ગણિકા
ગણિકા
મારુ નામ "સોના". સાચું નામ તો હવે હું પણ ભૂલી ગઈ છું. આમેય યાદ રાખીને હવે કોઈ ફાયદો થવાનો નથી. બધા મને "સોના" નામથી જ ઓળખે છે. અને જે લોકો મને સોના તરીકે ના ઓળખતા હોય એ સૌ માટે મારી ઓળખાણ એટલે "ગણિકા". મારું એડ્રેસ લાલબાગમાં છેલ્લા મકાનનો "ઝરૂખો". તમે જેવા છેલ્લા મકાન સુધી આવો એટલે મને "ઝરૂખા"માંજ નિહાળશો. લાલબાગ એટલે શહેરનો "બદનામ" વિસ્તાર જ્યાં આવીને લોકો પોતાના શરીરની ભૂખ ભાંગે છે. "આવા બદનામ વિસ્તારમાં કોણ આવતું હશે ?" એવું જો તમે વિચારતા હોવ તો એ તમારી ભૂલ છે. મારા મોટાભાગના ગ્રાહકો મોટા ઓફિસરો તેમજ બહારગામથી આવતા મોટા વેપારીઓ જ છે. ક્યારેક કોઈ મને "ઝરૂખા"માં જોઈને પસંદ કરી લે અને મારી પાસે આવે એવું પણ બને.
વર્ષો પહેલા હું ગામડાંના જીવનથી છૂટકારો મેળવવા અને શહેરની લાઈફસ્ટાઈલથી અંજાઈને આ શહેરમાં આવી હતી. અને ખરેખર અહીં આવ્યા પછી મારુ જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. કામની શોધમાં થોડા દિવસ ભટક્યા છતાંય કામ ના મળ્યું અને રૂપિયા ખૂટવા આવ્યા ત્યારે સાચી પરિસ્થિતિનું ભાન થયું. ઘરેથી ઝગડો કરીને આવી હતી એટલે ઘરે પરત જઈ શકાય એવી પરિસ્થિતિ નહોતી. કામ માટે અહીંતહીં ફરતી રહેતી ત્યારે પુરુષોની નજરમાં રહેલી લોલુપતા પારખી જતી. જ્યારે બીજો કોઈ ઉપાય ના રહ્યો એટલે આખરે થાકીને મેં જ આ માર્ગે જવાનું નકકી કર્યું. આ માટે હું બીજા કોઈને દોષી ઠેરવીશ નહીં.
પુરુષોની નજર પારખતા આવડી ગયું હતું પણ આ રસ્તે આગળ કેમ વધવું એ ખબર નહોતી. ત્યાં મને મુન્નીબાઈનો ભેટો થયો. તેઓ લાલબાગના રાણી તરીકે ઓળખાતા હતા. તેઓ મને પોતાની સાથે લાલબાગના છેલ્લા મકાનમાં લઈ ગયા અને "ઝરૂખા"માં મને બેસાડી. ગ્રાહક સાથે કેવી રીતે વર્તવું એની સંપૂર્ણ સમજ મુન્નીબાઈએ જ મને આપી. હવે હું "ગણિકા"તરીકે જીવન વ્યતિત કરવા સંપૂર્ણ તૈયાર હતી. "ઝરૂખા"માં મને નિહાળીને મારા જેવી સુંદર અને યુવાન કાયાને માણવા ગ્રાહકોની ભીડ થવા લાગી. એક સમય એવો પણ આવ્યો કે લોકો લાલબાગમાં દાખલ થતાની સાથે જ છેલ્લા મકાન તરફ પહોંચવા લાગ્યા. મારા ગ્રાહકોમાં મોટા ઓફિસરો પણ હતા પરંતુ એમને ખુશ કરવા મારે હોટલોમાં જવું પડતું. મારી પાછળ લોકો ધૂમ પૈસા ખર્ચતા હતા. મારી પાસે હવે પૈસાની રેલમછેલ થવા લાગી. મને એમ પણ થયું કે હું હવે આ ધંધામાંથી બહાર નીકળી જાઉં અને બાકીનું જીવન શાંતિથી વ્યતિત કરું. પરંતુ, "ગણિકા" તરીકે કામ કર્યા બાદ હવે એ શક્ય નહોતું.
મેં આ વ્યવસાય સ્વેચ્છાએ સ્વીકાર્યો હતો. પરંતુ હું આવતી પેઢીને એટલું જરૂર કહેવા માગું છું કે કોઈપણ, ગમે એટલી મજબૂરી હોવા છતાંય આ વ્યવસાયમાં આવશો નહીં. બધી જ ઝાકઝમાળ હોવા છતાંય આ ધંધામાં કાંઈ જ નથી. આ વ્યવસાયમાં સન્માનની ક્યારેય અપેક્ષા રાખવી નહીં. મને બધી જ સગવડો મળે છે પરંતુ મારું મુક્ત જીવન તો હું ફક્ત એ "ઝરૂખા"માંજ માણી શકું છું. હવે મારી ઉંમર થઈ છે તેમજ લાલબાગમાં નવી યુવતીઓ આવતા હવે મારી "ડીમાન્ડ" ઘટી ગઈ છે. મુન્નીબાઈના સ્વર્ગે સિધાવ્યા બાદ એમનું સ્થાન અને કામ મેં સાંભળી લીધું છે. હવે મારુ સ્થાન "ઝરૂખો" નથી. ત્યાં હવે સપના બેસે છે જેને મેં ટ્રેઈન કરી છે.
લોહીના બધા જ સંબંધોને દૂર મૂકીને હું કર્મના સંબંધોમાં એટલી ઊંડી ઊતરી ગઈ છું કે હવે ફક્ત મારું મૃત્યુ જ મને લાલબાગમાંથી બહાર કાઢી શકે છે. શહેરની લાઇફસ્ટાઇલ માણવા આવેલી આ યુવતી લાલબાગની બહાર ના નીકળી શકી. મારી દુનિયા બસ બે જ શબ્દોમાં વણાઈ ગઈ. એક છે "ઝરૂખો" અને બીજો "ગણિકા".
