ચુંબકીય
ચુંબકીય
"હેલો સર, વોટ ઈસ યોર સીટ નંબર ."
સૂરતથી મુંબઈ આવતી સયાજી નગરી ટ્રેનમાં મારો સીટ નંબર 5 હતો પણ હું બારી પાસે એની સીટ પર બેઠો હોવાંથી એણે મને આમ પૂછ્યું.
હું શિક્ષક એટલે બધાં મને સર કહે, પણ આ છોકરીનાં મોઢેથી સર સાંભળી, શિક્ષક પણું મહેસૂસ જ ના થયું.
અવાજની દિશામાં જેવી નજર ગઈ હું તો દંગ જ રહી ગયો. લાંબો ચહેરો, તીક્ષ્ણ નાક નકશો, આંખો જાણે મોટી જીલ જેવી પાણીદાર, લાંબા કમર સુધીના વાળ, એના અવાજમાં રણકાર, એનું તો જાણે આખું અસ્તિત્વ જ ચુંબકીય હતું.
એના બોલતાંજ હું જાણે એના રૂપનાં ચુંબકથી ખેંચાયો હોવ એમ ઊભો થઈ ગયો,ને મારી સીટ પર જઈ બેસી ગયો.
પછી તો શું, કાંઈ નજર હટે એના સૌંદયથી ? એ જાણે ચુંબક ને હું લોખંડનો ખીલો.
ન ચાહતા પણ ઝડપાઈ ગયો એનાં કામણમાં.
મારી નજર એના મુખ પર, એની હલન ચલન પર ચોંટી ગઈ. પણ આમ શિક્ષક, એટલે ઔચીત્ય જાળવવાની આવડત ખરી હોં, એના ન દેખતા થોડી થોડી વારે એની તરફ દેખી, એના સૌંદર્યનું પાન કરી લેતો.
એ સતત કોઈની સાથે વાત કરી રહી હતી. થોડી ચિંતિત પણ દેખાતી હતી.
"લેકિન મેરે મોબાઈલ સે કેસે હોગા, મેરે પાસ ગૂગલ પે નહી હૈ. અભી તુમ કુછ પ્રબંધ કરલો ન, મેં અભી ટ્રેન સે કુછ નહી કર પાઉંગી."વગેરે વગેરે એની થોડી ઘણી વાતચીત મેં સાંભળી.
ચંદ્ર આડે જાણે અચાનક વાદળ આવે અને એની આભામાં થોડી ઝાંખપ આવે એમજ તેણીનો ચહેરો પણ કોઈક વિષાદનાં લીધે નિસ્તેજ જણાયો.
હું તો ભાઈ પાક્કો ભારતીય અને એમાંય ગુજરાતી, એટલે બીજાને મદદ કરવી એ મારી ફરજ બની જાય.
અને એમાંય છેલ્લા અડધા કલાકથી એના સૌંદર્યનું પાન કરેલું, તો એના માટે સહાનુભૂતી થવી અનિવાર્ય હતી, અને પાછો એક છૂપો ભાવ એ પણ કે એની સાથે વાત શરુ થશે, તો આ સફર પણ સોહમણું બની જશે.
તો ધીરેથી મેં કહ્યું,"જી મેડમ, મેં આપકી કુછ મદદ કર શકતા હું."
પહેલા તો તેણીએ આનાકાની કરી,પણ હું તો ગુજરાતી એટલે મેં તો એને મનાવીજ લીઘી. લાગ્યું જાણે મહારાષ્ટ્ર સામે ગુજરાત જીતી ગયું.
જી મેરી પ્રોબ્લેમ એસી હૈ કઈ આપ મદદ નહી કર સકતે."તેણી બોલી.
"જી આપ બતાઓ તો સહી, ગુજરાતી બચ્ચા હું, પીછે હટ નહી હોગી."રોફ જામવવાં મે પણ ચિપકાવ્યું.
તો એણે શરું કર્યું,"જી સરજી, મુજે અભી કે અભી 10,000 રુપયે મેરે ભાઈકો ભેજને હૈ, જો ગુગલ પે સે હીં હોં શકતા હૈ. દરસલ મેરે પાસ મોબાઈલમેં વો એપ્લિકેશન નહી હૈ.ઔર અગર અભી પૈસે નહી ભેજે તો ઉસકા એડમિશન રુક જાયેગા. મેં કિસી જરૂરી કામ સે સૂરત ચલી આયી ઔર અભી પતા લગા કી એડમિશનકી આખરી તારીખ આજ હૈ.હમ મુંબઈ પહોંચેંગે તબ તક તો બહુત દેર હોં જાયેગી.અબ મેં ઈતને રુપયેકી વ્યવસ્થા કહાંસે કરું સમજ નહી આ રહા."
પહેલાં તો વિચાર આવ્યો સાલુ 10,000 રૂપિયા.... બહું મોટી રકમ છે યાર અને એ પણ પાછું કોઈ અજાણ્યા માણસને દઈ દેવાના.
પણ પછી ઓલીને પાછી પગથી માથા સુધી નિહારી અને પછીતો એનું ચુંબક જે કામ કરી ગયું, મારાથી કહેવાઈ ગયું, "મેડમ, ચિંતા મત કરો મેં હું ન."
શાહરૂખખાન જેવી ફીલિંગ્સ થવા લાગી, મનમાં પણ ગીત ગવાઈ ગયું, " કિસકા હૈ યે તુમકો ઈન્તેઝાર મેં હું ના. "
પછી તો " બાજુમાં આવીને બેસી ગઈ.મને તો જાણે કાશ્મીરમાં હોઉં એવી ઠંડક અનુભવવા લાગી. ક્યાંક મારી સાથે એની બધી વિગતો આપતાં એની..એની આંગળીઓ સ્પર્શી જતી તો જાણે હૃદય ધબકાર ચુકી જતું. એણે કહ્યું કે હું મુંબઈ પહોંચતા જ તેણીની સાથે જ તેના ઘરે જઈશ ને ઉધાર આપેલ રૂપિયા મેળવી લઈશ.એણે તો પછી ગૂગલ પે કરવાની બધી વિગતો આપી.
મેં એ બધી મોબાઈલમાં ભરી અને છેલ્લે એક પેમેન્ટનું બટન દબાવતા મારી આંગળીઓ અટકી, તો એ મારી વધું નજીક આવીને બોલી, "ક્યાં હુઆ આપ ઠીક તો હૈ ના."બસ પછી તો એનો એ ટહુકો મારી આંગળીઓને બટન દબાવવા પૂરતો હતો.
પેમેન્ટ થઈ ગયું. તેણી તો બાજુમાંથી પછી ખસીજ નહી. અમે અલકમલકની ખૂબ વાતો કરી. પછી પાલઘર આવતા તેણે કહ્યું,"મેં જરાં ફ્રેશ હોં કે આતી હું આપ મહેરબાની કરકે મેરે સમાનકા ધ્યાન રખેંગે."આપણે તો એની બધી જવાબદારી આપણાં મજબૂત ખભે લઈ લીઘી હતી, માટે હોંશે હોંશે હાં પાડી.
પછી ટ્રેન ચાલવા લાગી 15મિનીટ,25 પછી 30મિનીટ સુધી પેલી આવી નહીં,તો મને પહેલાં તો એની ચિંતા થઈ તો હું બાથરૂમ તરફ જોઈ આવ્યો, ત્યાં એ જડી નઈ. આજુ બાજુ બધે તપાસ કરી, કેટલાક વ્યક્તિઓને પણ પૂછ્યું, પણ એની ભાળ ના મળી.
પછી તો હું માથું પકડી ત્યાંજ બેસી ગયો, ધરમ કરતા ધાડ પડી, સાલું ધરમ પણ તો પેલીના સુવાળાં સાથ માટે કર્યો હતો. એની આ મોકાણ થઈ.ત્યાં તો પાછું યાદ આવ્યું,તેણીનો સમાન તો અહીંજ છે. તો તરત ઉભો થઈ સમાન જોવા ગયો,તો સામાનમાં ખાલી પૂઠ્ઠાનાં બોક્સ હતાં. બસ પછી શું, સમજાઈ ગયું, ભાઈ બકરાં બની ગયાં છે. પછી તેણે પોતાનો નંબર પણ આપ્યો હતો, એ લગાવી જોયો તો રોન્ગનંબર બતાવ્યો. અને એણે એના ઘરનું પણ સરનામું આપ્યું હતું,એની પણ તપાસ એક મિત્રને પૂછીને કરાવી તો,એવી કોઈ જગ્યા મુંબઈમાં હતી જ નહીં એ જાણવાં મળ્યું.
ખરેખર સુંદર સ્ત્રીઓ કેટલી કામણગારી હોય છે તેઓના રૂપમાં કેવી ગજબની ચુંબકીય શક્તિ હોય છે, કે મારાં જેવો સુજ્ઞ શિક્ષક પણ ફસાઈ ગયો.
ત્યાર બાદ તો જલ્દીથી બેન્કમાં બીજી કોઈ લેવડદેવડ ન કરવાની મેં તાકીદ કરી દીધી. એ બાબતનો સંતોષ થયો કે 10,000 સિવાય બીજા પૈસા તો બચી ગયાં.
કોઈને કંઈ કહેવાય નહી, કે સહેવાય પણ નહી, એવી પરિસ્થિતિ થઈ હતી મારી.
મુંબઈ પહોંચ્યા બાદ મિત્રને ઘેર રોકાયો હતો. ત્યાં પહોંચતા જ સ્નાન સાથે 10,000નું તો નાહી જ નાખ્યું હતું, પણ.... હજીયે પેલી સ્ત્રીનો ચુંબકીય ચહેરો પજવતો હતો.
ખરેખર "પુરુષ એટલે પુરુષ", એમ કહી પોતાના પર જ હસવું આવી ગયું.
