છૂંદણું
છૂંદણું


વકીલ મારફતે નોટિસ મળી હતી ત્યારે જ એ સમજી ગયો હતો કે એની પત્ની કંદરાએ જ વકીલ મારફતે નોટિસ મોકલી છે. એ વાંચવાની પણ કશ્યપે તસ્દી લીધી ન હતી. એ તો મનથી નક્કી કરી ચૂક્યો હતો કે હું કંદરાને ક્યારેય છૂટાછેડા નહીં આપુ. જો કે એ એની પત્નીને નિયમિતપણે પૈસા મોકલતો હતો કે એને જિંદગીમાં ક્યારેય કોઈ પાસે હાથ લાંબો કરવો ન પડે. દર મહિને એના ખાતામાં ચોક્કસ રકમ જમા થઇ જતા હતા. છતાંય કંદરા કહેતી, “બધોય વાંક કશ્યપનો જ છે. એ તો પોતાનો વાંક છૂપાવવા બધુ જ કરશે. મને તો એ જ ખબર નથી પડતી કે એને બધો જ સમય એની નોકરી પાછળ જ ખર્ચી કાઢવો હતો તો મારી સાથે લગ્ન જ શું કામ કર્યા ?” ખરેખર જે વ્યક્તિ માત્ર અને માત્ર પોતાની જિંદગીમાં પૈસા અને નામના પાછળ જ પાગલ હોય એને તો લગ્ન કરવા જ ના જોઈએ. ખરેખર તો સરકાર આટલા બધા કાયદા બનાવે છે તો એમને એક કાયદો વધારે બનાવવો જોઈએ કે જે વ્યક્તિ વધુ પડતી મહત્વાકાંક્ષી હોય એને લગ્ન ના કરવા જોઈએ.
જો કે પત્રકાર જગતમાં કશ્યપનું નામ ધણું મોટુ હતું. જુદી જુદી જગ્યાઓથી એ સમાચાર મેળવી લેતો. એ માટે એને ઘણું ફરવું પડતું. પરંતુ એક વાત ચોક્કસ હતી કે કશ્યપે પ્રાપ્ત કરેલા સમાચાર ક્યારેય અફવા સાબિત ના થાય.
કશ્યપ એની પત્ની કંદરાને કેટલું બધુ ચાહતો હતો. અને કંદરા પણ કશ્યપના પ્રેમ માં એટલી જ ઓતપ્રોત થઇ ગઈ હતી. કંદરા ને કશ્યપ નાનપણ થી એક જ સોસાયટીમાં રહેતાં હોવાથી બંને કુટુંબો વચ્ચે પણ સારો મનમેળ હતો. એટલે કંદરા અને કશ્યપ મળે કે જોડે સ્કુલ કૉલેજ જાય એની સામે ક્યારેય કોઈને જ વાંધો ન હતો. કંદરા એક ની એક પુત્રી હોવાને કારણે એની બધી જક પુરી થતી હતી.
એની પસંદગી તો કશ્યપ જ હતો. એની માતાનું અવસાન થયા બાદ એના પપ્પાની શારિરીક સ્થિતી બગડતી જતી હતી. તેથી જ એમને કહેલું, “કંદરા તું લગ્ન કરી લે. મારે તો તારા લગ્ન જોઇને જ મરવું છે.”
“પરંતુ પપ્પા, કશ્યપને પરીક્ષા ના બે મહીના જ બાકી છે. પછી એને નોકરી મળી જશે. એ પહેલાં કઈ રીતે લગ્ન થઇ શકે ?”
પરંતુ કંદરાના પપ્પાએ કશ્યપને સમજાવતા કહ્યું, “બેટા, મરતાં માણસની ઈચ્છા તો બધાય પુરી કરે છે. મારે મરતાં પહેલા કન્યાદાન નો લહાવો લેવો છે. મારી છેલ્લી ઈચ્છા પુરી કર, હું તારા પગે પડું છું.”
કશ્યપ પણ કંદરાના પપ્પાની વાતો થી લાગણીશીલ બની ગયો હતો. એ એટલું જ બોલ્યો, “વડીલ, હજી હું કમાતો નથી. હું કંદરાના મોજશોખ કે જીવન જરૂરિયાત ની વસ્તુઓ પણ હું પુરી કરી શકુ એમ નથી.”
“કશ્યપ બેટા, પૈસો સર્વસ્વ નથી. તું આટલો હોંશિયાર છું. અને ભણેલો ગણેલો છું, તને સારી નોકરી પણ મળી રહેશે. તારા જેવો યુવાન તો પથ્થરમાંથી પણ પૈસા પેદા કરી શકશે.”
આખરે નોકરી મળતા પહેલાં જ કશ્યપના લગ્ન થઇ ગયા હતા. લગ્નની પહેલી રાત્રે જ કશ્યપે કહેલું, “કંદરા દરેક પતિ લગ્નની પ્રથમ રાત્રિએ પત્નીને કંઇક ભેટ આપે. મારી પાસે તો મારા પોતાના પૈસા નથી. પરંતુ હું તને એક અનોખી ભેટ આપવા માંગું છું.” કહેતાં એને પોતાનો જ જમણો હાથ પત્ની આગળ લંબાવ્યો. જેના પર કશ્યપે કંદરાના નામનું છૂંદણું ચિતરાવ્યું હતું.
કંદરા પતિ સામે જોઈ જ રહી ક્યાંય સુધી પતિના હાથ પર હાથ ફેરવતી રહી બોલી, “કશ્યપ, તેં મારા માટે આટલી બધી વેદના ભોગવી. છૂંદણું કરાવતી વખતે તો તને કેટલી બધી પીડા થઇ હશે.” અને કશ્યપના મો સામે જોતા બોલી, “કશ્યપ આજે મને લાગે છે કે હું દુનિયાની સૌથી સૌભાગ્યશાળી સ્ત્રી છું. જન્મી ત્યારથી તારી સાથે ને સાથે જ છું. સ્કુલ અને કૉલેજ પણ સાથે કરી. પરંતુ મમ્મી ના મૃત્યુને કારણે હું આગળ ભણીના શકી અને ગ્રેજ્યુએટ થઇ ને મારે સંતોષ માનવો પડ્યો. પણ તું તો ખૂબ મોટો પત્રકાર બની શકીશ. તારા જેવો પ્રેમાળ પતિ પામીને હું તો મારૂ જીવન ધન્ય માંનું છું. દરેક સ્ત્રી કદાચ આવા પ્રેમાળ પતિ ના જ સ્વપ્ન જોતી હશે.”
નાનપણમાં પણ મને જીતાડવા માટે તું હંમેશા હારતો રહેતો હતો. હું તો માનતી હતી કે હું તને હરાવી શકું છું. પરંતુ તું જયારે તારા મિત્રો જોડે રમતો ત્યારે બધા જ કહેતા, “કશ્યપ ને હરાવવો એટલે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરૂ છે.”
જોકે કંદરા સમજણી થઇ ત્યારે જ એ સમજી શકી કે કશ્યપ જાણી જોઈને હારી જતો હતો. મનમાં તો એ હરખાતી કે જીવનમાં પ્રેમ ખાતર હારી જવાની પણ મઝા હોય છે. કદાચ પ્રેમ વ્યક્ત કરવાની આજ ઉત્તમ રીત હશે. જે વાત શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી એ વાત ચૂપચાપ તમે કરેલું વર્તન કહી દે છે.
શરૂઆતના દિવસોમાં કશ્યપ પાસે ઘણો સમય હતો. આખો વખત એ કંદરાની સાથે ને સાથે જ રહેતો. કંદરાને પતિનો સહવાસ સ્વાભાવિક રીતે ખૂબ જ પ્રિય લાગતો હતો.
જયારે કશ્યપનું પરિણામ જાહેર થયું ત્યારે કશ્યપને ‘ગોલ્ડ મેડલ’ મળેલો. ત્યારબાદ તરત જ એને સારા પગારની નોકરી પણ મળી ગઈ હતી. તેથી એ કહેતો, “કંદરા મારા જીવનમાં તારા પાવન પગલાં પડવાથી મને ગોલ્ડ મેડલ પણ મળ્યો અને નોકરી પણ મળી ગઈ.”
કશ્યપના કામથી બધા ખુશ હતા. એનું કામ બધાંને ગમતું હતું એનો પ્રગતિનો ગ્રાફ ઉત્તરોત્તર ઉંચો જતો હતો. પરંતુ એની સાથો સાથ એને જાણે નોકરીના કલાકો વધતાં જતા હતા. એ ગમે ત્યારે ઘેર આવતો અને ગમે ત્યારે અડધી રાતે પણ કોઈ અગત્યના સમાચાર હોય તો ઘેરથી જતો રહેતો હતો. ઘણીવાર તો દિવસોના દિવસો સુધી કશ્યપ ઘેર આવતો જ નહીં.
કંદરાને અત્યાર સુધી પતિનો સતત સહવાસ મળતો હતો એ હવે ક્યારેક જ મળતો. કંદરા ફરિયાદ કરતી તો કશ્યપ કહેતો, “હું આટલી બધી દોડાદોડ આપણા ભવિષ્ય માટે જ કરૂ છું. જેથી પાછલી ઉંમર આપણે શાંતિથી વિતાવી શકીએ. આટલી મોંઘવારીમાં આપણા બાળકોને સારી સ્કુલમાં ભણાવવા માટે પણ ખૂબ પૈસો જોઈએ. એ માટે પણ તારે આપણો વિરહ સહન કરવો જ પડશે.”
એ દરમ્યાન કંદરાના પિતાનું અવસાન થતાં કંદરા એકલી પડી ગઈ હતી. અને થોડો સમય કશ્યપને બીજા શહેરમાં જવાનું થયું. આખો વખત એકલા રહેવાથી કંદરા કંટાળી ગઈ હતી.
આખરે એક દિવસ કંદરા ઘર છોડીને જતી રહી. આવીને પિયરનું ઘર ખોલી રહેવા લાગી. કશ્યપે એકાદ વખત કંદરાને મનાવવા ખૂબ પ્રયત્ન કરેલો. પરંતુ નાનપણથી કંદરાની બધી જ જક પુરી થતી હતી એમ અત્યારે પણ એને જક પકડી હતી. “તું આ નોકરી છોડી દે. બીજી ઓછા પગારની નોકરી સ્વીકારી લે.”
કશ્યપ કહેતો, “કંદરા પત્રકારત્વમાં તો આવું જ હોય. બીજે પણ આવું જ થવાનું. અત્યારે સમાજમાં ઉત્તરોત્તર મારૂ નામ થતું ગયું છે. આવા સમયે નોકરી છોડાવી એ મુર્ખામી કહેવાય.”
કંદરા કોઈ વાત સમજવા કે માનવા તૈયાર જ ન હતી. આખરે બંને જણા છૂટા પડી ગયા. કશ્યપ તો એના કામમાં મશગુલ હતો. પરંતુ કંદરા સતત તાણ અનુભવતી રહેતી હતી. એની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. એવામાં એક દિવસ એ રસ્તામાં પડી ગઈ. ડૉક્ટરને ત્યાં પહોંચતા સુધી તો એ લગભગ બેભાન બની ચૂકી હતી. એને દવાખાને દાખલ કરવી પડી. ભાનમાં આવતાં જ એને કશ્યપને ફોન કર્યો. કશ્યપે પત્નીનો નંબર જોયો અને ઉત્સાહથી ફોન ઉપાડ્યો ત્યાં જ કંદરાનો અવાજ આવ્યો. કશ્યપ તું જલ્દી હોસ્પિટલ આવી જા...
માત્ર દસ મિનિટમાં કશ્યપ પત્ની પાસે હાજર થઇ ગયો. કંદરા ને આશા ન હતી કે જે પતિને છૂટાછેડા માટે નોટિસ આપી હતી એ જ પતિની જરૂર પડશે. પિયરમાં તો કોઈ હતું જ નહીં. હવે માત્ર અને માત્ર પતિનો જ સહારો રહ્યો હતો. ડૉક્ટરે તો કહી દીધું હતું કે લકવાની અસર છે. હાથપગ હવે ચાલે એવી શક્યતા ખૂબ ઓછી છે. લાંબે ગાળે સારૂ થશે કારણ કે હજી ઉંમર નાની છે. પરંતુ બ્લડ પ્રેશર વધી જવાથી આવુ થયું છે.
ત્યારબાદ તો કશ્યપ લગભગ મહિના સુધી રાત દિવસ પત્ની પાસે જ રહ્યો. જો કે કંદરાની આંખમાંથી સતત આંસુ વહે જતાં હતા પરંતુ કશ્યપ આંસુ લૂછતાં કહેતો, “રડવાથી તારુ બ્લડ પ્રેશર વધી જશે. તારે જલદી સાજા થવુ છે ને ? હવે તો હું તારી સાથે છું. મારી સામે રમતમાં પણ કોઈ જીતી નથી શક્યું તો તારો રોગ મારી સામે ચોક્કસ હારી જવાનો છે.”
કંદરા ધ્રુસકે ધ્રુસકે રડતાં બોલી, “કશ્યપ ભગવાને તને કઈ માટીનો ઘડ્યો છે. મેં તને આટલો બધો ત્રાસ આપ્યો છતાંય તું મારી સાથે કેટલા પ્રેમથી વર્તે છે ? દરેક જણને ફોન પર એક જ વાત કરે છે. કંદરા ને સારૂ નહીં થાય ત્યાં સુધી હું કોઈ જ કામ કરવાનો નથી. અને કોઈ પણ સમાચાર માટે મને ફોન કરવો નહીં. અત્યારે એક જ સમાચાર મહત્વના છે કે મારી કંદરા સાજી થઇ જાય.”
“કશ્યપ મેં તને છૂટાછેડાની નોટિસ આપી છતાંય તારા મનમાં મારા માટે નફરત નથી. માત્ર પ્રેમ જ છે.”
કંદરા, “મેં મારા હાથ પર છૂંદણું કરાવ્યું હતું એ પહેલાંનું મારા હૃદયમાં એક છૂંદણું ચિતરાઈ ગયુ હતું. અને હૃદયમાં કોતરાયેલું છૂંદણું હોય કે હાથ પર કોતરેલું છૂંદણું હોય એને માત્ર અગ્નિ જ દૂર કરી શકે. એ ક્યારેય ના ભૂંસાય.”
કંદરાને થયું કે મારા કરતાં પણ કશ્યપનો પ્રેમ મહાન છે.