Nayanaben Shah

Tragedy Inspirational

4  

Nayanaben Shah

Tragedy Inspirational

સંવેદના વૈભવ

સંવેદના વૈભવ

6 mins
20


કોઈના મૃત્યુ માટે પ્રાર્થના ના થાય. પણ આજે બધા તપજા માટે પ્રાર્થના કરતાં હતા કે, "ભગવાન,તમે તપજાને તમારી પાસે બોલાવી લો. એની પીડા અમારાથી જોવાતી નથી. "

જો કે ડૉક્ટરએ પણ કહેલું કે મને પણ નવાઈ લાગે છે કે,"કોઈ દર્દી આવા સંજોગોમાં કઈ રીતે જીવંત રહી શકે ?" તપજાની આંખો ચારેબાજુ ફરી રહી હતી. આમ તો એ સરકારી દવાખાનું હતું છતાં પણ ત્યાં બધાને ઉત્તમ સારવાર મળી રહેતી. જો કે તપજાનો પતિ વત્સર જાણતો હતો કે કોઈ વ્યક્તિની છેલ્લી ઘડીઓમાં ઇચ્છા પુરી ના થાય ત્યાં સુધી જીવ ના જાય. વત્સર પ્રેમાળ પતિ હતો. એ પત્ની તપજાને  પ્રેમ કરતો હતો તો પણ સંજોગો સામે એ હારી ગયો હતો.

લગ્નબાદ બંને જણાં એ કેટકેટલા સુંદર સ્વપ્ન જોયા હતા ! હા,એટલું હતું કે પૈસો ખાસ ન હતો. પરંતુ પૈસો જેટલો ઓછો હતો એટલો જ પ્રેમ વધુ હતો. બંનેનું સ્વપ્ન હતું કે આપણે ત્યાં પ્રથમ બાળકી આવે. દીકરીઓ તો બે કુળ ઉજાળે. ભગવાને પણ એમની પ્રાર્થના સાંભળી હોય એમ પ્રથમ ખોળે દીકરીનું આગમન થયું. બંને ખુશ હતા. દીકરીનું નામ પાડ્યું, "રૂહી." થોડા સમયમાં જ પતિ-પત્નીને લાગ્યું કે રૂહી બીજા બાળકો જેવી સામાન્ય નથી. તેથી ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટર એ કહ્યું, "એનો હવે કોઈ ઈલાજ જ નથી. એ ચાલી શકશે નહીં કે બોલી શકશે પણ નહીં. એનો માનસિક  વિકાસ થતો નથી. એ  સાતેક વર્ષની થશે ત્યારે માંડ એકાદ વર્ષના બાળક જેટલી બુધ્ધિ કદાચ હશે. "

તપજાએ ડૉક્ટર ને કહ્યું,"હું એને એટલો પ્રેમ આપીશ કે એ દુઃખી નહીં થાય. બે વર્ષ બાદ જેનિલનો જન્મ થયો. એ બિલકુલ સામાન્ય હતો એટલું જ નહીં તપજા જેનિલને પણ એટલો જ પ્રેમ આપતી. દિવસો ઝડપથી પસાર થતા હતાં. રૂહી તો એના શરીર પર બેઠેલી માખી પણ જાતે ઉડાડી શકતી ન હતી. તપજા સતત દીકરીની સેવામાં રહેતી. જેનિલ જેમ જેમ સમજતો થયો તેમ તેમ એ પણ એની બહેન રૂહીને સાચવતો. રૂહી કશું જ સાંભળી કે બોલી શકતી ના હોવા છતાં પણ જેનિલ રૂહી સાથે વાતો કરતો પ્રતિભાવની અપેક્ષા વગર. નિશાળેથી આવીને આખા દિવસની વાતો રૂહી આગળ કરતો. ક્યારેક પડોશમાં રહેતાં છોકરાંઓ કહેતાં, "જેનિલ,તું ય શું પાગલની જેમ રૂહી જોડે વાતો કર્યા કરે છે. એ તો કંઈ સાંભળતી પણ નથી."

આ સાંભળતાં જ જેનિલ ગુસ્સે થઈ જતો. જેનિલ કહેતો, "તમે ભગવાનને પ્રાર્થના કરો છો તો ભગવાન તમને ક્યાં જવાબ આપે છે ? તો શું તમે ભગવાનને પ્રાર્થના કરવાનું છોડી દો છો ? દરેકના હ્રદયમાં ઈશ્વરનો વાસ હોય છે. રૂહીબહેનમાં પણ ઇશ્વર રહેલા છે. "તપજા,વત્સર અને જેનિલની દુનિયા એટલે રૂહી. રૂહીનો માનસિક વિકાસ થતો ન હતો. પરંતુ શારિરીક વિકાસ થતો રહેતો હતો. ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે ડૉક્ટર એ કહ્યું, "બહેન તમે ખરાબ ના લગાડતા પણ દીકરીની જાત છે. કોઈ પણ અજાણી વ્યક્તિ એની પર બળાત્કાર કરશે તો એ કશું બોલી પણ નહીં શકે. તમે એને સાચવો પરંતુ મારી સલાહ છે કે એનું ગર્ભાશય કઢાવી કાઢો. "

તપજાએ આ સાંભળ્યું ત્યારથી એની આંખોના આંસુ સુકાતા ન હતા. છતાંય આખરે એને વાસ્તવિકતા સ્વીકારી લીધી.

જેનિલ ભણવામાં હોંશિયાર હતો પણ એ વાસ્તવિકતા જાણતો હતો કે મેડિકલમાં કેટકેટલા ખર્ચ કરવા પડે છે. એને એ પણ ખબર હતી કે ઘરમાં બચતના નામે મીંડુ જ છે. દેવુ કર્યાબાદ પણ એનું વ્યાજ પણ પપ્પા ભરી શકશે નહીં. પપ્પા પણ વિચારતા હતા કે હમણાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું વિચારૂ કે જેથી તેની મમ્મીને મદદરૂપ થવાય. મમ્મીની તબિયત પણ સારી રહેતી ન હતી તે ઉપરાંત રૂહીની સંભાળ લેવાની તો ખરી જ. રૂહીનું વજન દિવસે દિવસે ઉંમર વધતા વધતું જતુ હતું. એને હવે ઉંચકાતી પણ ન હતી. તેથી વ્હીલચેર પર બેસાડવી પડતી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી પડતી. જેનિલ જાણતો હતો કે મા-બાપની ઉંમર થવાને કારણે એમણે થાક લાગે છે એ વાત એ એમના વર્તન પરથી સમજી ગયો હતો.

જો કે એના પપ્પાએ કહ્યું હતુ,"બેટા ચિંતા ના કરીશ. તું આગળ ભણવાનું ચાલુ રાખ. તું તો હંમેશ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. "

"પપ્પા,હું નોકરી માટે પ્રયત્ન કરૂ છું. મને સરકારી નોકરી મળી જશે. પપ્પા તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લો. તમારી ઉંમર મમ્મીની બિમારી પછી રાતોરાત વધી ગઇ છે એટલું તો હું અનુભવી શકુ છું. પપ્પા,હું કાલથી ચા નહીં પીઉં. મમ્મીને દૂધની ખૂબ જરૂર છે. રૂહીને પણ હું કમાતો થઉ પછી દૂધ જ આપીશું. "

"બેટા, હું તારી લાગણી સમજી શકુ છું. પણ તું જુવાન છું. તારી સામે આખી જિંદગી પડી છે જ્યારે હું તો ખર્યુ પાન છું. મેં તો ચા પીવાની છેલ્લા મહિનાથી છોડી દીધી છે. હું છેલ્લા બે મહિનાથી બસમાં જવાને બદલે ચાલતો જ જઉં છું અને આવુ છું. રૂહી પાછળ પણ હવે ખર્ચ વધતો જાય છે. હું પણ જિંદગીથી કંટાળી ગયો છું. આપણા બધાના અરસપરસના પ્રેમને કારણે જ હું ખુશ રહુ છું. જો કે પૈસા કંઈ સર્વસ્વ નથી. મેં એવા પણ માલેતુજાર જોયા છે જે કુટુંબ ના પ્રેમ માટે તડપતા હોય કારણ દરેકને હાઈફાઈ જિંદગી જીવવી હોય છે. અઢળક સંપત્તિ વચ્ચે  પણ પ્રેમ માટે તડપતા જોયા છે.

સંતાનોને માબાપ સાથે વાત કરવાનો સમય હોતો નથી. જો કે પૈસાની જરૂર હોય ત્યારે અચુક સમય કાઢે. પૈસા મળી જાય પછી  તરત એમના મિત્રો સાથે પાર્ટીઓ કરવા જતા રહે. માબાપના મોં પર આનંદ છે,દુઃખ છે કે ચિંતા છે એ જોવાની એમને ફુરસદ હોતી નથી. "

"પપ્પા,અત્યારે તો આપણે બંને એકલા પડી ગયા છે. તમે મમ્મી પાસે દવાખાને રહો હું રૂહીનેે સાચવીશ."

"મને લાગે છે કે મમ્મીને રૂહીની જ ચિંતા છે. હું જ આજે મમ્મી જોડે વાત કરી લઈશ. "

જેનિલ હોસ્પિટલ પહોંચીને મમ્મી પાસે બેસતાં બોલ્યો, "મમ્મી, તને મારી પર વિશ્વાસ છે કે નહીં ?"

"એવું કેમ પૂછે છે ?"

