દાગ
દાગ


લોકડાઉનનો અઢારમો દિવસ હતો અને વધુ પડતી ફરજો બજાવવાના લીધે હેડ કોંસ્ટેબલ યુવરાજ આજે થોડોક થાકેલ લાગતો હતો. ત્યાંતો, એ જે રસ્તા પર ફરજ બજાવતો હતો ત્યાં દૂરથી એક ટેમ્પો આવતો દેખાયો. યુવરાજ સતર્ક થઇ ગયો અને પોતાની વ્હિસલ ઠીક કરી અને દંડો પછાડીને ટેમ્પા ને ઊભો રાખ્યો.
ટેમ્પાનો ડ્રાઇવર અબ્દુલ હતો જેને એ ઓળખતો હતો. અબ્દુલે ટેમ્પો ઊભો રાખી ને કહ્યું બાપુ, જય માતાજી. જય માતાજી જવાબ આપીને યુવરાજે પુછયું અબ્દુલ શું શું છે ટેમ્પામાં? અરે! સાહેબ કાંઇ નથી. શાકભાજી અને ફ્ળો છે જેની સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ હેઠળ પરિવહનની છૂટ આપી છે.
અબ્દુલ વિષે યુવરાજને માહિતી મળેલી હતી. એમ નહીં, આ શાકભાજી અને ફળોની પાટ નીચે કાંઈ છે? યુવરાજે પૂછ્યું. કાંઈ નથી સાહેબ, અબ્દુલે કહ્યું. એમ નહીં, પાટ ઊંચી કરીને બતાવ. અબ્દુલના મોઢાના હાવભાવ બદલી ગયા.
પાટ ઊંચી કરતા જ નીચે દારૂ ભરેલ બોટલો ના ક્રેટસ, તમાકુના પાઉચ અને સિગારેટસ નો મોટો જથ્થો દેખાણો. યુવરાજની નજરમાં કરડાકી આવી ગઇ. શું છે આ બધું?
કાંઇ નથી સાહેબ, લોકડાઉનમાં બિચારા પ્યાસીઓની તડપ બજાવવાનું પુણ્ય કામ કરી રહ્યો છું. સાહેબ, તમે પણ આ પુણ્યના કામ માં ભાગીદાર બની જાઓ એમ કહીને રૂપિયાની એક થોકડી અબ્દુલે યુવરાજ સામે ધરી. બીજી ઘડીએ, યુવરાજે સટાક કરીને એક થપ્પડ રસીદ કરી દીધી અબ્દુલને. ગડથલા ખાતો અબ્દુલ પડયો એ પાટની પાસે જ્યાં દારૂની બોટલો પડી હતી.
અબ્દુલ તરત જ ઊભો થઇ ગયો અને એક બોટલ દારૂની ખેંચીને તોડી નાખી તેને હથિયાર બનાવી નાખી. સાહેબ, આ કાંચની બોટલ તમારી સગી નહી થાય – આરપાર નીકળી જશે. મને મારો ટેમ્પો લઇ જવા દો. પણ યુવરાજ જેનું નામ. સીધો ધસી ગયો અબ્દુલ પર અને તેની બોચી પકડી લીધી. અબ્દુલને પોઝીશન મળી ગઇ અને કાંચની એ તૂટેલ બોટલ યુવરાજના પેટમાં હુલાવી દીધી. તો પણ મરણીયા થયેલ યુવરાજે એની બોચી મુકી નહીં અને મુશ્કેલીથી પોતાની પાસે રહેલી વ્હિસલ વગાડી.
સૂમસાન રસ્તા વચ્ચે જ્યાં આ બનાવ બન્યો ત્યાં વ્હિસલ સાંભળતા જ ડો. ઇલિયાસ ખત્રી લખેલી કાર ઊભી રહી અને કારમાથી ડોકટર સાહેબ અને તેનો હટોકટો ડ્રાઇવર ઊતર્યા. પલભરમાં જ બન્ને સ્થિતિ સમજી ગયા અને અબ્દુલને પકડી લીધો. ડો. ઇલિયાસ તબીબી ક્ષેત્રે ખુબ જ મોટું નામ અને અલ્લાહનો ફરિશ્તા તરીકે એની ઓળખાણ. ત્યાં બીજા પોલીસો પણ આવી ગયા.
યુવરાજનું ખુબ લોહી નિકળી જતું હતું અને ભાન ગુમાવવાની પરિસ્થિતિમા હતો. ડો. ઇલિયાસે એને પોતાના ખભા પર નાખીને કારમાં ગોઠવી અને પોતાની હોસ્પિટલ લઇ આવ્યા અને તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી.
થોડીવારમાં જ યુવરાજે આંખો ખોલી અને ડોકટર સામે જોયું. સંતોષના એક સ્મિતની આપ લે થઇ ગઇ બન્ને વચ્ચે.
ડોકટર અને હેડ કોન્સટેબલ બન્નેએ પોતપોતાના યુનિફોર્મ પરના લોહીના લાલ દાગ અને અમુક જગ્યાએ ધબ્બા થઇ ગયા હતા તે જોયા અને ફરજ નિભાવ્યાના એક ઊંડા સંતોષ સાથે બન્નેએ એકબીજા સામે જોયું.
એ લોકો માનવતાના ચિરાગ છે
એ લોકો રાખે દેશદાઝની આગ છે
યુનિફોર્મમાં તો દાગ પડતા રહે
પોતાના ચરિત્રને એ રાખે બેદાગ છે.