STORYMIRROR

Kavish Rawal

Comedy

2  

Kavish Rawal

Comedy

છેલ્લો એડમીન

છેલ્લો એડમીન

6 mins
3.3K


દુનિયામાં બધા જ જીવને ઈશ્વરે બનાવ્યા છે તે જ રીતે જીવવામાં મને છે. પણ જે દિવસે માણસ સામાજિક પ્રાણી છે તે ખબર પડી ત્યારથી તેને વધારે સામાજિક બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તેને મનોરંજનની જરૂર છે તેવી ખબર પડી ત્યારથી જાણે તે માત્ર મનોરંજન પર જ જીવતો હોય એટલા બધા મનોરંજનના સાધનો આવી ગયા છે. જયારે ટેક્નોલોજી ન હતી ત્યારે ભણવાનું પણ સહેલું હતું. ઇતિહાસની તારીખો યાદ રાખવાથી  જીવનમાં શું ફાયદો થાય તેનો સાચો જવાબ હજુ મળ્યો નથી ત્યાં પાછા સોશીયલ મીડિયા પણ આવી ગયા. તમે તેના વિષે જાણતા ન હો તો પછાત ગણાવ તેવી માન્યતાના લીધે કેટલાક તો તેના બંધાણી પણ થઇ ગયા. ઘરમાં કોઈ લાઈક કરતું ન હોય એટલે એફ બી પર લાઈક લેવાના ક્લાસ કરવા જાય.એમાં ધંધો અને નોકરી માં રજા લેવી પડે. પ્રોફાઈલ પિક્ચરમાં બધા જ સારા દેખાતા હોય પણ સામે મળી જાય તો બીક લાગે તેવું પણ બને. વળી સોશીઅલ મીડિયા પર કેવું વર્તન કરવું તેને પણ ક્લાસ ચાલે. આવડત હોય તો છેતરાવા વાળા તો મળી જ રહે. કેટલાક લોકો તો આ મીડિયાના સ્ટેટસને જ જીવન નું સાચું સ્ટેટસ ગણતા હોય છે. જાણે એમનું ઘર ચલાવવાની જવાબદારી સરકારની જ ન હોય!

એક દિવસ મેં પણ વોટ્સએપ પર એકાઉન્ટ બનાવ્યું. થોડા સ્માર્ટ લાગીએને? રોજ સવારે એક કલાક ગુડ મોર્નિંગના મેસેજ સાફ કરવામાં જવા લાગ્યો. સવારે નાસ્તાનો તો સમય જ ન મળે. સાંજ પડે એટલે જાત જાત ની વિડિઓ ચાર પાંચ વખત આવી જાય. વળી કેટલાક તો આખા દિવસમાં જે કઈ આવ્યું હોય તે હોંશે હોંશે આપણને પધરાવી દે. ક્યારેક વિચાર આવે કે તેમની આવકમાં પણ આપણા માટે આવી લાગણી  રાખતા હોય તો? પણ ભૂલથી પણ આવી વાત કહેવાય જાય તો તો બ્લોક જ થઇ જવાય. આતો આભાસી દુનિયા. એમાં હકીકતોની વાતો થોડી જ કરાય? સાંજે એક કલાક ચેટિંગમાં આપવો પડતો. પાછું જવાબ ન આપીએ તો સંબંધ બગડી જાય. રાત્રે સુવાનું મોડું થતું  ગયું. આંખ નીચે કુંડાળા આવવા લાગ્યા. જોકે હું તો સુખી હતો લોકોને તે આ ચક્કરમાં સ્ટ્રેસ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ આવ્યાનું સાંભળવા મળ્યું છે. તે પણ આજ પ્લેટફોર્મ પરથી જ તો!

