Namrata Kansara

Inspirational Thriller

4.9  

Namrata Kansara

Inspirational Thriller

રંગોળી

રંગોળી

8 mins
915


અમારું ગાર માટીનું મકાન. ફૂંકણી મારી સળગાવીને કરીએ તે ચૂલો. એ જ એનો કાળો કાળો ધુમાડો અને એ હવામાં ભળતી બાપુની હુક્કાની ધુમ્રસેર. બાજુમાં એક ઝૂંપડી કરેલી. તેમાં અમારી ગૌરી ગાય. એનું વાછરડું મગન. મગન નામ બાપુએ પોતાના બાપુજીના નામથી પાડ્યું હતું. અમારા દાદાજી. ગામમાં અમારે દોમ દોમ પૈસો હતો. ઘણી નામના. ગૌશાળાઓ. ખેતરો. દાદાજીએ ખૂબ મહેનત કરીને એ બધું વસાવેલું. આકરી કસોટીઓમાંથી પાર પડી મહાત્મા કર્ણની જેમ દાન-ધર્મ પણ પોતાની જાતને જોયા વગર પહેલાં કરતાં. પરંતુ ખબર નહિ શું થયું! દાદાજીના ભાઇ-ભાંડુ ગમે ત્યાંથી આવ્યા. દાદાજીને મસ્કા લગાવી બધું જ પડાવી લીધું. દાદીમા તો હતા નહિ. દાદાજીએ એકલે હાથે છ ભાઇઓ એક બહેનનો વસ્તાર સંભાળ્યો. અને થાકી હારીને જતા રહ્યા. દાદીમા પાસે.


પછી એક એક કરીને બધા ભાઇ-બહેન અલગ થઇ ગયા. પરિવાર વેરવિખેર થઇ ગયો. બચ્યા મારી મા વસુંધરા અને બાપુ મહેશ. બાપુ વચેટ હતા પોતાના ઘરમાં. ઘણી મહેનત કરતાં. ખેતીકામ એમની માટે જીવન હતું. પરંતુ મોટા ભાઇએ એમને અને માને મારા ભાઇ સુરેશના જન્મ વખતે રાતોરાત તગેડી મૂક્યા મોટા કાકીના કહ્યે. ઘણો રઝળપાટ કર્યો તે વખતે મા-બાપુએ. કોઇએ એમને રાખ્યા નહિ પોતાના ઘરે. હું ત્યારે પાંચ વર્ષની હતી. રસ્તા પર રોકાણ કરી ઇંટો ઊંંચકવાની મજૂરી કરી. અને ફરી પોતાનું ઘર બનાવ્યું. અમારી ગૌરી ગાયના પગલે લક્ષ્મી આવી. અને એના વાછરડાને લીધે આવક બમણી થઇ. વાછરડા મગનનો ઘરોબો બાપુ સાથે વધારે હતો. જ્યારે અમારા ખેતરમાં ભૂલથી કોઇ આગની ફાનસ મૂકી જતું રહ્યું હતું, ત્યારે મગને બાપુને ખેંચી ખેંચીને ખેતર બચાવવા ઘણી મહેનત મશક્કત કરી હતી. બાજુમાં જ ફાનસનું કેરોસિન ઢળાયેલું હતું અને મગને પોતાના શરીરને દઝાડી તે સાફ કર્યું હતું. કેવું કહેવાય, જાનવર જનેતા માને પોતાના માલિકોને! 


હું રંગોળી છું. આ ઘરની મોટી દીકરી. અત્યારે નિશાળના સાતમાં ધોરણથી આગળ વધી ગામની બહાર શહેરમાં જવાનું છે મારે. મા-બાપુ માની ગયા છે. અને તેઓ પણ મારી સાથે જ ત્યાં શહેરમાં રહેશે. હું ઘણી ખુશ છું. નવું રહેઠાણનું સ્થળ અને નવા લોકો. સુરેશને પણ ત્યાં જ દાખલો મળી ગયો સરકારી સ્કૂલમાં. મારી સાથે. ગૌરી અને મગનને અમે બાપુના મિત્ર છગનકાકા અને રમિલાકાકીને સોંપ્યા છે. ઘણા રડતાં હતાં ગૌરી અને મગન. પણ અમે પરત થઇને એમને લઈ જઇશું. 


*


વિશાળકાય કોરિડોરમાં ઇન્ટરવ્યુ ચાલતો હતો. 


'તમારે આ ગામમાં જ નોકરી માટે કેમ જવું છે?'


'આ ગામમાં સાતની આગળ કોઇ સ્કૂલ નથી. દવાખાનાની સગવડ નથી. લોકોને પાયાની જરુરિયાતો કે જે સરકાર દ્વારા આપવામાં આવે છે તેની કોઇ સમજ નથી. કેમકે તેની કોઇ માહિતી જ નથી તેમની પાસે! અને મુખ્ય વાત આ ગામ મારી માતૃભૂમિ છે.'


'ઠીક છે. તમે ત્યાં જઇ શકો છો.'


સામાન્ય ઘરવખરીવાળા એક સાફ-સુથરા સરકારી મકાનમાં મા સિલાઇકામ અને બાપુ હિસાબ લખી રહ્યા હતા. 


'મા-બાપુ, મને નોકરી મળી ગઇ! આપણે આજે જ નીકળવાનું છે ગામ માટે!' 


'તને હા પાડી દીધી?' 


'મા, નિષ્ઠા હોય અને કામ કરવાની દાનત હોય તો કોઇ પણ નોકરી માટે હા પાડી દે, તમે જ કહ્યું હતું.'


અને મા-બાપુ, સુરેશ અને રંગોળી પોતાના ગામ જન્મભૂમિ તરફ પરત ફર્યા. 


શહેરમાં બંને બાળકો સરકારી સ્કૂલમાં ભણ્યા અને આગળ વધારે મહેનત કરી, વધારે ટકાવારી લાવી શિષ્યવૃત્તિ મેળવી શક્યા. મા-બાપુ સ્કૂલમાં જ પોતાની ધગશ અને મહેનતના જોરે ઇમાનદારીના મુખ્ય પરિબળને કારણે હિસાબનીશ તરીકેનું અને સિલાઇકામનું કામ મેળવી શક્યા. સુરેશ ઇજનેર. તો રંગોળી કલેક્ટર બની શક્યા. 


શહેર તેમને અનુરૂપ તેમની ક્ષમતાઓને પુરવાર કરતું આગળ આગળ વધારી રહ્યુંં. પોતાની તકલીફોને તો તેઓએ ઘણી ઘણી પાછળ છોડી દીધી. 


ગામડામાંથી શહેરમાં આવીને વસ્યા તો વિસામો શહેરના રસ્તાઓએ જ આપ્યો. ભલે પૈસા હાથમાં હતા પરંતુ પૂરતા ન હોવાથી ઠેરઠેર ભટકવું પડ્યું. સુરેશે બાપુ પહેલાં જ ચાની લારી પર કપ-રકાબી ધોવાનું કામ સ્વીકાર્યું. મા લોકોના ત્યાં કચરા-પોતા, વાસણ-કપડાં કરવા જતાં. હું પણ તેમને મદદરૂપ થતી. બાપુ બધે મજૂરીકામ કરવા જતાં. સફાઇકામ કરવા જતાં. અને એકલપંડે જ શહેરી અધિકારીના ત્યાં કામ મળવાથી સ્કૂલમાં હિસાબનીશ તરીકેની નોકરી પણ મેળવી શક્યા. 


ધીરે ધીરે નાનકડું ઘર થયું અને અમારા ભાઇ-બહેનના કામ બંધ થયા. છતાં અમે બંને ભાઇ-બહેન મા-બાપુના કહેવાથી જરુરિયાતમંદ બાળકોને ટ્યુશન કરાવતા. જેનાથી અમારું તો જ્ઞાન વધ્યું જ પણ સાથે સાથે બાળકોને પણ અમારી પાસેથી કશુંક નવું જાણવા મળ્યું. અને અમને એમના પાસેથી કંઇક નવીન બાળમસ્તીમાં શીખવાનું મળ્યું.


જીવનના કેટલાક પાઠ શીખવા મળ્યા. મહેનત વગર કશું જ ન મળે. સંઘર્ષ જ જીવન. અને હિંમત હોય તો લોકો તરફથી મળેલી છેતરપિંડીઓ, કટાક્ષ, ઇર્ષ્યા, ઇગ્નોરન્સ બધું જ ઝેલીને આગળ વધી શકાય. સારા કામનું પરિણામ મળે જ છે. અને મા-બાપુના કહ્યા પ્રમાણે ભગવાન બધું જ જોય છે. 


એક સારા સમાચાર તો કહેવાના જ રહી ગયા, બાપુએ હુક્કો ગગડાવાનુંં બંધ કરી દીધું. એમની પોતાના અને બીજાના શરીર પ્રત્યેની સભાનતા ઘણી વધી ગઇ છે. ત્યારે એ પરિવાર તરફથી મળેલા ધોકાઓને પચાવવા આ હુક્કાની જાળમાં ફસાયા હતા. અને સમય જતાં એમના કહેવાથી જ અમને ખબર પડી, 'કે રવાડે ચડ્યો હું પોતાનું દુઃખ ભૂલવા આની!' 


ખેર, જાગૃતિ ગમે ત્યારે પણ આવે એને સ્વીકારવી જોઇએ. નહિ!


*


પંદર વર્ષ પછી ધૂળિયા ગામડામાં એમની બસ અટકી. શહેરી પોશાકમાં ગામડાના હૃદયને જીવતા ચારેય જણે પોતાની જન્મભૂમિને પગે લાગી, હાથ જોડી નમસ્કાર કર્યા.


આસપાસ નજર કરી. તો શહેરી ફેશન ગામડામાં પ્રવેશ કરી ચૂકી હતી. હવે ચબૂતરે કે ઓટલે કોઇ બેસતું નહોતું. ગંદકી પહેલાં કરતાં વધુ હતી. ભલે, સાફસૂથરું હવા પાણી હતું. ઢોર-ઢાંખર, કૂતરા હવે ઠેર ઠેર નહોતા. આગળ આગળ પ્રવેશ્યા. તો વડીલો કામ કરતાં હતા, છોકરાઓ બહાર રખડતા હતા. ખેતરોની હાલત સુધરી હતી. પૈસાની બઢોતરી પણ થઇ હતી. પરંતુ લોકો એકબીજાને ઓછા બોલાવતા હતા. કેટલીક બાબતો સારી તો કેટલીક બાબતો નઠારી ચોખ્ખી જોઇ શકાતી હતી. 


અમારા રહેઠાણ વિસ્તારમાં આવ્યા તો બધાંં અમને જોવા ઉમટી પડ્યા. વડીલોને પગે લાગ્યા તો તેઓએ ઘણા આશીર્વાદ આપ્યા. રડી રહ્યા હતા અચાનકથી. ખૂબ ગરમ ગરમ લાગ્યા આંસુ. એમના કાળજાના આંસુ અમને મળ્યાની ખુશીના હતા કે અંદરોઅંદર દબાવી રાખેલા કોઇ ગમના હતા! ખબર ના પડી. અમે આગળ આવ્યા. તો જીવી કાકી પોતાની એકસો પાંચ વર્ષની આયુ ભોગવી અડીખમ ઊભા હતા. દાંત પડી ગયેલા. આંખ ધૂંધળું જોતી. અને એક કાને બહેરાશ. હાથે રામ નામની માળા. પરંતુ શરીર ટટ્ટાર. મને થયું, ગામડામાં પ્રાથમિક સગવડોની કમીમાં આટલી આયુ કેવી રીતે? આ તનની નિર્બળતા નહોતી કે મનની અડીખમતા હતી!


અમે અમારા ઘરે આવ્યા. છગનકાકા અને રમિલાકાકીએ અમારા ઘરને એકદમ સાફસુથરું રાખ્યું હતું. પહેલાં તો એમણે અમને પોતાના ત્યાં જમાડ્યા. મોઢા પર કોઇક ડર સાથેનો અજંપો હતો. બાપુએ પૂછ્યું તો રડવા લાગ્યા. કહ્યું કે ગૌરી અને મગન હવે આ દુનિયામાં નથી. અમે સુન્ન થઇ ગયા. તો જાણવા મળ્યું કે અમારા ખેતરમાં ગુંડા તત્વોએ અમારી ગેરહાજરીમાં જમીન પડાવી લેવા આગ લગાવી હતી. બંનેને ખબર પડી તો બંનેએ ખેતર બચાવવા ગુંડાઓને શીંગડા માર્યા અને ગુંડાઓએ તેઓને આગમાં હોમ્યા. એ ગુંડાઓ તડીપાર થઇ ગયા છે.


મા-બાપુએ સ્વસ્થ થઇ તેમને સંભાળી લીધા. એમનો કોઇ વાંક જ નથી સમજાવી રહ્યા. પરંતુ એ મૂક પશુઓ પર અમને ખરેખર માન થયું, પોતાની લાગણીઓને તેઓએ કેવી પોતાના જીવના જોખમે પણ જાળવી રાખી! અને અમે ઉણા ઉતર્યા.


હવે વાત કામની આવી. પંચાયતે આટલા વર્ષો સુધી પોતાનું કામ બાખૂબી નિભાવ્યું. પરંતુ જ્ઞાનના અભાવે ગામને પ્રાથમિક જરૂરિયાત કેવી રીતે અપાવવી તે સમજી ન શક્યા. અને સરકાર પાસેથી મળેલા પૈસાનો વેડફાટ થયો. ઘર મોટા થયા. અને મોટા ઘરના અમુક બાળકો ઉછાંછળા થયા. ગામમાં સ્કૂલની સુવિધાઓ નહિ એટલે કોઇ બાળકની ધગશ પણ હોય, તો શહેરમાં ન ભણવા મળતા તેઓ શિક્ષણ વગર પોતાના પરિવારને પણ મદદરૂપ ન થઇ શકે. લોકોની આવકમાં ધરખમ અસમાનતા પ્રવર્તે. હોસ્પિટલના નામે એક નાનકડું દવાખાનું જેમાં સાધનનો પણ અભાવ. ગંભીર બીમારીઓ માટે શહેર જવું પડે. મોટા વગદાર લોકો સિવાય કોઇની પાસે વાહન નહિ તો દર્દી ઇલાજ ન મળતા દમ તોડી દે! ન્યાય પણ બરાબર નહિ! કચેરીકામ, કારકુની કામ બધું જ ટલ્લે હતું. મારે ઘણું કામ કરવાનું હતું. અને હું મંડી પડી. 


સરકારને મેઇલ્સ કર્યા અને પુરાવાઓ સાથે દસ્તાવેજો આપ્યા. મા-બાપુ અહીં જાગૃતિ ફેલાવવા પોસ્ટર્સ બનાવવા લાગ્યા. ભાઇએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ સંભાળ્યું.


વખત ગયો. પરંતુ ધાર્યુ પરિણામ ના મળ્યું. લોકો એકમત જ નહોતા થઇ રહ્યા. ન સ્કૂલ માટે, ન દવાખાના માટે. બેન્ક, વહીવટ, પોલીસ બધું જ કામ આમતેમ હતું. કે જાણવા મળ્યું,


'અમુક લોકો ગમેતેમ કરીને અમારા આખા પરિવારને ગામમાંથી તગેડી મૂકવા માંગે છે. અમારી મહેનત, ધગશ, ગામને મદદરૂપ થવાની અમારી ભાવના, અમારો સંઘર્ષ બધું જ એ લોકોને મન બસ, એક નાટક છે. આછકલાયી છે. દેખાડો છે.'


સરકાર તરફથી માંડ મળતી મદદને તેઓ આગચંપી, પથ્થર મારા, ગુંડા ગર્દી દ્વારા રોકી રહ્યા હતા. 


સમાચારમાં ભલે આ વાત ફેલાય, ખોટા કામમાં કોઇને કંઇ ડર જ નહોતો. મા-બાપુ ઘવાયા, અમારા માથે પથરા પડ્યા, જાતજાતના લાંછન, ઉહાપોહ મને મારા કામ પરથી કાઢી નાખવાની કવાયત બધું જ જોર પકડી ચૂક્યું હતું. મને મારા જ ગામના ખરાબ પાસાઓની હવે ખબર પડવા લાગી. 


વડીલોના આંસુનો ગરમાટો તેમની સાથે તેમના બાળકો, પોતાનાઓ દ્વારા જ થતા અન્યાયનો હતો. શિક્ષણ માટે આપવામાં આવેલા પ્રોત્સાહનને છોકરમતમાં બરબાદ કરતાં ભૂલકાઓની ઉંમરનો વેડફાટ હતો. તેમની દિશાહીન નજરોમાં અંજાઇ ગયેલો અણસમજનો, અહંકારનો નશો હતો. આ આડે પાટે થયેલા અમારા ગામના જ લોકોને ગામના સાચા રસ્તાના લોકો સીધી દિશામાં લાવવા અસમર્થ રહ્યા હતા. અને અમે અનાયાસ જ એને સીધી દિશામાં લાવવા બેબાકળા થઇ ગયા હતા. શું હતી અમારી ઇચ્છા? અમારો સંઘર્ષ કોઇનું જીવન સુધારે. જેમ અમારા જ સંઘર્ષે અમારું જીવન સુધાર્યું! 


'લોકો તો કહેતા હતા કે અમને બધું જ એમનેમ મળી ગયું.' અમે શું કરીને આગળ આવ્યા હતા એ તો કોઇને દેખાયું જ નહિ! પણ અમે આ લોકોને છોડીએ એમ નહોતા. 


અમારી ઘરવખરી, ખેતર, બચતો બધું જ પૂરું કર્યું. ખાવાના સાંસામાં પણ અમે અમારા રંગોની રંગોળી પૂરવા તૈયાર હતા. કટિબદ્ધ હતા. અને અમને સારા સમાચાર મળ્યા!


વર્ષોની બરબાદી, સમાજ તરફથી મળેલી અવહેલના, જેમાં અડીખમ ઉભેલું અમારું અસ્તિત્વ. મા-બાપુની મહેનત. સુરેશની બુદ્ધિ પ્રતિભા. અને મારી સરકાર દ્વારા ન છીનવાયેલી ખુરશી. તેમના તરફથી મળેલી હવે હવેની સંપૂર્ણ મદદ. બધું જ કામ લાગ્યું. જાગૃતિ આવી. 


*


છેલ્લા સાત વર્ષમાં ગામમાં કૉલેજ સુધીનું શિક્ષણ, પોલીસ ચોકી, હૉસ્પિટલ, ન્યાય પાલિકા, બેંક, આવકની સમાનતા, રોજગારી, સમતોલ જીવન ધોરણ, ગુંડા તત્વોની ઘટતી દરમિયાનગીરી, અમારા ગૌરી-મગનના નામની ગૌશાળા, ખેતર, સ્ત્રીઓ માટે ઘર બેઠા રોજગારી, પ્રૌઢ શિક્ષણ બધું જ આવ્યું. બધું જ. 


કેમ? કેમકે અમે વિરોધમાં ડરી હારીને બેસી જવાની જગ્યાએ આ બધાનો સામનો કર્યો. મહેનત કરી. સંઘર્ષ કર્યો. સારા લોકોનો સાથ મળ્યો. જાનવર જેવા મૂક પ્રાણીની નિષ્ઠા મળી. અને દરેક જીવમાત્રમાંથી પ્રેરણા મળી. શું આને જ ન કહી શકાય! ઉત્તમ જીવનની રંગોળી. જેને બધાયે મળીને દોરી. જેમાં દરેકના દરેક ભાવના રંગો હતા. ચડસાચડસી હતી, ગમો-અણગમો હતો, ગુનો હતો, તેનો સુધાર હતો, અને એક્તા હતી! જીવન રંગોળી! દરેકના જીવનની રંગોળી! 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational