ચતુર કાગડાની ભયાનક વાત
ચતુર કાગડાની ભયાનક વાત
'બેટા, કોઈપણ માણસનો વિશ્વાસ કરવો નહિ જો હાથમાં પથરો પકડે કે તરત જ પાંખ ફફડાવી ઊડી જવું.'
'બાપા કાગડો'ની બાળવાર્તાએ કાગડા વિશે અમને વધુને વધુ વિચાર કરતા કરી દીધા.
કાગડાને સહુ પંખીઓ એ તો નાગડા છે એમ કવિએ એનું વર્ણન કરી દીધું.
કાગડો નાગડો ખરો કે નહિ એ વાત બાજુએ રાખીને આપણે એટલું જરૂર કહી શકીએ કે એ લુચ્ચો તો છે જ.
પેલા ભોળા કબૂતરોની જેમ એ કોઈના હાથમાં કે કોઈની જાળમાં સપડાય તેઓ નથી.
કબૂતરો સાવ ભોળા. સામે બિલાડી મ્યાઉં મ્યાઉં કરતી બેઠી હોય પણ એ બહેરામજી સાંભળતા જ ન હોય.
એમ ઘૂ ઘૂ ઘૂ. ના ઘુઘવાટા કરતા હોય અને બિલાડીના પંજામાં નિરાંતે ઝડપાઈ જાય. બિલાડીનો ઉપવાસ તોડાવીને એને પુણ્યનું ફળ આપે.
કાગડો કાણિયો ખરો. પણ ચતુર. એનો એક જ ડોળો. પણ એવા સાવધ કે ડાબાજમણી લોલકની જેમ ફર્યા જ કરે. એટલે એ એકાક્ષી ઝટ ઝડપાય નહિ.
પણ કાગડોય છેતરાય એવી પણ બાળવાર્તા લખાઈ છે કાગડાનીય ગુરુ થાય એવું એનાથીય અદકુ લચ્ચુ અને ખબરદાર શિયાળ છે.
એની બાળવાર્તામાં ચતુર કાગડોય છેતરાઈ જાય છે. ભલે નેય એકાક્ષી હોય. પણ ફુલણજી ના હોય એવુ કઈ બને.
કાગડા અને શિયાળની બાળવાર્તામાં આવે છે તેમ એક કાગડો ઝાડની ડાળ પર ચાંચમાં પુરી લઈને બેઠો હોય. એક શિયાળ ત્યાં થઈને નીકળ્યું. એને પુરીની લાલચ થઈ આવી. એ લુચ્ચુ શિયાળ ભલે સાઈકોલોજી-માનસશાસ્ત્ર જાણતુ ના હોય. પણ વખાણ સહુને વહાલા છે.
ખુદ દેવોનેય વહાલા છે તો કાગડો વળી કોણ કે વખાણથી ના રાજે ?
શિયાળે કાગડાના વખાણ કરી એને પોરસરવા માંડયું.
'કાગડાભાઈ. તમારો શ્યામ રંગે બહુ સુંદર છે. તમારા મઝાના. ઉંદર કે છછુંદરને એવા પંજાદાર પગ છે.'
તમારો શ્યામરંગ બહુ શોભે છે. તમારા ચતુર આંખ પણ કેવી કાતિલ છે. તમે બધી રીતે કોઈને પણ તમને જોયા કર્યાનું મન થાય તેવા શ્યામસુંદર છે. માત્ર તમારી વાણી એવી મીઠી છે કે નહિ તેની ખબર નથી.
ફુલણજી કાગડાએ કા. કા. કા. કા બોલીને પોતાની વાણીય કેવી મીઠી છે તેનો પરિચય શિયાળને આપ્યો. એટલા શબ્દો બોલતાં જ પુરી ચાંચમાંથી નીચે પડી ગઈ.
શિયાળને નાસ્તો મળી ગયો એટલે 'ગુડબાય' પણ કહ્યા વિના ઉપડી ગયું.
આ બાળવાર્તા ચતુર કાગડાના ગુણો સાથે બંધ બેસતી નથી. જો કાગડાને બરાબર ઓળખીને શિયાળ અને કાગડાની વાત લખે તો કાગડો. શિયાળને ય પાણી ભરીએ એવો ચતુર છે. એ સમજાઈ જાય.
શિયાળે કાગડાનાં ખૂબ વખાણ કરીને એને પોરસાવવા પ્રયત્ન કર્યો. પણ કાગડો ચતુર જ હતો. એણે શિયાળને કહ્યું. 'થેન્કયુ. તમારી પ્રશંસાથી હું બહુ રાજી છું.'
અને પગના પંજામાંથી પુરી કાઢીને ચાંચમાં પકડી લીધી.
ચતુર શિયાળ પણ જેનાથી સવાયા ચતુર કાગડાથી મ્હાત થઈને ચાલતું થઈ ગયું.
કાગડાની ચતુરાઈ સાચી બતાવવી હોય તો આ બાળવાર્તા એને ન્યાય આપે તેવી છે.
કાગડાની ચતુરાઈ તો ખરા પણ એની નજર પણ ચારેકોર ફરતી જ રહે છે. એને કોઈ કરતાં કોઈનોય વિશ્વાસ નથી પણ એમાંય માણસજાતનો તો જરાય વિશ્વાસ નહિ. એનાથી એ બીતો અને ચેતતો જ ફરે. એક આંખેય એ માણસની ચેષ્ટા પારખી શકે કોઈ ખડક પરથી એકાદ પથ્થરો ઊંચકે કે તરત જ એ પાંખો ફફડાવી ઊડી જ જાય.
જો વાર્તાને આગળ વધારીએ તો બાપ કરતાં બેટા સવાયા ચતુર. બાપાનેય પાછા પાડી દે.
એક કાગડો એના બચ્ચાને નવા જમાનામાં કેમ સાવચેતી રાખવી તેની શિખામણ આપતો હતો.
'બેટા. કોઈપણ માણસનો વિશ્વાસ કરવો નહિ જો હાથમાં પથરો પકડે કે તરત જ પાંખ ફફડાવી ઊડી જવું.'
દીકરો કહે. 'બાપા' તમે હાવ ભોળા જ રહ્યા એ પથ્થરો પકડે ત્યાં સુધી રાહ જોવાતી હશે.
એ વાંકો વળે કે તરત ચેતી જવાનું અને ઊડી જવાનું.
બાપાય. દીકરાની આવી નવી અગમચેતીથી શેહ ખાઈ ગયા. નવી પેઢીને કશુંય શીખવવાની જરૂર રહેતી નથી.
કાગડા વિશે ગમે તેેટલી સારી નરસી ટીકા કરીએ પણ કાગડોય માણસજાતને જરૂરી લાગે છે. ખાસ કરીને શ્રાદ્ધપક્ષમાં.
સદ્ગત વડીલોને કાગવાસ નાખવા માટે કાગડાની જરૂર પડે છે. એકાદ ડીશ ખીરપુરી ભરીને મહિલા એને ઓટલા પર કે ગેલેરીમાં મુકી કાગડાની પ્રતિક્ષા કરે છે. પરંપરાગત માન્યતા પ્રમાણે કાગડો એ ખીરપુરી સદ્ગત થયેલા વડીલોને પોસ્ટમેનની જેમ પહોંચાડે છે.
ભલે આ ભોળી માનવતા પણ કાગડાનો મહિમા તો કરે છે જે પક્ષીઓમાં કબૂતર, કોયલ, મોર, હંસ, ગીધ વગેરેે છે પણ કાગડાની તો તાસીર જ જુદી.આથી તો કાગડાને ચતુર પક્ષી સમજવામાં આવે છે.
