હાથીના દાંત
હાથીના દાંત
"દીકરી એટલે આપણા સમાજનું, આપણા ઘરનું ઘરેણું". "દીકરી એટલે કાચનું વાસણ". એને બહુ સાચવીને રાખવું પડે. "માતા-પિતાએ વીસ-વીસ વર્ષો સુધી લાડકોડથી ઉછેરેલી દીકરી કોઈ પરજ્ઞાતિના યુવાન સાથે ભાગીને લગ્ન કરી લે ત્યારે એના મા-બાપના હૃદય ઉપર શું વિતતી હશે એની જરા કલ્પના તો કરી જોજો દીકરીઓ". ખીચોખીચ ભરેલા હોલમાં માતાઓ અને દીકરીઓ સામે નિમાબેનની વાણી અસ્ખલિત વહી રહી હતી. "સમાજની સાંપ્રત સમસ્યા" વિષય ઉપર નિમાબેન પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા.
લાડકોડથી ઉછેરેલી દીકરી ઘરેથી ભાગી જાય અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પોતાના માતા-પિતાને ઓળખવાની પણ ના પાડી દે એવા દાખલા પણ બન્યા છે. તો શું એક છેલબટાઉ યુવાનનો પ્રેમ અને આકર્ષણ માતા-પિતાના વર્ષોના સંબંધો કરતાં વધુ મજબૂત પુરવાર થયો ? આટલું કહીને નિમાબેન પાણી પીવા રોકાયા.
જ્યારે જ્યારે સમાજમાં આવા કિસ્સાઓ બને છે ત્યારે દીકરીની અંગત બહેનપણીને ખબર ના હોય એવું શક્ય જ નથી. દબાણપૂર્વક પૂછવામાં આવે તો જરૂર માહિતી બહાર આવે. અહીં બેઠેલી બધી દીકરીઓને મારી એટલી જ વિનંતી છે કે પોતાની માતાને સખી બનાવો અને પોતાના મનની વાત કરો. જો યોગ્ય પાત્ર હશે તો તેઓ જરૂર તમારી વાત માનશે અને જો યોગ્ય પાત્ર નહીં હોય તો તમને ચોક્કસ વારશે, કારણ કે તમારા પેરેન્ટ્સ તમને ક્યારેય દુઃખી નહીં જોઈ શકે. દીકરીઓને મારી વિનંતી છે કે તમારી બહેનપણી જો આવા કોઈ છેલબટાઉ યુવાનની વાતોમાં આવીને પોતાનું ભવિષ્ય અંધકારમય કરવા તરફ જઈ રહી હોય તો એ પાપના ભાગીદાર તમે પણ છો. એટલે સમયસર એમના પરિવારને જાણ કરવાની તમારી પણ એટલી જ ફરજ બને છે. સાથે-સાથે અહીંયા બેઠેલી તમામ માતાઓને પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમારી દીકરી સાથે સખી બનીને વર્તો કે જેથી એ પોતાના મનની વાત તમને કરતાં અચકાય નહીં અને ખોટું પગલું ભરીને પોતાનું અમૂલ્ય જીવન વેડફી ના નાખે. આજે નિમાબેનની વાણીમાં સાક્ષાત સરસ્વતી બિરાજમાન હોય એવું લાગી રહ્યું હતું.
ઘણી વખત એવું બને કે દીકરીએ પોતાના ઘરમાં પોતાને ગમતા છોકરા વિશે વાત કરી હોય પણ નબળું ઘર હોવાને લીધે દીકરીના પરિવારવાળા સ્વીકારી શકતા નથી. મારી બહેનો, મારી એક વાત ચોક્કસ યાદ રાખજો. "વર હશે તો ઘર થશે". એટલે ઘર જોઈને દીકરી આપવા કરતા છોકરાની લાયકાત અને આવડત જોઈને સંબંધ કરશો તો ક્યારેય દીકરી દુઃખી નહીં થાય. આજે કદાચ તમે પૈસાપાત્ર પરિવાર જોઈને સંબંધ કરો પરંતુ ભવિષ્યમાં કોઈ કારણોસર તકલીફ ઊભી થાય તો શું કરશો ? એટલે જ કહું છું કે પરિવારનું "સ્ટેટ્સ" નહીં પણ છોકરાના "ગુણ" જોઈને સંબંધ કરશો તો દીકરીના ભવિષ્યની ચિંતા નામશેષ થઈ જશે. નિમાબેનની વાત સાંભળીને સભાખંડ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો. નિમાબેનનું આ વક્તવ્ય "અવર્ણનીય" હતું.
નિમાબેનનું વક્તવ્ય પૂર્ણ થયા બાદ "ઓપન-મંચ" રાખવામાં આવ્યો હતો કે જેથી કોઈને પણ પ્રતિભાવ આપવો હોય તો આપી શકે. એક દીકરી ઊભી થઈને માઇક ઉપર આવી. એને સાંભળવા માટે સૌ કોઈ તત્પર હતા. સભાખંડમાં પિન-ડ્રોપ સાઈલન્સ હતું. "મારું નામ અમૃતા છે. હું નિમાબેનની દીકરી સ્મિતાની ફ્રેન્ડ છું". સ્મિતાને અમારી સાથે કોલેજમાં ભણતો અમિત ગમે છે અને અમિતને પણ સ્મિતા ગમે છે. અમિતના પિતા એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ભણવામાં હોંશિયાર અમિત કોલેજની સાથે સીએનો અભ્યાસ કરી રહ્યો છે. સ્મિતાએ નિમાબેનને અમિત વિશે બધી વાત જણાવી હતી. પરંતુ નિમાબેનનો પ્રતિભાવ એવો હતો કે અમિતનો પરિવાર એમના "સ્ટેટ્સ" સાથે ગોઠવાઈ શકે એમ ના હોવાથી આ સંબંધ શક્ય નથી. સ્મિતાએ અમિતને ભૂલી જવો જોઈએ એવી નિમાબેને સ્મિતાને શિખામણ આપી હતી. આટલું કહીને અમૃતાએ પોતાની વાણીને અટકાવી. નિમાબેનની પરિસ્થિતિ "કાપો તો લોહી ના નીકળે" એવી થઈ ગઈ. મારો નિમાબેનને ફક્ત એટલો જ પ્રશ્ન છે કે "હાથીના દાંત, દેખાડવાના જુદા અને ચાવવાના જુદા", એવું શા માટે ? આટલું કહીને અમૃતા પોતાના સ્થાન ઉપર બેસી ગઈ. નિમાબેન નીચું જોઈને મનમાં ને મનમાં પોતાના "અવર્ણનીય" વક્તવ્ય માટે પોતાની જાતને કોસી રહ્યા હતા.
