ચક્રવ્યુહ
ચક્રવ્યુહ
આજે મમ્મી-પપ્પાની બાવનમી એનીવર્સરી. ખુશ થતાં નયનાએ મોબાઈલ ઉંચક્યો ને હાથ ત્યાં જ સ્થિર થઈ ગયો. કોને વીશ કરું ? ફક્ત મમ્મીને ? ગળામાંથી બહાર આવવા મથી રહેલાં ડૂસકાંને અંદર જ સમાવી દીધું.
તેને યાદ આવ્યું, "મમ્મી-પપ્પાની પચાસમી એનીવર્સરી કેટલી ધૂમધામથી ઉજવી હતી. મમ્મી-પપ્પાને એ નહોતું ગમતું "હવે ઘરડે ઘડપણ આવું બધું શું ઉજવવાનું" મમ્મી એમ કહેતી. પણ પપ્પાએ કહ્યું, હશે હવે, બાળકોની ખુશીમાં જ આપણી ખુશી." બસ, પછી બંનેનાં બોખા મોઢામાંથી હાસ્ય ફૂટ્યું ને અમે બધાંએ એમાં સાથ પૂર્યો.
"નયના, જલ્દી ચા-નાસ્તો તૈયાર કર. જ્યાં સુધી આ તારો દિકરો કસરત કરી લે, ત્યાં સુધી હું પેપર વાંચી લઉં. "પતિદેવનો ઓર્ડર છૂટ્યો ને નયના વિચારો પડતાં મૂકી રસોડા તરફ વળી.
"મમ્મી તો આજે સીત્તેર વરસે પણ અડીખમ. પપ્પાનાં ગયા પછી મનથી થોડી ભાંગી જરૂર છે. એની અસર તબિયત પર પણ પડી જ છે. છતાંયે ઉંમરનાં પ્રમાણમાં હજુ મજબૂત છે.
એ ક્યાં કોઈ જિમમાં જતી હતી ? અથવા તો એને જિમની જરુર જ ક્યાં હતી ? વગર કસરતે એનું શરીર કસાયેલું હતું.
ઘરથી બે-અઢી કિલોમીટર દૂર તળાવે કપડાં-વાસણ ધોવાં જાય. મીઠું પાણી ભરવા કૂવે જાય. 80 થી 100 ફૂટ ઊંડા કૂવામાંથી પાણી ખેંચવું એ કોઈ કસરતથી ઉતરતું તો જરાયે નથી. આમ જોવા જઈએ તો રોજનાં બારેક કિલોમીટર તો એ આમ જ ચાલતી હશે. દિવાળી આવે, તે વખતે તો પિત્તળનાં વાસણની સાથે આમલી લઈને જાય. વાસણને ઘસી-ઘસીને ચકચકતાં કરીને ઘરે આવે. એ સિવાયનાં કંઈ કેટલાંયે કામો કરતી."
"મમ્મી, ચા-નાસ્તો બન્યો કે નહિ ?" દિકરાનો અવાજ સાંભળીને ગેસ પર ધી
મા તાપે ઉકળી રહેલી ચા પર ધ્યાન ગયું. ચા ગાળીને, નાસ્તાની ડીશો ભરી, બધું ટ્રેમાં સજાવીને લાવી ને ડાયનીંગ ટેબલ પર મૂકતાં દિકરાંને સંબોધીને બોલી, "તારાં ડમ્બેલ ને બધું ઠેકાણે મૂક્યું કે નહિ ? બાપ-દિકરાએ તો ઘરને જ જિમ બનાવી દીધું છે."
"તે સારું જ છે ને આ લોકડાઉનનાં દિવસોમાં કેટલો ફાયદો થયો ?" બોલતાં પતિ-દિકરાની જુગલબંધી એકબીજાને તાળી આપતાં ડાયનીંગ ટેબલ પર ગોઠવાઈ.
"હા, તે એનો તો મને વાંધો જ નથી. પણ પોતાની વસ્તુ ઠેકાણે મૂકતાં શું થાય છે ?"
"લોકડાઉનમાં મારા કામેય બહુ વધી ગયાં છે. બાઈ આવતી નથી. કપડાં જાતે પ્રેસ કરવાનાં, શાકભાજી-દૂધ લેવાં પણ નીચે મારે જ જવાનું. બાપ-દિકરાએ તો બસ, ખાઈ-પીને જલસાં જ કરવાં છે. ભગવાને એકાદ દીકરી આપી હોત તો સારું હતું. મારી વ્યથાને સમજત તો ખરી. હું તો કોણ જાણે ક્યારે આ ચક્રવ્યૂહમાંથી છૂટીશ. ક્યારે મારી જવાબદારીઓ ઓછી થશે." નયનાએ મનનો ઉભરો ઠાલવતાં કહ્યું.
"કેમ, મમ્મી લીફ્ટ બગડી ગઈ છે ? લીફ્ટ તો ચાલુ જ છે ને ? આજકાલ મહાભારત જોઈ-જોઈને આ બધાં નવાં-નવાં શબ્દો શીખી ગઈ છે એમ ને ?"
"હા, તો તું જ જા ને..તારાથી પણ એક દિવસ તો દૂધ લેવાં જવાય જ ને." તે બબડીને ઊભી થઈ.
"વિચારું છું, થોડાંક દિવસ મમ્મી પાસે રહી આવું. પરંતુ આ લોકડાઉન ખૂલે તો ને ?" તે બબડતી રહી, પણ બાપ-દિકરા તો ચા-નાસ્તાને ન્યાય આપવામાં વ્યસ્ત હતાં.
માસ્ક બાંધ્યું, પર્સ લઈને, લીફ્ટ પાસે આવીને ઊભી રહી. લીફ્ટનો દરવાજો ખૂલતાં તેમાં પ્રવેશી. બટન દબાવ્યું ને દરવાજાની સાથે જાણે તેનું નસીબ પણ બંધ થઈ ગયું હોય એવું અનુભવ્યું.