ચુંબકીય તત્ત્વ
ચુંબકીય તત્ત્વ
સૃષ્ટિમાં અમુક વ્યક્તિ, વસ્તુ, ઘટના, પ્રકૃતિ, મોસમ આપણને બહુ ગમતું હોય છે. આ બધી વસ્તુઓ પ્રત્યે આપણને એક પ્રકારનું "ચુંબકીય" ખેંચાણ હોય એવું લાગતું હોય છે. ઘણીવાર એવું થતું હોય કે કોઈ વ્યક્તિ સાથે ના ચાહવા છતાંય આપણને એક અલગ જ પ્રકારનું ખેંચાણ થતું હોય છે. અમુક ઘટનાને આપણે ભૂલવા માગતા હોઈએ તો પણ વારંવાર એ ઘટનાની યાદ તાજી થઈ જતી હોય છે.
ઘણીવાર આપણને કોઈ વસ્તુનો બહુ શોખ હોય એ વસ્તુઓ આપણી જોડે ઘણી માત્રામાં હોવા છતાંય એ વસ્તુને જ્યારે-જ્યારે આપણે જોઈએ એટલે તરત જ પોતાના ઉપરનો કાબૂ ગુમાવીને એ વસ્તુને ખરીદી લેવાની એક પ્રકારની લાલસા, તડપ જાગી જતી હોય છે.
એવી જ રીતે અમુક લોકોને ફરવાનો પાગલોની જેમ શોખ હોય છે એવા લોકોમાં પણ મોટાભાગનાને પ્રકૃતિને, હરેક મોસમને માણવાનો એક અલગ જ અંદાજ હોય છે. આ લોકોને અમુક સમય પછી જાણે પ્રકૃતિ પોતાની તરફ ખેંચતી હોય એવું મહેસૂસ થવા લાગતું હોય છે.
ફરવાનો મોકો મળતાં જ એ લોકો પ્રાકૃતિક સ્થળોએ ફરવા નીકળી પડતા હોય છે. કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાની તરફ ફરી-ફરીને ખેંચાણ અનુભવું તેને એક પ્રકારનું "ચુંબકીય" તત્ત્વ કહેવાય છે. અમુક વ્યક્તિઓની વાણી, વર્તન અને વ્યવહાર એ પ્રકારના હોય છે કે તમે ના ચાહવા છતાં એમની તરફ આકર્ષાઈને ખેંચાણ અનુભવવા લાગો છો.
કોઈ ચહેરાનું "ચુંબકીય" આકર્ષણ વ્યક્તિનું જીવન સુધારી શકે છે તો ક્યારેક એ જ આકર્ષણ વ્યક્તિનું જીવન બગાડી પણ શકે છે. આવું આકર્ષણ ફકત છોકરા, છોકરી પૂરતું જ સીમિત નથી હોતું, કોઈપણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે પણ હોય શકે છે. ચુંબકીય ખેંચાણ, આકર્ષણ એટલે ભીતર આત્માથી, પુરા જોશપૂર્વકના બળથી, બધી જ શક્તિઓનું એક જ સ્થાને એકઠા થઈને જે તે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે ઓળઘોળ થઈ જવું.