"મમ્મી, હું રૂહીની દેખભાળ રાખીશ. પપ્પા પણ રાજીનામુ આપી દેવાના છે એટલે અમે બંને ભેગા થઈને એની સંભાળ રાખીશુ. અત્યારે પણ અમે બંને ભેગા થઈને એને સંભાળીએ જ છીએ.

"હમણાં તો પડોશીઓ જમવાની થાળી મુકી જાય છે. હું નહીં હોઉં તો તારા પપ્પા રૂહીને સાચવશે કે રસોઈ કરશે કે કચરાં પોતા કરશે કે વાસણ કરશે. તું નોકરી કરવા જતો રહીશ. મારી રૂહીને કોઈ સંસ્થામાંના મુકી આવતાં. મારી. . . . "એટલું બોલતાં તપજા લગભગ બેભાન થઈ ગઈ.

ડૉક્ટર એ કહ્યું, "એમને અસહ્ય પીડાને કારણે આવું થયું છે. પણ વારંવાર આવુ થશે તો તકલીફ થશે. હવે થોડા દિવસ માંડ કાઢશે. "

"ડૉક્ટરની દવાના કારણે તપજા ભાનમાં તો આવી. પણ જેનિલ તરત ઘેર ગયો. બાજુમાં રહેતાં પડોશી જોડે એમને સારા સંબંધ હતા એટલે જેનિલ બાજુમાં માસી પાસે જઈને બોલ્યો, "માસી, જેનિકાને મારી સાથે દવાખાને લઈ જવા આવ્યો છું. થોડીવાર માટે એ મારી પત્ની બની મારી મમ્મીને કહેશે કે હું રૂહીની દેખભાળ કરીશ. માસી, મારી મમ્મીનું મોત ના બગડે માટે તમને વિનંતી કરૂ છું. દવાખાને મમ્મીની રૂમમાં જતાં પહેલાં અમે હાર પહેરીને મમ્મી પાસે જઇશું. માસી . . મને તમારો દીકરો સમજીને મદદ કરો. તમે તો મને નાનપણથી ઓળ. . . . "જેનિલ વાક્ય પુરૂ પણ ના કરી શક્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. જેનિકા બાજુની રૂમમાં આ વાત સાંભળી ગઇ બહાર આવતાં બોલી, "હું સાડી પહેરી લઉં ત્યાં સુધી તું રૂહીને લઈ આવ. આપણે એને પણ દવાખાને લઈ જઇ  તમારી મમ્મી સામે રજુ કરીશું. એમને ચોક્કસ મુક્તિ મળી જશે. "

બંને જણાંએ રૂમની બહાર હાર પહેરી લીધા અને રૂહીને વ્હીલચેર પર બેસાડી રૂમમાં દાખલ થયા. બંને જણાં તપજાને પગે લાગતાં બોલ્યો, "હમણાં ઘરમાં તકલીફ હોવાથી ફુલહાર કરી લીધા છે. તું ઘેર આવે પછી  ધામધુમથી લગ્ન કરીશું. "

જેનિકા તપજાના પગ પાસે બેસીને બોલી, "મમ્મી,તમારા ચરણોના સોંગદ ખાઈને કહુ છું કે, હું રૂહીને તમારાથી પણ અધિક સારી રીતે રાખવા પ્રયત્ન કરીશ. તમે આરામ કરો." તપજાએ જેનિકાનો હાથ પોતાના હાથમાં લીધો એ પળે તપજાના મોં પર પરમ શાંતિ છવાઈ  ગઇ અને એ બીજા લોકમાં જતી રહી  ચિંતામુક્ત થઈને.

પંદર દિવસ સુધી જેનિકાએ અને એની મમ્મીએ ઘર સંભાળી લીધું. પંદર દિવસ પછી જેનિકાની મમ્મીએ કહ્યું, "જેનિલ,તું કાયમ માટે જેનિકાને પત્ની તરીકે સ્વીકારી લે. મારે મારી દીકરી માટે  પુષ્કળ વૈભવશાળી કુટુંબ શોધવુ હતું. આખરે મને જોઈએ એવું વૈભવશાળી કુટુંબ સામેથી મળી ગયું. "

"માસી,તમારી કંઈક ગેરસમજ થાય છે. અમારી પાસે પૈસો નથી." જેનિલ ગેરસમજ દૂર કરતાં બોલ્યો.

"તને ક્યાં ખબર છે કે તમારે ત્યાં કેટલો વૈભવ છે ? વૈભવ પૈસાનો નહીં તમારે ત્યાં તો સંવેદનાનો  વૈભવ છે, આવો વૈભવ જ્યાં હોય એ ઘરમાં જ દીકરી અપાય. મને ખાત્રીછે કે આવો વૈભવ તમારે ત્યાં છે. એટલે મારી દીકરી ક્યારેય દુઃખી નહીં થાય." 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy