Nayanaben Shah

Inspirational

4.5  

Nayanaben Shah

Inspirational

જીંદગીની પુંજી

જીંદગીની પુંજી

4 mins
27


સારસ્વત આજે રવિવાર હોવા છતાં પણ સ્કુટરની ચાવી હાથમાં લઈ ઘરની બહાર જતા રહ્યો. ક્યાં જાય છે એ કહેવાને બદલે માત્ર "જય શ્રી કૃષ્ણ" કહી ઘરની બહાર નીકળી ગયો. જો કે માણસને બોચીમાં આંખો નહીં હોવા છતાં પણ એ ઘણુ બધુ જોઈ અને અનુભવી શકે છે. એને લાગ્યુ કે પત્ની અને એના બે બાળકો એકબીજા સામે જોઈ હસી રહ્યા છે. પણ એને એવી કોઈ જ પરવાહ ન હતી.

સારસ્વત પાછો આવ્યો ત્યારે એના હાથમાં એક મોટુ પેકેટ હતુ.બોલ્યો, "ખાડાના દાળવડા" એકદમ ગરમાગરમ છે. ચાલો બધા સાથે બેસીને ખાઈ લઈએ. ચિન્મયને ઈચ્છા થઈ કે એ પૂછી લે, "તમે ક્યાં ગયા હતા ?" પરંતુ પપ્પાના ગરમ સ્વભાવને કારણે ચૂપ રહ્યો.

સારસ્વત દિવસે દિવસે ઓફિસથી મોડો ઘેર આવતો. જે નિયમીત સાડા પાંચે ઘેર આવતો હતો તે હવે રાતના નવ વાગ્યે ઘેર આવતો. તેની પત્ની વિસ્મઈએ એકવાર હિંમત કરીને પૂછી લીધુ, "તમે ઓફિસથી છૂટીને ક્યાં જાવ છો ?કેમ મોડા આવો છો ?"

ત્યાં જ સારસ્વતની દિકરી દર્પણા બોલી, "મમ્મી, પપ્પા સ્પોર્ટક્લબમાં રમવા જતાં હશે. હાલ તો બેડમિન્ટનની મેચો ચાલે  છે. પપ્પા પ્રેકટીસ કરતાં હશે."

સારસ્વતે શાંતિથી જવાબ આપ્યો, "હા, ત્યાં કેરમ, ટેબલટેનિસ પણ રમાય છે. માહિતી રાખવી જરૂરી છે." પણ સારસ્વતનો બોલવાનો ટોન એવો હતો કે કોઈ કંઈ આગળ દલીલ ના કરી શક્યુ. જો કે બધા એ સ્વીકારી લીધુ હતું કે હવે સારસ્વત રાત્રે નવ વાગે જ આવશે. ઘરનાએ એકાદવાર પૂછવા પ્રયત્ન પણ કર્યો ત્યારે સારસ્વતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, "હું વહેલો આવુ કે મોડો આવુ તમને તો હું પૈસેટકે તકલીફ નથી પડવા દેતો ને ! મારાથી તમને કંઈ અગવડ પડતી હોય તો તમને કંઈ પણ કહેવાની છૂટ છે. બાકી મારી બાબતમાં કોઈએ મગજમારી કરવી નહીં."

જો કે સારસ્વતની છેલ્લા બે એક વર્ષથી એની દૂરની બહેન એ જ શહેરમાં રહેવા આવી હતી. બંને જણાં ખુશ હતાં. એકબીજાને ત્યાં અવરજવર રહેતી. શરૂઆતમાં બધાને ગમતું. ધીરે ધીરે "અતિ પરિચય તિરસ્કાર" જેવું થવા લાગ્યું.જો કે નિષ્ઠાનો બે વર્ષનો બાબો "મામા..મામા." બોલતો તો એ મિઠડાએ તો બધા ના મન જીતી લીધા હતા.

સારસ્વતને બહેન ન હતી અને નિષ્ઠાને ભાઈ. બંને જણા ખૂબ જ ખુશ રહેતા હતાં. પરંતુ એક સવારે નિષ્ઠાએ ફોન કરીને કહ્યું, "ભાઈ,મારા પતિની નોકરી છૂટી ગઈ છે. વધારાના કર્મચારીને છૂટા કરી દીધા છે એમાં તમારા બનેવીનું પણ નામ છે."

"બેન, જેનો ભાઈ એની સાથે હોય એને તકલીફ ક્યાંથી પડે ? હજી તારો ભાઈ જીવે છે. હવે તારી આંખમાં આંસુ ના જોઈએ."

બે મહિના બાદ નિષ્ઠાનો ફોન આવ્યો,"ભાઈ, મારા પતિને બીજા શહેરમાં નોકરી મળી ગઈ છે. અમે કાયમ માટે આ શહેર છોડીને જતા રહીએ છીએ." કહેતાં નિષ્ઠાથી ધ્રૂસકુ મુકાઈ ગયું.

"આવા સારા પ્રસંગે રડવાનું ના હોય."

"ભાઈ, મને ખ્યાલ છે કે આપણે સગા ભાઈબહેન નહીં હોવાને કારણે તમારા પત્ની અને બાળકોને મારૂ આગમન ગમતુ ન  હતું. મેં તો તમને મેસેજ અને ફોન કરવાનું પણ બંધ કરી દીધેલું. એ લોકોએ  એ વિશે તમને પૂછ્યુ પણ નહીં. પણ એકવાત નક્કી  કે એથી તમારા ઘરના ખુશ હતાં. બાકી આપણે બંને જણાં દરરોજ બધી વાતો એકબીજાને કરતાં હતાં. પણ કુદરતી રીતે લોહીના સંબંધમાં એક ખેંચાણ હોય છે. હું કાયમ માટે જઉં છું પણ જતાં જતાં એક પ્રાર્થના કરૂ છું કે આવતા જન્મે આપણે સગા ભાઈ-બહેન બનીએ."

બીજે દિવસે સાંજે સારસ્વત સમયસર ઘેર આવ્યો. ડાઇનીંગ ટેબલ પર જમતી વખતે પત્ની તથા બાળકોને કહ્યું, "મારા મોડા આવવા વિશેે તમારે જાણવુ હતું તો કહુ કે નિષ્ઠાના પતિની નોકરી છૂટી ગઈ હતી તેથી મેં પાર્ટટાઈમ જોબ કરવા માંડી કે જેથી એ પૈસા હું મારી બહેનને આપી શકું. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી એ બીજા શહેરમાં જતી રહી છે અને ક્યારેય અહીં નહીં આવે. આ સમાચારથી મને ખબર છે કે તમે ત્રણેય જણાં ખુશ થશો."

થોડીવાર અટકીને સારસ્વતે કહ્યું, "ચિન્મય, આખરે બહેન એ બહેન હોય એ દૂરની હોય, સગી હોય કે માનેલી. અમે તો કાયમ જીવવાના નથી પણ હું તમને સમજાવવા માંગતો હતો કે ભાઈ-બહેનનો પ્રેમ શું છે ?"

સારસ્વત પત્ની સામે જોઇ બોલ્યો, "તું ઈચ્છે કે જિંદગીભર આપણી દીકરી અને દીકરો સંપીને રહે. તો તારૂ વર્તન પ્રેમાળ રાખજે કે તારૂ જોઈ ચિન્મયની પત્ની પણ પ્રેમાળ વર્તન રાખે."

સારસ્વત પત્ની અને બાળકો સામે જોઈ બોલ્યો, "જીંદગીમાં પૈસા મહત્વના નથી. જીંદગીની સાચી પુંજી તો મનુષ્ય એ એકબીજાને આપેલો પ્રેમ છે. હું ઈચ્છુ છું કે તમે જીંદગીમાં પ્રેમની પુંજી ભેગી કરી હદયની તિજોરી છલકાવી દેજો. માણસ આ દુનિયા છોડે છે ત્યારે એને આપેલો પ્રેમ જ બધા યાદ કરે છે. નહીં કે તમે કરેલા કાવાદાવા. દુનિયામાં કોઈ બધી રીતે સારૂ કે બધી રીતે ખરાબ નથી હોતું માટે આપણે દરેકને પ્રેમ કરી જીંદગીમાં પ્રેમરૂપી પુંજી એકઠી કરવી. હવે તો મારે કંઈ કહેવાનુ રહ્યું  જ નથી. બોલતાં સારસ્વતની આંખોમાં આંસુ આવી ગયા. બાકીના ત્રણેય જણને શું બોલવું એ સમજાતું જ ન હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational