શબ્દોની કરામત
શબ્દોની કરામત
"જુઓ, તમારે વાળ ઓળવા હોય તો ઓળી લો", હવે ઘર આવવામાં જ છે. પહેલીવાર છોકરી જોવા જઈ રહ્યા છો એટલે કહું છું. નવીનભાઈએ મને માહિતી આપી. એમનું કહેવું વ્યાજબી હતું પરંતુ મારો જવાબ પણ તૈયાર હતો. હું જેવો છું એવો જ મને પસંદ કરે તો બરોબર, નહીં તો કોઈ વાંધો નહીં. આટલું કહીને મેં વાત પૂરી કરી.
અમે બપોરે પહોંચ્યા હતા એટલે પહેલા જમવાનું પતાવ્યું. આફ્ટરઓલ, હું છોકરી જોવા આવ્યો હતો એટલે આગતાસ્વાગતા ના કરે તો જ નવાઈ. બપોરે 2 વાગ્યે અમારી "પ્રથમ" મુલાકાત ગોઠવાઈ. પહેલીવાર છોકરી જોવા ગયો હતો અને એમાંય નવીનભાઈ સાથે ગયો હતો જે એ જ પરિવારના જમાઈ હતા. સીધા શબ્દોમાં કહું તો જો હું અને દીપાલી એકબીજાને પસંદ કરીએ તો હું નવીનભાઈનો સાઢું થવાનો હતો.
મારી પહેલીજ મુલાકાત હોવાથી હું થોડો નર્વસ હતો. પણ મનમાં નક્કી કરી લીધું હતું કે જે છે એ સાચેસાચુ કહી દઈશ. હું ખુરશીમાં બેઠો હતો અને એ મારી સામે પલંગ ઉપર બેઠી. પહેલી નજરે મને જોઈને એના ચહેરા ઉપર અણગમાની આછેરી રેખા મારી નજરે ચડી ગઈ. આમેય સાવ દુબળો-પાતળો એવો હું દેખાવે કોઈને ગમી જાઉં એમ તો હતું નહીં. પરંતુ અમદાવાદથી આટલે દૂર ઊંઝા આવ્યા બાદ વાત કર્યા વગર થોડો પાછો જવાનો હતો. આખરે મેં વાતની શરૂઆત કરી. તમને મારા વિશે શું ખબર છે ? મારો પ્રશ્ન સાંભળીને દીપાલીને જેટલી ખબર હતી એટલું એણે કહી દીધું. હવે મારો વારો હતો અને હું નક્કી કરીને જ આવ્યો હતો કે હું બધી ચોખવટ કરી લઈશ એટલે મેં વાત આગળ વધારી.
જુઓ, હું તમારાથી કોઈ વાત છૂપાવવા માગતો નથી. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પિતાએ ઘણા ધંધા કર્યા પણ એમનું નસીબ સાથ નથી આપતું. મારા માતાએ સિલાઈ કરીને અમને મોટા કર્યા છે. ત્રણ ભાઈબહેનમાં હું મોટો છું એટલે મારી વિશેષ જવાબદારી છે. હું સીએનો અભ્યાસ કરું છું. હજુ ઇન્ટરનું રિઝલ્ટ બાકી છે અને ત્યારબાદ ફાઈનલની પરીક્ષા આપવાની રહેશે. હાલમાં મિલકતના નામે મારી પાસે અભ્યાસ સિવાય કાંઈ જ નથી. પણ એટલી ખાતરી જરૂર આપીશ કે ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે. આજે ભલે મારી પાસે કાંઈ નથી પણ ભવિષ્યમાં કોઈ વાતની કમી નહીં હોય એ મારું વચન છે. મારી સાથે લગ્ન કરશો તો શરૂઆતમાં કચ્છના નાના ગામમાં એકાદ વર્ષ રહેવું પડે ત્યારબાદ અમદાવાદ આવી શકાય. હું મોટો હોવાથી મારી સાથે લગ્ન કર્યા બાદ જતું કરવાની ભાવના હોય તો જ હા પાડજો. ત્યારબાદ બીજી પણ ઘણી બધી વાતો થઈ. અંદાજે પોણો કલાક વાતો કર્યા બાદ અમે છૂટા પડ્યા અને હું અને નવીનભાઈ અમદાવાદ જવા નીકળ્યા.
અમે અમદાવાદ પહોંચ્યા એ પહેલાં રસ્તામાં નવીનભાઈએ મારી સંમતિ જાણી લીધી. અમદાવાદ પહોંચીને ઊંઝા ફોન કર્યો અને મારી સંમતિ જણાવી. સામેથી શું જવાબ આપવામાં આવ્યો એતો મને ખબર ના પડી પણ એમણે મને ફોન પકડાવી દીધો. સામેના છેડે દીપાલી હતી. એણે મને કહ્યું કે તમે જે શબ્દો કહ્યા એના ઉપર વિશ્વાસ રાખીને હું હા પાડી રહી છું. મારો વિશ્વાસ તૂટે નહીં એની જવાબદારી હવે તમારી છે. આ તો જાણે "કરામત" થઈ ગઈ. બધું સાચું કહી દેવા છતાંય મારી જીવનસાથી બનવા તૈયાર હતી. એની વાત સાંભળીને હું સાતમા આસમાને વિહરી રહ્યો હતો.
અમારી સગાઈની તારીખ નક્કી કરવામાં આવી. સગાઈના દિવસે સવારે મારા માતા-પિતા મારા થનાર સાસુ-સસરાને મળ્યા. આવું અમારા સમાજમાં ક્યારેય બન્યું નહોતું કે વડીલો એકબીજાને મળ્યા ના હોવા છતાંય એરેન્જ મેરેજ થવા જઈ રહ્યા હતા. સવા વર્ષ બાદ અમારા લગ્ન થયા. લગ્નના 6 મહિનામાં હું સીએ થઈ ગયો અને જે "શબ્દો"ના વિશ્વાસે દીપાલીએ લગ્ન માટે હા પાડી હતી એ "શબ્દો" સાર્થક થયા. અમે પરિવાર સાથે અમદાવાદ રહેવા આવતા રહ્યા. ધીમે-ધીમે દુઃખના દિવસો દૂર થયા અને સુખી ભવિષ્યનું મારુ વચન પૂર્ણ થયું.
લગ્નના ઘણા વર્ષો પછી એક વખત હું અને દીપાલી વાતો કરી રહ્યા હતા ત્યારે દીપાલીએ કબૂલ્યું કે તમે પહેલી નજરે મને ગમ્યા નહોતા. પણ તમારી સાથે વાત કર્યા બાદ મારા વિચારો સંપૂર્ણપણે બદલાઈ ગયા. મારા વિચારો બદલાવાનું એકમાત્ર કારણ હતું તમારા "શબ્દોની કરામત".
