીજનોને પોતાનાથી જ દૂર કરવાનું કારણ પૂછવું હતું. સબક શીખવાડવો હતો એ ફેરિયાને… પણ ફેરિયો તો એકદમ ચાલાક નીકળ્યો. પોતાની વાત ભોળા લોકો પાસે મનાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ તરત જ સ્થળાંતર કરી દેતો. એટલે એને પકડવો મુશ્કેલ હતો. પાછો જેવો દેશ તેવો ભેશ લઇને પોતાના કહેવાતા ખુશીઓના ચાવીઓના ગુચ્છાને લઇને ફર્યા કરતો. જાદુઈ સ્મિત વેર્યા કરતો. જેથી ભોળા લોકો તેની વાતમાં તરત જ આવી જતા. અને પોતે પકડાઈ ના જાય માટે બાંહેધરી પત્ર પર સહી-સિક્કા-અંગૂઠાનું નિશાન લઇ બાંધી પણ દેતો. અને શું કહેતો એ…


‘ગ્રાહક તો બજારનો રાજા કહેવાય… અને રાજા સાથે છેતરપિંડી થોડી થાય….’


અને શરત શું હતી એની…


‘આ ખુશીઓની ચાવી હું તમને એક જ શરતે આપી રહ્યો છું કે તમે આ પાંજરાવાળી વાત કોઇને પણ જણાવશો નહીં. કેમકે જો તમે એ કોઇને જણાવશો તો તમારું પાંજરૂ ગાયબ થઇ જશે. અને તમારી વિશ કદાચ પૂરી ન પણ થાય. અને તમે ભલે એક જ વિશ માંગો. પણ સમજી વિચારીને માંગજો. પોતાની જરૂરિયાત અને જીવન જીવવા માટે તે કેટલી જરૂરી છે તેની કિંમત નક્કી કરીને માંગજો. કેમકે આમ પણ આ પાંજરું તો આજીવન તમારી પાસે જ રહેવાનું છે. માટે સમજી વિચારીને... સમજી રહ્યા છો ને…’ અને એ જ જાદુઈ સ્મિત… આદિત્ય બધું જ યાદ કરી રહ્યો હતો. વિચારી રહ્યો હતો. મૂંઝાઇ પણ રહ્યો હતો.


‘કેવી રીતે બચાવું બધાને...’


એટલામાં જોરજોરના પાંખોના ફફડાટ પર આદિત્યનું ધ્યાન ગયું. પાંજરામાં પૂરાયેલા પક્ષી તેને કંઇ કહેવા મથી રહ્યા હતા. તે તેમની પાસે ગયો. પક્ષીઓના ફાંફા જોઇને સમજવાની કોશિશ કરી રહ્યો. અને કંઈ ન સમજાતા દુઃખી થઇ ગયો. કિચનમાંથી થોડાંક ચણ લઇ આવીને પાંજરામાં નાખ્યા. અને એ ઘરની બહાર કોઇ સબૂત મળે, કોઇની મદદ મળે તે હેતુથી સાઇકલ લઇને નીકળી પડ્યો.


સૂમસામ રસ્તાઓ પર તે પોતાની સાઇકલ ફેરવી રહ્યો હતો. ઠેરઠેર રંગબેરંગી પક્ષીઓવાળા પાંજરા પડ્યા હતા. બહાર ધસી આવેલા લોકોમાંથી પણ અમુક પક્ષી બની ગયા હતા. છૂટપુટ માણસો દેખાઇ રહ્યા હતા. બધાના ઘર ખુલ્લા હતા. લોકો દુઃખી હતા. પ્રકૃતિ પણ શાંત હતી. શહેરનો વરતારો લઇને આવ્યો તો તે પણ દુઃખી થઇ ગયો. તેને કોઇ મદદ ન મળી. કંઇ જ સમજાતું નહીં હતું. કે કરે શું ?


આખા દિવસ દરમિયાન થાકેલો આદિત્ય રાત્રે પથારી પર પડતાં જ ઊંઘી ગયો.


સવારના તડકામાં તે સાઇકલ દોડાવી રહ્યો હતો. ઘણા બધાં હીરા-ઝવેરાત, પૈસા, સોનું-ચાદી, ઇલેક્ટ્રોનિક ગૅઝેટ્સ ને કંઇ કેટલુંય એના રસ્તામાં સાઇકલ સાથે અથડાઇ રહ્યું હતું. તેને પ્રશ્ન થયો કે આ પૃથ્વી પરની એકોએક ચીજવસ્તુઓ, માણસ દ્વારા બનેલી કે કુદરત દ્વારા મળેલી બહાર કેવી રીતે આવી ગઇ ?


એટલામાં એક અટ્ટહાસ્ય સંભળાયું. ચાવીઓનો ગુચ્છો દેખાયો. પક્ષીઓની પાંખોના ફફડાટ સંભળાયા. અને અચાનક જ ચાવીઓનો રાફડો તેની તરફ ઝીંકાવા લાગ્યો. તે ગભરાયો. અને જોરથી સાઇકલના પેડલ મારવા લાગ્યો. તો સાઇકલ વાદળ જેવા ધુમ્મસમાંથી રસ્તો કરીને સડસડાટ દોડવા લાગી. અંધારું હતું ત્યાં. પણ અસંખ્ય ચળકતા ધાતુના તાર દેખાઇ રહ્યા હતા. કશું જ સમજાતું નહિ હતું. કશું જ દેખાતું નહિ હતું. પણ તેણે આંખો ઝીણી કરી. ધ્યાનથી જોયું. તો ચળકતી પટ્ટીઓની પાર અસંખ્ય માનવ આકૃતિઓ દેખાઇ. તે નજીક ગયો. તો બધાં જ એના સ્વજનો ! અને તે પણ પાંજરામાં પૂરાયેલા ! તે ફાંફા મારવા લાગ્યો. મમ્મી-પપ્પા-બુલબુલ પણ અહીં જ કશે હશે. અને અચાનકથી તેને ચિરપરિચિત અવાજ સંભળાયો. તે આમતેમ ફર્યો… તો મમ્મી…પપ્પા…બુલબુલ… !


આંખો ખુલી ગઇ. શ્વાસોચ્છવાસ ઝડપથી ચાલી રહ્યા હતા. અને બારીમાંથી સવારના સૂર્યનો તડકો તેના આખા કૂમળા શરીર પર પથરાઇ રહ્યો હતો.


‘સપનું હતું ?’ આંખો ચોળતા તે બોલ્યો. પણ તેને કોઇ સાંભળી શકે તેમ નહોતું. અને જો સાંભળે તો કંઇ કહી શકે તેમ નહોતું. તે ઉદાસ થઇને જ પથારીમાંથી ઊઠ્યો. બધું રોજિંદુ કામ તેણે જાતે જ કરવાનું હતું. કેમકે કોઇ કંઇ કરી શકવા તેની જેમ માણસ ક્યાં રહ્યું જ હતું! ઝડપથી કામ પતાવીને, તૈયાર થઇને તેણે પાંજરામાં ચણ નાખ્યા. અને આ સમસ્યાનો હલ શોધવા સાઇકલ લઇને બહાર નીકળી પડ્યો. વિચારવા લાગ્યો.


દિવસો પસાર થઇ રહ્યા હતા. આદિત્યએ પોતાનો નિત્યક્રમ જાળવી રાખ્યો હતો. પણ સમસ્યાનું સમાધાન દિવસે ને દિવસે અશક્ય લાગી રહ્યુ હતું. અધુરામાં પૂરું પક્ષીઓ નબળા થઇ રહ્યા હતા. ખાવાનું પણ માંડ ખાતા હતા. જેનાથી આદિત્ય પણ દુઃખી હતો. પરંતુ પોતાના સ્નેહીજનોને જીવાડવા મથ્યા કરતો હતો.


‘શું કરું? શું કરું હું આ લોકો માટે…’ તે હવે સબ્ર કરી શકે તેમ નહોતો. ફેરિયાને મળવું અશક્ય હતું. અને પેલું સપનું તો તેને હવેથી રોજ જ આવતું હતું. અંધારું, અટ્ટહાસ્ય, ચાવીઓનો ગુચ્છો, પાંજરામાં પૂરાયેલા ધૂંધળા થઇ રહેલા સ્વજનો. આટલા દિવસોમાં બાંહેધરી પત્ર પણ એણે અસંખ્યવાર વાંચ્યો હતો. પણ કોઇ સબૂત મળતા નહીં હતા. ઉલટા પ્રશ્નો વધારે ઉપસ્થિત થયા હતા.


‘મેં પણ તો વિશ માંગી હતી! હું કેમ પક્ષી ન બન્યો? અને મારી જેમ જ અમુક લોકો પણ કેમ પક્ષી બનવાથી બચી ગયા? ફેરિયો ક્યાં રહે છે? તેની કોઇ માહિતી કેમ નથી મળતી? અને રોજેરોજ આવતું આ સપનું ?’


નંદવાયેલા પરિવારને આદિત્ય ઘરની બહાર લઇને આવ્યો. બહારનું વાતાવરણ અસહ્ય હતું. પણ બહાર આવતાની સાથે જ પાંજરામાં પૂરાયેલા પક્ષીઓમાં અચાનક જીવ આવ્યો. અને તેઓ થોડી થોડી પાંખ ફફડાવવા લાગ્યા. આ જોઇને તે ખુશ થઇ ગયો. અને જેટલા પણ પાંજરા હતા એ બધાને બહાર લાવવા બચેલા સ્નેહીજનોને જણાવવા લાગ્યો. મદદ પણ કરવા લાગ્યો. હવે રોજેરોજ, દિવસ-રાત જોયા વગર તે આ જ કામ કરતો. અન્ય પણ તેને મદદ કરતાં. બહારનું વાતાવરણ પક્ષીઓને ગમતું હતું. અને તેઓ કોઇપણ જાતના ભય વગર પાંજરામાં જ ઊડાઊડ કરી રહ્યા હતા. પ્રકૃતિ પણ તેમની સાથે આનંદ કિલ્લોલ કરવા લાગી હતી.


કુદરત જાણે ફરીથી જીવવા લાગી હતી. પક્ષીઓ પાંજરામાંથી આવવા બેબાકળા થઇ રહ્યા હતા. પરંતુ જો તેમને પાંજરાની બહાર કાઢે તો તેમની આઝાદીની સામે આપ્તજનના ખોવાવાનો ભય વધારે હતો. એટલે આ કરવા કોઇ તૈયાર નહોતું. કેમકે કોઇ પોતાના પરિવારના સભ્યને દૂર કરવા માંગતું નહીં હતું. અને બીજો કોઇ તાળો મળવો પણ મુશ્કેલ હતો.


આદિત્ય વિચારી રહ્યો હતો.


‘બાંહેધરી પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે સમજી વિચારીને જીવન જરૂરી ચીજવસ્તુ જ માંગવી. કેમકે એક જ વાર માંગવાની હતી. તેણે સાઇકલ માંગી હતી. જે એને સ્કૂલે જવા-આવવા માટે જરૂરી હતી. બુલબુલને ગાવાનો શોખ હતો. એટલે તેણે મોબાઈલમાં જ બધી સુવિધાઓ મળી રહેતી હોવાથી તે માંગ્યો હતો. મમ્મી-પપ્પાએ હીરા-ઝવેરાત કેમ માંગ્યા હતા તે આદિત્યને સમજાતું નહીં હતું.’


પછી તે આસ-પડોશમાં પોતાના બચેલા સ્વજનોને આ વાત જણાવવા ગયો. અને જાણવા પણ ગયો કે તેઓએ શું-શું માંગ્યું હતું !


સૌએ પોતપોતાના માટે જીવનજરૂરી અને કિંમતી કહી શકાય તેવી જ ચીજવસ્તુઓ વિશમાં માંગી હતી. તો અમુક જ પક્ષી બનવામાંથી બચી કેમ ગયા હતા ? કંઇ જ સમજાતું નહીં હતું.


તમારું શું કહેવું છે ? શું તે ખરેખર જીવન જરૂરી ચીજવસ્તુઓ જ હતી જે એકવારની વિશમાં મંગાઇ હતી?


‘હા, મને જવાબ મળી ગયો!’ તે બોલ્યો.


આદિત્યને જવાબ મળી ગયો હતો. અને તે ગુસ્સામાં ફેંકેલી ચાવીને શોધવા ફાંફા મારી રહ્યો હતો. તેને ચાવી મળી ગઇ. ઝડપથી તે પાંજરા પાસે આવ્યો. તેને લાગેલું તાળું ખોલી દીધું. ઊડાઊડ કરતાં તેના સ્નેહીજનો બહાર નીકળ્યા. પાંખો ફફડાવતા ખુલી હવામાં વિચરવા લાગ્યા. શ્વાસ લેવા લાગ્યા. નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, ગાવા લાગ્યા. અને ફરી પક્ષીમાંથી માણસ પણ બની ગયા.


તો બોલો, શું જાદુઈ સ્મિત ફરકાવતા ફેરિયાએ લોકોને ખુશીઓની જ ચાવી આપી હતી કે બીજું કંઇ ? વિચારશો તે પ્રમાણે પરિણામ મળશે. ત્યાં સુધી, ખુશીઓની ચાવીને સંભાળીને રાખજો !


Rate this content
Log in

More gujarati story from Namrata Kansara

Similar gujarati story from Children