STORYMIRROR

Amit Chauhan

Inspirational Children

3  

Amit Chauhan

Inspirational Children

ચંગુના મિત્રો

ચંગુના મિત્રો

6 mins
206

ચંગુ એના મા સાથે એક ગામમાં રહેતો હતો. ગામનું નામ રતનપુર. તેઓ ગરીબીમાં જીવતા હતા. ચંગુની મા ખેતરમાં મજૂરી કરવા જતા હતા. અને જે પૈસા મળતા તેનાથી તેમનું ગુજરાન ચાલતું હતું. આ ગામમાં એક શાળા હતી કે જેમાં ભણવા જવાની ચંગુને ઈચ્છા થતી હતી. જોકે પોતે શાળાની ફી ભરી શકતો ન હોવાથી તેણે ભણવાનો વિચાર માંડી વાળ્યો હતો. 

એક દિવસની વાત. મા-દીકરો જમવા બેઠા હતા. એ દરમિયાન ચંગુએ વાતનો આરંભ કરતા કહ્યું, " મા, હું શહેરમાં જાઉ ? મને જાણવા મળ્યું છે કે શહેરમાં તો મોટા મોટા બંગલા, ગાડીઓ અને દુકાનો હોય છે. જે શહેરમાં જાય છે તે તરત જ કામ મેળવી લે છે. મારે કામની ખૂબ જ જરૂર છે મા"

 માએ ચંગુની આંખોમાં કામ કરવાનો ગજબનો ઉત્સાહ જોયો. મા કહેવા લાગ્યા, " બેટા, જેવી તારી મરજી " 

બીજા દિવસે ચંગુ માટે માએ એક થેલી તૈયાર કરી. તેમાં તેમણે ચાર જોડી કપડાં અને પાણીની એક બોટલ મૂક્યા. થેલીમાં થોડો નાસ્તો પણ માએ મૂક્યો. સદ્દનસીબે ચંગુ પાસે એક સાયકલ પણ હતી. સાઈકલ લઈને તે ઉપડ્યો. જતી વેળાએ એણે માને 'આવજો ' કહ્યું. ચંગુના માર્ગમાં નાના મોટા અનેક ગામ આવ્યા. જ્યારે તેને થાક લાગતો ત્યારે તે કોઈ એક ઠેકાણે આરામ ફરમાવતો. થાક ઉતરતો કે વળી પાછો સાઈકલ ચલાવવા લાગતો. 

સાઈકલ ચલાવતા ચલાવતા તે એક જંગલ સુધી આવી પહોંચ્યો. અહીં તેને ઘટાદાર વૃક્ષો અને પશુ પંખીઓ જોવા મળ્યા. એક મહેલ પણ તેની નજરે ચઢ્યો. તેણે જોયું કે મહેલની બહાર એક ચોકીદાર બેઠો હતો. તેની નજર ચંગુ ઉપર પડી. ચોકીદાર પૂછવા લાગ્યો, " એય છોકરા, કોનું કામ છે ? આ સાઈકલ લઈને ક્યાં જઈ રહ્યો છે ? " 

" મારે અહીં કોઈનુંયે કામ નથી. કામની શોધમાં હું શહેર તરફ જઈ રહ્યો છું. " ચંગુ કહેવા લાગ્યો. 

" આ જંગલ બહુ મોટું છે. અહીંથી આગળ તું જઈ શકશે નહીં " ચોકીદારે ચેતવણી આપતા કહ્યું. 

"એમ કેમ ? " ચંગુએ પૂછ્યું. 

" અહીંથી આગળ જઈશ તો તને જંગલી પ્રાણીઓનો ભેટો થશે. તેઓની વચ્ચેથી પસાર થવું જોખમભરેલ છે. " ચોકીદાર કહેવા લાગ્યો. 

આટલું સાંભળ્યા બાદ ચંગુને ચિંતા થવા લાગી. તે ગભરાયો પણ ખરો. તેના ચહેરા પરની ગભરામણ જોઈ ચોકીદાર કહેવા લાગ્યો, " એક કામ કર. અહીં બેસ.હું મહેલના માલિકને તારા વિશે જણાવું છું. કદાચ તને કોઈ કામ આપે ! 

ચોકીદાર મહેલમાં ગયો. મહેલનો માલિક એક રાજા હતો ચોકીદારે ચંગુ વિશેની બધી વાત રાજાને કહી દીધી !

" આવા સુમસામ જંગલમાં આ છોકરો કેવી રીતે આવી ચઢ્યો ! " રાજા મનોમન વિચાર કરવા લાગ્યો. એ પછી તેણે ચોકીદારને કહ્યું, " જા….તેને અંદર બોલાવી લાવ. " 

 રાખોડી રંગની ચડ્ડી અને સફેદ રંગનું ખમીસ પહેરેલા ચંગુને જોઈને રાજા કહેવા લાગ્યો, " બોલ, તારે મારી સાથે આ મહેલમાં રહેવું છે ? હું તને બે વખત જમવાનું આપીશ. તારા માટે રહેવાની વ્યવસ્થા પણ કરી આપીશ. " 

ચંગુની ઈચ્છા તો આ સૂમસામ જંગલમાં રહેવાની નહોતી પરંતુ તે હવે કરે પણ શું ? એણે રાજાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. બીજા દિવસે પેલા રાજાએ એને કુહાડી અને દોરડુ આપ્યા. રાજા કહેવા લાગ્યો, " આ કુહાડી લઈને તારે જંગલમાં જવાનું છે. તારે ઈમારતી લાકડાં કાપી લાવવાના છે. " 

" ઈમારતી લાકડું એટલે કેવું લાકડું ? " ચંગુને મનમાં પ્રશ્ન થયો. તેણે જીવનમાં પહેલી વખત" ઈમારતી લાકડા" જેવાં શબ્દો સાંભળ્યા હતા. 

"જે લાકડાનો ઉપયોગ બારી બારણા, વહાણ અને ટેબલ ખુરશી બનાવવા માટે થાય છે તે ઈમારતી લાકડું કહેવાય. " રાજાએ ચંગુને સમજાવ્યુંં. એ પછી રાજા ચંગુને લઈને મહેલની બહાર નીકળ્યો. બંને જણ લગભગ એકાદ કિલોમીટર જેટલું ચાલ્યા. એ પછી રાજાએ ચંગુને એવા કેટલાક વૃક્ષનો પરિચય કરાવ્યો કે જેમાંથી ઈમારતી લાકડું પ્રાપ્ત થતું હોય. એ પછી તો ચંગુ એકલો જ જંગલમાં જવા લાગ્યો. સવાર થાય એટલે તે કુહાડી અને દોરડુ લેતો અને જંગલમાં જવા માટે રવાના થતો. જંગલમાં જઈને તેણે એક દિવસ એક વૃક્ષ પસંદ કર્યું. એ પછી વૃક્ષની ચારેબાજુ પડેલો કચરો સાફ કર્યો. તેણે કુહાડી વડે વૃક્ષના થડ ઉપર ઘા મારવાનું શરૂ કર્યું. એ ઘા મારતો જાય એમ લાકડાના નાના નાના ટુકડા ઉછળીને આજુબાજુ પડવા લાગ્યા. એક કલાક થયો અને વૃક્ષ નીચે પડી જવા પામ્યું. ચંગુએ ડાળીઓને કાપીને અલગ કરી જાડાં લાકડાં એકઠાં કરી દોરડા વડે બાંધી દીધા. 

એક તરફ ચંગુ લાકડા લઈને મહેલ તરફ જઈ રહ્યો હતો. બીજી તરફ રાજા તેની રાહ જોઈ રહ્યો હતો. રાજા તો લાકડા જોઈ ખુશ થઈ ગયો. એ પછી ચંગુને જમવાનું આપવામાં આવ્યુંં. ખૂબ થાકી ગયો હોઈ તે જમ્યા બાદ આરામ કરવા લાગ્યો. ચંગુની આ પ્રકારની દિનચર્યા રોજની થઈ ગઈ. લાકડાં આવવા લાગ્યા એટલે રાજા દર મહિને શહેરની વાટ પકડવા લાગ્યો. તે એક ટ્રક બોલાવતો અને તેમાં ઈમારતી લાકડાં ભરીને શહેરમાં વેચી આવતો હતો. આ બધું ચંગુ જોતો હતો. જોકે તે આ મામલે એક શબ્દ પણ ઉચ્ચારતો નહોતો. લાકડાંના વેચાણથી રાજાને ઘણી આવક થતી પણ તે ચંગુને રાતી પાઈ પણ આપતો નહોતો. લાકડાંની કમાણીમાંથી રાજાએ મહેલનું સમારકામ કરાવડાવ્યું. તે નવી મોટરકાર પણ ખરીદી લાવ્યો. તેણે મહેલમાં મોટું સ્નાનાગાર પણ બનાવડાવ્યું. ચંગુ સખત પરિશ્રમ કરતો અને તેનો બધો લાભ રાજા લઈ લેતો હતો. એના નસીબમાં માત્ર બે ટંક જમવાનું જ હતું. 

એક દિવસની વાત. તે કુહાડી અને દોરડુ લઈને જંગલમાં લાકડા લેવા પહોંચ્યો. રોજની જેમ તેણે વૃક્ષ પસંદ કર્યું. એ પછી કુહાડી વડે તેના થડ ઉપર ઘા મારવાનું શરૂ કર્યું. વૃક્ષના થડનો અડધો ભાગ કપાઈ ગયો ત્યાં એને થાક લાગ્યો. તે ઘડીભર ઊભો રહ્યો. એ પછી અન્ય વૃક્ષની છાયામાં આરામ કરવા લાગ્યો. એના કાને; ઝાડીમાંથી કોઈના આવવાનો અવાજ સંભળાયો. તે એકાએક સજાગ થઈ ગયો. એને થયું કે ઝાડીમાંથી કોઈ જંગલી જાનવર બહાર આવશે પરંતુ એના આશ્ચર્ય વચ્ચે ઝાડીમાંથી એક ટોળકી બહાર આવી. આ ટોળકી શહેરમાંથી જંગલમાં ફરવા માટે આવી હતી. આ ટોળકીમાં સોનાલી, જય, વિજય અને મિતાલી ; એમ ચાર જણ હતા. તેમની નજર ચંગુ ઉપર પડી. ચંગુની નજીકમાં જ એક કુહાડી પડેલી હતી. તેમને જાણ થઈ ગઈ કે ચંગુ વૃક્ષ કાપી રહ્યો હતો. 

મિતાલીએ ચંગુની આંખોમાં આંખો પરોવી પૂછ્યું, " દોસ્ત, તારું નામ શું છે ? " 

ચંગુએ કહ્યું, " ચંગુ " 

સોનાલીએ પ્રશ્ન કર્યો, " સાચી વાત કહેજે; તું વૃક્ષ કાપી રહ્યો હતો ને ? " 

" હા" ચંગુ બોલ્યો 

આ પ્રશ્નોત્તરીમા જય પણ જોડાયો. તેણે કહ્યું, " વ્હાલા દોસ્ત, વૃક્ષને ન કપાય. તું જાણે છે કે વૃક્ષ એ તો જીવન છે ! નથી જાણતો ? આ વૃક્ષને કાપીને તું આખી પૃથ્વીને નુકશાન પહોચાડી રહયો છું " 

 " વૃક્ષ તો જીવન છે એ વાત હું જાણું છું " ચંગુએ જવાબ આપ્યો. 

" તો પછી તું કેમ વૃક્ષ કાપી રહ્યો હતો ? વૃક્ષને કાપીને તું ઈશ્વરની નજરમાં ગુનેગાર બને છે. " વિજય કહેવા લાગ્યો. 'ઈશ્વર', 'ગુનેગાર ', ' નુકશાન ' - આવા શબ્દો કાને પડતાં તે ઘડીભર તો વિચાર કરવા લાગી ગયો. 

 આ પછી ટોળકીના ચારેય મિત્રોએ ચંગુ વિશે જાણકારી મેળવી લીધી. બાદ તેઓ તેને સાથે લઈ રાજાના મહેલે પહોંચ્યા. તેઓ મહેલમાં પહોંચ્યા ત્યારે રાજા ભોજન કરી રહ્યો હતો. ચંગુએ એની કુહાડી અને દોરડુ એકબાજુ મૂક્યા. 

 " એય રાજા, તારા વિશે ચંગુએ અમને સઘળી હકીકત જણાવી દીધી છે. " સોનાલી બોલી. 

એની બાજુમાં ઊભેલી મિતાલીએ ભારપૂર્વક કહ્યું, " અત્યાર સુધી ચંગુએ જે કામ કર્યુ છે તેના તમામ પૈસા તેને આપી દે " 

આ સાભળી રાજા તેના આસન ઉપરથી ઊભો થઈ ગયો. ત્યારબાદ કહેવા લાગ્યો, " એય છોકરી, આમ ઊંચા અવાજે બોલીશ નહીં. તારાથી જે થાય તે કરી લે. હું એક પૈસો પણ ચંગુને આપવાનો નથી. " 

 " તું પૈસા નહીં આપે તો હું તારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ. " મિતાલી કહેવા લાગી. 

" આ જંગલમાં તો ક્યાંય પોલીસ સ્ટેશન નથી. તું શું કરવાની છે ? " કહેતા રાજા મોટેથી હસવા લાગ્યો. 

" હું શહેરના પોલીસ સ્ટેશનમાં તારી વિરુદ્ધ ફરિયાદ નોધાવીશ" મિતાલીએ દબાણપૂર્વક જણાવ્યુંં. 

હવે રાજા ગભરાઈ ગયો. તે તેનું મો નીચું રાખીને મહેલમાં આવેલ એક ભોંયરામાં ગયો. થોડીવાર થઈ હશે ને તે એક થેલીમાં ચલણી નોટોની થોકડીઓ લઈ આવ્યો. એ પછી તે ચંગુના પગે પડીને કરગરવા લાગ્યો. એ પછી ચંગુ પેલા ચારેય મિત્રો સાથે મહેલની બહાર આવ્યો. ચંગુને અચાનક એક પતરાની પેટીનો વિચાર આવ્યો કે જેને તેણે એક ઠેકાણે સંતાડી રાખી હતી. તેણે આ પેટી જ્યાં સંતાડેલી હતી ત્યાં પહોંચ્યો અને પેટી લઈ આવ્યો. પેલા ચારેય મિત્રોએ ચંગૂને પતરાની પેટીમાં નોટોની થોકડીઓ ગોઠવવામાં મદદ કરી. એ પછી ચંગુએ આ પેટીને સાઈકલના પાછળના ભાગે ગોઠવી દીધી. પેલા ચારેય મિત્રોનો તેણે દિલથી આભાર માન્યો. એ પછી તેણે કપડાંની થેલી પણ સાઈકલના સ્ટીયરીંગ પર ભેરવી દીધી. એ પછી તે સાઈકલ ચલાવવા લાગ્યો. ચંગુએ તેના ગામ તરફ જતા માર્ગ ઉપર સાઈકલ હંકારી. ઘણી બધી રકમ પ્રાપ્ત થઈ હોવાથી તેના ચહેરા પર આનંદ છવાયેલો હતો. 

" મા શું કરતી હશે ! " સાઈકલ સવાર ચંગુને વિચાર આવ્યો. લગભગ પાંચેક કલાક બાદ ચંગુ ગામમાં પહોંચ્યો. એના ઘેર આવીને એણે સાઈકલ ઊભી રાખી. પતરાની પેટી અને કપડાંની થેલી લઈ તે ઘરમાં પ્રવેશ્યો કે અવાજ થયો. ચંગુના મા ઘરમાં જ હતા, ચંગુને જોતાં જ તેઓ ખુશ થઈ ગયા. ચંગુએ જોયું કે માની આંખોમાંથી થોડા આંસુ પણ વહ્યા હતા. તેણે પોતાની માને સઘળી હકીકત જણાવી દીધી. એ પછી પતરાની પેટીમાંના નાણાંમાંથી તેણે સરસ મજાનું ઘર બનાવ્યુંં. તેણે શાળામાં પ્રવેશ પણ મેળવી લીધો. હવે તે ધ્યાન દઈને અભ્યાસ કરે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational