ચમત્કાર
ચમત્કાર
રતનપુરમાં આજે બધાના મોઢે એક જ ચર્ચા હતી, કે મંદિરમાં જે પૂજારી બાપા આવ્યા છે, તે ખૂબ જ ચમત્કારી બાપા છે. હવામાં હાથ ઊંચો કરી નીચો કરે એટલે તેમનાં હાથમાં કંઈકને કંઈક આવી જાય અને બધાને પ્રસાદ આપે. લોકો ભગવાન કરતાં વધારે એમને શ્રદ્ધાથી માથું નમાવે અને પૂજારી બાપાના જ ગુણગાન ગાય.
રતનપુર નાનકડું ગામડું લોકો પણ ઝાઝું ભણેલા નહીં અને અંધવિશ્વાસ વધુ. હજુ શહેરની હવા લાગી ન હતી અને વિજ્ઞાન વિશે પણ ખાસ કોઈ માહિતી કે સમજ નહીં, તેથી નારિયેળમાંથી ચૂંદડી કાઢે અને હાથમાંથી કંકુ કાઢે, સળગતી દિવેટ મોઢામાં મૂકે એમ પૂજારી બાપા બધાને જાતજાતના ચમત્કાર કરી બતાવે, અને બિચારા અજ્ઞાની લોકો તેમની વાતમાં આવી જાય અને પૂજારી બાપાની આભામાં આવીને પાસે જે કંઈ રૂપિયા પૈસા હોય તે આપી દે.
પૂજારી બાપાના વિવિધ ચમત્કારની ચર્ચા તો રતનપુરથી વધીને આજુબાજુના ગામ પહોંચી ગઈ, લોકો ત્યાંથી પણ ચમત્કાર જોવા આવવાં લાગ્યાં. પૂજારી બાપુ એતો રોજ સાંજનો આરતી પહેલા અને આરતી પછીનો સમય આવા ચમત્કાર બતાવવાનું નક્કી કર્યું, આથી ભજન ગવડાવે. રોજ માણસો એકઠા થાય. અહીં પૂજારી બાપુએ ધીરે ધીરે મંદિર બહાર પોતાના માણસોને કમાણીમાંથી પોતાને પૈસા આપે તેવાઓને બોલાવીને નાની મોટી હોટલ, રમકડાની દુકાન, પ્રસાદની દુકાન, ઠંડા પીણાંની દુકાન, લારીઓ,ગલ્લા ખોલાવ્યાં. આમ, રોજ સાંજે ત્યાં મેળા જેવું થવા માંડ્યું. અઠવાડિયાના એક દિવસ રવિવારે તો બાપાએ મફતમાં ભંડારો કરવા જણાવ્યું, એટલે આજુબાજુના ગામના દાતાઓએ ઘણું બધું અનાજ પાણી પણ આપવા માંડ્યું. પૂજારી બાપાની ચાલાકીથી મંદિરનો જીર્ણોદ્ધાર પણ થયો. પહેલાં તો પૂજારી બાપા હાથે-પગે આવ્યા હતા, આજે પોતાની એક ઓરડી તમામ સુખ સુવિધાના સાધનોથી ભરપૂર બનાવી, અને મોટી ગાડી પણ વસાવી.
એક દિવસ ભગવાનના નામ પર બધાને છેતરનારા પૂજારી બાપાના પાપનો ઘડો ભરાઈ ગયો. બાપુના ગામનો વિનય નામનો છોકરો સારું એવું વિજ્ઞાન વિષયમાં ભણ્યો તેથી તેણે નારિયેળમાંથી ચૂંદડી હાથમાંથી કંકું, જેવા બીજા ઢોંગી ચમત્કારોની ખબર હતી.
એક દિવસ તેણે આવી જાહેરમાં પોતે આ બધું કરી બતાવ્યું, અને પૂજારી બાપાનો બધો ઢોંગ ખુલ્લો પાડયો. સમાજમાં આવા અભણ લોકોને છેતરનારા અને તેમનાં વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે ખિલવાડ કરવાના અપરાધમાં પૂજારી બાપાને પકડાવી દીધો. આમ લોકોના મગજમાંથી ચમત્કારી બાપાનું ભૂત ઉતરી ગયું.
