Mariyam Dhupli

Inspirational Thriller

2.5  

Mariyam Dhupli

Inspirational Thriller

છલાંગ

છલાંગ

5 mins
760


એક ઊંડી શ્વાસ ભરી એણે હજુ એક ઊંચી છલાંગ લગાવી.

લગોલગ શરીર ત્યાં પહોંચી ચૂક્યું હતું.

થોડા ઇંચના અંતરથી કૂદકો નિષ્ફ્ળ રહ્યો .

પણ મનનો વિશ્વાસ જરાયે ડગમગ્યો નહીં .

દીવાલોની ઊંચાઈ એના રગેરગમાં પરિચિત હતી .

છેલ્લા કેટલાયે મહિનાઓથી આ મહાવરો પુનરાવર્તિત થઇ રહ્યો હતો .

રાત્રીના અંધકારમાં, બધી નજરોથી ચોરીછૂપે, કોઈ જોઈ ન જાય એની સંપૂર્ણ તકેદારી સેવી .

વિકલ્પ ફક્ત બેજ હતા .

સ્પષ્ટ હતા .

પારદર્શક હતા જળ સમા .

એક તો અન્ય જેમ આખું જીવન આ દીવાલોની વચ્ચે ગોંધાઈ રહેવું .

ઘૂંટાઈ રહેવું .

શ્વાસો ભરવું, ઉઠવું, સમય પસાર કરવું અને ઊંઘી જવું .

જે અન્ય વિચારે એજ વિચારતા રહેવું .

જેમ અન્ય સમય પસાર કરે એમ આખું જીવન ગૂંગા મને પસાર કરી દેવું .

આજ દીવાલોની મર્યાદિત સૃષ્ટિમાં .

આ નાનકડા વિસ્તારને જ બ્રહ્માંડ સમજી .

શરૂઆતમાં શ્વાસો થોડી ભીંસાય, લોહી થોડું ઉભરાય, ક્રાંતિની બળતળા ઉઠે.

પણ પછી ધીરે ધીરે બધું જ શાંત પડી જાય .

લોહીનો ઉભરો શમી જાય .

'આને જ જીવન કહેવાય 'આ ત્રણ શબ્દો ક્રાંતિની આગ પર આશ્વાસનનું ઠંડુ પાણી સતત રેડતા રહે .

અને બીજો વિકલ્પ .

એજ તો એનો વિકલ્પ .

એક એવી છલાંગ જે નવી સૃષ્ટિમાં લઇ જાય .

જ્યાં અન્ય વિકલ્પ પણ ઉપલબ્ધ હોય .

પસંદગી શક્ય હોય .

ચાર દીવાલોની આગળનું વિશ્વ નિહાળી પણ શકાય અને માણી પણ શકાય .

જ્યાં દરેક શરીર ભલે એકસમાન હોય પણ દરેક આત્માને એકબીજાથી જુદા હોવાનો સંપૂર્ણ અધિકાર હોય .

જ્યાં સ્વપ્નો જોવાની છૂટ હોય અને એમને સાકાર કરવાની મુક્ત તક પણ .

જ્યાં અસ્તિત્વની એક નવી અર્થપૂર્ણ વ્યાખ્યા હોય .

જીવન જ્યાં શ્વાસો ભરવાથી ઘણું વધુ હોય .

જ્યાં સમય ફક્ત પસાર નહીં કરવાનો હોય, સમય જીવવાનો હોય .

જ્યાં હકની વાત ત્યારે જ નીકળે જયારે અધિકારો પ્રમાણિકપણે વહેંચાયા હોય .

જ્યાં દરેકને પોતાના જીવનના ઘાટ અને આકાર નક્કી કરવાની તદ્દન છૂટ હોય.

જ્યાં ભૂલો કરી શકાય .

ભૂલોથી શીખી શકાય .

અને શીખતાં, શીખતાં ચરિત્રનું સશક્ત ઘડતર કરી શકાય .

પણ એ વિશ્વને પામવું એટલું સરળ ક્યાંથી ?

પરસેવો અને લોહી વહાવ્યા વિના છૂટકો ક્યાંથી ?

એકસમાન નિષ્ક્રિય, સંકુચિત માનસિકતાના દલદલમાંથી જાતને ઉગારવું એટલે લોખંડના ચણા ચાવવા .

પણ એને લોખંડના ચણા ચાવવા હતા .

મહીનાઓથી પોતાના શરીર અને મનને એ નિર્ણાયક છલાંગ માટે એણે તૈયાર કર્યા હતા .

પોતાની બુદ્ધિશક્તિથી કેળવેલા કૌશલ્ય અને વ્યાયામ પદ્ધતિ દ્વારા નિર્ણાયક છલાંગની એ તદ્દન સામે આવી ઉભો હતો .

આજની રાત્રી મુક્તિની એ નિર્ણાયક ઘડી લઇ આવી હતી .

ફક્ત એક જબરદસ્ત છલાંગ અને ઇતિહાસની રચના .

ફરીથી પોતાના શરીરને થોડા પાછળ તરફથી દોડનો સહારો આપવા એણે નમાવ્યું .

ચોરીછૂપે મુક્તિ તરફ આગળ વધી રહેલા ડગલાં જડ બન્યા .

અન્ય બે આંખો શોકથી નિ:શબ્દ ક્યારની છલાંગના એ દ્રશ્યને હેરતથી તાકી રહી હતી .

બળવો? ક્રાંતિ?

આ દીવાલોને કોઈ વેધી શકવાનું સ્વપ્ને પણ

વિચારી ન શકે .

અને આજે એ દીવાલોને આરપાર થવા એક

શરીર બધીજ તૈયારીઓ કરી બેઠું હતું .

શું કરવું?

બધાને જઈ માહિતી આપવી?

હા, એ જ માત્ર એક માર્ગ .

એ જ એની ફરજ .

બીજું શરીર ધ્રુજતા ડગલે અન્ય દિશામાં ફર્યું .

ક્રાંતિકારી શરીર એના માર્ગમાં આવી ઉભું રહી

ગયું .

કોઈ સાંભળી ન શકે એટલા મંદ સ્વરમાં પોતાનો અભિપ્રાય મુક્યો.

" શું કરીશ? બધાને જઈ સત્ય કહીશ? મારી બધી જ મહેનત ઉપર પાણી ફેરવીશ? "

બીજું શરીર મક્કમ થઇ વિફર્યુ .

" હા, એમાં કોઈ બે મત નથી . આ દીવાલોને આજ સુધી કોઈએ ભેદી નથી . ન કોઈ ભેદી શકે છે . પેઢી દર પેઢી આજ નિયમ રહ્યો છે અને આજ રહેશે . સમજ્યો?"

બળવાખોર આત્મા આછું મલકાઈ .

" હા , આ દીવાલો અભેદ રહી છે. ન જાણે કેટલા વર્ષોથી! અને એનું કારણ છે આપણી ડરપોક પ્રકૃત્તિ . જે આ દીવાલોને ઓળંગી બહાર ડગલું માંડવાના વિચારથી જ કંપે છે . કંઈક નવું, જુદું સ્વીકારવાની કે પ્રયાસ કરવાની વાતો અહીં પાગલપણાનું બિરુદ પામે છે . જેવા છે એવું જ રહેવું છે . જે ચાલતું આવ્યું છે એજ ચલાવવું છે . વિચારોના એ જુના કાદવની દુર્ગન્ધ આપણા ફેફસામાં સહજ રીતે વણાઈ ગઈ છે . એમાંથી છુટકારો મેળવવાની હિમ્મત તો કેળવાતી નથી . હા , જયારે કોઈ કેળવે ત્યારે એનો પગ ખેંચી ભોંય ઉપર પછાડવાની હિમ્મત આપણામાં જરૂર છે . વર્ષોથી આજ ચાલતું આવ્યું છે અને એજ ચાલતું રહેશે , ત્યાં સુધી જ્યાં સુધી આ દીવાલોને કોઈ નીડર ભેદી ન જાય ."

અન્ય શરીર થોડું વિચારોમાં ઉતર્યું . બીજી જ ક્ષણે પૂર્વવત ડર ફરીથી ચ્હેરા ઉપર ઘેરાઈ આવ્યો.

" તું જાણે છે એમને જો જાણ થઇ તો તારી શી દશા થશે? "

ક્રાંતિકારી આત્મા વિચારોના ગહન ઊંડાણોમાં ઊંડી ઉતરી .

" જાણું છું . પણ એવા ગુણવત્તાવિહિન જીવન કરતા તો....."

અન્ય શરીર દ્રીધામાં પડ્યું .

થોડું અચકાયું .

આગળ પાછળ કુતુહલતાથી ચક્કર કાપવા લાગ્યું .

ક્રાંતિકારી જીવ એ દ્રિધાને સ્પષ્ટ નિહાળી પણ રહ્યું અને સમજી પણ રહ્યું .

પોતાના શબ્દો થકી એણે એક અંતિમ પ્રયાસ કર્યો .

" જો મારા મિત્ર . તારી સામે બે જ વિકલ્પ છે . એક તો જે વર્ષોથી ચાલતો આવ્યો છે . હું છલાંગ મારવાનો પ્રયાસ કરું અને તું એ છલાંગને નિષ્ફ્ળ બનાવવાનો . બધાને માહિતી આપી, જગાડી દઈ, મારી મહિનાઓની મહેનતને એક જ ક્ષણમાં જડમાંથી કાપી નાખ . જેથી એ જ લગુતાગ્રન્થિ અને એ જ નાનકડા દુર્ગન્ધભર્યા વિસ્તારમાં બન્ને આજીવન સડતા રહીએ . "

અન્ય શરીર કુતુહલતાથી વાતની વચ્ચે વિઘ્ન બન્યું .

" અને બીજો વિકલ્પ? "

બળવાખોર શરીરને થોડી આશાની કિરણ દેખાઈ . ઉત્સાહ જોડે અન્ય શરીરની નજીક પહોંચી એણે તદ્દન ધીમા સ્વરે અન્ય વિકલ્પની રજુઆત કરી .

" હું નહીં તો તું પણ નહીં , એ નિમ્ન વિચારશ્રેણીથી છુટકારો . જો તું કરી શકે તો હું કેમ નહીં ? એક નવી વિચારશ્રેણીની શરુઆત . ઈર્ષ્યા નો ત્યાગ . એકબીજાને સાથસહકાર . મુક્તિ અને સ્વતંત્રતાની દિશામાં સહિયારી કૂચ . છે મંજુર ? આ ચાર દીવાલોની વચ્ચે સાથે ગુંગળાઈ મરવાની જગ્યાએ એક સહિયારી છલાંગ . "

અન્ય શરીર આછું ધ્રુજી ઉઠ્યું .

" હું કરી શકીશ ? "

ક્રાંતિકારી શરીર એના પડખે સ્થિર ઉભું રહ્યું .

" હું કરી શકીશ ? કે તું કરી શકીશ ? એ હું ન કહી શકું . પણ ' આપણે ' ચોક્કસ કરી શકીએ એની સંપૂર્ણ ખાતરી છે . "

અન્ય શરીરના ચ્હેરા ઉપર આત્મવિશ્વાસની આછી રેખા તરી આવી .

ત્યારબાદ શું થયું ?

ક્રાંતિકારીએ કેળવેલા કૌશલ્યો ઉપર બન્ને એ સહિયારો પરિશ્રમ આદર્યો . ચોરીછૂપે હવે બે જીવ નિર્ણાયક છલાંગ માટે એકીસાથે પરસેવો વહાવી રહ્યા . ઘણીવાર નિષ્ફ્ળતા સાંપડી . પણ પ્રયાસો યથાવત રહ્યા .

બન્ને મથી રહ્યા . એક સાથે , એક જોડે .

તું નહીં , હું નહીં , ફક્ત ' અમે ' થઇ .

અને આખરે માંડી એક ઊંચી નિર્ણાયક છલાંગ .

દીવાલોને ભેદી નીકળી ગયા બન્ને.

છુટકારો , મુક્તિ , સ્વતંત્રતા .

અસ્તિત્વની એક નવી વ્યાખ્યા .

રચાયો ઇતિહાસ નવો .

આખા વિશ્વમાં એક જ સમાચાર ચારોકોર .

બે કૂવાના દેડકા .

હવે ન રહ્યા કૂવાના દેડકા...!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational