PRAVIN MAKWANA

Comedy Inspirational

4.5  

PRAVIN MAKWANA

Comedy Inspirational

ડાકુ માનસિંગ

ડાકુ માનસિંગ

3 mins
418


એક વખતે ગોપાલદાસ અલીગઢની ડી.એસ. કૉલેજમાં નવા નવા જોડાયા હતા. એક દિવસ ભીંડથી કવિતાપાઠ માટેનું આમંત્રણ મળ્યું. તેમણે આયોજકોને કહ્યું કે 'કવિસંમેલન પછી રાતે જ પાછા ઘરે પહોંચી જવાય એવી વ્યવસ્થા કરી આપો તો સારું, જેથી બીજા દિવસે હું કૉલેજમાં ક્લાસ લઈ શકું."

આયોજકોએ કહ્યું, "ઇટાવા સુધી જીપની વ્યવસ્થા થઈ જશે, ત્યાંથી ટ્રેનની ટિકિટ કરી આપીશું."

કાર્યક્રમ પછી એક ડ્રાઇવર તેમને મૂકવા માટે આવ્યો. ઘોર અંધારી રાત, અને ઠંડી કહે મારું કામ. આટલું ઓછું હતું કે રસ્તામાં ડિઝલ ખૂટી જતાં જીપ બંધ પડી. અડધી રાતે જંગલ જેવા વિસ્તારમાં ડિઝલ ક્યાં ગોતવા જવું. સવારે સમયસર પહોંચવાની વાત દૂર, રાત કેમની નીકળશે એની પણ ચિંતા થવા લાગી. હજી વધારે વિચારે એ પહેલા તો ચિંતા બમણી-તમણી કે ચારગણી થઈ ગઈ.

અચાનક અંધારામાંથી ચાર માણસો પ્રગટયા, ચારેયે બુકાની બાંધેલી અને ખભા પર ભરેલી રાઇફલ. સીધી કવિના લમણે મુકાઈ અને પૂછયું, 'કોણ છો, અહીં ક્યાંથી ?' હાડ થિજવતી ઠંડીમાંયે ગોપાલદાસ પરસેવે રેબઝેબ થઈ ગયા. ધ્રૂજતા અવાજે જવાબ આપ્યો, 'ભાઈસાહેબ, કવિ છું, કવિતાપાઠ કરીને ઘરે જઈ રહ્યો હતો.' 'ઓહો, તો કાકા પાસે લઈ લો આમને.' એક જણે કડક અવાજે કહ્યું. સામે કંઈ પૂછવાનો તો સવાલ જ નહોતો. ચુપચાપ ડ્રાઇવર અને ગોપાલદાસ બંદૂકધારીઓ સાથે ચાલવા લાગ્યા.

ટેકરીઓ, ખીણો, ભેખડો, જંગલઝાડી પસાર કરીને એક ઝૂંપડી જેવી જગ્યાએ આવીને અટકી ગયા. દરવાજો ખૂલ્યો. સામે એક ખાટલા પર વૃદ્ધ માણસ બેઠો હતો. લાંબા વાળ, કપાળમાં તિલક, ખેંચાયેલી ભ્રમરો, ચહેરા પર એક અજબનું તેજ, જાણે સંત અને ડાકુનું મિશ્રણ જ જોઈ લ્યો. એ બીજું કોઈ નહીં, જંગલનો સૌથી ખતરનાક ગણાતો ડાકુ માનસિંગ હતો. બાજુમાં જ ભરેલી રાઇફલ પડી હતી.

તેણે પૂછયું, 'કોણ છો ?'

ગોપાલદાસે જવાબ આપ્યો "કવિ".

માનસિંગે કહ્યું, કવિ એટલે ગ્રંથીજી ?'

"હા, એવું જ સમજો.' ગોપાલદાસે જવાબ આપ્યો.

માનસિંગે કહ્યું, 'કવિના આત્મામાં પરમાત્માનું સૌંદર્ય હોય છે, અમારા એવા નસીબ ક્યાં કે શબ્દના રૂપને નિખારનાર કોઈ વ્યક્તિ અમારે આંગણે પધારે, મારી વિનંતી છે કે કંઈક સંભળાવો.' આટલું કહીને તેણે ઓશિકા પર કોણીનો ટેકો લીધો.

ગોપાલદાસે યાદ આવી તે આધ્યાત્મિક કવિતાઓ સંભળાવવી. બીજી કવિતા પૂરી થતા સુધીમાં તો માનસિંગની આંખો ભીની થઈ ગઈ. તે ઊભો થયો, ખિસ્સાં ફંફોસવા લાગ્યો. સો રૂપિયા નીકળ્યા. કવિને આપતા કહ્યું, 'માફ કરજો, મારી પાસે માત્ર આટલા જ છે.' આટલું કહેતા તો તેના અવાજમાં વસવસો છલકવા માંડયો.

તેણે ડ્રાઇવર પાસેથી ડિઝલનો પ્રોબ્લેમ જાણ્યો. તેણે તેના સાથીદારોને કહ્યું કે જલદી ગાડીમાં ડિઝલ નખાવી આપો આમને. ડ્રાઇવરને કહ્યું, 'તને ખબર નથી આ જંગલ ખૂબ ભયાનક છે, અહીં એવા ડાકુઓ પણ રહે છે, જે પહેલા ગોળી ચલાવે અને જો બચે તો નામ પૂછે.' ડ્રાઇવર તો માનસિંગના ચરણોમાં પડીને માફી માગવા લાગ્યો. માનસિંગે તેને ઊભો કર્યો અને પોતાના સાથીદારોને કંઈક ઇશારો કર્યો અને ચારેય સાથીદારો પોતાના ખિસ્સા ફેંદવા લાગ્યા.

એક સાથીદારે દસ રૂપિયાની નોટ કાઢી માનસિંગને આપી. માનસિંગે તે દસ રૂપિયા ડ્રાઇવરને આપતા કહ્યું, આ રાખ, તું મારે ત્યાં એક ગ્રંથિજીને લાવ્યો છે. ડ્રાઇવરને વિશ્વાસ નતો થતો કે ખૂંખાર ગણાતો ડાકુ તેને ઇનામરૂપે દસ રૂપિયા આપી રહ્યો હતો.

ડિઝલની વ્યવસ્થા થઈ ગઈ. કવિ ગોપાલદાસ નીરજ અને ડ્રાઇવર ગાડી લઈને નીકળી પડયા. રસ્તામાં ડ્રાઇવરે કહ્યું, 'સાહેબ, તમે કોઈ શેઠ, નેતા કે મોટા ઓફિસરને બદલે કવિ છો એ મોટું સૌભાગ્ય કહેવાય, નહીંતર આજે તમે કે હું એક્કે જીવતા ના હોત.' ગોપાલદાસના મનમાં આ વાત ચોંટી ગઈ. પછીથી જાણવા મળ્યું કે ડાકુ માનસિંગ ગરીબ છોકરીઓના લગ્ન કરાવી આપતો હતો, તેમના આણાં પણ ભરતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy