દાદીનું રહસ્ય
દાદીનું રહસ્ય
આજે મંદિરેથી શોભાબેન વહેલાં આવી ગયા હતાં. તેઓ સોફામાં બેઠાં હતાં. ત્યાં જ ઉદાસ પૌત્રી બહારથી આવી. દાદીને પૌત્રી રીમા થોડી ગુસ્સામાં અને થોડી ચિડાયેલી લાગી. દાદીએ રીમાને માટલાનું ઠંડું પાણી આપ્યું. રીમાએ ગ્લાસ દાદીને આપી દીધો.
દાદીએ પૂછ્યું કે "તને શું થયું ?" "રોમા કેમ તારી સાથે ઘરે ન આવી ?"
રીમાએ કહ્યું કે "રોમા પાછળ છે, હમણાં આવશે." થોડીવાર પછી રોમા આવી ગઈ.
રીમા અને રોમા બંને જોડીયા બહેનો. રીમા થોડી સ્થુળ શરીર ધરાવે છે. તેણી ચેસ, કેરમ વગેરે રમી લે છે. રોમા પાતળી, કસાયેલ પ્રમાણસર શરીર ધરાવે છે. રોમા સ્ફૂર્તિવાન હોવાથી રમતો સારી રીતે રમી લે છે. રોમા હોકીમાં રાજ્ય કક્ષાએ પહોંચી ગઈ છે. રીમા ભણવામાં હોશિયાર છે. રોમા ભણવામાં મધ્યમ હોવાથી રમતક્ષેત્રે આગળ વધવા માગે છે.
શોભાબેન બંને પૌત્રીઓને પોતાની પાસે બેસાડે છે. રીમા ગુસ્સે થઈ ગઈ હતી, કેમ કે શાળામાં કોઈ છોકરીએ જાડી, જાડી કહીને ખીજવી હતી. હવે, દાદીમાં કહે છે કે
" શરીરની તાસીર જાડી કે પાતળી હોય શકે."
"ગુસ્સો કરવાથી શરીર ન ઘટે, ઉલ્ટાનું શરીરને નુકશાન પણ થાય જ છે." " રીમા, તું પાતળી થવાની ચિંતા છોડી દે, તારે ફક્ત ચીઝ અને ડેરી આઈટમ છોડવી પડશે. "
દાદીમાં વાત આગળ વધારતાં કહે છે કે અમારા જમાનામાં ડાયેટ કે જીમ ન હતાં. હું કયાં જાડી છું ? રીમાએ પૂછ્યું કે "તમે તો લાડુ, લાપસી બધી વસ્તુઓ ખાઈ લો છો, તોપણ તમારું શરીર કેમ ન વધે ?"
દાદી ખડખડાટ હસી પડ્યાં. દાદીએ કહ્યું કે" અમારા જમાનામાં પીઝા, બર્ગર, મેગી, પાસ્તા વગેરે ન હતું." " જો હું પણ એ બધું ખાતી હોઉં તો જાડી દેખાઉં અને શરીર આળસનું ઘર બની, રોગને પણ આમંત્રણ આપતું નજરે પડે." દાદી ઉમેરે છે કે ઘી -તેલથી ઘુંટણ કામ કરતા રહે છે. સ્નાયુ જકડાતા નથી. વલોણાથી છાશ વલોવવી અને કચરા-પોતા શરીર માટે સારામાં સારી કસરત છે.
બંને બહેનો બધું સમજી ગઈ. રીમાએ મનથી નક્કી કર્યું કે દાદી જે ખાય, તે બધું ખાઈ લેવું શરીર માટે હિતાવહ છે. કારણ વગરના ઉપવાસથી કામ કરવાની શક્તિ કે સ્ફૂર્તિ રહેતી નથી. મારે પાતળું થઈને નિર્માલ્ય બનવાનું નથી. હું કામ કરું તો બધું જ ખાઈ શકું. વલોણાથી થતી છાશનો જમાનો ગયો, પણ અડધો કલાક રોમા સાથે કચરા-પોતા તો કરી જ શકું.
રોમા પૂછે છે કે "રીમા, શું વિચારે છે ?" રીમા ‘કચરા-પોતા‘ શબ્દ બોલે છે, ને દરવાજે મમ્મી બહારથી આવતાં અચાનક સાંભળીને બોલી ઊઠે છે હૈં ! કચરા પોતા અને તું !
પછી દાદીની બધી વાત સાંભળીને મમ્મી સાથે બધા હસી પડે છે.