એક દિવસ અચાનક મારા મોબાઈલમાં સવાર સવારમાં બીપબીપ શરુ થઇ ગયું. જોયું તો એક ગ્રુપ હતું. મને એ ગ્રુપમાં જોડવામાં આવેલો અને કહેવામાં આવેલું કે તમે બુદ્ધિજીવી છો એટલે તમારી પસંદગી થઈ છે. તમારા ગ્રુપમાં બીજા બુદ્ધિજીવી હોય તો તેમને આ ગ્રુપમાં જોડતા જાવ. પોતાને બુદ્ધિજીવી ગણાવવાનું કોને ન ગમે? પણ બીજાને બુદ્ધિજીવી માનવાનું મોટા ભાગના બુદ્ધિજીવીઓ માટે અશક્ય હોય છે. તેથી માંડ વીસ જ જણ નું ગ્રુપ બન્યું. અમારા ગામના સહુથી સુંદર, સ્માર્ટ અને સાચા બુદ્ધિજીવી એવા બીનાબેન પણ આ ગ્રુપમાં હતા. મારા મિત્રોને ખબર પડી એટલે મંડ્યા કે અમને પણ આ ગ્રુપમાં લેવરાવને. હવે એમને સમજાવવા કેવી રીતે કે આ ગ્રુપમાં માત્ર બુદ્ધિજીવીઓ ને જ  સ્થાન મળે છે. વળી રખે નવા મેમ્બર માટે કોઈ ટેસ્ટ રાખે અને તે નાપાસ થાય તો બીનાબેન પાસે મારું કેવું લાગે? પણ અંતે તેમણે એક જણ ને પાંચ મેમ્બર સજેસ્ટ કરવાની છૂટ આપી ને ગામમાં મારા ભાવ વધી ગયા. અંતે મેં પાંચ નામ આપી દીધા. એક જ દિવસમાં બસો વીસ જણ નું ગ્રુપ બની ગયું. કામ સરળ બનાવવા માટે કમિટી પણ બની ગઈ. રાજેશભાઈ તહેવાર કમિટી સંભાળે. કોઈ  પણ તહેવાર આવે એટલે તેનો મેસેજ માત્ર રાજેશભાઈએ જ મુકવાનો. બર્થડે કમિટી નું કામ બીના બેન ને સોંપ્યું. બધા પાસેથી તેમની જન્મ તારીખ લઈને તેમને શુભેછા આપવાનું કામ આમ પણ બીનાબેનને ગમે તેવું હતું. બીના બેન તો બીજી સેકન્ડ થી જ લાગી પડ્યા. સમાચાર આપવાનું કામ માસ્તર રામજી ભાઈનું અને સલાહ આપવાનું છોટુ કાકા નું . "કોઈએ ગુડમોર્નિંગ કે ગુડનાઈટ જેવા ફાલતુ મેસેજ મુકવા નહિ. તેમજ દાદા જે વિષય આપે તેનીજ ચર્ચા કરવી". આવા નિયમો રચાયા. દાદાને હું ઓળખતો ન હતો પણ એ કોણ? એવું પુછાય કે નહિ તે ડર થી રહેવાજ દીધું. આમેય મારે તો મૂક પ્રેક્ષક નું જ કામ કરવાનું હતું.

પહેલા દિવસે કેટલાક લોકો એ ઉત્સાહમાં નિયમ વિરુદ્ધ સુપ્રભાત કહી દીધું. એ બધાને સારા શબ્દો માં ટોકવામાં આવ્યા. અમિતભાઈ મરાઠાને નિયમ તુટયાનું ખુબજ દુઃખ રહેતું. બે દિવસ પછી એક જણ નો જન્મ દિવસ આવ્યો. બીના બહેને તો ડીપીમાં જ તેમનો ફોટો મૂકી દીધો અને સુંદર લખાણ લખ્યું. મારા બધા જ મિત્રો એ બીના બેનના ભરપૂર વખાણ કર્યા. તેનાથી અમિતભાઇઈને ઓછું આવી ગયું. તેમણે બીનાબેન ને તેમણે દાયરામાં રહી ને કામ કરવા સૂચના આપી. ડીપી ન બદલવા સમજાવ્યું. બીના બહેન ગ્રુપ છોડી ગયા. પાછું સાંજ સુધી તેમને સમજાવવા નું ચાલ્યું અને તે પાછા આવ્યા.

નવો ટોપિક હતો 'ભારત ચીન ના સંબંધો.' નટુ કાકાએ કોઈ વિડીઓ અપલોડ  કરી અને અમિત ભાઈ વિફર્યા. અંતે નટુ કાકાએ માફી માંગી ત્યારે માન્યા. હકીકતમાં તે વિડીઓ વિષયને લગતી જ હતી. ચીની વસ્તુના બહિષ્કારની વાત આવી એટલે ઘણા બધા શાંત થઈ ગયા એટલે વિષય બદલવો પડ્યો. નવો વિષય હતો,"ધર્મ અને અંધશ્રદ્ધા." અમિતભાઈ એ એક વિડીઓ મૂકી અને લખ્યું" તમે બધા આવી વિડિઓ ફોરવર્ડ કરતા હસો તેવી મને ખાતરી છે." નટુ કાકા સહીત બે ચાર જણા ગ્રુપ છોડીને જતા રહ્યા. એમાં ગ્રુપ એડમીન પણ હતા. હવે એડમીન અમિતભાઈ હતા. તેમના નવા નિયમો ઉમેરાયા. દરેકે જે લખવું હોય તે પહેલા તેમણે નક્કી કરેલા પાંચ જણને મોકલી જો બેથી વધારે હા આવે તો તે વાત જ ગ્રુપમાં મુકવી. બીજા વીસેક જણ ગાયબ થઈ ગયા. બીનાબેને આ વાતનો ખુબજ વિરોધ કર્યો એટલે તેમણે પણ એડમીન બનાવી દેવાયા. તહેવારના સરસ ગ્રાફિક બનતા પણ વખાણ ન થઇ શકે. બીનાબેનના વખાણ થાય કે અમિત ભાઈને પેટમાં દુખે. પણ ગ્રુપ ચાલ્યા કરતુ કારણકે બીનાબેન હજુ પણ આ ગ્રુપમાં હતા.

મારો જન્મ દિવસ આવ્યો ને બિનાબેને સરસ કવિતા મૂકી. મારા મિત્રો બળી ને રાખ થઇ ગયા. મેં બીનાબેનનો દિલથી આભાર માન્યો એટલે અમિતભાઈની ટકોર આવી,"આ સંદેશ મંજુર નથી કરાવ્યો." બિનાબેને લખ્યું કે તમારા નવરા મિત્રો તમારા વખાણ કરેછે ત્યારે પણ ક્યાં મંજૂરી લે છે?" અને જે સાત આંઠ જણે અમિતભાઈના વખાણ કર્યા હતા તે ગાયબ. અમિતભાઈને આમ પણ કોઈને મનાવતા આવડતું નહિ. નવો વિષય આવ્યો ," અમરનાથ યાત્રા" મેં કહ્યું કે'" મેં નથી કરી". બે ચાર જણાએ હાહા લખ્યું અને અમિત ભાઈ એ તેમને ગ્રુપ માંથી બહાર કરી દીધા. મને ફરી ટકોર કરવામાં આવી. મારે બહાર નીકળવું હતું પણ બીના બેનની શરમે હું અટકી ગયો. દિવાળી આવી એટલે રાજેશભાઈ એ ડીપી બદલ્યું. અમિતભાઈએ એમને ગ્રુપમાંથી બહાર મૂકી દીધા. બીના બેને એમને પાછા લઈ લીધા. આવું ચારપાંચ વખત થયા બાદ અમિતભાઇઈએ લખ્યું કે,"તો રાજેશભાઈને જ એડમીન બનાવી દો. જોઈએ કેવું ચલાવે છે." બિનાબેને લખ્યું કે "આ કઈ ગાડી નથી કે ટેસ્ટ ડ્રાઈવ લેવી પડે. વળી રાજેશભાઈને મેં એડમીન બનાવી દીધા છે. તમે રાજીનામુ આપો." કોઈએ મજાક કરી કે,"એતો બની બેઠેલા એડમીન છે. એમને રાજીનામાં વગર પણ કાઢી શકાય!" અને અમિતભાઈએ એમણે જ કાઢી દીધા. દિવાળીના તહેવારની શુભેચ્છા આપવા વાળા બધાને અમિતભાઈએ તેમના વિરોધી માનીને કાઢવાનું શરુ કર્યું. તેમનો વિરોધ થતા તેમને ગ્રુપ છોડવું પડ્યું.

ગામ ના એક માત્ર ડોક્ટરનો જન્મ દિવસ આવ્યો. બધાએ અમિતભાઈ નથી એમ માનીને હોંશે હોંશે શુભેચ્છાઓ પાઠવી અને બીનાબેનનો મેસેજ આવ્યો. "ભાઈ મેં ગ્રુપ છોડી દીધું છે. બસ. તમારા માટે છેલ્લી કવિતા લખી તે લખી. હું દિવસો મહેનત કરીને બધા માટે સંદેશા તૈયાર કરતી. અને આજે મને પૂછ્યા વિના મારાથી પહેલા કેટલા બધાએ શુભેચ્છા આપી દીધી? આવું મારુ અપમાન તો  આખી જિંદગી માં ક્યારેય થયું નથી." મને જવાબ માં "ૐ શાંતિ" લખવાની ઈચ્છા થઈ,પણ પછી બ્લોક થઇ જવાની બીકે માંડી વાળ્યું. વળી આનંદની વાત એ હતી કે એમની શહીદી પહેલા એમને મારો વિચાર આવ્યો હતો. સાંજે હોંશે હોંશે એ મેસેજ બધા મિત્રોને વંચાવીને થોડી આગ લગાડી. બીજા દિવસે સવાર ઉઠી ને જોયું તો એ ગ્રુપ નો એડમીન હું હતો. મેમ્બર્સ લિસ્ટ ચેક કર્યું તો એમાં પણ ખાલી હું જ હતો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy