પીડિતા
પીડિતા
કોર્ટરૂમમાં નીરવ શાંતિ પથરાઈ ગઈ. ન્યાયાધીશે પોતાની જગ્યા લીધી અને ત્યારબાદ સૌ પોતાની જગ્યાએ બેસી ગયા. આજે બહુચર્ચિત મિસ્ટ્રી મર્ડર કેસની કથિત આરોપી વૈશાલીને કોર્ટમાં હાજર કરવાના હતા. વૈશાલી કોર્ટમાં શું કહે છે એ સાંભળવા માટે લોકો તલપાપડ હતા. "કેસ નમ્બર 110/12ના આરોપી વૈશાલી મજમુદાર હાજર થાય." છડીદારની બૂમ સાંભળીને ઇન્સ્પેક્ટરની બાજુમાં ઉભેલી વૈશાલી આરોપીના કઠેડામાં આવીને ઉભી થઈ ગઈ. વૈશાલીને ગીતા ઉપર હાથ રાખીને સત્ય બોલવાના શપથ લેવડાવવામાં આવ્યા.
"મિસ વૈશાલી, શું તમે આ ચાર ખૂન કર્યા છે ?" વકીલે પહેલો પ્રશ્ન કર્યો.
માનનીય જજસાહેબ, હું કબૂલ કરું છું કે આ ચારેય ખૂન મેં મારા સંપૂર્ણ હોશોહવાસમાં, મારા આ હાથે જ કર્યા છે. વૈશાલીનો જવાબ સાંભળીને કોર્ટરૂમમાં હાજર સૌકોઈ સ્તબ્ધ થઈ ગયા.
"મિસ વૈશાલી, તમે શું કહી રહ્યા છો એનો તમને ખ્યાલ છે ને. તમારી આ કબૂલાત તમને આરોપી પૂરવાર કરી શકે છે."
જજસાહેબે વૈશાલીને પરિસ્થિતિથી માહિતગાર કરવા કહ્યું.
"માનનીય જજસાહેબ, મને ખબર છે હું શું કહી રહી છું. આજે હું એ પણ કહીશ કે આ ચાર ખૂન મેં શા માટે કર્યા છે."કોર્ટરૂમમાં વૈશાલીને સાંભળવા સૌ કોઈ આતુર હતા.
"શું સુંદર હોવું એ કોઈ ગુનો છે ? મારી સુંદરતા જ મારા માટે અભિશાપ બની ગઈ હતી. હું નાની હતી ત્યારે મારા ઓરમાન પિતા મને બહુ વ્હાલ કરતા હતા. સમજણી થઈ ત્યારે એમની આંખોના ભાવ અને વ્હાલનો અર્થ હું સમજતી થઈ. હું બને ત્યાં સુધી એમનાથી દૂર જ રહેતી. એ જ્યારે ઘરમાં આવતા ત્યારે હું મારા રૂમમાં ભરાઈ જતી. હું પંદર વર્ષની હતી ત્યારે એમણે મારી ઉપર પહેલી વાર "બળાત્કાર" કર્યો. ત્યારબાદ આ રોજનું થઈ ગયું." આટલું કહીને વૈશાલીએ શ્વાસ લેવા પૂરતો પોતાની વાણીને વિરામ આપ્યો.
"આવું સતત 3 વર્ષ સુધી ચાલ્યું. હું રોજ મરવાના વાંકે જીવતી રહી. મારા પિતા જેમને પિતા કહેતા પણ શરમ આવે છે, એ કોઈ કામધંધો કરતા નહોતા. એમને દારૂની લત હતી જેને પૂરી કરવા એમણે એમના કહેવાતા મિત્ર સાથે સોદો કર્યો. રોજનો દારૂ પૂરો કરવાની શરતે એમના મિત્રે મારું શરીર માગ્યું. મારા પિતાએ એમની શરત મંજૂર રાખી અને મારી યાતનામાં વધુ ઉમેરો થયો. રોજેરોજ દારૂની બોટલ સાથે એ ઘરે આવતા. બંને ખૂબ પીતા અને ત્યારબાદ મારી ઉપર શારીરિક જુલમ કરતા. આ ત્રાસથી કંટાળીને હું ઘરેથી ભાગી ગઈ. મહિલા વિકાસગૃહમાં આશરો લીધો. પણ એ મારા માટે "ઊલમાંથી ચૂલમાં પડવા" જેવું થયું. ગૃહના સંચાલિકા બહેન પૈસા ભૂખ્યાં વરુઓ સાથે ગૃહની છોકરીઓના શરીરને વેચી રહ્યા હતા. જે એમની વાત ના માનતું એમને વિવિધ પીડાઓ આપવામાં આવતી. એ "વિકાસગૃહ"ને બદલે "પીડિતગૃહ" લાગતું હતું. ત્યાં બધી મારા જેવી "પીડિતાઓ"જ રહેતી હતી. ત્યાં બહુ જ ચોકીપહેરો રહેતો હતો છતાંય એક દિવસ મોકો જોઈને હું ત્યાંથી ભાગી છૂટી."
ક્ષણના વિરામ બાદ વૈશાલીએ પોતાની આપવીતી ફરી ચાલુ કરી. "ત્યાંથી ભાગીને મેં એક નોકરી શોધી લીધી અને પીજી તરીકે રહેવા લાગી. જીવનમાં સુખની આશા હવે રહી નહોતી એટલે જે યાતનાનો ભોગ હું બની એજ યાતના થકી બીજી કોઈ "પીડિતા"નો જન્મ ના થાય એ માટે મેં એમના ખૂન કરવાનું નક્કી કર્યું. વિકાસગૃહમાં કેવી રીતે પ્રવેશવું એનો મને ખ્યાલ હતો. એક રાત્રે લાગ જોઈને વિકાસગૃહમાં પ્રવેશીને મેં સંચાલિકાનું ખૂન કરી નાખ્યું અને ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ. મારા પિતાની રોજ રાત્રે દારૂ પીવાની ટેવને લીધે એમનું ખૂન કરવાનું મારા માટે સરળ થઈ ગયું. મોડી રાત્રે હું મારા ઘરે પહોંચી ત્યારે મારા પિતા એમના મિત્ર સાથે દારૂના નશામાં ધૂત પડ્યા હતા. એ બંનેનું ખૂન કરવામાં મને કોઈ તકલીફ ના પડી."
"મિસ વૈશાલી, તો શું તમારી માતાએ તમને ખૂન કરતા જોઈ લીધા એટલે તમે એમનું પણ ખૂન કરી નાખ્યું ?"
વકીલનો પ્રશ્ન સાંબળીને વૈશાલી હસવા લાગી. એનું આ વર્તન સૌ માટે નવાઈ ઉપજાવનારું હતું.
"વકીલ સાહેબ, મને પકડાઈ જવાનો ડર હોત તો હું સામેથી પોલીસ સ્ટેશને આવીને મારી જાતને સરેન્ડર ના કરત."
"તો પછી તમે શા માટે તમારી માતાનું ખૂન કર્યું?" આખરે જજસાહેબે વૈશાલીને સવાલ કર્યો.
"માનનીય જજસાહેબ, હું આપને એક પ્રશ્ન પૂછું છું જેમાં આપના સવાલનો જવાબ આવી જશે. મારો આપને પ્રશ્ન છે કે ત્રણ વર્ષ સુધી હું મારા ઘરમાંજ "પીડાતી" રહી તો શું મારી માતા એ વિશે કાંઈ જાણતી નહીં હોય ?"
વૈશાલીના આ પ્રશ્ને કોર્ટરૂમમાં સૌકોઈને અચંબિત કરી દીધા.
"જી હા જજસાહેબ, આ જે કાંઈપણ થયું એ બધું જ મારી માંની સંમતિથીજ થયું હતું. મને "પીડિતા" બનાવવા માટે સૌથી વધુ જવાબદાર મારી માં જ હતી. જ્યારે પહેલી વાર મારા બાપે મારી ઉપર નજર બગાડી એ દિવસે જો એને રોકી દેવામાં આવ્યો હોત તો મારા જેવી "પીડિતા"નો જન્મ ના થયો હોત. માનનીય જજસાહેબ, આ મારી આપવીતી સાંભળ્યા પછી હવે આપે નક્કી કરવાનું છે કે ખરેખર "અપરાધી કોણ" છે ?"
વૈશાલીનો આ પ્રશ્ન સૌકોઈ માટે મૂંઝવણભર્યો બની ગયો. આ કેસનો ચુકાદો બીજા દિવસે આપવામાં આવશે એવું કહીને જજસાહેબ કોર્ટરૂમ છોડી ગયા.
