ચુંબકીય વ્યક્તિત્વ
ચુંબકીય વ્યક્તિત્વ
"ધારાસભ્ય અમૃતભાઈ જાગીરદાર"ની ઓળખાણ એટલે ઊંચી પડછંદ કાયા, ગોરો વાન, આંખ ઉપર સોનેરી ફ્રેમના ચશ્મા અને હંમેશા ઈસ્ત્રી-ટાઈટ કપડાં. જાણે કે "ચુંબકીય વ્યક્તિત્વ". હંમેશા ગરીબ અને સમાજના નબળા વર્ગની સેવા કરવાની એમની ભાવનાને લીધે એમનું માન મારી નજરમાં વધી ગયું હતું. ખાસ કરીને વિધવા બહેનો માટે કાર્ય કરવા તેઓ હંમેશા તત્પર રહેતા. તેઓ જ્યાં પણ જતા, ચારેક જેટલી બહેનો એમની સાથે જ રહેતી. સાથે-સાથે એમનો ડ્રાઈવર જે ક્યારેય અમૃતભાઈનો સાથ છોડતો નહીં. હું પણ એમના આકર્ષક અને ચુંબકીય વ્યક્તિત્વ અને સેવભાવનાથી અંજાઈને જ એમની પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જોડાયો હતો.
ચારેક વર્ષ સામાન્ય કાર્યકર્તા તરીકે કાર્ય કર્યા બાદ હવે મને મહત્વની કામગીરીમાં સામેલ કરવામાં આવતો હતો. પાર્ટીના મહત્વના નિર્ણયો લેતી વખતે મને સાથે રાખવામાં આવતો હતો. બહારની કામગીરી મને સોંપવામાં આવતી હતી પણ કાર્યાલયના બધા જ કામ હજુ પણ વિધવા બહેનો જ કરતી હતી. આ વાત મને અચંબિત કરતી હતી. એકાદ વખત મેં આ બાબતે અમૃતભાઈ સાથે વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ એમણે મને એમ કહીને સમજાવી દીધો હતો કે આ બહેનો મારા આશ્રિત છે અને બહારનું કામ ના કરી શકે એટલે કાર્યાલય એમને સોંપેલું છે.
ધીમે-ધીમે અમૃતભાઈનું કાર્યક્ષેત્ર વધતું ગયું અને વગ પણ વધતી ગઈ. હવે તેઓ સંસદ તરફ મીટ માંડી રહ્યા હતા. આથી કાર્યાલયમાં કામ પણ વધતું ગયું. મારે પણ હવે વધારે સમય આપવો પડતો હતો. અમૃતભાઈનો ડ્રાઈવર ક્યારેક બહાર ગયો હોય ત્યારે કામથી બહેનોને લાવવા-લઈ જવા માટે મને મોકલવામાં આવતો હતો. ક્યારેક દિલ્હીથી આવેલા મોટા નેતાઓ સાથે મીટિંગ કરવા માટે પણ બહેનો સાથે મારે જવાનું થતું. મોટી-મોટી હોટેલના આલીશાન રૂમોમાં બંધ બારણે યોજાતી મીટિંગો વખતે મારે કલાકો સુધી બહાર બેસી રહેવું પડતું.
એક વખત દિલ્હીના મોટા નેતાનું મોટું કૌભાંડ છાપે ચડ્યું. જેમાં અમૃતભાઈ જાગીરદારનું નામ પણ સંડોવાયું હતું. એ નેતાને "હની ટ્રેપ"માં ફસાવવા બદલ અમૃતભાઈનું નામ સંડોવાયું હતું. અમૃતભાઈનું નામ ઉછાળવા બદલ મને એ પત્રકાર ઉપર બહુ ગુસ્સો આવ્યો. મેં ધ્યાનથી સમાચાર વાંચ્યા તો એમાં લખેલું હતું કે વિધવા બહેનોને હોટેલમાં મોકલીને આ નેતાઓને હની ટ્રેપમાં ફસાવવામાં આવી રહ્યા હતા. મને આ વાંચીને બહુ નવાઈ લાગી. વધારે ઊંડી તપાસ કરતા ખબર પડી કે એ સમાચાર સાચા હતા. હું જેટલી વાર કાર્યકર્તા બહેનોને હોટેલમાં લઈ ગયો હતો એ આવી મીટિંગો માટે જ લઈ ગયો હતો. મને પોતાની જાત ઉપર ઘૃણા થવા લાગી. અમૃતભાઈના "ચુંબકીય વ્યક્તિત્વ"ની અસર જાણે હવામાં ઓગળી ગઈ.
